કન્યા રાશિમાં મંગળના ભ્રમણનું રાશિફળ


25 સપ્ટેમ્બર, 2019ના રોજ વહેલી સવારે 06.32 કલાકે મંગળ મહારાજે સિંહમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં મંગળ 10 નવેમ્બર, 2019 સુધી વિચરણ કરશે અને ત્યારબાદ તુલા રાશિમાં પ્રવેશ કરી જશે. સામાન્ય રીતે મંગળ એક રાશિમાં આશરે દોઢ મહિના સુધી રહે છે. હવે પછી મંગળ કન્યા રાશિમાં લગભગ બે વર્ષ બાદ પ્રવેશ કરશે. આથી હાલનું મંગળનું કન્યા રાશિમાં ગોચર ભ્રમણ ફળાદેશ બાબતે અગત્યનું બને છે. મંગળના પ્રવેશ અગાઉ જ કન્યા રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર ભ્રમણ કરી રહેલાં છે. ટૂંક સમયમાં બુધ અને શુક્ર કન્યામાંથી તુલામાં પ્રવેશ કરી જશે. જ્યારે સૂર્ય 18 ઓક્ટોબર, 2019 સુધી મંગળની સાથે કન્યા રાશિમાં રહીને યુતિ બનાવશે.

મંગળ એ સાહસ, પરાક્રમ, બળ, ઉર્જા, આક્રમકતા, વીરતા, ઉગ્રતા, ક્રોધ, આવેશ, ઉત્સાહ, ઝડપ, અકસ્માત, હિંસા અને યંત્ર શસ્ત્રનો નિર્દેશ કરનારો ગ્રહ છે. કન્યા પૃથ્વીતત્વ ધરાવતી બુધની રાશિ છે. અગ્નિતત્વ ધરાવતી સૂર્યની સિંહ રાશિમાં બળવાન બનેલો, તત્ક્ષણ નિર્ણયો લેતો અને  સહેલાઈથી પિત્તો ગુમાવતો મંગળ હવે અહીં કન્યા રાશિમાં જમીન પર પગ ટકાવીને થોડો ઠરેલ અને ધીરજવાન બનશે. કન્યા રાશિ બૌદ્ધિક અને વિચારનારી રાશિ છે. અહીં મંગળ હવે ઝીણવટપૂર્વક વિચારવાનું અને યોજનાઓ ઘડવાનું બળ અને શક્તિ પૂરી પાડશે. ખાસ કરીને 29 સપ્ટેમ્બર, 2019 કે જ્યાં સુધી બુધ કન્યા રાશિમાં મંગળની સાથે છે ત્યાં સુધી ગણતરીબદ્ધ યોજનાઓ ઘડવી અને વાત-ચીત દ્વારા મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયત્ન કરવો ઉત્તમ રહે. સ્પષ્ટ રીતે, આત્મવિશ્વાસથી અને ઉત્સાહપૂર્વક પોતાની વાતને રજૂ કરી શકાય. મંગળને ગોળ-ગોળ અને અસ્પષ્ટ રીતે વાતો કરવી પસંદ નથી. હા, વાતચીત, સંવાદ કે ચર્ચાઓમાં કડવાશ ન ભળે તેની પૂરતી કાળજી રાખવી જરૂરી બનશે. 4 ઓક્ટોબર, 2019 સુધી શુક્ર કન્યા રાશિમાં મંગળ સાથે ભ્રમણ કરી રહ્યો છે. કન્યા રાશિમાં શુક્ર અને મંગળની યુતિ તમારાં વિજાતીય સંબંધોને પરીક્ષણ હેઠળ મૂકી શકે છે. વિજાતીય સંબંધોને લીધે લોકોની ટીકાના ભોગ બનવું પડી શકે. સંબંધો બાબતે વળગણનો અનુભવ થાય. શુક્ર એ સુંદરતાનો કારક ગ્રહ છે. આથી હું સુંદર નથી કે હું કદરૂપું વ્યક્તિત્વ ધરાવું છું તેવી લાગણી ઉદ્ભવી શકે. સૂર્યની સાથે યુતિમાં રહેલો મંગળ સૂર્યથી 17 અંશ કરતાં વધુ નજીક હોવાથી અસ્તંગત પણ થયેલો છે. આ ઉપરાંત મંગળની ચતુર્થ દ્રષ્ટિ ધનુ રાશિમાં ભ્રમણ કરી રહેલાં શનિ પર પડી રહી છે. જ્યારે શનિની દસમ દ્રષ્ટિ કન્યા રાશિમાં ભ્રમણ કરતાં મંગળ પર પડે છે. શનિ-મંગળનો આ પરસ્પર દ્રષ્ટિ સંબંધ કાર્યોમાં એક પ્રકારની સ્થગિતતા કે અનિર્ણયાત્મકતાનો અનુભવ કરાવી શકે છે. આથી જ્યારે કોઈ મુશ્કેલી દૂર કરવાની યોજના ઘડી રહ્યાં હો ત્યારે પાયામાં રહેલાં પ્રશ્નોના નિવારણ બાબતે વિચારવું. જો પાયાના પ્રશ્નો દૂર કરવામાં નહિ આવે તો આગળ જતાં ફરી મોટી મુશ્કેલી ઉદ્ભવી શકે છે. સપ્ટેમ્બરની 28, 29 અને 30 તારીખોએ ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશીને મંગળ સાથે જોડાણ કરશે. આ દિવસો દરમિયાન શાંત રહેવું અને ઉતાવળમાં આવીને કોઈ કાર્ય કરવાથી દૂર રહેવું.

કાળપુરુષની કુંડળીમાં કન્યા રાશિ ષષ્ઠમભાવમાં પડે છે. ષષ્ઠમભાવ રોગ, શત્રુ, સેવા, દૈનિક કાર્યો વગેરે બાબતોનો નિર્દેશ કરે છે. મંગળના કન્યા રાશિમાં ભ્રમણ દરમિયાન દેશ-દુનિયામાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહે. આ સમય દરમિયાન આરોગ્ય પ્રત્યે જાગૃત થઈને નિયમિત યોગ- કસરતની આદત કેળવી શકાય. ખાન-પાનની આદતો સુધારવી શક્ય બને. રોજ-બરોજના કાર્યો કરવામાં ઉત્સાહ અને જોશનો અનુભવ થાય. મંગળની ઉર્જાનો સદઉપયોગ શારીરિક રીતે સક્રિય રહેવામાં કરવો જોઈએ. કોર્ટ-કચેરીના કેસો બાબતે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય. સ્પર્ધાત્મક બનો અને જીવનમાં આવતાં પડકારોનો સામનો હિંમતપૂર્વક કરી શકો. કન્યા રાશિ સંપૂર્ણતા અને સુઘડતાનો આગ્રહ રાખનારી રાશિ છે. મંગળના કન્યા રાશિમાં ભ્રમણ દરમિયાન સાફ-સફાઈ અને બિનજરૂરી સામાનનો નિકાલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય.

મંગળનું કન્યા રાશિમાં ગોચર ભ્રમણ બારેય રાશિઓ/જન્મલગ્નને કેવું ફળ આપશે તે જોઈએ. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે.

મેષ (અ, , ઈ): મંગળ ષષ્ઠમભાવમાંથી ભ્રમણ કરી રહ્યો છે. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થઈ શકે. કોર્ટ-કચેરીના કેસો બાબતે વિચારી શકાય કે તે બાબતે યોજનાઓ ઘડી શકાય. અગાઉ લીધેલ લોન ચૂકવી શકાય તેમજ નવી લોન લઈ શકાય. કાર્યક્ષેત્રે સુધારો થતો જોવા મળે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે. આરોગ્યની સંભાળ રાખવી ખાસ જરૂરી બને. યોગ-કસરત કે અન્ય શારીરિક પ્રવૃતિઓ હાથ ધરી શકાય. જીવનસાથી સાથે વાદ-વિવાદ થવાની સંભાવના રહે. 

વૃષભ (બ, , ઉ): મંગળ પંચમભાવમાંથી ભ્રમણ કરી રહ્યો છે. ઉચ્ચ વિદ્યાભ્યાસ અર્થે પરદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીમિત્રો માટે આ સમય શુભ રહે. બુદ્ધિ તેજ બને. સર્જનાત્મક કાર્યો કરી શકાય. રમત-ગમતમાં ભાગ લેવાં માટે ઉત્તમ સમય રહે. સંતાનો સ્વભાવે ઉગ્ર અને આક્રમક બની શકે છે. ખાસ કરીને પુખ્ત વયના સંતાનો સાથે દલીલો ન થાય તે બાબતે કાળજી રાખવી. પ્રેમમાં પડેલાંઓને પ્રિયજન સાથે વાદ-વિવાદ થઈ શકે છે. શેરબજારને લીધે નુક્સાન સંભવી શકે.

મિથુન (ક, , ઘ): મંગળ ચતુર્થભાવમાંથી ભ્રમણ કરી રહ્યો છે. રહેઠાણમાં બદલાવ આવી શકે છે. ઘરથી દૂર યાત્રાએ જવાનો પ્રસંગ ઉદ્ભવી શકે. નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય શુભ રહે. નવી નોકરી શોધી રહેલાં લોકોને સફળતા મળી શકે છે. આર્થિક બાબતો અંગે શુભ પરિણામ મળે. ઘર-પરિવારના સભ્યો સાથે દલીલો કે વાદ-વિવાદ ન થાય તેની કાળજી રાખવી. માતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. મન અશાંત રહે અને વારંવાર ક્રોધનો અનુભવ થઈ શકે છે.

કર્ક (ડ, હ): મંગળ તૃતીયભાવમાંથી ભ્રમણ કરી રહ્યો છે. સાહસ અને પરાક્રમ દ્વારા કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે. શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય. ભાગ્યમાં વૃદ્ધિ થાય. વ્યવસાય અને કર્મક્ષેત્રે આગળ વધવામાં ભાઈ-બહેનો મદદરૂપ બની શકે છે. જો કે ભાઈ-બહેનો સાથેના સંબંધમાં કડવાશ ન પ્રવેશે તેની કાળજી રાખવી. સરકારી અધિકારીઓથી લાભ થાય. સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. યાત્રાઓ થઈ શકે છે. નવો પ્રેમ પ્રસંગ ઉદ્ભવી શકે છે.

સિંહ (મ, ટ): મંગળ દ્વિતીયભાવમાંથી ભ્રમણ કરી રહ્યો છે. ધનલાભ થઈ શકે છે. પૈતૃક ધન-સંપતિની પ્રાપ્તિ થઈ શકે છે. સ્થાવર મિલ્કતનું ખરીદ કે વેંચાણ થઈ શકે. સંતાન પોતાના નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ કરી શકે. કુટુંબમાં ઉગ્ર ચર્ચાઓ અને દલીલો થાય. ક્રોધ અને વાણી પર સંયમ રાખવો. વાણીને લીધે વાદ-વિવાદ ન થાય તેની કાળજી રાખવી. કુટુંબના સભ્યો સાથે સૌમ્ય વાતચીત દ્વારા મુશ્કેલીઓનું નિવારણ લાવવા પ્રયત્ન કરવો. આંખોની સંભાળ રાખવી. જીવનસાથીનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે.

કન્યા (પ, , ણ): મંગળ પ્રથમ/લગ્નભાવમાંથી ભ્રમણ કરી રહ્યો છે. શરીરમાં નવી ઉર્જા અને શક્તિનો સંચાર થાય. ઉત્સાહપૂર્વક કાર્યો હાથ ધરી શકાય. અટકાયેલાં કાર્યો પૂર્ણ થવાની શક્યતા ઉદ્ભવે. ભાગ્યનો ઉદય થાય. સ્થાવર મિલ્કતની લે-વેંચ થઈ શકે. સરકારી અધિકારીઓથી લાભ થવાની સંભાવના રહે. વિચાર્યા વગર ઉતાવળે કોઈપણ કાર્ય કરવાથી દૂર રહેવું. ક્રોધ અને ઉગ્રતાનો અનુભવ થઈ શકે છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. લગ્નજીવનમાં શાંતિ જાળવવાનો પ્રયાસ કરવો.

તુલા (ર, ત): મંગળ દ્વાદશભાવમાંથી ભ્રમણ કરી રહ્યો છે. લાંબા અંતરની અથવા વિદેશની મુસાફરી થવાની સંભાવના બને. આવક અને જાવક વચ્ચે સંતુલન બનાવી રાખવાની કોશિશ કરવી. નાણાકીય ખર્ચ વધી જવાની સંભાવના રહે. વાદ-વિવાદ અને લડાઈ-ઝઘડાઓથી દૂર રહેવું હિતાવહ રહે. બીમારીને લીધે હોસ્પિટલની મુલાકાત લેવાનો પ્રસંગ ઉદ્ભવી શકે. ઘરમાં જીવનસાથીને લીધે તણાવ રહેવાની શક્યતા છે. જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી પણ રાખવી. આંખોનું ધ્યાન રાખવું.

વૃશ્ચિક (ન, ય): મંગળ એકાદશભાવમાંથી ભ્રમણ કરી રહ્યો છે. ધન પ્રાપ્તિ થઈ શકે છે. એક કરતાં વધુ સ્ત્રોતથી આવક થવાની સંભાવના રહે. લોન લઈને કાર્યો હાથ ધરી શકાય. રોકાયેલાં કામકાજ આગળ વધવાની શરૂઆત થાય. જીવનમાં પ્રેમનું આગમન થઈ શકે છે. અવિવાહિત જાતકોના લગ્ન થવાની સંભાવના બને. વિદ્યાર્થીમિત્રો ઉત્સાહપૂર્વક અભ્યાસમાં ધ્યાન આપી શકે તેમજ વાદ-વિવાદથી દૂર રહેવાનો પ્રયત્ન કરે. ગર્ભવતી સ્ત્રીઓએ પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી.

ધનુ (ભ, , , ઢ): મંગળ દસમભાવમાંથી ભ્રમણ કરી રહ્યો છે. નોકરીમાં નવી તકોની પ્રાપ્તિ થઈ શકે છે. કાર્યક્ષેત્રે જવાબદારીઓમાં વધારો થઈ શકે છે. જોશ અને ઉત્સાહથી કરિયર આગળ વધારી શકાય. કામને લીધે ઘરથી દૂર જવાનો પ્રસંગ ઉદ્ભવી શકે છે. સંતાનના આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને. સંતાન સાથે વાતચીતનો સેતુ બનાવી રાખવો. પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. લગ્નજીવનમાં જીવનસાથી સાથે મતભેદ અને વાદ-વિવાદ થઈ શકે છે. ક્રોધ પર નિયંત્રણ રાખવાની કોશિશ કરવી.

મકર (ખ, જ): મંગળ નવમભાવમાંથી ભ્રમણ કરી રહ્યો છે. ધનલાભ થઈ શકે છે. જમીન કે સ્થાવર મિલ્કતને લઈને ચાલી રહેલાં કોર્ટ-કચેરીના કેસોમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે. મિત્રો સાથે મળીને યાત્રા કે અભ્યાસ કરી શકાય. પિતા સાથે વૈચારિક મતભેદ થવાની સંભાવના રહે. પિતાને લગતી બાબતો હેતુ નાણાકીય ખર્ચ થવાની સંભાવના રહે. પિતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી બને. ભાઈ-બહેનો સાથે ઉગ્ર દલીલો કે વાદ-વિવાદ કરવાથી દૂર રહેવું.

કુંભ (ગ, , , ષ): મંગળ અષ્ટમભાવમાંથી ભ્રમણ કરી રહ્યો છે. વ્યક્તિત્વમાં બદલાવનો અનુભવ થાય. અચાનક લાભ કે નુક્સાન થવાની સંભાવના રહે. અનપેક્ષિત મુશ્કેલીઓ આવી શકે છે. કર્મક્ષેત્રે અવરોધનો અનુભવ થઈ શકે છે. ધીરજ ગુમાવ્યા વગર કાર્ય કરવાથી પૂર્ણ થઈ શકે. સ્થાવર મિલ્કતને લઈને વિવાદ ન ઉદ્ભવે તેની કાળજી રાખવી. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. ભાઈ-બહેનો સાથે મતભેદ થઈ શકે છે. ભાઈ-બહેનોનું આરોગ્ય પણ ચિંતા કરાવી શકે.

મીન (દ, , , થ): મંગળ સપ્તમભાવમાંથી ભ્રમણ કરી રહ્યો છે. નવી નોકરી મળી શકે છે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના પ્રબળ બને. નવો વ્યવસાય શરૂ કરી શકાય. વ્યવસાયને લીધે લાભ થવાની સંભાવના રહે. વ્યાવસાયિક ભાગીદાર સાથે મતભેદ કે વાદ-વિવાદ ન થાય તે બાબતે કાળજી રાખવી. ધનલાભ થવાનો અવસર પ્રાપ્ત થાય. જીવનસાથીના સહયોગની પ્રાપ્તિ થાય. આમ છતાં જીવનસાથી સાથેના સંબંધમાં ઉગ્ર દલીલો અને મતભેદ થઈ શકે છે. ક્રોધ પર નિયંત્રણ રાખવું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા