શનિદેવની માર્ગી ચાલ - જાણો રાશિઓ પર પ્રભાવ


સૂર્યપુત્ર શનિદેવ 18 સપ્ટેમ્બર, 2019ના રોજ 14.18 કલાકે ધનુ રાશિમાં માર્ગી થશે. 30 એપ્રિલ, 2019થી ધનુ રાશિમાં વક્ર ગતિથી ચાલી રહેલાં શનિદેવ આશરે 140 દિવસ બાદ પોતાની ચાલ બદલીને સીધી ગતિથી ચાલવાની શરૂઆત કરશે. ધનુ રાશિમાં શનિ કેતુની સાથે યુતિમાં રહેલો છે. 5 નવેમ્બર, 2019ના રોજ ગુરુ વૃશ્ચિક રાશિમાંથી ધનુ રાશિમાં પ્રવેશ કરીને શનિ અને કેતુની સાથે જોડાશે. 24 જાન્યુઆરી, 2019ના રોજ શનિદેવ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરી જશે. કર્મનું ફળ આપનાર ન્યાયાધીશ એવાં શનિદેવ જ્યારે ગોચરમાં પોતાની સ્થિતિનું પરિવર્તન કરે ત્યારે બારેય રાશિઓ માટે ન્યાયની અને કર્મફળ પ્રદાન કરવાની અલગ પરિસ્થિતિ પેદા કરે છે. ધનુ રાશિમાં 18 સપ્ટેમ્બર, 2019થી શરૂ થનારું શનિનું માર્ગી ભ્રમણ બારેય રાશિઓ પર કેવો પ્રભાવ પાડશે તે જોઈએ.

અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે.    

મેષ (અ, ,ઈ): શનિદેવ નવમસ્થાનમાં માર્ગી થશે. નવમસ્થાન ધર્મ અને ભાગ્યનો નિર્દેશ કરે છે. ભાગ્યવશાત અટકેલાં કાર્યો હવે પૂર્ણ થવાની શરૂઆત થાય. ભાગ્યનો સાથ મળવાની સંભાવના ઉદ્ભવે. પ્રગતિના દ્વાર ખૂલી શકે. ધાર્મિક કાર્યોમાં આગળ પડતો ભાગ લો તેવું બને. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થાય. આર્થિક લાભ થવાની સંભાવના રહે. શેરબજાર અને વિદેશ સાથેના વ્યાપાર સંબંધોમાં અટકેલાં લાભ મળવાની તક ઊભી થાય. જમીન કે બાંધકામ સંબંધી કામકાજોમાં પરિવર્તન આવતું જણાય. કોર્ટ-કચેરીના વિવાદો ચાલી રહેલાં તો તેમાં સરળતા આવી શકે. માનસિક અભિગમમાં સ્વીકાર અને અનુકૂલનની ભાવના વિકસે.   

વૃષભ (બ, , ઉ): શનિદેવ અષ્ટમસ્થાનમાં માર્ગી થશે. અઢી વર્ષની નાની પનોતી તેનાં અંતિમ ચરણમાં ચાલી રહી છે. 24 જાન્યુઆરી, 2019ના રોજ પનોતી પૂરી થશે. શનિ માર્ગી થવાથી કાર્યોમાં આવી રહેલાં ઉતાર-ચઢાવ તેમજ વિલંબ અને અવરોધ દૂર થાય. 18 સપ્ટેમ્બરથી કાર્યો પૂર્ણ થવાની શરૂઆત થાય. મૃત્યુતુલ્ય પીડાઓથી છૂટકારો મળી શકે. આર્થિક બચત થઈ શકે. ફસાઈ ગયેલાં નાણા પરત મળી શકે. નોકરીમાં આવી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. ઉપરી અધિકારીઓ સાથે ચાલી રહેલાં મતભેદોનો ઉકેલ આવી શકે. નવી યોજનાઓ માટે કરેલાં પ્રયત્નોમાં સફળતાની પ્રાપ્તિ થાય. સંતાન સાથેના સંબંધોમાં ફરી સંવાદિતા અને સહકારનો અનુભવ થઈ શકે.

મિથુન (ક, , ઘ): શનિદેવ સપ્તમસ્થાનમાં માર્ગી થશે. સપ્તમભાવ ભાગીદારી અને વિવાહનો સંકેત કરે છે. શનિ માર્ગી થતાં જીવનસાથી સાથેના સંબંધમાં રહેલો તણાવ દૂર થઈ શકે છે. બંને સાથીઓ એકબીજાનું મહત્વ સમજી શકે અને પ્રેમમાં વૃદ્ધિ થવી શક્ય બને. જીવનસાથીએ પ્રાપ્ત કરેલી ઉપલબ્ધિઓ પર ગર્વનો અનુભવ થાય. વ્યાવસાયિક ભાગીદાર સાથેનો સંબંધ પહેલાં કરતાં મજબૂત બને. કાર્યસ્થળે માન-સન્માનમાં વૃદ્ધિ થાય. ઘણાં દિવસોથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી છૂટકારો મળી શકે. શનિદેવ વક્રી થવાથી જો આરોગ્ય પર વિપરિત અસર પડી હોય તો તે હવે દૂર થઈ શકે છે. સ્થાવર મિલ્કત સંબંધી ચાલી રહેલાં વિવાદોનો અંત આવી શકે. ભાગ્યનો સાથ મળી રહે.

કર્ક (ડ, હ): શનિદેવ ષષ્ઠમસ્થાનમાં માર્ગી થશે. ષષ્ઠમસ્થાન રોગ અને શત્રુભાવ કહેવાય છે. જો શત્રુઓ અને હરીફો તરફથી હેરાનગતિ અનુભવી રહ્યાં હોય તો શનિ માર્ગી થતાં શત્રુઓ પર વિજયની પ્રાપ્તિ થઈ શકે છે. કોર્ટમાં ચાલી રહેલાં કેસમાં સફળતા મળવાની સંભાવના વધી જાય. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાં રાહત મળી શકે. અત્યાર સુધી વધુ પડતાં નાણાકીય ખર્ચાઓને લીધે ચિંતાનો અનુભવ થઈ રહ્યો હોય તો હવે ખર્ચાઓ પર કાબુ મેળવી શકાય. નાના ભાઈ-બહેનો સાથે ચાલી રહેલાં મતભેદો કે વિવાદોનો અંત આવી શકે છે. વિદેશયાત્રા થવાના યોગ પ્રબળ બને. કામકાજ સંબંધી યાત્રા પણ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય. ધીરજથી કામ લેવાથી લાભ રહે.

સિંહ (મ, ટ): શનિદેવ પંચમસ્થાનમાં માર્ગી થશે. પંચમસ્થાન વિદ્યા, સંતાન અને પ્રેમનો ભાવ છે. પ્રેમમાં પડેલાં જાતકોનો જો પ્રિયજન સાથે વિખવાદ ચાલી રહ્યો હોય તો તેનો અંત આવી શકે છે. સંતાન તરફથી ઉદ્ભવેલી સમસ્યાઓ હવે દૂર થતી જણાય. સંતાન તરફથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. સંતાન ઈચ્છી રહેલાં દંપતિઓને સંતાન પ્રાપ્તિનું સુખ મળી શકે. વિદ્યાભ્યાસ આડે આવી રહેલાં અવરોધો દૂર થઈ શકે. કઠોર પરિશ્રમથી અભ્યાસમાં પ્રગતિ શક્ય બને. માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. વ્યાપારમાં વૃદ્ધિ અને પ્રગતિ થઈ શકે છે. પડકારોનો સામનો કરવો પડી શકે છે. આમ છતાં લાભની પ્રાપ્તિ થવાની પૂર્ણ શક્યતા રહે. નાણાકીય બચત કરી શકાય છે.

કન્યા (પ, , ણ): શનિદેવ ચતુર્થભાવમાં માર્ગી થશે. ચતુર્થભાવ માતા અને સુખનો નિર્દેશ કરે છે. જો માતાનું આરોગ્ય નબળું ચાલી રહ્યું હોય તો તેમાં હવે સુધાર આવી શકે છે. માતા સાથે મતભેદ કે વિખવાદની પરિસ્થિતિ હોય તો તે પણ દૂર થાય અને સંબંધમાં મધુરતા આવી શકે. ઘર-પરિવાર સાથે ચાલી રહેલાં ક્લેશનો અંત આવી શકે. ઘરની સુખ-સગવડોમાં વધારો થઈ શકે. નોકરી કરી રહેલાં જાતકોનો કામનો બોજ હળવો થતો જણાય. નોકરીમાં પ્રગતિ થઈ શકે. નવા વ્યાપારમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે. જમીન સંબંધી કામકાજ ઝડપથી આગળ વધી શકે. કર્મ કરવામાં આળસનો ત્યાગ કરવો જરૂરી બને. ધૈર્યથી કામ લેવાથી લાભ રહે.

તુલા (ર, ત): શનિદેવ તૃતીયભાવમાં માર્ગી થશે. તૃતીયભાવ પરાક્રમ અને નાના ભાઈ-બહેનો સંબંધિત સ્થાન છે. સાહસ અને પરાક્રમમાં કમી અનુભવાતી હોય તો શનિ માર્ગી થતાં પરાક્રમમાં વૃદ્ધિ થઈ શકે છે. બૌદ્ધિક કાર્યો કરવાથી લાભ રહે. નાના ભાઈ-બહેનો સાથે ચાલી રહેલાં વિવાદ કે મતભેદોનો અંત આવી શકે. ભાગ્યનો સાથ મળી રહેવાની પૂર્ણ સંભાવના રહે. કર્મશીલ બની રહેવાથી અને પુરુષાર્થ કરવાથી અદભૂત કાર્યો થઈ શકે. ઘણાં સમયથી અધૂરી રહેલી મનની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે. વિદ્યાભ્યાસ માટે પરદેશગમન શક્ય બને. નાણાકીય ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે. આથી ખર્ચાઓ પર કાબુ રાખવાનો પ્રયત્ન કરવો જરૂરી બને.

વૃશ્ચિક (ન, ય): શનિદેવ દ્વિતીયભાવમાં માર્ગી થશે. દ્વિતીયસ્થાન ધનસ્થાન અથવા કુટુંબસ્થાન કહેવામાં આવે છે. જો કુટુંબમાં વિખવાદ કે વિવાદ ચાલી રહેલાં હોય તો શનિ માર્ગી થતાં વિવાદનો અંત આવે. કુટુંબના સભ્યો વચ્ચેના સંબંધો મધુર બની શકે છે. જો ક્યાંય નાણા ફસાયેલાં હોય તો તે પરત મળી શકે છે. આર્થિક લાભ થવાની પણ સંભાવના બને. પૈતૃક સંપતિમાં ભાગ મળવામાં જો વિલંબ થઈ રહ્યો હોય તો તે મળી શકે અને જીવનમાં બદલાવ આવી શકે છે. ભૌતિક સુખ-સગવડોમાં વૃદ્ધિ થાય. કોર્ટ-કચેરીના વિવાદોનો અંત આવી શકે. વાણીમાં કટુતા ન ભળે તેની કાળજી રાખવી. આ સમય દરમિયાન વાહન ચલાવવામાં સાવધાની રાખવી જરૂરી બને.

ધનુ (ભ, , , ઢ): શનિદેવ પ્રથમભાવમાં માર્ગી થશે. પ્રથમભાવ અથવા તો લગ્નભાવ એ દેહભાવ તરીકે ઓળખાય છે. તે શરીરનો નિર્દેશ કરે છે. શનિ વક્રી થવાથી જો પ્રમાદમાં વૃદ્ધિ થઈ હોય તો તે દૂર થઈ શકે છે. શારીરિક તંદુરસ્તી પહેલાં કરતાં વધુ સારી બને. લગ્નજીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓથી છૂટકારો મળતો જણાય. નોકરીમાં રહેલી સમસ્યાઓની સમાપ્તિ થઈ શકે છે. કાર્યક્ષેત્રે પ્રગતિના અવસર મળી રહે. પ્રમોશન અટકેલું હોય તો તે મળી શકે. સંઘર્ષ સાથે સફળતા મળવાના યોગ ઊભા થાય. આવકના સાધનોમાં વધારો થાય. રોકાયેલાં નાણા પરત મળી શકે. નવી તકોની પ્રાપ્તિ થઈ શકે છે. ભાઈ-બહેનોનો પૂર્ણ સાથ-સહકાર મળી રહે.

મકર (ખ, જ): શનિદેવ બારમાસ્થાનમાં માર્ગી થશે. બારમાભાવને વ્યયસ્થાન પણ કહેવામાં આવે છે. શનિ માર્ગી થતાં નાણાકીય ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે. બિનજરૂરી ખર્ચાઓને લીધે માનસિક ચિંતાઓમાં વધારો થઈ શકે છે. આયાત-નિકાસના વ્યાપારથી લાભ થઈ શકે છે. શત્રુઓ તરફથી હેરાનગતિ વધી શકે. વિશ્વાસઘાત થવાના યોગ બને. શારીરિક તંદુરસ્તીનું ધ્યાન રાખવું. વાત સંબંધી રોગના પ્રશ્નો સતાવી શકે છે. કુટુંબના સભ્યો સાથે ક્લેશ થવાની સંભાવના રહે અથવા કુટુંબથી દૂર જવાનો પ્રસંગ ઉદ્ભવે. કોર્ટ-કચેરીના કેસોમાં નિષ્ફળતા સાંપડી શકે છે. નોકરી કે વ્યવસાયમાં બદલાવનો અનુભવ થઈ શકે છે. જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના રહે.

કુંભ (ગ, , , ષ): શનિદેવ અગિયારમાં સ્થાનમાં માર્ગી થશે. અગિયારમો ભાવ લાભસ્થાન તરીકે ઓળખાય છે. શનિ માર્ગી થતાં નવા આવકના સ્ત્રોત મળી રહે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. ઓછી મહેનતે વધુ નફો થઈ શકે. નોકરીયાત લોકો જો પગાર વધવાની આશા રાખીને બેઠાં હોય તો તે આશાની પૂર્તિ થતી જણાય. નોકરીમાં બદલાવ લાવવાનું વિચારી રહ્યાં હો તો આ સમય યોગ્ય રહે. લાંબા સમયથી કોઈ ઈચ્છા અધૂરી રહેલી હોય તો તે પૂર્ણ થઈ શકે છે. નવા લોકોથી મુલાકાત થાય અને નવી ઓળખાણોથી લાભ થઈ શકે છે. આ સમય દરમિયાન ઘણી નવી તકોની પ્રાપ્તિ થઈ શકે છે. વિદ્યાર્થીઓ ટેકનીકલ અભ્યાસમાં પ્રગતિ અનુભવી શકે.

મીન (દ, , , થ): શનિદેવ દસમસ્થાનમાં માર્ગી થશે. દસમસ્થાન કર્મસ્થાન પણ કહેવાય છે. જો કામકાજના સ્થળે માનસિક દબાણનો અનુભવ થઈ રહ્યો હોય તો શનિ માર્ગી થતાં તેમાં કમી અનુભવાય. કામને લીધે ઉપરી અધિકારીઓની પ્રશંસાને પ્રાપ્ત બની શકો. નોકરી-વ્યવસાયને લીધે દોડાદોડી અથવા યાત્રાઓ થઈ શકે છે. કામને લીધે વિદેશયાત્રા પણ થઈ શકે છે. માન-સન્માનમાં વૃદ્ધિ થઈ શકે છે. આ સમય દરમિયાન માતાના આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી બને. સ્થાવર મિલ્કત સંબંધી જૂનો વિવાદ ફરી ઉખડી શકે છે. ઘર-પરિવાર ક્ષેત્રે તણાવનું વાતાવરણ રહી શકે છે. અપરિણીત જાતકોને લગ્ન થવામાં વિલંબનો સામનો કરવો પડી શકે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા