નવરાત્રિ સાથે જોડાયેલાં અંક 9 ની વિશેષતાઓ


9 રાત્રિઓ સુધીઓ મા દુર્ગાની ઉપાસના કરી મનાવવામાં આવતો તહેવાર એટલે કે નવરાત્રિ. શાં માટે આઠ કે દસ નહિ પરંતુ 9 જ રાત્રિ સુધી આ તહેવાર મનાવવામાં આવે છે? હકીકતમાં આપણાં પૂર્વજોએ જીવન સાથે જોડાયેલી દરેક વૈજ્ઞાનિક બાબતોને પ્રતીકો અને માધ્યમો દ્વારા દર્શાવીને તેને ધર્મનું નામ આપ્યું છે. જેથી કરીને સામાન્ય લોકો તેનું વિધિવત શ્રદ્ધાપૂર્વક પાલન કરી શકે. ભારતીય દર્શનમાં અંક 108 ને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આની પાછળનું કારણ એ છે કે યોગીઓ અને આચાર્યોએ સૌરમાર્ગને 27 ભાગોમાં વહેંચ્યો છે. જે 27 નક્ષત્રો તરીકે ઓળખાય છે. પ્રત્યેક નક્ષત્રને ચાર પદમાં વહેંચવામાં આવ્યું છે. આ રીતે જોતાં 27*4=108 થાય છે. જ્યારે ભક્ત માળાના 108 મણકાના જાપ કરે છે ત્યારે તે સૌરમાર્ગની પરિક્રમા પૂરી કરી લે છે.

પવિત્ર અંક 108નો સરવાળો કરતાં 1+0+8=9 થાય. અંક 9 ની વિશેષતા એ છે કે તેને કોઈ પણ અંક સાથે ગુણવાથી મળતી સંખ્યાનાં અંકોનો સરવાળો કરતાં જવાબ હંમેશા 9 આવે છે. જેમ કે અંક 9 ને 3 અથવા 4 થી ગુણતાં 27 અથવા 36 સંખ્યા પ્રાપ્ત થાય છે. હવે જો આ પ્રાપ્ત થયેલ સંખ્યાના અંકોનો સરવાળો કરવામાં આવે તો 2+7=9 અને 3+6=9 જ પ્રાપ્ત થાય છે. આમ અંક 9 એ પૂર્ણતાનું પ્રતીક છે. પૂર્ણ કોણ હોઈ શકે? માત્ર ઈશ્વર!! ઈશ્વરને કોઈ પણથી ગુણવામાં આવે તો પરિણામ ઈશ્વર જ રહે છે. આથી જ અંક 9 ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે.

આપણે માતાના ગર્ભના અંધકારમાં નવ મહિના સુધી રહીએ છીએ. ગર્ભ પરથી જ ગરભો અને બાદમાં ગરબોશબ્દ ઊતરી આવેલો છે. અદભૂત બાબત છે કે આપણું નવ મહિના સુધી માતાના ગર્ભમાં રહેવું અને માતાના ગર્ભમાંથી બહાર નીકળ્યાં બાદ સમયાંતરે નવ રાત્રિ સુધી માતાનું પૂજન કરવું!! માનવ શરીરનું સર્જન ગર્ભના અંધકારમાં થયું છે. જે રીતે નવ મહિના સુધી ગર્ભમાંના અંધકારે આપણાં શરીરનું નિર્માણ કરી આપણાંમાં ઉર્જાનો સંચાર કર્યો, તે જ રીતે નવરાત્રિની નવ રાતોનો અંધકાર ફરી આપણાં શરીરમાં શક્તિ અને ઉર્જાનો સંચાર કરે છે. આપણાં ભૌતિક તેમજ આધ્યાત્મિક જીવનને સંપૂર્ણતા પ્રદાન કરે છે. આ એક ધાર્મિક પરંતુ અત્યંત વૈજ્ઞાનિક ઉપક્રમ છે.

નવરાત્રિ સાથે જોડાયેલાં પૂર્ણતાના પ્રતીક સમાન એવાં અંક 9 ને ભારતીય સંસ્કૃતિ અત્યંત શુભ માને છે. જ્યોતિષશાસ્ત્રમાં જન્મકુંડળીનો નવમો ભાવ ભાગ્ય, ધર્મ અને તીર્થયાત્રાનો નિર્દેશ કરે છે. વૈદિક જ્યોતિષમાં નવ ગ્રહો રહેલાં છે. આ 9 ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આપણાં પર અલગ-અલગ પ્રભાવ પાડે છે. વિવાહ સમયે કરવામાં આવતાં લગ્નમેળાપકમાં 36 ગુણ= 3+6=9 મહત્વપૂર્ણ છે. વાસ્તુશાસ્ત્રમાં આઠ દિશાઓ અને બ્રહ્મસ્થાન (કેન્દ્ર) મળીને 9 ક્ષેત્રોની પ્રાપ્તિ થાય છે. વાસ્તુમાં સીડીઓની સંખ્યા વિષમ રાખવાની સલાહ આપવામાં આવે છે. સીડીઓ જો 9 અથવા 9 ના ગુણાંકમાં હોય તો સૌથી વધુ શુભ માનવામાં આવે છે. ફેંગશુઈમાં ભૂખંડને 9 બરાબર ભાગોમાં વહેંચવામાં આવે છે તથા તેના આધાર પર દરેક ક્ષેત્રને ચકાસી તે ક્ષેત્રના તત્વ અનુસાર યોગ્ય ઉપાય કરવામાં આવે છે. પિરામિડ વિજ્ઞાનમાં પણ 9 પિરામિડોનો સમૂહ અથવા 9 ના ગુણાંકમાં પિરામિડો રાખીને ઉર્જા કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવે છે.

અંક 9 સાથે સંકળાયેલ કેટલીક બાબતો વિશિષ્ટ છે. જેમ કે નવલખાં હારનું સપનું કદાચ દરેક ભારતીય નારી જોતી હશે. આ હારને ધારણ કરનાર મનુષ્ય શરીર પણ નવ અંગ અને નવ દ્વાર ધરાવતું છે. બે આંખ, બે કાન, બે હાથ, બે પગ અને એક નાક મળીને નવ અંગ કહેવાય છે. બે આંખ, બે કાન, બે નાક, એક મુખ, એક ગુદા અને લિંગ મળીને નવ દ્વાર કહેવાય છે. ચંદ્રમાસના બંને પક્ષોની 9 મી તિથિ નવમી કે નોમ તરીકે ઓળખાય છે. ભગવાન શ્રીરામનો જન્મ નવમી તિથિએ થયો હતો. એવું માનવામાં આવે છે કે નવરાત્રિના નવમા દિવસે ભગવતી દુર્ગાની શક્તિ સૌથી વધુ હોય છે કે જે નકારાત્મક શક્તિઓને નષ્ટ કરીને આપણને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. મહાત્મા તુલસીદાસજીએ રામશલાકાનું નિર્માણ 9 અંકોના આધાર પર કર્યુ હતું. વિવાહ સમયે રામજીની ઉંમર 27= 2+7=9 હતી અને સીતાજી પણ 18= 1+8=9 વર્ષના હતાં. મહાભારતનું યુદ્ધ 18= 1+8=9 દિવસો સુધી ચાલ્યું અને 18= 1+8=9 અક્ષૌહિણી સેનાને સંચાલિત કરવામાં આવી. ગીતા 18= 1+8=9 અધ્યાય પર આધારીત છે. રામ-રાવણ યુદ્ધ 9 દિવસ સુધી ચાલ્યું હતું. જગન્નાથપુરીની પૂજા-અર્ચના પ્રક્રિયા 9 દિવસ સુધી ચાલે છે. કહેવાય છે કે ભગવાન શ્રીરામની ભૌતિક આયુ 306 વર્ષ = 3+0+6=9 અને શ્રીકૃષ્ણની ભૌતિક આયુ 207 વર્ષ = 2+0+7=9 હતી. સંત તુલસીજીની ભૌતિક આયુ 126 વર્ષ = 1+2+6=9 હતી.

અંક 9 માં દરેક અંકોનો સમાવેશ થયેલો માનવામાં આવે છે. અંકશાસ્ત્રમાં આ અંકને સૌથી વધુ બળવાન માનવામાં આવે છે. અંક 9 માં 3 નો ગુણાંક 3 વખત આવે છે. અર્થાત 3+3+3=9 થાય છે. આથી આ અંકનો પ્રભાવ ધરાવનાર લોકોમાં રચનાત્મકતા અને કલ્પનાશક્તિ ખૂબ સારી હોય છે. અંક 9 નો સ્વામી ગ્રહ મંગળ છે. મંગળના પ્રભાવથી કોઈ પણ મહિનાની 9, 18 કે 27 તારીખોએ જન્મ લેનાર જાતકો સાહસી અને પરાક્રમી વ્યક્તિત્વ ધરાવનાર હોય છે. શારીરિક તેમજ માનસિક રૂપથી બળવાન હોય છે. ત્વરિત નિર્ણય લઈને કાર્યો કરનાર, ચપળ અને હાજરજવાબી હોય છે. નાની-નાની વાતો માટે પણ સંઘર્ષ કરવાની તૈયારી ધરાવનાર હોય છે. પોતાના નિર્ણયો પર અડગ રહેનાર, નેતૃત્વના ગુણો ધરાવનાર, શિસ્તપ્રિય જાતકો હોય છે. બહારથી રુક્ષ પરંતુ દિલથી સૌમ્ય અને ઉદાર હોય છે. પ્રેમમાં ઉતાવળથી ખેંચાઈ જાય છે. જેને પ્રેમ કરે તેને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર હોય છે.

ભારતીય પરંપરા અનુસાર ચાર યુગ છે અને આ ચાર યુગના વર્ષોના અંકોનો સરવાળો પણ 9 જ છે.
સતયુગના વર્ષો = 17,28,000 = 1+7+2+8=18 == 1+8=9
ત્રેતાયુગના વર્ષો = 12,96,000 = 1+2+9+6=18 == 1+8=9
દ્વાપરયુગના વર્ષો = 8,64,000 = 8+6+4=18 == 1+8=9
કળયુગના વર્ષો = 4,32,000 = 4+3+2=9

કાવ્યશાસ્ત્રમાં નવરસ વર્ણવવામાં આવ્યાં છે. શૃંગાર, કરુણ, હાસ્ય, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદભૂત અને શાંત મળીને નવરસ બને છે. હીરા, પન્ના, માણેક, મોતી, ગોમેદ, લસણિયું, પોખરાજ, પરવાળું અને નીલમ મળીને નવરત્ન કહેવાય છે. સંભવ છે કે રાજા વિક્રમાદિત્યને પોતાની સભામાં નવરત્ન રાખવાની પ્રેરણા કદાચ આ નવરત્નો પરથી જ મળી હોય. વિક્રમાદિત્યની સભાના નવરત્નો ધન્વન્તરી, ક્ષપણક, અમરસિંહ, શંકુ, વેતાલભટ્ટ, ઘટખપર, કાલિદાસ, વરાહમિહિર અને વરરુચિ હતાં. શાસ્ત્રોમાં નવ પ્રકારના વિષનું વર્ણન કરવામાં આવ્યું છે. વત્સનામ, હારિદ્રય, સત્કક, પ્રદીપન, સૌરાષ્ટ્રિક, શ્રંગ્દક, કાલકૂટ, હળાહળ અને બ્રહ્મપુત્ર એ નવવિષ કહેવાય છે.

વિભિન્ન દેશો અને ધર્મોમાં સદીઓથી નવના આંકડાંને ખાસ માનવામાં આવે છે. ચીનમાં 9નો સંબંધ ડ્રેગન સાથે છે. જેને જાદુઈ શક્તિઓનું પ્રતીક માનવામાં આવે છે. એટલું જ નહિ, ડ્રેગનના નવ રૂપ, નવ ગુણ અને નવ સંતાન માનવામાં આવ્યાં છે. આમ પણ ચીનમાં 9ના અંકને શુભ માનવામાં આવે છે. કારણકે ચીની ભાષામાં 9ના અંક માટે જે શબ્દ છે તેનો ધ્વનિ શાશ્વતમાટે ઉપયોગમાં લેવાતાં શબ્દના ધ્વનિ સાથે મળતો આવે છે. આથી વિપરિત જાપાનમાં 9ના અંકને અશુભ માનવામાં આવે છે. કારણકે જાપાનની ભાષામાં તેનો ધ્વનિ પીડા સાથે મળતો આવે છે.

ચીની વર્ષના નવમા માસના નવમા દિવસને ચુંગ યુંગ ઉત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. એક પ્રાચીન કથા અનુસાર આ દિવસે હુઆન જિંગ નામક યોદ્ધાએ એક ખતરનાક રાક્ષસનો વધ કર્યો હતો. રાક્ષસ સાથે યુદ્ધમાં ઉતરતાં પહેલાં તેણે લોકોને કોઈ ઊંચા સ્થાને ચાલ્યાં જવાનું કહ્યું હતું. તેના વિજયની યાદમાં જ આ ઉત્સવ મનાવવામાં આવે છે. આ દિવસે લોકો આસપાસના કોઈ ઊંચા પહાડ પર જાય છે.

પ્રાચીન સ્કેન્ડિનેવિયા આખ્યાનો અનુસાર બ્રહ્માંડમાં નવ લોક છે, જે એક વિરાટ વૃક્ષ પર ટકેલાં છે. સ્કેન્ડિનેવિયન દેશોમાં નવજાત શિશુનું નામકરણ જન્મના નવમા દિવસે કરવાનો રીવાજ છે. એક વિશેષ સમારોહમાં શિશુને તેના પિતાના ખોળામાં રાખવામાં આવે છે અને તેના પર પાણીના ટીપા છાંટીને તેનું નામકરણ કરવામાં આવે છે. આ વિધિ બાદ જ શિશુને તે ઘરનું સભ્ય ગણવામાં આવે છે. આ પ્રથાનું એક ખાસ મહત્વ છે. પૌરાણિક કાળમાં તે દેશોમાં વણજોઈતાં શિશુની હત્યા કરવી એ ગેરકાયદેસર કૃત્ય ગણાતું નહોતું. પરંતુ નવમા દિવસે નામકરણ થઈ ગયેલ અને પરિવારના સભ્ય બની ગયેલ શિશુની હત્યા કરવી ગેરકાયદેસર કૃત્યની શ્રેણીમાં આવી જતું હતું!

સ્વીડનમાં એક સમયે અપસલાના મંદિરમાં નવ વર્ષે એકવાર ભવ્ય બલિ ઉત્સવ મનાવવામાં આવતો હતો. આ ઉત્સવમાં ભાગ લેવાં દૂર-દૂરથી લોકો આવતાં. બલિ ઉત્સવમાં મનુષ્ય સહિત દરેક પ્રજાતિના પ્રાણીઓની નવ-નવ નર બલિ ચઢાવવામાં આવતી હતી. ત્યારબાદ નવ દિવસ સુધી મિજબાનીઓનો દોર ચાલતો હતો.

ગ્રીસમાં નવ પ્રેરક શક્તિઓના રૂપમાં નવ દેવીઓને માનવામાં આવે છે. આ નવ દેવીઓ ક્રમશ: મહાકાવ્ય, ઈતિહાસ, ગીત-કાવ્ય, સંગીત, દુખાંત કથાઓ, ધાર્મિક કાવ્ય, નૃત્ય, હાસ્ય અને ખગોળશાસ્ત્રની દેવીઓ ગણાય છે. ગ્રીસ અને રોમમાં કોઈ પરિવારમાં મૃત્યુ થાય ત્યારે નવ દિવસ શોક રાખીને બાદમાં ભોજનનું આયોજન કરી શોકથી મુક્તિ કરવામાં આવતી હતી. એવી પણ માન્યતા હતી કે સ્વર્ગલોકથી પૃથ્વીલોક આવવામાં નવ દિવસ લાગે છે અને પૃથ્વીલોકથી પાતાળ લોક જવામાં પણ એટલો જ સમય લાગે છે.

નવના આંકનું ઈસાઈ ધર્મમાં પણ વિશેષ મહત્વ છે. કહેવાય છે કે ક્રૂસારોહણ થયા પછી નવ કલાક બાદ પ્રભુ ઈશુએ પ્રાણ ત્યાગ્યાં હતાં. પોતાના પુનરુત્થાન બાદ તેમણે નવ વખત પોતાના અનુયાયીઓને દર્શન આપ્યાં. એમ પણ કહેવાય છે કે સ્વર્ગારોહણ કરતાં પહેલાં પ્રભુ ઈશુએ પોતાના દૂતોને કહ્યું હતું કે તેઓ આગલાં નવ દિવસો સુધી યેરુસલેમમાં જ રહે અને પવિત્ર આત્માના અવતરણની પ્રતીક્ષા કરે. તેમનાં દૂતોએ પ્રાર્થના કરતાં નવ દિવસો ગુજાર્યા. ત્યારથી ઈસાઈ ધર્મમાં કોઈ વિશેષ મંતવ્ય માટે નવ દિવસની ગહન પ્રાર્થનાનું (નોવેના) ખાસ મહત્વ થઈ ગયું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા