ડિસેમ્બર ૨૦૧૯ના સૂર્યગ્રહણનો રાશિગત પ્રભાવ


૨૬ ડિસેમ્બર, ૨૦૧૯, ગુરુવારના રોજ ધનુ રાશિમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ ઘટશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. દક્ષિણ ભારતમાં કંકણાકૃતિ દેખાશે અને ભારતના અન્ય પ્રદેશોમાં ખંડગ્રાસ દેખાશે. આ ગ્રહણ સંપૂર્ણ એશિયા ખંડ, આફ્રિકા ખંડ, ઈથોપિયા, કેનિયા અને ઓસ્ટ્રેલિયાની ઉત્તર તરફના પ્રદેશોમાં દેખાશે. કંકણાકૃતિ ગ્રહણ ભારતમાં મેંગ્લોર, કોઝિકોટ, પલ્લકડ, કોઈમ્બતુર, ઈરોડ, કરુર, ડીન્ડીગૂલ, શિવગંગા, તીરુચીનાપલ્લીમાં દેખાશે.

ગુજરાતના પ્રમુખ શહેરો-મુંબઈના ખંડગ્રાસ ગ્રહણના ગ્રહણ સ્પર્શ-મધ્ય-મોક્ષના સમયો અનુક્રમે નીચે મુજબ છે.
  

શહેર/સમય
ગ્રહણ સ્પર્શ સવારે
મધ્ય સવારે
મોક્ષ સવારે
અમદાવાદ
૦૮.૦૬
૦૯.૨૨
૧૦.૫૨
ભૂજ
૦૮.૦૪
૦૯.૧૮
૧૦.૪૬
રાજકોટ
૦૮.૦૪
૦૯.૨૦
૧૦.૪૯
સુરત
૦૮.૦૫
૦૯.૨૨
૧૦.૫૪
વડોદરા
૦૮.૦૬
૦૯.૨૩
૧૦.૫૪
મુંબઈ
૦૮.૦૪
૦૯.૨૨
૧૦.૫૫


ગ્રહણ દિવસના પહેલાં પ્રહરમાં દેખાવાનું હોવાથી ગ્રહણનો વેધ ૨૫ ડિસેમ્બર, ૨૦૧૯, બુધવારના રોજ સૂર્યાસ્તથી લઈને મોક્ષ સુધી રહેશે. બાળકો, અશક્ત-બીમાર વ્યક્તિઓ તેમજ ગર્ભવતી સ્ત્રીઓ રાત્રે ૧૨ કલાકથી મોક્ષ સુધી ગ્રહણનો વેધ પાળી શકે.

સાલ ૨૦૧૯નું અંતિમ સૂર્યગ્રહણ ધનુ રાશિ અને મૂળ નક્ષત્રમાં ૯ અંશ ૫૮ કળાએ ઘટશે. ગ્રહણ સમયે છ ગ્રહો સૂર્ય, બુધ, ગુરુ, શનિ, ચંદ્ર અને કેતુ ધનુ રાશિમાં એકસાથે રહેશે. છ ગ્રહો એકસાથે હોવાં અને ઉપરથી ગ્રહણ એ ભાગ્યે જ ઘટતી ઘટના કહી શકાય. આ ગ્રહણની અસર વ્યક્તિગત કુંડળીમાં અને સમગ્ર દેશ-દુનિયામાં જોવા મળશે. ગ્રહણ આપના દેશમાં દેખાવાનું ન હોય છતાં તેની ઉર્જા અને અસરનો અનુભવ થઈ શકે છે. ગ્રહણના દિવસે જ કોઈ ઘટના ઘટે એ જરૂરી નથી. પરંતુ ગ્રહણની અસર આગામી ત્રણ મહિના સુધી જોવા મળી શકે છે.  

ગ્રહણને લીધે સમગ્ર દેશ-દુનિયામાં ભૂકંપ, વાવઝોડું વગેરે જેવી કુદરતી આપદાઓ ઘટી શકે છે. વ્યક્તિગત રીતે મન અસ્થિર બને. જીવનમાં પરિવર્તન કે બદલાવ લાવનારી ઘટનાઓ ઘટી શકે. આ ઘટનાઓ નકારાત્મક જ હોય તેવું જરૂરી નથી. ગ્રહણને લીધે સકારાત્મક ઘટનાઓ પણ જીવનમાં બદલાવ લાવી શકે છે. ગ્રહણના તેમજ તેની આસપાસના દિવસો દરમિયાન મહત્વના નિર્ણયો લેવાથી, કોઈ મોટા આયોજનો કરવાથી, યાત્રાઓ કરવાથી કે ભીડભાડવાળી જગ્યાએ જવાથી દૂર રહેવું જોઈએ. બને ત્યાં સુધી સામાન્યરૂપે વ્યસ્ત રહીને દિવસને પસાર કરવાની કોશિશ કરવી. ગ્રહણ દરમિયાન મંત્રજાપ કરવાં શુભ રહે છે. જો આપની કુંડળીમાં ધનુ રાશિમાં ૯ કે ૧૦ અંશ આસપાસ ગ્રહો પડેલાં હશે તો તે ગ્રહોના કારકત્વ અને જે-તે ભાવના સ્વામીત્વને લગતી પ્રમુખ ઘટનાઓ જીવનમાં ઘટવાની સંભાવના રહેશે. ૨૬ ડિસેમ્બર કે તેની આસપાસની તારીખોએ જન્મદિન ધરાવનાર જાતકોને પણ આ ગ્રહણ વિશેષરૂપથી અસર કરનારું રહી શકે છે. બારેય રાશિઓને થનારી સૂર્યગ્રહણની અસર નીચે મુજબ છે. નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળી પર રહેલો છે.

મેષ (અ, , ઈ): મેષ રાશિને નવમસ્થાનમાં ગ્રહણ ઘટશે. નવમસ્થાન ભાગ્ય, ગુરુ, પિતા વગેરેનો નિર્દેશ કરે છે. મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહણમાં ભાગ નથી લઈ રહ્યો. આથી ગ્રહણની આ ઘટના જીવનમાં વધુ અસર ન કરીને મિશ્ર ફળ આપનારી રહે. ભાગ્ય સાથ નથી આપી રહ્યું તેવી લાગણી થઈ શકે. સારી તકો ન મળી રહ્યાંની ફરિયાદ રહે. ઉચ્ચ અભ્યાસ કરી રહ્યાં હો તો વિષયો બદલાવવાં અંગેના વિચાર આવી શકે. મુસાફરી અને યાત્રાઓ કરવાથી દૂર રહેવું. ગુરુ, પિતા કે વડીલો સાથેના સંબંધમાં બદલાવનો અનુભવ થઈ શકે છે. નોકરી-વ્યવસાયમાં સમય જતાં સારી તકોની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ હાલ તે માટે ધીરજપૂર્વક રાહ જોવી હિતાવહ રહે.

વૃષભ (બ, , ઉ): વૃષભ રાશિને અષ્ટમભાવમાં ગ્રહણ ઘટશે. અષ્ટમભાવ આયુષ્ય અને પરિવર્તનનો સૂચક છે. સદભાગ્યે વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહણનો ભાગ નથી. પરંતુ અષ્ટમભાવ જ ગ્રહણ ઘટી રહ્યું હોવાથી ગ્રહણની ઉર્જા પરિવર્તન લાવનારી અને તક્લીફદાયક રહી શકે છે. જો કે મુશ્કેલીઓ અને તક્લીફો વચ્ચે પણ ધ્યાન-અધ્યાત્મ અને ગૂઢ બાબતોનો અભ્યાસ શાંતિ પ્રદાન કરી શકે છે. આરોગ્યની કાળજી રાખવી. સંશોધન ક્ષેત્રથી લાભ અને આવક થઈ શકે છે. વારસાકીય ધનલાભ થવાની અપેક્ષા પણ રાખી શકાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે મુંઝવણનો અનુભવ થઈ શકે છે તેમજ મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી જરૂરી બને.    

મિથુન (ક, , ઘ): મિથુન રાશિને સપ્તમભાવમાં ગ્રહણ ઘટશે. સપ્તમભાવ લગ્ન અને ભાગીદારીનો નિર્દેશ કરે છે. લગ્નસંબંધમાં બહારની વ્યક્તિઓની દખલ રહી શકે છે. જીવનસાથી સાથે ખુલ્લા દિલે ચર્ચા કરીને સંબંધમાં મધુરતા અને સંવાદિતા જળવાય રહે તે માટે પ્રયત્નો કરવા. જીવનસાથીની લાગણી અને વિચારોને સન્માન આપવું. વ્યાવાસાયિક ભાગીદાર સાથે ધીરજ અને ડહાપણપૂર્વક કામ લેવું. પોતાના આરોગ્યની કાળજી રાખવી. વિચારોમાં સ્પષ્ટતાનો અભાવ રહે. આ સમય દરમિયાન કોઈપણ જાતની યોજનાઓ ઘડવાથી, ચર્ચાઓ કે દલીલો કરવાથી દૂર રહેવું હિતાવહ રહે. કોઈપણ જાતના કરારો કે દસ્તાવેજ બનાવતી વખતે સાવધાની રાખવી.  

કર્ક (ડ, હ): કર્ક રાશિને ષષ્ઠમભાવમાં ગ્રહણ ઘટશે. ષષ્ઠમભાવ રોગ અને શત્રુનો નિર્દેશ કરે છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગ્રહણનો ભાગ બનીને કેતુથી નજીક રહેલો હશે. આરોગ્ય બાબતે સાવધ રહેવું. યોગ્ય ખાન-પાનની આદતો અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી હિતાવહ રહે. વિરોધીઓ અને હરીફો મુશ્કેલી પેદા કરી શકે છે. સહકર્મચારીઓ સાથેના સંબંધ વિશેષ ધ્યાન માંગી લે. સાથે કામ કરતાં લોકો સંબંધનો ગેરલાભ ન ઉઠાવે તેની કાળજી રાખવી. અનપેક્ષિત નાણાકીય આવક થઈ શકે છે. સાથે-સાથે બિનજરૂરી ખર્ચાઓ પણ વધી શકે છે. આવક અને જાવક વચ્ચે સંતુલન બનાવી રાખવાની કોશિશ કરવી.

સિંહ (મ, ટ): સિંહ રાશિને પંચમભાવમાં ગ્રહણ ઘટશે. પંચમભાવ વિદ્યા, સંતાન અને પૂર્વપુણ્યનો નિર્દેશ કરે છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય ગ્રહણનો ભાગ હોવાથી આ સૂર્યગ્રહણ જીવનમાં પરિવર્તન અને બદલાવ લાવનારું રહી શકે છે. પૂર્વપુણ્ય અવરોધાતું હોય તેવી લાગણી થઈ શકે છે. ભાગ્ય સાથ ન આપી રહ્યું તેવું લાગે. પ્રણયસંબંધમાં મુશ્કેલીનો અનુભવ થઈ શકે છે. પ્રેમ, લગ્ન અને કૌટુંબિક સંબંધો જાળવી રાખવામાં ધીરજની જરૂર પડશે. બિનજરૂરી લડાઈઓ અને મતભેદો પેદા કરવાથી દૂર રહેવું જોઈએ. માનસિક શાંતિ જાળવી રાખવાં મંત્રજાપ અને ધ્યાનની મદદ લઈ શકાય. સંતાનોની પ્રગતિ સુખ અને આનંદની અનુભૂતિ કરાવી શકે. નોકરી અને વ્યવસાય ક્ષેત્રે સમય મધ્યમ ફળ આપનારો રહે.

કન્યા (પ, , ણ): કન્યા રાશિને ચતુર્થભાવમાં ગ્રહણ ઘટશે. ચતુર્થભાવ સુખ, ઘર, માતા વગેરેનો નિર્દેશ કરે છે. રાશિ સ્વામી બુધ ગ્રહણનો ભાગ હોવાથી વિચારોમાં સ્પષ્ટતાનો અભાવ રહે. ઘર કે માતા સંબંધિત અનપેક્ષિત ઘટના ઘટી શકે. જીવનમાં પરિવર્તન કે બદલાવ લાવવાની ઈચ્છા રહે. પરંતુ આ સમય દરમિયાન બદલાવ લાવવાથી દૂર રહેવું જોઈએ. બુધ કેતુના પ્રભાવ હેઠળથી બહાર આવે ત્યારબાદ નિર્ણયો લેવા હિતાવહ રહે. પોતાના તેમજ માતાના આરોગ્યની કાળજી રાખવી અત્યંત જરૂરી બને. પ્રણયસંબંધમાં શાણપણ દાખવવું જરૂરી બને. નહિ તો પ્રણયભંગની ઘટના ઘટી શકે છે. લગ્નજીવનમાં પણ મુશ્કેલીનો અનુભવ થઈ શકે છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે વિલંબનો સામનો કરવો પડી શકે છે.

તુલા (ર, ત): તુલા રાશિને તૃતીયભાવમાં ગ્રહણ ઘટશે. તૃતીયભાવ સાહસ, ટૂંકી યાત્રાઓ, નાના ભાઈ-બહેનો વગેરેનો નિર્દેશ કરે છે. રાશિ સ્વામી શુક્ર ગ્રહણનો ભાગ નથી જે શુભ છે. ગ્રહણની ઘટના વધુ અસર કરનારી ન રહે. થોડી તકેદારી રાખીને આ સમય પસાર કરવાથી શુભ પરિણામ મળી શકે. ભાઈ-બહેનો સંબંધિત અનપેક્ષિત ઘટનાઓ ઘટી શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધમાં મધુરતા બની રહે તેની કાળજી રાખવી. પડોશીઓ સાથે દલીલો કરવાથી દૂર રહેવું. ખરાબ સંગતથી દૂર રહેવું. વારંવાર ટૂંકી યાત્રા કે પ્રવાસો થવાના સંજોગો ઊભાં થાય. યાત્રાઓ દરમિયાન આરોગ્યની કાળજી લેવી. નાણાકીય આવકમાં ચડાવ-ઉતારનો અનુભવ થઈ શકે છે. નાણાકીય બાબતો અંગે સચેત રહેવું. 

વૃશ્ચિક (ન, ય): વૃશ્ચિક રાશિને દ્વિતીયભાવમાં ગ્રહણ ઘટશે. દ્વિતીયભાવ ધન, કુટુંબ અને વાણીનો નિર્દેશ કરે છે. રાશિ સ્વામી મંગળ ગ્રહણનો ભાગ ન હોવાથી જીવનમાં સ્થિરતા બની રહી શકે છે. ગ્રહણ મિશ્ર ફળ આપનારું સાબિત થાય. આ સમય દરમિયાન નાણાકીય બચત કરવામાં કે નાણા ખર્ચ કરવામાં કાળજી રાખવી. આર્થિક બાબતો અંગેના નિર્ણયો લેતાં નફા અને નુક્સાનની ગણતરી કરવી. કુટુંબના સભ્યો વચ્ચે ગેરસમજ ઉદ્ભવી શકે છે. બિનજરૂરી ઝઘડાંઓ કરવાથી દૂર રહેવું. જીવનસાથીનો સાથ-સહકાર મળી રહે. કાર્યક્ષેત્રે માન-સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે. જો કે કાર્યસ્થળે અનપેક્ષિત પડકારોનો સામનો કરવો પડી શકે છે. આરોગ્યની કાળજી રાખવી.   

ધનુ (ભ, , , ઢ): ધનુ રાશિને પ્રથમ/લગ્નસ્થાનમાં ગ્રહણ ઘટશે. પ્રથમભાવ દેહનો નિર્દેશ કરે છે. રાશિ સ્વામી ગુરુ સૂર્યથી નજીક રહી અસ્ત પામીને ગ્રહણનો ભાગ રહેશે. જીવનમાં અનપેક્ષિત ઘટનાઓ ઘટી શકે છે. આ સમય ધીરજ અને શાંતિપૂર્વક પસાર કરવો હિતાવહ રહે. વ્યક્તિત્વમાં બદલાવ આવી શકે છે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને. ખાન-પાનની યોગ્ય આદતો અપનાવવી હિતાવહ રહે. જીવનમાં નવા પ્રણયસંબંધનું આગમન થઈ શકે છે. જૂના સંબંધથી દૂર જતાં રહો તેવું બને. જીવનમાં ઘટતી ઘટનાઓને લીધે માનસિક શાંતિનો ભંગ થઈ શકે છે. યોગ અને ધ્યાન અપનાવીને માનસિક શાંતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરી શકાય. ધાર્મિક સ્થળોની મુલાકાત અને આધ્યાત્મિક યાત્રાઓ જીવનને સકારાત્મકતા પ્રદાન કરી શકે.

મકર (ખ, જ): મકર રાશિને દ્વાદશભાવમાં ગ્રહણ ઘટશે. દ્વાદશભાવ વ્યય અને હાનિનો નિર્દેશ કરે છે. મહેનતનું ફળ મળતું ન જણાય. નાણાકીય ખર્ચાઓ વધી શકે છે. અનપેક્ષિત ખર્ચાઓ માટે નાણાકીય બચત જાળવી રાખવી હિતાવહ રહે. માનસિક તણાવનો અનુભવ થઈ શકે છે. નિયમિત યોગ-ધ્યાન કરવાથી શાંતિની અનુભૂતિ થઈ શકે. અધ્યાત્મ પ્રત્યેની રુચિમાં વધારો થઈ શકે છે. આધ્યાત્મિક વલણ જીવનમાં ઘટતી ઘટનાઓને યોગ્ય રીતે અને ગહનતાથી સમજવામાં મદદરૂપ બને. ધાર્મિક પ્રવૃતિઓમાં વધારો થાય. આરોગ્ય પ્રત્યે બેદરકારી દાખવવાથી દૂર રહેવું. અનિદ્રાના રોગનો ભોગ બની શકાય છે.

કુંભ (ગ, , , ષ): કુંભ રાશિને એકાદશભાવમાં ગ્રહણ ઘટશે. એકાદશભાવ લાભ, મોટાં ભાઈ-બહેન, મિત્રો વગેરેનો નિર્દેશ કરે છે. નોકરી અને વ્યવસાયની આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. નવી તકોની પ્રાપ્તિ થઈ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બને. આમ છતાં ગ્રહણ દરમિયાન મહત્વના નિર્ણયો લેવાથી દૂર રહેવું હિતાવહ રહે. નાણાકીય બચતની યોજનાઓ અને રોકાણો અંગે પૂરતો વિચાર કરવો. મિત્રવર્તુળમાં વધારો થઈ શકે છે. નવી ઓળખાણો અને સંબંધો રચાવાની સંભાવના રહે. જીવનસાથીનો સાથ-સહકાર મળી રહે. પ્રણયસંબંધમાં નાની-નાની બાબતોમાં દલીલો કરવાથી દૂર રહેવું.

મીન (દ, , , થ): મીન રાશિને દસમસ્થાનમાં ગ્રહણ ઘટશે. દસમસ્થાન કર્મ અને આજીવિકાનો નિર્દેશ કરે છે. રાશિ સ્વામી ગુરુ ગ્રહણનો ભાગ હોવાથી આ સમય દરમિયાન સ્થિરતાનો અભાવ રહે. વધુ પડતું કામ કરો તેવું બને. કાર્યસ્થળે દલીલોમાં ઉતરવાથી દૂર રહેવું. સ્વભાવમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાનો પ્રયત્ન કરવો. નોકરી કે વ્યવસાયમાં અનપેક્ષિત કે અચાનક બદલાવ આવી શકે છે. જેને લીધે નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે. જો ધીરજપૂર્વક કામ લો તો કાર્યક્ષેત્રે માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. જીવનસાથી સાથેના સંબંધમાં પ્રેમ અને ઉષ્મા જળવાય રહે તે માટે પ્રયત્નો કરવા જોઈએ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા