વિભિન્ન રાશિઓનું આર્થિક ભાગ્ય

આપણાં આર્થિક ભાગ્યનું રહસ્ય આપણાં વ્યક્તિત્વમાં છૂપાયેલું હોય છે. અમુક લોકો મોટાં સપનાઓ જોઈને આર્થિક બાબતોમાં જોખમો ઉઠાવે છે, તો વળી અન્ય કેટલાંક સાચવી-સંભાળીને આગળ વધીને આર્થિક સફળતા પ્રાપ્ત કરે છે. વિભિન્ન રાશિઓના જાતકો આર્થિક બાબતો અંગે કેવું વલણ ધરાવે છે તે જાણવું રસપ્રદ રહેશે. 


મેષ (અ, , ઈ): પોતાના નિર્ણયોમાં વિશ્વાસ ધરાવવો એ મેષ જાતકોનું જમા પાસું છે. એકવાર નિર્ણય લઈ લીધાં બાદ શંકા કરવાથી દૂર રહે છે અને પોતાના વ્યાવસાયિક અને આર્થિક સાહસોમાં સફળતાની પ્રાપ્તિ કરે છે. તેઓ માને છે કે તેમનામાં રહેલી આવડતો દ્વારા તેઓ જીવનમાં આવતાં કોઈપણ પડકારને પહોંચી વળવા સક્ષમ છે. પરંતુ ઘણીવાર જીવનમાં અચાનક ઘટતી ઘટનાઓ પરિસ્થિતિને બેકાબુ બનાવી શકે છે. આ જાતકો આર્થિક બાબતોમાં જોખમો ઉઠાવવાનું વલણ ધરાવનાર હોય છે. જ્યારે નાણાકીય બચત કરવાનું ધ્યેય નક્કી કરે ત્યારે પણ અચૂકપણે પોતાનાં ધ્યેયને વળગી રહે છે. પોતાને ગમતી વસ્તુઓ પર વધુ પડતો ખર્ચ કરનાર હોય છે. કાર, ઈલેક્ટ્રોનીક્સ સાધનો વગેરે પર છૂટથી નાણાં ખર્ચનાર હોય છે. કાર કે ઈલેક્ટ્રોનીક્સ સાધનોને લગતાં પ્રોજેક્ટમાં નાણાકીય રોકાણ કરીને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તેમનાં વિચારોમાં રહેલી સ્પષ્ટતા વ્યવસાયમાં સફળતા અપાવે છે. સ્વતંત્ર રીતે નિર્ણયો લેનાર હોવાથી અન્યોના વિચારો કે મંતવ્યની જરૂરીયાત અનુભવતાં નથી. જો કે અન્યો જો પોતાનું મંતવ્ય રજૂ કરે તો તેને ધ્યાનમાં લેનાર હોય છે. તેમનો આ અભિગમ તેમને આર્થિક સફળતા પ્રદાન કરે છે.

વૃષભ (બ, , ઉ): કાળપુરુષની કુંડળીમાં વૃષભ એ ધનસ્થાન છે. વૃષભ જાતકો કુશળતાપૂર્વક આર્થિક બાબતો સંભાળી શકે છે. કાળજીથી અને જવાબદારીપૂર્વક આર્થિક નિર્ણયો લે છે. જ્યારે પૈસાનો સવાલ આવે ત્યારે વૃષભ એ વ્યવહારુ રાશિ છે. જો કે ઘણીવાર તેઓ પોતાની ક્ષમતાથી અજાણ હોય છે. નિશ્ચિત ધ્યેય રાખીને સહેલાઈથી નાણાકીય બચત કરી શકે છે. જીદ્દી હોવાથી તેમને વ્યવસાય અંગે સલાહ આપવી મૂશ્કેલ હોય છે. પોતાનાં નિર્ણયો જાતે જ લેવાનું પસંદ કરે છે. જો કે તેઓ દરેક જોખમો વિચારીને યોગ્ય નિર્ણય લે છે અને મોટેભાગે દસમાંથી નવ વખત પોતાનાં નિર્ણયોમાં ખરાં પણ ઉતરે છે. વૃષભ રાશિ માટે આર્થિક સલામતી હોવી એ સૌથી જરૂરી બાબત છે. બેન્કમાં પડેલાં નાણાં તેમને સુરક્ષા અને સલામતીની લાગણીનો અનુભવ કરાવે છે. તેઓ પોતાનાં ઘર, આરામ અને સુખ-સગવડના સાધનો, વૈભવ તેમજ સુંદરતા પર ધન ખર્ચ કરનાર હોય છે. જો કે વગર વિચાર્યે નાણાકીય ખર્ચ કરવાથી દૂર રહે છે. તેમણે ખરીદેલી વૈભવી વસ્તુઓ એક પ્રકારનું આર્થિક રોકાણ બની રહે છે. તેમનું પોતાના નાણાં પર નિયંત્રણ હોવું અત્યંત જરૂરી હોય છે. પૃથ્વીતત્વ ધરાવતી આ રાશિ સ્થાવર સંપતિમાં નાણાકીય રોકાણ કરીને સમૃદ્ધ બની શકે છે.

મિથુન (ક, , ઘ): મિથુન એ ભૌતિકવાદી રાશિ નથી. આ જાતકો માટે ધન એકઠું કરવું એ કપરું કાર્ય હોય છે. ક્યારે હાથમાંથી પૈસા સરી પડે તેની તેમને જાણ હોતી નથી. જીવનમાં આવતાં ખરાબ સમય માટે નાણાકીય બચત કરવી એ તેમનો સ્વભાવ નથી. બુદ્ધિશાળી જાતકો હોય છે. જો ઈચ્છે તો ચોક્કસપણે કઠોર પરિશ્રમ કરીને નાણાં એકઠાં કરી શકે છે. તેમનામાં કમાવાની આવડત પૂર્ણરૂપે હોય છે. આમ છતાં ક્યારેક લાંબો સમય સુધી બચત કરે છે અને પછી અચાનક જ બધાં પૈસા ઉડાવી નાખે છે. જીવન એ જીવવાં અને માણવાં માટે છે તેવું માને છે. દ્વિસ્વભાવ રાશિ હોવાથી વિચારોમાં બેવડાંપણું જોવા મળે છે. જેમ કે અમુક સમય સુધી સતત પૈસા ખર્ચતાં રહે છે અને ત્યારબાદ અમુક સમય સુધી બિલકુલ પૈસા ખર્ચવાનું બંધ કરી દે છે. આમ તેમનાં નિર્ણયો બદલાતાં રહે છે. દ્વિસ્વભાવ રાશિ હોવાથી જ બેવડી કે એક કરતાં વધુ બાબતોમાં કુશળતા ધરાવનાર હોય છે. લોકોને તેમનું ચપળ વ્યક્તિત્વ અને વાતચીતની કુશળતા આકર્ષે છે. સહેલાઈથી કોઈ વસ્તુનું વેંચાણ કરીને ધન કમાય શકે છે. લોકો સાથે વાતચીત કરી સંપર્કો બનાવીને વ્યવસાયનો વિકાસ સાધી શકે છે. તેમની તીવ્ર બુદ્ધિશક્તિ અને સર્જનાત્મક વિચારો તેમને સમૃદ્ધ બનાવી શકે છે.

કર્ક (ડ, હ): પોતાનાં નાણાં બાબતે સાવચેત હોય છે. મિતવ્યયી પણ કહી શકાય. કિફાયતી કિંમતે વસ્તુઓ ખરીદવાનું વલણ ધરાવનાર હોય છે. વસ્તુઓ ખરીદવામાં થતી નાની અમથી બચતને પસંદ કરનાર હોય છે. પોતાની મોટાંભાગની કમાણી સુંદર ઘર બનાવવામાં અને ઘરની સગવડો વધારવામાં ખર્ચે છે. આથી ઘણીવાર જ્યારે તેઓ પોતાનું ઘર વેંચવા કાઢે ત્યારે સારી એવી કિંમત પ્રાપ્ત કરે છે. જો કે તેઓ ભાગ્યે જ વેંચવાના ઈરાદાથી ઘરની ખરીદી કરે છે. આ જાતકોને પ્રાચીન વસ્તુઓ અને કલાત્મક ચિત્રોથી ઘર સજાવવાનો શોખ હોય છે. તેમની કલા અંગેની સમજને લીધે ગુણવત્તાસભર કલાત્મક વસ્તુઓની ખરીદી કરી શકે છે. ઘણીવાર તેમનાં ઘરમાં રહેલી કલાત્મક અને પ્રાચીન વસ્તુઓ જ તેમનું આર્થિક સમૃદ્ધ ભાગ્ય બની રહેતી હોય છે. આ રાશિના જાતકો લાગણીશીલ અને કલ્પનાશીલ હોય છે. આર્થિક બાબતો અંગેના નિર્ણયો લાગણીથી લેવાને બદલે સમજણપૂર્વક લે તો સફળ રહી શકે છે. કલ્પનાશીલ સ્વભાવ હોવાને લીધે ઘણીવાર વ્યાવસાયિક કરારોમાં મોટી આર્થિક સફળતા મળવાની કલ્પના કરી લે છે, જે પાછળથી ખોટી ઠરે છે. એથી ઉલટું ઘણીવખત પોતાના વધુ પડતાં સાવચેતીભર્યા સ્વભાવને લીધે જોખમો લેતાં ડરે છે અને સમૃદ્ધ થવાની તકો ગુમાવી દે છે. તેમણે આર્થિક નિર્ણયો લેતાં પહેલાં દરેક બાબતો ધ્યાનપૂર્વક ચકાસી લેવી જોઈએ.

સિંહ (મ, ટ): ઉદારતાથી ખર્ચ કરનારાં અને ભવ્યતાથી જીવનારા જાતકો હોય છે. હંમેશા સારી અને શ્રેષ્ઠ વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખે છે. આર્થિક રીતે ઘણીવાર આ આગ્રહ ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે. સારી અને શ્રેષ્ઠ વસ્તુઓ લાંબો સમય ટકે છે અને નબળી વસ્તુઓ વારંવાર બદલાવાં માટે ખર્ચવા પડતાં નાણાં બચી જાય છે. શ્રેષ્ઠ વસ્તુઓ સાથેનું જીવન તેમને ભવ્યતાનો અનુભવ કરાવે છે. તેઓએ વધુ પડતી ઉદારતાથી ખર્ચ કરવાની વૃતિ બાબતે સાવધ રહેવું જરૂરી બને. વ્યાવસાયિક બાબતોમાં નેતાગીરી લેનાર હોય છે. પોતાના નિર્ણયો જાતે જ લે છે અને અન્યોની સહમતિની જરૂરીયાત ઈચ્છતાં નથી. પોતાના પગ ઉપર ઊભાં રહી શકે છે અને કુશળતાપૂર્વક વ્યવસાયનું સંચાલન કરી શકે છે. પોતાના ક્ષેત્રમાં ટોચ પર પહોંચીને સારી એવી આર્થિક કમાણી કરી શકે છે. જો કોઈ ચોક્ક્સ હેતુ હોય તો તેઓ નાણાકીય બચત કરી શકે છે. હેતુ પૂર્ણ થતાં ફરી ઉદારતાપૂર્વક ખર્ચ કરવાં લાગે છે. સિંહ જાતકો માટે મોટી ઉંમરે પોતાની સ્વતંત્રતા અને સલામતી અગત્યની હોય છે. તેઓ સ્વાભિમાની હોય છે અને અન્યો પર આર્થિક રીતે નિર્ભર રહેવાનું પસંદ કરતાં નથી. આ માટે તેમણે પોતાના આર્થિક સુવર્ણકાળમાં જ યોગ્ય બચત અને આયોજન કરી લેવું જોઈએ.

કન્યા (પ, , ણ): પોતાનું આર્થિક ઋણ સમયસર ચૂકવી દેવામાં માનનારાં જાતકો હોય છે. જીવનમાં અચાનક આવી પડતી મુશ્કેલીઓ માટે થોડાં પૈસા બેન્કમાં રાખવાનું પસંદ કરે છે. પોતાનાં આર્થિક વ્યવહારો વ્યવસ્થિત હોય તે બાબતે ચોકસાઈ દાખવે છે. ગણતરીપૂર્વક બુદ્ધિથી આર્થિક નિર્ણયો લઈ શકે છે. સમગ્ર રીતે પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યા વગર અચાનક આર્થિક નિર્ણય લેવાનું પસંદ કરતાં નથી. કન્યા જાતકો સામાન્ય રીતે જોખમો ઉઠાવવાથી દૂર રહે છે. જો જોખમ ઉઠાવવું પણ પડે તો છેલ્લે સુધી ચિંતિત રહે છે. આર્થિક બાબતોને લઈને ચિંતા કરવાની વૃતિ આ જાતકોએ ટાળવી જોઈએ. થોડી બચત હોવી એ કન્યા જાતકોને સલામતીની લાગણી પ્રદાન કરી શકે છે. ફક્ત મોટી ઉંમરે જ નહિ પરંતુ સમગ્ર જીવન દરમિયાન આ સલામતીની લાગણી તેમને માનસિક શાંતિની અનુભૂતિ કરાવી શકે છે. કન્યા જાતકો સલામત રીતે પૈસાનું રોકાણ કરીને વ્યાજની આવકથી ખુશ રહી શકે છે. તેઓ જોખમો ઉઠાવીને વધુ વળતર મેળવવાં કરતાં સામાન્ય વ્યાજ દરે સલામત રોકાણ કરનાર જાતકો હોય છે. તેઓ પોતાની વ્યવહારુ અને વિશ્લેષણાત્મક બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીને આર્થિક વિકાસ સાધે છે. કન્યા જાતકો જીવનમાં આવતી કોઈપણ આર્થિક સ્થિતિમાં પોતાનાં નાણાનું વ્યવસ્થિત આયોજન કરી શકે છે. તેમનાં કુશળ આયોજનને લીધે તેમની પાસે હંમેશા ધન રહે છે.

તુલા (ર, ત): તુલા જાતકોને પોતાનું પસંદગીનું વૈભવી અને આરામપ્રદ જીવનધોરણ જાળવી રાખવાં માટે ખાસ્સી એવી આવકની જરૂર પડે છે. તેમને સુંદર અને વૈભવી વસ્તુઓનો મોહ હોય છે. તેમનો આ મોહ ઘણીવાર ખર્ચાળ નીવડી શકે છે. સારા, સુંદર, આકર્ષક વસ્ત્રો ધારણ કરનાર અને વૈભવી રેસ્ટોરેન્ટમાં સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવનાર જાતકો હોય છે. તુલા જાતકો પૈસાને પ્રેમ કરનાર હોય છે. કારણકે આ જ પૈસો તેમને વૈભવી જીવનધોરણ પ્રદાન કરી શકે છે. જો કે તેઓ ઉડાઉ કે પૈસાને વેડફી નાખનાર નથી હોતાં. પરંતુ પૈસાને ઝડપથી ખર્ચી નાખનાર જરૂર હોય છે. વિશાળ સામાજીક વર્તુળ, સંબંધો તેમજ ઓળખાણો તેમને શ્રેષ્ઠ વસ્તુઓ ખરીદવાં તથા ઉપયોગ કરવાં તરફ દોરે છે. જેમ-જેમ જીવનમાં આગળ વધે અને સમૃદ્ધ બને તેમ-તેમ શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતી વસ્તુઓ પ્રત્યેનો તેમનો મોહ પણ વધે છે. ચમક-દમક અને મોભો તુલા જાતકોની જરૂરીયાત હોય છે. તેઓ કલાત્મક વસ્તુઓ અને ઝવેરાતમાં રોકાણ કરીને સમૃદ્ધ બની શકે છે. તેમની આર્થિક કુશળતા ફેશન, સંગીત, શૃંગારના સાધનો અને સુશોભનની વસ્તુઓમાં પણ ઝળકી શકે છે. તુલા જાતકોએ પૈસા ખર્ચવા બાબતે પોતાની પ્રાથમિકતા નક્કી કરી લેવી જોઈએ. જેમ કે ઘણીવાર સુંદર અને વૈભવી વસ્તુઓમાં પૈસા ખર્ચી નાખીને જરૂરીયાતની વસ્તુઓ ખરીદવાનું ભૂલી જતાં હોય તેવું બને.

વૃશ્ચિક (ન, ય): આર્થિક અને વ્યાવસાયિક બાબતો અંગેના નિર્ણયો લેવામાં ચતુર જાતકો હોય છે. પોતાની યોજનામાં આગળ વધતાં પહેલાં દરેક બાબતને ધ્યાનપૂર્વક ચકાસનાર હોય છે. પોતાને શું જોઈએ છે તે બાબતે સ્પષ્ટ હોય છે અને સમાધાન કરવાનું કે ચલાવી લેવાનું પસંદ કરતાં નથી. જ્યારે તેમણે કોઈ ચોક્કસ વસ્તુ ખરીદવાં બાબતે મન બનાવ્યું હોય તો ત્યારપછી તેનાથી ઉતરતી કક્ષાની વસ્તુ ક્યારેય ખરીદતાં નથી. જ્યારે કોઈ વસ્તુ સાથે તેમની લાગણી સંકળાયેલી હોય ત્યારે પણ એ જ વસ્તુ ખરીદવાનો કે ઉપયોગ કરવાનો આગ્રહ રાખનાર હોય છે. આ પ્રકારે ઘણીવાર બુદ્ધિ કરતાં હ્રદયથી નિર્ણય લેનાર જાતકો હોય છે. જો કે આવાં અમુક કિસ્સાઓમાં છૂટથી પૈસા ખર્ચવા સિવાય એકંદરે કરકસરપૂર્વક રોજિંદુ જીવન વ્યતીત કરનાર હોય છે. પોતે બજેટ બનાવે છે અને તેને વળગી રહે છે. તેમનાં પૈસા ક્યાં ખર્ચ થઈ રહ્યાં છે તે તેમના માટે જાણવું જરૂરી હોય છે. આ માટે ઘણીવાર ઘરના સભ્યોના ખર્ચાઓનું નિરિક્ષણ કરનાર કે તેમની પૂછપરછ કરનાર હોય છે. તેમનો છેલ્લો પૈસો પણ ક્યાં ખર્ચ થયો તેની તેમને જાણ હોય છે. વૃશ્ચિક જળરાશિ છે. તળાવ, નદી કે સમુદ્ર પાસેની સ્થાવર સંપતિમાં રોકાણ તેમને આર્થિક સમૃદ્ધિ પ્રદાન કરી શકે છે. રાશિ સ્વામી મંગળ છે. આથી કાર કે ટેકનોલોજીકલ સાધનોમાં રોકાણ પણ આર્થિક રીતે ફાયદાકારક પૂરવાર થઈ શકે છે. 

ધનુ (ભ,, , ઢ): ધન બાબતે વિસ્તૃત રીતે વિચારનારા જાતકો હોય છે. જ્યારે પણ આપે છે ત્યારે ઉદાર હાથે આપનારાં હોય છે. એથી ઉલટું ઘણીવાર નાની અમથી વસ્તુ પર ખર્ચ કરવાથી દૂર રહે છે અને પૈસા બચાવવાની કોશિશ કરે છે. વ્યવસાયમાં પણ આ જ રીતે વર્તનાર હોય છે. પોતાના દૂરંદેશીપણાંથી વ્યવસાયમાં યોજનાઓ ઘડીને સફળતા પ્રાપ્ત કરનાર હોય છે. પરંતુ ઘણીવાર યોજનાઓ ઘડતી વખતે નાની-નાની અને ઝીણી વિગતો જોવાનું ચૂકી જાય છે. પરિણામે સંઘર્ષ અને અવરોધોનો ભોગ બનનાર હોય છે. ધનુ જાતકો નાની અને ઝીણી વિગતો પર ધ્યાન આપીને ઘણાં વધુ પ્રમાણમાં અને ઝડપથી સફળતાની પ્રાપ્તિ કરી શકે છે. આ જાતકો માટે ધન એકઠું કરવું મૂશ્કેલ હોય છે. તેમની આંગળીઓ વચ્ચેથી પૈસો ઝડપથી સરી પડે છે. આમ છતાં તેઓ પૈસાની કદર કરનાર જાતકો હોય છે તેમજ ઘણીવાર ભાવ-તાલ કરીને વસ્તુની કિંમત નીચે લઈ આવવાની કોશિશ કરનાર હોય છે. તેમની છઠ્ઠી ઈન્દ્રિય તેજ હોય છે. આથી ઘણીવાર તેમને સ્ફૂરતાં નવા વિચારો નફાકારક સાબિત થઈ શકે છે. ધનુ રાશિનો સ્વામી ગુરુ છે, જે ભાગ્યનો કારક ગ્રહ છે. આર્થિક બાબતોમાં આ જાતકોને ભાગ્યનો સાથ મળી રહે છે. જો તેઓ બધી દિશાઓમાં ધ્યાન આપવાની બદલે કોઈ એક ચોક્ક્સ દિશામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે તો વધુ આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.

મકર (ખ, જ): વ્યવહારુ જાતકો હોય છે. આર્થિક વહીવટ કરવામાં કુશળતા ધરાવનાર હોય છે. વ્યવસાય અને આર્થિક બાબતોને લગતી છેલ્લાંમા છેલ્લી વિગત ચકાસીને જોખમનું આકલન કરનાર હોય છે. પોતાને નવા સાહસમાં કેટલી સફળતા અને પૈસા મળશે તેની જાણકારી ધરાવનાર હોય છે. જો પોતાનાં પૈસા સંકળાયેલાં ન હોય તો બહારથી પરિસ્થિતિનું આકલન કરવામાં અત્યંત કુશળ હોય છે. પરંતુ જો પોતાનાં કે તેમની નજીક હોય તેવી વ્યક્તિના પૈસા સંકળાયેલાં હોય તો પછી ચિંતાનો અનુભવ કરનાર હોય છે. ધનની પ્રાપ્તિ હેતુ લાંબો સમય સુધી કઠિન પરિશ્રમ કરનાર જાતકો હોય છે. નાણાકીય બચત કરવામાં અને આરામથી રહી શકાય તેટલું ધન એકઠું કરવામાં કુશળ હોય છે. જો કે પોતાની જાતને આરામ અને વૈભવથી વંચિત રાખનાર હોય છે. આર્થિક સલામતી ખાતર પોતાને પસંદ ન હોય તેવી નોકરીને પણ વળગી રહે છે. ભવિષ્યમાં પોતાને ફુરસદનો સમય મળશે તેવાં વિચારો કરનાર હોય છે. હકીકતમાં મકર જાતકોએ વર્તમાનની ક્ષણમાં આનંદ માણતાં શીખવું જોઈએ. પોતાના કામમાંથી કઈ રીતે આનંદની પ્રાપ્તિ થઈ શકે તે શોધવું જોઈએ. આર્થિક સમતુલન સાધવાની કોશિશ કરવી. અર્થાત સલામતી ખાતર થોડાં પૈસા બચાવવાં અને બાકીના પોતાની જરૂરીયાત પર ખર્ચ કરવાથી ન અચકાવું. પૃથ્વીરાશિ હોવાથી સ્થાવર સંપતિમાં રોકાણ આર્થિક રીતે લાભપ્રદ રહે.

કુંભ (ગ, , , ષ): આ જાતકો માટે ધન અગત્યનું નથી. પરંતુ પોતાની આર્થિક સ્વતંત્રતા મહત્વની હોય છે. પોતે જે રીતે ઈચ્છતાં હોય તે રીતે જીવી શકે તે બાબત તેમને આકર્ષક લાગે છે. પોતાનું ઈચ્છિત જીવન પ્રાપ્ત કરવાનું માધ્યમ ધન છે એ સમજનાર હોય છે. જો થોડો એવો પૈસો પણ એકઠો કરે તો હવે તે પૈસા વડે શું કરી શકાય તે વિચારવાનું શરૂ કરી દે છે. આર્થિક સલામતી કે ભવિષ્ય ખાતર ભાગ્યે જ પૈસા બચાવે છે. તેમનો પૈસા બચાવવાનો હેતુ માત્ર અને માત્ર ઈચ્છિત જીવનની પ્રાપ્તિ હોય છે. વ્યવસાય અને આર્થિક બાબતો અંગે પોતાના આગવા વિચારો અને નિર્ણયો લેનાર હોય છે. કુંભ રાશિના જાતકો ચતુર અને બુદ્ધિશાળી જાતકો હોય છે. કમ્પ્યુટર અને ઈલેકટ્રોનીક્સ ક્ષેત્રે નૈસર્ગિક રુચિ ધરાવનાર હોય છે. ટેકનોલોજીના સાધનો, ટેલિવિઝન, કમ્યુનિકેશન વગેરે ક્ષેત્રોમાં કરેલું આર્થિક રોકાણ લાભદાયી નીવડી શકે છે. પોતાના સમય કરતાં આગળ વિચાર કરનાર જાતકો હોય છે. આથી ઘણીવાર તેમના વિચારોને અમલમાં મૂકવામાં વિલંબ થાય છે. જો કે તેઓ આર્થિક તકો બાબતે જાગૃત હોય છે અને મોકો મળે ત્યારે પોતાના આધુનિક વિચારોને અમલમાં મૂકતાં અચકાતાં નથી. તેમની આ વિશિષ્ટતા તેમને જીવનમાં મોટી આર્થિક સફળતા અપાવે છે તેમજ પોતે ઈચ્છતાં હોય તે રીતે જીવન જીવી શકવાં સક્ષમ બનાવે છે.

મીન (દ, , , થ): મીન રાશિના જાતકો જીવનમાં ધનને પ્રાથમિકતા આપતાં નથી. તેમની પ્રાથમિકતા તેમનાં જીવનમાં રહેલાં નજીકના લોકો અને અંગત આકાંક્ષાઓ હોય છે. ત્યારબાદ ધનનું સ્થાન આવે છે. એવું નથી કે તેઓ ધન દ્વારા પ્રાપ્ત થતાં આરામ અને વૈભવની ઈચ્છા ધરાવતાં નથી. પરંતુ તે બાબતે તેઓ લાલચુ પણ નથી હોતાં. જો કે મીન જાતકો વ્યવહારુ હોય છે અને પરિવાર કે બાળકની જરૂરીયાત કે ઈચ્છા પૂર્ણ કરવાં નાણાં કમાઈ શકે છે. તેઓ આર્થિક બચત કરી શકે છે. પરંતુ પોતાનાં બધાં જ નાણાં અંગત તેમજ પોતે જેને પ્રેમ કરતાં હોય તેવાં લોકો પર ખર્ચી નાખે છે. પ્રિયજનની આર્થિક માગણીઓને ક્યારેય નકારી શકતાં નથી. પરિવારની જરૂરીયાતો માટે નાણાં ખર્ચવા બાબતે ઉદાર વલણ અપનાવનાર હોય છે. મીન જાતકો ભાગ્યશાળી હોય છે. અનપેક્ષિત સ્ત્રોત દ્વારા પૈસા કમાઈ શકે છે. તેઓ પોતાનાં નાણાંનો સદઉપયોગ કરવાં ઈચ્છુક હોય છે. ઘણીવાર દાન-ધર્માદાઓ કે સામાજીક  હેતુ નાણાનો ખર્ચ કરનાર હોય છે. બુદ્ધિ કરતાં હ્રદયથી વધુ કામ લેનાર હોય છે. અંત:સ્ફૂરણાને આધારે આર્થિક રોકાણ કરીને સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકે છે. તેમનું સ્થાવર સંપતિમાં રોકાણ મોટેભાગે વૃદ્ધિ પામતું હોય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આર્થિક રોકાણ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા