મંગળનો વક્રી થઈને મીનમાં પ્રવેશ (04.10.2020 થી 14.11.2020)

મંગળ મહારાજ લગભગ દર બે વર્ષે વક્રી બને છે. વર્ષ 2020માં 10 સપ્ટેમ્બર, 2020ના રોજ મંગળ મેષ રાશિમાં વક્રી બન્યો હતો. આજે 4 ઓક્ટોબર, 2020ના રોજ વક્રી ભ્રમણ કરતાં મંગળે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. 14 નવેમ્બર, 2020 સુધી મંગળ મીન રાશિમાં વક્રી ભ્રમણ કરશે અને ત્યારબાદ મીન રાશિના 21 અંશે માર્ગી બનીને ફરી 24 ડીસેમ્બર, 2020ના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરી જશે.  

બાર રાશિઓનાં બનેલાં રાશિચક્રમાં અગ્નિ અને જળ રાશિઓ વચ્ચેના સંધિસ્થળને ગંડાંત તરીકે ઓળખવામાં આવે છે. મેષ અગ્નિતત્વ ધરાવતી રાશિ છે. જ્યારે મીન જળતત્વ ધરાવનારી રાશિ છે. અગ્નિ અને જળના આ ગંડાંત ક્ષેત્રમાંથી મંગળનું એક કરતાં વધુ વખત ભ્રમણ કુદરતી આફતો જેવી કે વાવાઝોડું, પૂર, સુનામી, આગજની, ભૂકંપ તેમજ હિંસાત્મક ઘટનાઓ વગેરે ઘટાવી શકે છે. (ગંડાંત વિશે વધુ જાણકારી મેળવવાં માટે વાંચો ગંડાંતના ગુરુની ગડમથલ’) વ્યક્તિગત દ્રષ્ટિએ જોતાં મીન જળરાશિ છે અને મંગળ અકસ્માત, ઈજાઓનો કારક ગ્રહ છે. મીન રાશિમાં મંગળના વક્રી ભ્રમણ દરમિયાન અજાણ્યાં પાણીથી દૂર રહેવું હિતાવહ રહે. 

મંગળ એ જોશ, ઉર્જા, સાહસ, આવેગ, ક્રોધ અને હિંસાનો કારક ગ્રહ છે. જ્યારે પણ કોઈ ગ્રહ વક્રી થાય ત્યારે તેનાં ગુણો અનપેક્ષિત રીતે પ્રગટ થાય છે. ઘણીવાર આ ગુણો બાહ્ય રીતે અભિવ્યક્ત થવાને બદલે અંદર તરફ વળી જાય છે. મંગળના વક્રી ભ્રમણ દરમિયાન આપણે સૌ કંઈક અંશે સુસ્તી, નિષ્ક્રિયતા અને કાર્ય પૂર્ણ કરવાં માટે સંઘર્ષનો અનુભવ કરી શકીએ છીએ. શારીરિક નબળાઈનો અનુભવ થાય અથવા શારીરિક બળ વણવપરાયેલું પડ્યું રહે. મંગળ એ આત્મવિશ્વાસ, નિર્ણયાત્મકતા અને આક્રમકતા પ્રદાન કરનારો ગ્રહ છે. વક્રી મંગળના ભ્રમણ દરમિયાન આત્મવિશ્વાસનું સ્થાન શંકા લઈ લે, નિર્ણયો લેવામાં મુશ્કેલી પડે તેમજ ખચકાટનો અનુભવ થઈ શકે છે. ક્રોધ વિચિત્ર રીતે અભિવ્યક્ત થઈ શકે છે. ક્યારેક મનની અંદર દબાવેલો ગુસ્સો અચાનક બહાર આવી જાય અને જૂના ઘા ફરી તાજા થતાં હોય તેવું લાગે. મંગળ એ તલવાર સાથે રાખીને ફરતો સેનાપતિ છે. વક્રી ભ્રમણ આ તલવારને ગમે ત્યારે મ્યાનમાંથી બહાર કઢાવી શકે છે !! જેમની જન્મકુંડળીમાં મંગળ વક્રી હશે તેમનાં માટે આ સમય દરમિયાન જીવનમાં નોંધપાત્ર ઘટનાઓ ઘટવાની શક્યતા રહે. આ ઉપરાંત મેષ, વૃશ્ચિક (મંગળની સ્વરશિઓ) કર્ક, સિંહ (મંગળ યોગકારક) અને મીન (મંગળનું ભ્રમણ) જન્મરાશિ કે જન્મલગ્ન ધરાવનાર જાતકોને આ ભ્રમણ વધુ અસર કરનારું બની રહી શકે છે. 

મીન રાશિમાં વક્રી મંગળના ભ્રમણ દરમિયાન તેના પર 17 ઓક્ટોબર, 2020 સુધી કન્યા રાશિમાં ભ્રમણ કરી રહેલાં સૂર્ય અને મકર રાશિમાં ભ્રમણ કરી રહેલાં શનિની દ્રષ્ટિ પડશે. મંગળ અને સૂર્યની પ્રતિયુતિ પિતા, વડીલ, સરકાર, રાજકીય નેતા કે સત્તામાં રહેલી વ્યક્તિઓ સામેના રોષનો નિર્દેશ કરે છે. શનિની મંગળ પરની દ્રષ્ટિ વિશ્વાસઘાત કે પીઠ પાછળ છરી ભોંકાવા જેવી ઘટનાઓ ઘટાવી શકે છે. મીન રાશિમાં ભ્રમણ દરમિયાન મંગળ ધનુ રાશિમાં ભ્રમણ કરી રહેલાં ગુરુ સાથે કેન્દ્રયોગ બનાવશે. ગુરુ ધર્મનો કારક ગ્રહ છે. આ યોગને લીધે લોકો પોતાની ધાર્મિક કે આધ્યાત્મિક માન્યતાને વધુ દ્રઢપણે વળગી રહે અથવા અનપેક્ષિત રૂપે પ્રગટ કરે તેવું બની શકે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા