પંચાંગનું અંગ : તિથિ


તિથિ અથવા ચાંદ્ર-દિન એ હિંદુ પંચાંગના પાંચ અંગોમાંનુ એક મહત્વનું અંગ છે. તિથિ અનુસાર જ ધાર્મિક ઉત્સવો, પર્વો અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. સૂર્ય અને ચંદ્ર વચ્ચે રહેલાં અંતરને આધારે તિથિનું નિર્માણ થાય છે. ભચક્રનું કુલમાન 360 અંશ છે. ચંદ્રની મધ્યમ ગતિ દરરોજની 13 અંશ જેટલી અને સૂર્યની લગભગ 1 અંશ જેટલી હોય છે. સૂર્ય અને ચંદ્ર આકાશમાં એક જ અંશે ભેગા થાય તેને અમાસ કહેવામાં આવે છે. ત્યારબાદ સૂર્ય કરતાં ચંદ્રની ગતિ વધુ હોવાથી ચંદ્ર આગળ ચાલે છે. જ્યારે ચંદ્ર એ સૂર્ય કરતાં ૧૨ અંશ આગળ વધી જાય ત્યારે એક તિથિ પૂર્ણ થઈ ગણાય છે. આમ આગળ વધતાં વધતાં ચંદ્ર ફરી સૂર્ય સાથે આવી જાય એટલે કે ચંદ્ર ૩૬૦ અંશનું એક વર્તુળ પૂર્ણ કરે ત્યાં સુધીમાં ૩૦ તિથિઓ (૩૬૦/૧૨) પૂર્ણ થાય છે. તિથિઓ અનુક્ર્મે પ્રતિપદા, દ્વિતિયા, તૃતીયા વગેરે તરીકે ઓળખાય છે. ચંદ્ર જયારે સૂર્યની સામે ૧૮૦ અંશના અંતરે આવે ત્યારે પૂર્ણિમા થઈ કહેવાય છે. પહેલી ૧૫ તિથિઓ શુક્લપક્ષ તરીકે ઓળખાય છે. શુક્લપક્ષની ૧૫મી તિથિ પૂર્ણિમા કહેવાય છે. ત્યારબાદની બાકીની ૧૫ તિથિઓ કૃષ્ણપક્ષ તરીકે ઓળખાય છે. કૃષ્ણપક્ષની ૧૫મી તિથિ અમાવસ્યા કહેવાય છે. શુક્લ પક્ષ અજવાળિયુંઅને કૃષ્ણ પક્ષ અંધારિયુંતરીકે પણ ઓળખાય છે. બંને પક્ષમાં અમાસ અને પૂર્ણિમા સિવાય તિથિઓનાં નામ સરખાં છે.

પંચાંગમાં શુક્લ પક્ષની 15 તિથિ 1થી 15ના આંકડાથી દર્શાવવામાં આવે છે. કૃષ્ણ પક્ષની 14 તિથિ અનુક્રમે 1થી 14ના આંકડાથી દર્શાવી અમાવસ્યા માટે 30નો અંક દર્શાવવામાં આવે છે. પંચાંગમાં તિથિના નામોને બદલે સામાન્ય રીતે આંકડા આપવામાં આવે છે.

હિંદુ પંચાંગ અનુસાર દિવસ તેમજ વૈદિક વારનો પ્રારંભ ખ્રિસ્તી વારની માફક રાત્રિના 12 વાગ્યે નહિ, પરંતુ સૂર્યોદયથી શરૂ થાય છે. સૂર્યોદય સમયે, દિવસના પ્રારંભે જે તિથિ ચાલતી હોય તે તિથિ આખા દિવસની ગણાય છે. સૂર્ય અને ચંદ્ર વચ્ચે ગતિ ભેદ હોવાથી દરેક તિથિ પૂરી થવા માટે ઓછામાં ઓછાં આશરે 20 કલાક અને વધુમાં વધુ આશરે 27 કલાક લાગે છે. તિથિની વધઘટના હિસાબે પક્ષોમાં આવતી તિથિની સંખ્યા વધતી કે ઘટતી રહે છે. પક્ષ 14 થી લઈને 16 દિવસના સંભવી શકે. ક્યારેક 13 દિવસનો પક્ષ પણ આવી શકે.

તિથિ: ક્ષય અને વૃદ્ધિ 

ભારતીય જ્યોતિષની પરંપરામાં વૃદ્ધિ અને ક્ષય તિથિને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જે તિથિમાં બે વાર સૂર્યોદય આવે તે વૃદ્ધિ તિથિ કહેવાય છે અને જે તિથિમાં એક્વાર પણ સૂર્યોદય ન થાય તેને ક્ષય તિથિ કહેવાય છે. દા.ત. એક તિથિ સૂર્યોદયથી પહેલાં આરંભ થાય છે અને બીજા દિવસનો સૂર્યોદય થઈ ગયા પછી પણ બે કલાક સુધી રહે છે તો આવી તિથિ બે સૂર્યોદયને સ્પર્શ કરે છે. આથી તિથિની વૃદ્ધિ થઈ જાય છે. આ જ પ્રકારે અન્ય તિથિ સૂર્યોદય થઈ ગયા બાદ પ્રારંભ થાય છે અને બીજા દિવસના સૂર્યોદય પહેલાં સમાપ્ત થઈ જાય છે. આવી તિથિ એક પણ સૂર્યોદયને સ્પર્શ કરતી નથી. આથી તિથિનો ક્ષય થઈ જાય છે.

તિથિ અને તત્વ

પંચમહાભૂતો અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ પૈકી તિથિ એ જળતત્વ ધરાવનાર છે. તિથિ આપણી લાગણીઓની સ્થિરતા અને આનંદનું પ્રતિનિધિત્વ કરે છે. જળતત્વ પ્રેમ અને સંબંધોમાં આપણી સંવેદનાઓનું જોડાણ સૂચવે છે. શુક્ર એ તિથિનો પ્રમુખ સ્વામી ગ્રહ છે. જન્મકુંડળીમાં શુક્રનું બળાબળ તિથિના ગુણોને ઓછાં કે વધારે કરનાર હોય છે. તિથિ અન્ય લોકો સાથેની આપણી અનુકૂલનશીલતા અને મૈત્રીની પણ સૂચક છે. મોટેભાગે સમાન તિથિએ જન્મેલાં લોકોને એકબીજા સાથે મૈત્રી રહે છે. દરેક તિથિને તેનાં પોતાના સ્વામી અને તત્વ પણ હોય છે.  

તિથિઓના પ્રકાર

તિથિઓને પાંચ સમૂહમાં વહેંચવામા આવી છે. નંદા તિથિથી આનંદ-ખુશી, ભદ્રાથી સૌભાગ્ય, જયાથી વિજય, રિક્તાથી ખાલીપણું અને પૂર્ણાથી પૂર્ણતાનો વિચાર કરવામાં આવે છે.

નંદા = તિથિ 1, 6, 11 – સ્વામી શુક્ર અને તત્વ અગ્નિ છે. આ તિથિઓમાં વ્યાપાર-વ્યવસાયનો આરંભ કરી શકાય છે. ભવન નિર્માણ કાર્ય કરવા માટે પણ આ તિથિઓ શુભ માનવામાં આવે છે. આનંદની પ્રાપ્તિ અને મનોરંજન હેતુ શુભ રહે છે.

ભદ્રા = તિથિ 2, 7, 12 – સ્વામી બુધ અને તત્વ પૃથ્વી છે. આ તિથિઓમાં ધાન્ય-અનાજ લાવવું, ગાય-ભેંસ, વાહન ખરીદવા જેવા કાર્યો કરી શકાય. આ તિથિઓમાં ખરીદાયેલી વસ્તુઓની સંખ્યા વધતી રહે છે. સફળતા અને ધન પ્રાપ્તિ હેતુ શુભ રહે છે. નવી નોકરીની શરૂઆત કરવી કે કોઈ મહત્વની વ્યક્તિને મળવા જવું શુભ રહે છે.

જયા = તિથિ 3, 8, 13 – સ્વામી મંગળ અને તત્વ આકાશ છે. આ તિથિઓ સૈન્ય, શક્તિનો સંગ્રહ કરવાં, શસ્ત્ર ખરીદવા, વાહન ખરીદવા, કોર્ટ-કચેરીની બાબતો માટે શુભ છે. સ્પર્ધા, પરીક્ષા કે અવરોધોને પાર કરી વિજય મેળવવા હેતુ શુભ રહે છે.

રિક્તા = તિથિ 4, 9, 14 – સ્વામી શનિ અને તત્વ જળ છે. આ તિથિઓ દરમિયાન ગૃહસ્થોએ કોઈ કાર્ય ન કરવું જોઈએ. દરેક પ્રકારના શુભ કાર્યોમાં રિક્તા તિથિ 4, 9, 14 ત્યાજ્ય ગણાય છે. તંત્ર-મંત્રની સિદ્ધિ માટે આ તિથિઓ શુભ માનવામાં આવે છે.

પૂર્ણા = તિથિ 5, 10, 15 – સ્વામી ગુરુ અને તત્વ વાયુ છે. આ તિથિઓમાં સગાઈ, લગ્ન, વિદ્યાભ્યાસ, ભોજન, પાક લણવો વગેરે જેવાં કાર્યો હેતુ શુભ રહે છે.  

તિથિઓના દેવતા અને તેમની પૂજાનું ફળ

શાસ્ત્રોમાં તિથિઓના દેવતા બતાવવામાં આવ્યાં છે. જે-તે તિથિએ તે જ તિથિના દેવતાની પૂજા-ઉપાસના કરવાથી દેવતા પ્રસન્ન થઈને ઉપાસકની અભિલાષાઓ પરિપૂર્ણ કરે છે.

પ્રતિપદા તિથિએ અગ્નિદેવની પૂજા કરવાથી ઘરમાં ધન-ધાન્ય, આયુ, યશ, બળ, મેધા વગેરેની વૃદ્ધિ થાય છે. 

દ્વિતીયા તિથિએ બ્રહ્માજીની પૂજા કરીને બ્રહ્મચારી બ્રાહ્મણની પૂજા કરીને તેમને ભોજન, અન્ન-વસ્ત્રનું દાન આપવું શુભ ગણાય છે. મનુષ્ય દરેક વિદ્યાઓમાં પારંગત બની જાય છે. 

તૃતીયા તિથિએ ગૌરીજીની પૂજા કરવાથી સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. ધનના દેવતા કુબેરજીને પણ તૃતીયા તિથિના દેવતા માનવામાં આવ્યાં છે. આથી કુબેરજીની પૂજા કરવાથી ધન-ધાન્ય, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 

ચતુર્થી તિથિએ શ્રીગણેશજીની પૂજા કરવાથી દરેક પ્રકારના વિઘ્નો દૂર થાય છે. 

પંચમી તિથિએ નાગદેવતાની પૂજા કરવાથી ભય તેમજ કાળસર્પયોગનું શમન થાય છે. 

ષષ્ઠી તિથિએ સ્કંદ અર્થાત કાર્તિકેયની પૂજા કરવાથી વ્યક્તિ મેધાવી, સંપન્ન તેમજ કીર્તિવાન બને છે. અલ્પબુદ્ધિ તેમજ બોલવામાં અચકાતાં હોય તેવાં બાળકો માટે કાર્તિકેયની પૂજા કરવી શુભ છે. જેમની મંગળની દશા ચાલી રહી હોય અથવા કોઈ કોર્ટ-કચેરીના કેસમાં ફસાયેલાં હોય તેમના માટે પણ કાર્તિકેયની પૂજા શ્રેષ્ઠ ફળદાયી છે. 

સપ્તમી તિથિએ સૂર્યનારાયણની પૂજા કરવાથી સારાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની પ્રાપ્તિ થાય છે. 

અષ્ટમી તિથિના સ્વામી રુદ્ર છે. આથી આ તિથિએ વૃષભથી સુશોભિત ભગવાન સદાશિવનું પૂજન કરવાથી દરેક પ્રકારના કષ્ટ તેમજ રોગ દૂર થાય છે. 

નવમી તિથિએ દુર્ગાજીની પૂજા કરવાથી યશમાં વૃદ્ધિ થાય છે. સાથે જ કોઈ પણ પ્રકારની બાધા અને શત્રુનાશ માટે આ તિથિએ દુર્ગા સપ્તશતીના પાઠ કરવા જોઈએ. 

દસમી તિથિએ યમરાજની પૂજા કરવાથી દરેક બાધાઓ દૂર થાય છે. મનુષ્યનો નર્ક તેમજ અકાળ મૃત્યુથી બચાવ થાય છે. 

એકાદશી તિથિએ વિશ્વેદેવાની પૂજા કરવાથી ભક્તોને ધન-ધાન્ય અને ભૂમિની પ્રાપ્તિ થાય છે. 

દ્વાદશી તિથિએ શ્રી હરિ વિષ્ણુજીની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સુખોને ભોગવે છે. તે સાથે જ દરેક જગ્યાએ પૂજ્ય તેમજ આદરનું પાત્ર બને છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. આ દિવસે તુલસી તોડવા નિષિદ્ધ છે. 

ત્રયોદશીએ કામદેવની પૂજા કરવાથી વ્યક્તિ રૂપવાન બને છે. સુંદર પત્નીની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત તેને પૂર્ણરૂપે લગ્નજીવનના સુખની પ્રાપ્તિ થાય છે. 

ચતુર્દશી તિથિએ ભગવાન શિવજીની પૂજા કરવાથી સમસ્ત ઐશ્વર્યોની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ શિવજીની પૂજા, અર્ચના તેમજ રુદ્રાભિષેક કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. 

પૂર્ણિમા તિથિએ ચંદ્રની પૂજા કરવાથી મનુષ્યનું સમસ્ત સંસાર પર આધિપત્ય રહે છે. ખાસ કરીને જેમની ચંદ્રની દશા ચાલી રહી હોય તેમના માટે પૂર્ણિમાનું વ્રત અને ચંદ્રને અર્ધ્ય સુખમાં વૃદ્ધિ કરનાર રહે છે. જેમનાં બાળકો શરદી, ન્યુમોનિયા વગેરે રોગોથી ગ્રસિત હોય તેવી માતાઓએ એક વર્ષ સુધી ચંદ્રને અર્ધ્ય આપીને પૂર્ણિમાનું વ્રત રાખવું જોઈએ. 

અમાવસ્યા તિથિએ પિતૃગણની પૂજા કરવાથી પ્રજાવૃદ્ધિ, ધન-રક્ષા, આયુ તથા બળની શક્તિ પ્રાપ્તિ થાય છે. આ દિવસે પિતૃઓની શાંતિ હેતુ અન્ન-વસ્ત્રનું દાન આપવું તેમજ શ્રાધ્ધ કરવું શ્રેયસ્કર છે. તેનાથી પ્રસન્ન થઈને પિતૃદેવતા પોતાના કુળની વૃદ્ધિ હેતુ સંતાન તેમજ ધન સમૃદ્ધિ પ્રદાન કરે છે. 

જન્મતિથિ અને સ્વભાવ

જે પ્રકારે ગ્રહ અને નક્ષત્રનો જાતક પર પ્રભાવ પડે છે તે જ પ્રકારે તિથિનો પ્રભાવ પડે છે. તિથિનો જાતકના સ્વભાવ પર પડતો પ્રભાવ નીચે મુજબ છે.

પ્રતિપદા: ધનવાન અને બુદ્ધિમાન

દ્વિતીયા: કુળનું નામ રોશન કરનાર, વિદેશ વસવાટ, કાનૂનના જાણકાર, સત્ય બોલનાર

તૃતીયા: રાજ્યથી લાભ લેનાર, સંતાન અને પિતા પ્રત્યે સમર્પિત, ધાર્મિક વ્રતો કરનાર, વિદ્વાન

ચતુર્થી: યાત્રાપ્રિય, વાહનોનો શોખીન, સાહસી, ચંચળ, કંજૂસ, કામી, શ્વાસની બીમારી

પંચમી: ધાર્મિક, ધાર્મિક સ્થળો પ્રત્યે લગાવ, ન્યાય, ઉચ્ચ અભ્યાસ, વિદેશની જાણકારી ધરાવનાર

ષષ્ઠી: તેજસ્વી, સ્થિર, શરીરમાં દુર્બળતા, બુદ્ધિ દ્વારા કાર્યો પૂર્ણ કરનાર, શરીર પર જખમોના નિશાન

સપ્તમી: સત્ય બોલનાર, ધનવાન, ગુણવાન, રાત્રે કરેલ કાર્યો સફળ ન થાય, બીમારીઓ આવે

અષ્ટમી: ધન પ્રત્યે આકર્ષણ, વધુ બોલનાર, દેવું કરનાર, લોકોનું ધન પડાવનાર, ચિંતાને લીધે બીમાર

નવમી: પ્રસિદ્ધિ પ્રત્યે લગાવ, રાજ્ય અને ગુપ્ત કાર્યો કરવામાં કુશળ, કામી, ગીત-સંગીત પ્રત્યે રુચિ

દસમી: ચરિત્રનું ધ્યાન રાખનાર, મુશ્કેલ સમયને ઓળખનાર, લોકો તેનું કહેવું માને, ધનવાન, બુદ્ધિમાન

એકાદશી: ધનવાન, કાનૂન માનનાર અને મનાવનાર, પૂર્વજોની સંપતિ અને મર્યાદાનું ધ્યાન રાખનાર

દ્વાદશી: સુંદર વિચારોને ગ્રહણ કરનાર, લોકોને તેના વિચાર પસંદ આવે, મૈત્રીથી કાર્યો પૂર્ણ કરનાર

ત્રયોદશી: ધન પ્રત્યે લગાવ, બચતનો અભાવ, વિજાતીય આકર્ષણ ધરાવનાર, રમત, મનોરંજન

ચતુર્દશી: શત્રુતાના કામો પ્રત્યે ધ્યાન, બુદ્ધિમાન, વ્યાજથી કામ કરનાર, બીમારીને લીધે કમાણી

પૂર્ણિમા: દૈવીય શક્તિ પર વિશ્વાસ ધરાવનાર, સકારાત્મક વિચારો, સામ-દામ-દંડ-ભેદથી કાર્ય કરનાર

અમાવસ્યા: પૂર્વજોની મર્યાદાનું ધ્યાન રાખનાર, ભાગ્યશાળી, નબળું શરીર, માનસિક ચિંતાઓ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા