તુલા રાશિમાં સૂર્યનો પ્રવેશ અને કોરોના મહામારી

 
આજે 17 ઓક્ટોબર
, 2020ના રોજ પ્રાત:કાળ 07.06 કલાકે સૂર્ય મહારાજે તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે લગભગ એક માસ સુધી એટલે કે 16 નવેમ્બર, 2020 સુધી સૂર્ય મહારાજનો મુકામ તુલા રાશિમાં રહેશે. શુક્રનું  સ્વામીત્વ ધરાવતી તુલા રાશિમાં નવગ્રહોમાં રાજાનું બિરુદ ધરાવતાં સૂર્ય મહારાજ નીચત્વ ધારણ કરે છે. 

કાળપુરુષની કુંડળીમાં તુલા રાશિ સપ્તમસ્થાનમાં પડે છે. સપ્તમસ્થાન એ પશ્ચિમ દિશા અને સૂર્યાસ્તનો નિર્દેશ કરે છે. આથી અહીં સૂર્ય નબળો પડે છે. વળી તુલા રાશિ એ સૂર્યના શત્રુ શનિની ઉચ્ચ રાશિ છે. સપ્તમસ્થાનમાં શનિ દિગ્બળ પ્રાપ્ત કરીને બળવાન બને છે. શત્રુ ગ્રહને બળવાન બનાવતી તેની ઉચ્ચ રાશિ સૂર્ય મહારાજની નીચ રાશિ બની જાય છે. 

સૂર્ય એ જીવનદાતા છે. આપણને ચૈતન્ય પ્રદાન કરનાર ગ્રહ છે. જ્યોતિષમાં સૂર્યને આરોગ્યનો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે. જેના થકી આ પૃથ્વી પર સૌ જીવનું અસ્તિત્વ છે તે સૂર્ય ગ્રહનો પોતાની નીચ રાશિમાં પ્રવેશ વૈશ્ચિક આરોગ્યની સુખાકારી માટે પ્રતિકૂળ ગણી શકાય. તેમાં વળી આ સૂર્ય પર મીન રાશિમાં ભ્રમણ કરી રહેલાં મંગળ અને મકર રાશિમાં ભ્રમણ કરી રહેલાં શનિની દ્રષ્ટી પડી રહી છે. જે સૂર્ય પરના દબાણમાં વધારો કરશે. જો કે સૂર્યના તુલા રાશિમાં પ્રવેશના પ્રથમ સપ્તાહ દરમિયાન શુક્ર સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આથી સૂર્ય અને શુક્ર વચ્ચે પરિવર્તન યોગ રચાયો છે. જે શુભ છે અને સૂર્યને બળ પૂરું પાડી રહ્યો છે. પરંતુ 23 ઓક્ટોબર, 2020ના રોજ શુક્ર સિંહ રાશિમાંથી નીકળીને પોતાની નીચ રાશિ કન્યામાં પ્રવેશ કરી જશે. ત્યારે સૂર્ય-શુક્રનો પરિવર્તન યોગ સમાપ્ત થશે. અધૂરામાં પૂરું વળી આ શુક્ર સૂર્યની ગોચર ભ્રમણ રાશિ તુલાનો રાશ્યાધિપતિ છે. સૂર્યનું નીચ રાશિમાં ભ્રમણ અને સાથે-સાથે તેનાં રાશ્યાધિપતિનું પણ નીચ રાશિમાં ભ્રમણ સૂર્યના બળને ઘણાં-ખરાં અંશે હણી લેશે. આ સમય દરમિયાન આપણે આરોગ્ય પ્રત્યે સચેત રહીએ એ અત્યંત જરૂરી છે. 

જો કે નિરાશ કે હતાશ થઈ જવાની જરૂર નથી. આ અગાઉ જ્યારે 23 સપ્ટેમ્બર, 2020ના રોજ રાહુ-કેતુએ રાશિ પરિવર્તન કર્યુ હતુ ત્યારે મેં યુટ્યુબ પર એક વિડીયો પોસ્ટ કરેલો હતો. જેમાં જણાવ્યું હતું કે કેતુ ધનુ રાશિના મૂળ નક્ષત્રમાંથી નીકળીને વૃશ્ચિક રાશિના જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે તે એક રાહતનો શ્વાસ લેવાં જેવી ઘટના છે. કેતુના જ્યેષ્ઠા પ્રવેશ સાથે હાલની મહામારીની સ્થિતિ પર નિયંત્રણ આવતું જણાશે. સાથે મેં એમ પણ જણાવ્યું હતું કે કુદરત અથવા જ્યોતિષમાં કોઈ સ્વીચ ઓન-ઓફ નથી થતી. એટલે એવું ન બને કે 24 સપ્ટેમ્બરે સવારે તમે ઉઠો અને મહામારીનું કોઈ નામોનિશાન ન રહ્યું હોય. પરંતુ હવે પછી ઉર્જામાં એક બદલાવનો અનુભવ થાય. કોઈ ઉપચાર, કોઈ વેક્સિન કે અન્ય કોઈ રીતે ધીરે-ધીરે આ પરિસ્થિતિ પર નિયંત્રણ આવતું જણાશે.



હાલ ઉપરોક્ત હકીકત સત્ય સાબિત થતી જણાઈ રહી છે. લગભગ 17 સપ્ટેમ્બર, 2020થી ભારતમાં કોરોનાના સક્રિય કેસોમાં સતત ઘટાડો જોવાં મળી રહ્યો છે (https://timesofindia.indiatimes.com/india/sharpest-15-day-decline-of-18-in-indias-covid-cases/articleshow/78711458.cms) જો કે આ હજુ કોઈ સેલિબ્રેટ કરવાં જેવાં સમાચાર નથી. હજુ આપણી આ મહામારી સામે લડત ચાલુ જ છે. પરંતુ આપણાંમાંના કેટલાં બધાં લોકો એવાં છે કે જે આ મહામારીને લીધે આર્થિક, શારીરિક કે માનસિક તક્લીફો સહન કરી રહ્યાં છે. આ સમાચાર જાણવાથી અને ગ્રહો પોતાનું કામ કરી રહ્યાં છે તે જાણીને તેમને જીવવાનું થોડું બળ અને ઉત્સાહ મળે તે માટે જણાવી રહી છું. જો કે કેસ ઘટી રહ્યાં છે તેવાં ઉત્સાહમાં આવીને તુલાના સૂર્યના ભ્રમણ દરમિયાનની નિષ્કાળજી મોંઘી પડી શકે છે. તુલાના સૂર્યના ભ્રમણનો સમય થોડી તકેદારી લઈને સાચવી લઈએ અને વિશ્વાસ રાખીએ કે સુખના દિવસો દૂર નથી 😊

સૂર્ય એ નવગ્રહોમાં રાજા છે અને પોતાની નીચ રાશિમાં સૂર્યનું ભ્રમણ દેશ અને દુનિયાના રાજકીય નેતાઓ, સરકાર કે સત્તાના ઉચ્ચ પદે બિરાજતી વ્યક્તિઓ માટે કપરો કાળ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત આ સમય દરમિયાન આપણે સૌ આત્મવિશ્વાસ અને આત્મશક્તિમાં ઘટાડાનો અનુભવ કરી શકીએ છીએ. કાળપુરુષની કુંડળીમાં તુલા રાશિ લગ્ન અને જીવનસાથીનો નિર્દેશ કરે છે. તુલા રાશિમાં સૂર્યના ભ્રમણનો સમય પોતાની જાતને એકબાજુએ મૂકીને સાથીની ઈચ્છાઓને માન આપવાનો છે. સંબંધને ખાતર ત્યાગ, બલિદાન અને સમાધાનનો છે. તુલા એ શાંતિ અને સંવાદિતા ચાહનારી રાશિ છે. સૂર્યના તુલા ભ્રમણ દરમિયાન આપણું સમગ્ર ધ્યાન સંબંધમાં શાંતિ અને સંવાદિતા બનાવવાં પર રહી શકે છે. 

સૂર્યની નકારાત્મક અસરને હળવી કરવાં માટે પ્રાત:કાળે તાંબાના પાત્રમાં જળ ભરીને સૂર્યને અર્ધ્ય આપી શકાય. આ ઉપરાંત આદિત્ય હ્રદયમ સ્ત્રોતના પાઠ કરવા પણ લાભદાયી રહે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા