કન્યા રાશિમાં શુક્ર અને પરિવર્તન યોગ

આજે 23 ઓક્ટોબર, 2020ના રોજ સવારે 10.46 કલાકે શુક્ર મહારાજ સિંહ રાશિમાંથી નીકળીને પોતાની નીચ રાશિ કન્યામાં પ્રવેશ્યા છે. શુક્ર અહીં 17 નવેમ્બર, 2020 સુધી ભ્રમણ કરશે. 

શુક્ર એ સમૃદ્ધિ અને વૈભવનો કારક ગ્રહ છે. નીચ રાશિમાં શુક્રનું ભ્રમણ આર્થિક બાબતો માટે પ્રતિકૂળ રહી શકે છે. પ્રેમ અને સંબંધોના કારક શુક્રનું નીચ રાશિ ભ્રમણ લગ્ન કે સગાઈ કરવાં માટે અથવા નવા સંબંધની શરૂઆત કરવાં માટે યોગ્ય ન કહી શકાય. આ સમય આપણાં વર્તમાન સંબંધો કઈ દિશામાં જઈ રહ્યા છે અને તેને કઈ રીતે મધુર બનાવી શકાય તેનું બૌદ્ધિક વિશ્લેષણ કરવાનો છે. જો કે સંબંધોમાં રહેલાં પ્રશ્નોનો ઉકેલ લાવવાનું કામ સરળ ન રહે. આ સમય નવું બેન્ક એકાઉન્ટ ખોલાવવાં માટે કે નવા વસ્ત્રો, આભૂષણો અથવા શૃગાંર પ્રસાધનોની ખરીદી માટે પણ શુભ ન કહી શકાય. કન્યા રાશિ કાળપુરુષની કુંડળીનું ષષ્ઠમસ્થાન છે. શુક્રનું કન્યા રાશિમાંથી ભ્રમણ આપણને આરોગ્ય પ્રત્યે વધુ સભાન બનાવી શકે છે. ખાન-પાનની આદતમાં સુધારો લાવી શકાય. 

કન્યા રાશિમાં શુક્રના ભ્રમણ દરમિયાન તેનાં પર મીન રાશિમાં ભ્રમણ કરી રહેલાં વક્રી મંગળની અને વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહેલાં રાહુની દ્રષ્ટિ પડશે. મંગળની દ્રષ્ટિને લીધે જીવનસાથી કે પ્રિયજન પર અકારણ ગુસ્સો કરવાથી દૂર રહેવું. સાથી પર વર્ચસ્વ જમાવવું કે તેમને નિયંત્રણ રાખવાની કોશિશ કરવી એ પ્રેમ ન કહી શકાય. ઘણીવાર સાથીની નાજુક પ્રેમસભર સંવેદનાઓ સમજવામાં નિષ્ફળ નીવડો તેવું બને. પ્રેમ શારીરિક રીતે પ્રગટ થવાની સંભાવના રહે. શુક્ર પર રાહુની દ્રષ્ટિ માયા, સંસાર અને પ્રણય સંબંધી ઈચ્છાઓ જાગૃત કરી શકે છે. હાલ બુધ શુક્રની રાશિ તુલામાં 28 નવેમ્બર, 2020 સુધી ભ્રમણ કરી રહ્યો છે. શુક્રનું બુધની રાશિ કન્યામાં ભ્રમણ શુક્ર અને બુધ વચ્ચે પરિવર્તન યોગની રચના કરી રહ્યું છે. 

પરિવર્તન યોગ એટલે શું

જ્યારે બે ગ્રહો પરસ્પર એકબીજાની રાશિમાં રહેલા હોય ત્યારે પરિવર્તન યોગ રચાય છે. દા.ત. મંગળ એ શુક્રની રાશિ વૃષભ સ્થિત હોય અને શુક્ર એ મંગળની રાશિ મેષ સ્થિત હોય તો મંગળ અને શુક્ર પરિવર્તન યોગમાં રહેલા છે તેમ કહેવાય. ગ્રહો વચ્ચે સ્થપાતા વિવિધ સંબંધો જેવા કે યુતિ, દ્રષ્ટિ વગેરેમાં પરિવર્તન યોગ દ્વારા સ્થપાતો સંબંધ સૌથી બળવાન ગણાય છે. આથી જ કુંડળીમાં પરિવર્તન યોગનું મહત્વ વધી જાય છે. લગ્નસ્થાનથી શરૂ થઈને વ્યયસ્થાન સુધીના સ્વામીઓના વિવિધ રીતે સંકળાવાથી કુલ ૬૬ પ્રકારના પરિવર્તન યોગ રચાય છે. 

શ્રી મંત્રેશ્વરે ફળદીપિકામાં ત્રણ પ્રકારના પરિવર્તન યોગનું વર્ણન કર્યુ છે. 

દૈન્ય યોગ: જ્યારે પરિવર્તન યોગમાં સંકળાયેલ ગ્રહોમાંથી કોઈ એક ગ્રહ ૬, ૮ કે ૧૨માં ભાવનો સ્વામી હોય ત્યારે દૈન્ય યોગ રચાય છે. ૬, ૮ અને ૧૨ દુઃસ્થાનો છે અને સામાન્ય રીતે અશુભ પ્રભાવ ધરાવે છે. દૈન્ય યોગ અશુભ અસરો ઉપજાવે છે. જે ભાવો સંકળાયેલ હોય તે ભાવને લગતી બાબતો અંગે જાતક નિષ્ફળતા અને અવરોધ અનુભવે છે. સામાન્ય રીતે અન્ય શુભ ભાવના શુભ પ્રભાવને લીધે દુઃસ્થાન બળવાન બને છે. પરંતુ દુઃસ્થાનાધિપતિના નકારાત્મક અને અશુભ પ્રભાવને લીધે અન્ય શુભ ભાવને નુક્સાન પહોંચે છે. દા.ત. અષ્ટમેશ નવમ ભાવ સ્થિત હોય અને નવમેશ અષ્ટમ ભાવ સ્થિત હોય તો દૈન્ય યોગ રચાય છે. અહી નવમસ્થાન અષ્ટમેશના અશુભ પ્રભાવથી નુકસાન પામશે જયારે અષ્ટમેશ નવમ શુભ ભાવના પ્રભાવને લીધે બળ પ્રાપ્ત કરશે. અહી અષ્ટમ ભાવ માટે શક્ય ફળાદેશ આપી શકાય કે જાતકને પિતા (નવમ ભાવ) દ્વારા વારસાની પ્રાપ્તિ થાય અથવા જાતક ગૂઢ, રહસ્યમય કે અધ્યાત્મિક બાબતોનું જ્ઞાન આપનાર ગુરુ (નવમ ભાવ) બને. જ્યારે નવમ ભાવ માટે કહી શકાય કે જાતકના પિતાનું જીવન દુખ, અવરોધ અને પીડાથી (અષ્ટમ ભાવ) ભરેલું હોય શકે છે અથવા જાતકનાં ભાગ્યની હાનિ (અષ્ટમ ભાવ) થઇ શકે છે. 

ખલ યોગ: જ્યારે પરિવર્તન યોગમાં સંકળાયેલ ગ્રહોમાંથી કોઈ એક ગ્રહ તૃતીયભાવનો સ્વામી હોય ત્યારે ખલ યોગ રચાય છે. ખલ યોગમાં સંકળાયેલ અન્ય ગ્રહ ૬, ૮ કે ૧૨માં ભાવનો સ્વામી ન હોવો જોઈએ. કારણકે નહિ તો એ દૈન્ય યોગ કહેવાશે. ખલ યોગ અસ્થિર અસરો ઉપજાવે છે. જે ભાવો સંકળાયેલાં હોય તે ભાવોને લગતી બાબતોના ફળમાં ચઢાવ-ઉતારનો અનુભવ થયા કરે છે. તૃતીયસ્થાન એ પ્રમાણમાં ઓછું અશુભ સ્થાન છે. તે સાહસ, શક્તિ અને ઉર્જાનુ સ્થાન છે. તૃતીયભાવ જે સ્થાન સાથે પરિવર્તન યોગમાં સંકળાયેલું હોય તે ભાવને લગતી બાબતમાં જાતક પોતાની સંપૂર્ણ ઉર્જા રેડી દે છે. દા.ત. જ્યારે તૃતીય અને દસમભાવ વચ્ચે પરિવર્તન યોગ હોય ત્યારે જાતક કારકિર્દી બનાવવામાં પોતાની સંપૂર્ણ શક્તિ અને સાહસને કામે લગાવી દે છે. 

મહા યોગ: જયારે શુભ ભાવનાં સ્વામીઓ પરિવર્તન યોગમાં સંકળાયેલાં હોય ત્યારે મહા યોગ રચાય છે. આ શુભ ભાવો ૧, , , , , , ૧૦ અને ૧૧ છે. આ યોગમાં ૩, , ૮ કે ૧૨ ભાવનાં સ્વામીઓ સંકળાયેલા ના હોવા જોઈએ કારણકે નહિ તો દૈન્ય અથવા ખલ યોગ રચાય છે. મહા પરિવર્તન યોગ શુભ પરિણામ આપે છે. તેમાં સંકળાયેલા ભાવોની બાબતો અંગે શુભ પરિણામ મળે છે. જાતક સુખ, સમૄધ્ધિ અને સફળતાની પ્રાપ્તિ કરે છે. 

શુક્ર અને બુધ પરિવર્તન યોગનું બાર જન્મરાશિઓ/જન્મલગ્ન પરત્વે ફળ 

મેષ: ૬-૭ ભાવ – દૈન્ય યોગ - જીવનસાથી સાથે લડાઈ-ઝઘડાં કે દલીલો, જીવનસાથીની આરોગ્ય ચિંતા કે જીવનસાથીને લીધે કાનૂની તકરાર. 

વૃષભ: ૫-૬ ભાવ – દૈન્ય યોગ - રોકાણો કરવામાં તકેદારી જરૂરી, સંતાનનુ આરોગ્ય ચિંતા કરાવે, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા. 

મિથુન: ૪-૫ ભાવ – મહા યોગ - સ્થાવર સંપતિમાં કરેલાં રોકાણથી ધનલાભ, માતા દ્વારા ધનલાભ. 

કર્ક: ૩-૪ ભાવ – ખલ યોગ - જમીન, મકાન, વાહન સંબંધિત તક્લીફો, માતા સાથે દલીલો, ઘરની માલિકી બાબતે વિવાદો. 

સિંહ‌: ૨-૩ ભાવ – ખલ યોગ - આર્થિક સ્થિતિમાં ચઢાવ-ઉતાર, ભાઈ-બહેનોથી ધનલાભ, કળા, વ્યાપાર, પ્રત્યાયનથી ધનપ્રાપ્તિ. 

કન્યા: ૧-૨ ભાવ – મહા યોગ - સ્વ પ્રયત્નને લીધે સફળતાની પ્રાપ્તિ, અર્થ ઉપાર્જનમાં તલ્લીનતા, આર્થિક લાભ. 

તુલા: ૧-૧૨ ભાવ – દૈન્ય યોગ - સ્વ પ્રત્યેના પ્રેમની ઉણપ રહે, બંધનનો અનુભવ, પરદેશમાં વસવાટ શક્ય બને. 

વૃશ્ચિક: ૧૧-૧૨ ભાવ – દૈન્ય યોગ - ભૌતિક સફળતા પ્રાપ્ત થવામાં મૂશ્કેલી પરંતુ આધ્યાત્મિક સફળતાની પ્રાપ્તિ થઈ શકે. 

ધનુ: ૧૦-૧૧ ભાવ – મહા યોગ – કારકિર્દીમાં સફળતાની પ્રાપ્તિ, પ્રભાવશાળી મિત્રો મળે, સમાજ કે સંસ્થામાં ઉચ્ચ પદની પ્રાપ્તિ. 

મકર: ૯-૧૦ ભાવ – મહા યોગ – ભાગ્ય ખીલી ઉઠે, ઉચ્ચ હોદ્દો અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ, અદભૂત સફળતા મળી શકે. 

કુંભ: ૮-૯ ભાવ – દૈન્ય યોગ - ભાગ્યમાં અવરોધ, પિતા માટે મૂશ્કેલીજનક સમય, ઉચ્ચ અભ્યાસમાં અડચણનો અનુભવ, પિતા દ્વારા વારસાકીય ધનલાભ. 

મીન: ૭-૮ ભાવ – દૈન્ય યોગ - જીવનસાથીનું આરોગ્ય ચિંતા કરાવે, લગ્નજીવનમાં અવરોધ અને પીડાઓ. 

નોંધ લેશો કે ઉપર વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા, અષ્ટકવર્ગના બિંદુઓ વગેરે અનેક પરિબળો પર રહેલો હોય છે.

ટિપ્પણીઓ

Dhiren Sanghavi એ કહ્યું…
મકર રાશિમાં ગુરુ અને શનિ ગોચરની રસપ્રદ માહિતી ની આતુરતા સાથે રાહ જોઈએ છીએ. ક્યારે પોસ્ટ કરશો ?
Vinati Davda એ કહ્યું…
@Dhiren Sanghavi, આપ જેવા મિત્રો મારા બ્લોગ પર નવી પોસ્ટની રાહ જોતા હોય છે તે મારા માટે ખુશીની વાત છે. સમયાંતરે નવી પોસ્ટ મૂકતી રહું છું. બ્લોગની મુલાકાત લેતાં રહેશો. આભાર

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા