કુંભના શુક્રનુ ગોચર ફળ 2020


૯ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ વહેલી સવારે ૦૪.૨૪ કલાકે શુક્ર મહારાજ મિત્ર શનિની મકર રાશિમાંથી શનિની જ બીજી રાશિ કુંભમાં પ્રવેશ કરશે. અહીં શુક્ર ૩ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી ભ્રમણ કરશે. શુક્ર મીન રાશિમાં ઉચ્ચનો બને છે. જ્યારે શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરે ત્યારે તે ઉચ્ચાભિલાષી બને છે. ઉચ્ચાભિલાષી ગ્રહ શુભ પરિણામ આપવાં સમર્થ બને છે. કુંભ રાશિમાં શુક્ર મંગળ, શનિ અને રાહુથી દ્રષ્ટ રહેશે. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ શનિના મકર રાશિ પ્રવેશ સાથે શુક્ર પરથી શનિની દ્રષ્ટિ દૂર થશે. 

કુંભ રાશિમાં શુક્રનું ગોચર ભ્રમણ આપણને આપણે જેવાં હોય તેવાં આપણી જાતનો સ્વીકાર કરતાં શીખવાડે છે. દર્પણમાં જે કંઈ દેખાય તે વધુ સુંદર લાગે છે. આ ભ્રમણ આપણાં હોવાનો ઉત્સવ મનાવવાનું ભ્રમણ છે. બીજા શું વિચારે છે કે શું કહે છે તે બિન-મહત્વનું બને છે. વ્યક્તિત્વ આત્મવિશ્વાસથી ભરેલું હોય છે. વધુ ખુલ્લા દિલના અને ખુલ્લા વિચારોના બનીએ છીએ. કુંભ એ માનવીય રાશિ છે. ભૂખ્યાંને ભોજન કરાવવું, બીમારની સારવાર કરવી કે જરૂરિયાતમંદની મદદ કરવાં જેવાં માનવીય ગુણો ખીલી ઉઠે છે.

કાળપુરુષની કુંડળીમાં કુંભ રાશિ અગિયારમાં ભાવમાં પડેલી છે. અગિયારમો ભાવ મિત્રો અને મૈત્રી સંબંધોનો નિર્દેશ કરે છે. કુંભ રાશિમાં શુક્રનાં ગોચર ભ્રમણ દરમિયાન આપણે આપણાં દરેક મિત્ર એમની પોતાની રીતે કેટલાં વિશિષ્ટ અને વહાલાં છે તેની નોંધ લેવાનું શરૂ કરીએ છીએ. મિત્રો સાથેનાં સંબંધ વધુ પ્રેમાળ બને છે. જીવનમાં સ્ત્રી મિત્રો વધવાની શક્યતા રહે છે. સ્ત્રી મિત્રોને લીધે આર્થિક લાભ પણ થઈ શકે છે. 

શુક્ર સંબંધો, પ્રેમ અને લગ્નનો કારક ગ્રહ છે. કુંભના શુક્રનો સમય પોતાનાં પ્રિયજન કે જીવનસાથીની તમારાં મિત્રો સાથે ઓળખાણ કરાવવાં માટે ઉત્તમ રહે છે. આ ભ્રમણ દરમિયાન જીવનસાથી અને મિત્રો સાથે હળીમળીને સમૂહમાં સમય વ્યતીત કરી શકાય છે. અપરિણીત જાતકો મિત્ર સાથે પ્રણયસંબંધમાં જોડાઈ શકે છે. એવું બની શકે કે અગાઉ ફ્રેન્ડઝોનમાં મૂકી દિધેલ મિત્ર અચાનક પરફેક્ટ મેચલાગવાં લાગે! જ્યારે શુક્ર કુંભ રાશિમાં પ્રવેશે ત્યારે મૈત્રી અને પ્રેમ વચ્ચેની ભેદરેખા પાતળી બની જતી હોય છે. આ સમય દરમિયાન ઘણીવાર અગાઉથી ઓળખતાં હોય, જાણતાં હોય કે મિત્ર હોય તેવી વ્યક્તિ સાથે પ્રેમમાં પડી જવાતું હોય છે. મિત્રોએ કરાવેલી ઓળખાણને લીધે કોઈ નવો પ્રેમસંબંધ જડી આવવાની શક્યતા પણ વધુ હોય છે. મિત્રો સાથેની પાર્ટીમાં કે કોઈ સામાજીક હેતુ ચાલી રહેલાં આયોજન, મેળાવડાં કે ધરણા દરમિયાન પ્રેમ થઈ જાય છે! કુંભ રાશિમાં શુક્રના ગોચર ભ્રમણ દરમિયાન પ્રેમી એક મિત્ર બનીને પણ રહે તે ખૂબ મહત્વનું હોય છે. કુંભ બૌદ્ધિક રાશિ છે. હ્રદય કરતાં મગજથી વધુ વિચારે છે. કુંભમાં શુક્રના ગોચર ભ્રમણ દરમિયાન આપણે આપણી સાથે જેનાં વિચારો મળતાં હોય તેવી વ્યક્તિ સાથે પ્રેમમાં પડીએ છીએ. વ્યક્તિ પ્રત્યે બૌદ્ધિક આકર્ષણ અનુભવાય છે. સંબંધોમાં માલિકીભાવની ભાવના ઘટે છે અને સાથીને પોતાની રીતે જીવવાની મોકળાશ સાંપડે છે. પરિણીત જાતકો જીવનસાથી સાથે મળીને પર્યાવરણ કે સામાજીક સમસ્યા હેતુ કામ કરી શકે છે. કુંભના શુક્રનો સમય વ્યક્તિગત ઓળખ અને સ્વતંત્રતા જાળવી રાખીને પ્રેમ કરવાનો છે. જીવનસાથીના શોખ અને વિચારોને મહત્વ મળે છે. લગ્નજીવન વધુ મોકળાશભર્યુ બને છે.   

શુક્ર કલા અને સુંદરતાનો કારક ગ્રહ છે. કુંભ રાશિ બિનપરંપરાગત છે. કુંભમાં શુક્રના ગોચર ભ્રમણ દરમિયાન આધુનિક કલાઓ કે કલાઓના માધ્યમો પ્રત્યે આકર્ષણ અનુભવી શકાય છે. આધુનિક કે નવી ઢબે વસ્ત્રપરિધાન કે સુશોભન વગેરે કરી શકાય છે. હાઈ-ટેક ગેઝેટ્સ પ્રત્યેનો મોહ વધે છે. નવા ઈલેકટ્રોનીક્સ સાધનોનો ઉપયોગ કરી શકાય છે.

બારેય રાશિઓ/જન્મલગ્નને કુંભ રાશિમાં શુક્રનું ગોચર ભ્રમણ કેવું ફળ આપશે તે જોઈએ. જો કે આ વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળ વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા વગેરે અનેક પરિબળો પર આધારીત હોય છે.

મેષ: શુક્ર એકાદશભાવમાં ભ્રમણ કરશે. આર્થિક લાભ થવાની શક્યતા રહે. કુટુંબના સભ્યો અને જીવનસાથી દ્વારા ધનલાભ થઈ શકે છે. નોકરી-વ્યવસાયમાં પ્રગતિ થઈ શકે. પ્રણયજીવનને લીધે સુખની અનુભૂતિ થઈ શકે છે. નવી લાભદાયી ઓળખાણો થાય. મિત્રોના સાથ અને સહકારની પ્રાપ્તિ થઈ શકે છે.

વૃષભ: શુક્ર દસમભાવમાં ભ્રમણ કરશે. કાર્યક્ષેત્રે ઝળકી ઉઠો. ઉપરી અધિકારીઓની પ્રશંસાની પ્રાપ્તિ થઈ શકે. સ્ત્રી સહકર્મચારીઓ તરફથી હરીફાઈનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આ સમય કામને પ્રેમ કરવાનો છે. આળસનો ત્યાગ કરીને કાર્યક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની કોશિશ કરવી.

મિથુન: શુક્ર નવમભાવમાં ભ્રમણ કરશે. ઉચ્ચ અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે. વિદેશ અભ્યાસ કરવા જવાની ઈચ્છા ફળીભૂત થઈ શકે. પ્રિયજન સાથે યાત્રાનું આયોજન કરી શકાય અથવા યાત્રા દરમિયાન પ્રેમ પાંગરવાની શક્યતા રહે. ભાગ્યનો સાથ મળી રહે. અટકાયેલાં કામો આગળ વધે.

કર્ક: શુક્ર અષ્ટમભાવમાં ભ્રમણ કરશે. અનપેક્ષિત કે વારસાકીય ધનલાભ થઈ શકે છે. ગુપ્તરૂપે સુખ ભોગવવાની પ્રવૃતિ રહે. માતાના આરોગ્યની કાળજી રાખવી. પરિણીત જાતકો જીવનસાથી સાથે આનંદનો સમય વ્યતીત કરી શકે. શ્વસુર પક્ષે ખુશીઓનું વાતાવરણ રહે. યાત્રાને લીધે ધન ખર્ચ થાય.

સિંહ: શુક્ર સપ્તમભાવમાં ભ્રમણ કરશે. આ સમય જીવનસાથી સાથે ગુણવત્તાભર્યો સમય વ્યતીત કરવાનો છે. લગ્નજીવનમાં પ્રેમની વૃદ્ધિ થઈ શકે છે. અપરિણીત જાતકોના લગ્ન થઈ શકે. જીવનસાથીને લીધે ધનલાભ થઈ શકે છે. વ્યાપારમાં પ્રગતિ થઈ શકે છે. વ્યાપારને લીધે યાત્રા થવાની શક્યતા રહે.

કન્યા: શુક્ર ષષ્ઠમભાવમાં ભ્રમણ કરશે. સ્ત્રીઓના વિરોધનો સામનો કરવો પડી શકે છે. કુટુંબના સભ્યોને લીધે આર્થિક હાનિ કે વિશ્વાસઘાત ન થાય તેની કાળજી રાખવી. પિતાનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. યાત્રા દરમિયાન શારીરિક કષ્ટ પડવાની સંભાવના રહે. સફળતા માટે વધુ પરિશ્રમ કરવો પડે.

તુલા: શુક્ર પંચમભાવમાં ભ્રમણ કરશે. જીવનમાં પ્રેમનું આગમન થઈ શકે છે. પ્રિયજન સાથે આનંદપૂર્ણ સમય વ્યતીત કરી શકાય. સંતાન તરફથી સુખની પ્રાપ્તિ થઈ શકે છે. કલા સંબંધી અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે. સર્જનાત્મકતા ખીલી ઉઠે. શેરબજારથી લાભ થવાની સંભાવના રહે.

વૃશ્ચિક: શુક્ર ચતુર્થભાવમાં ભ્રમણ કરશે. ઘરને કલાત્મક રીતે સુશોભિત કરી શકાય. ઘરની સુંદરતા અને સુખ-સગવડોના સાધનોમાં વૃદ્ધિ થઈ શકે છે. નવા વાહનની ખરીદી થઈ શકે. ઘર-પરિવારના સભ્યો વચ્ચેના સંબંધ વધુ પ્રેમાળ બને. નોકરી-વ્યવસાય ક્ષેત્રે નવી તકોની પ્રાપ્તિ થઈ શકે છે.   

ધનુ: શુક્ર તૃતીયભાવમાં ભ્રમણ કરશે. યાત્રાઓને લીધે આનંદની પ્રાપ્તિ થઈ શકે છે. યાત્રાને લીધે પ્રેમ પાંગરવાની શક્યતા રહે. વિચારોની અભિવ્યક્તિ કલાત્મક અને સુંદર બને. મિત્રો અને પાડોશીઓ સાથે આનંદપૂર્ણ સમય વ્યતીત કરી શકાય. કમ્યુનિકેશનના સાધનો જેવાં કે મોબાઈલ વગેરેની ખરીદી થાય.

મકર: શુક્ર દ્વિતીયભાવમાં ભ્રમણ કરશે. ધન-સંપતિની પ્રાપ્તિ થઈ શકે છે. નાણાકીય બચત થઈ શકે. સંતાનને લીધે ધનલાભ થવાની શક્યતા રહે. વાણી મધુર બને અને વાણી દ્વારા લોકોને પ્રભાવિત કરી શકાય. પ્રિયજનની કુટુંબના સભ્યો સાથે ઓળખાણ કરાવવાં માટે આ સમય યોગ્ય રહે.

કુંભ: શુક્ર પ્રથમ/લગ્નસ્થાનમાંથી ભ્રમણ કરશે. વ્યક્તિત્વ આકર્ષક બને. વિજાતીય પાત્રોના આકર્ષણનું કેન્દ્ર બની શકાય. પ્રણયસંબંધ લગ્નમાં પરિણમી શકે. માનસિક પ્રસન્નતાની અનુભૂતિ થાય. લગ્નજીવન મધુર બની શકે છે. ભાગ્યનો પૂર્ણ સાથ મળી રહે. માતા પ્રત્યેની લાગણીમાં વધારો થાય.  

મીન: શુક્ર દ્વાદશભાવમાંથી ભ્રમણ કરશે. નાણાકીય ખર્ચાઓમાં વધારો થાય. મોજશોખ અને વૈભવી વસ્તુઓ પાછળ ધનનો વ્યય થવાની સંભાવના રહે. યાત્રાઓ થઈ શકે છે. ભાઈ-બહેન વિદેશમાં જઈને વસવાટ કરી શકે છે. ભાઈ-બહેનને લીધે પણ નાણાકીય ખર્ચ થવાની સંભાવના રહે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા