મંગળના નીચત્વનું બાર રાશિઓ પર પ્રભુત્વ


જૂન 22, 2019ના રોજ 23.23 કલાકે મંગળ મહારાજ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. અહીં મંગળ ઓગસ્ટ 9, 2019 સુધી ગોચર ભ્રમણ કરશે. કર્કમાં પ્રવેશ સાથે મંગળ હવે રાહુ, શનિ-કેતુની પકડથી મુક્ત થશે. કર્ક રાશિમાં મંગળ નીચત્વ ધારણ કરે છે. બારેય રાશિઓમાં કર્ક રાશિ એવી છે કે જ્યાં મંગળની હાલત દયનીય બને છે. લગભગ દર બે વર્ષે પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરતાં મંગળનું આ ભ્રમણ નોંધપૂર્ણ બની રહે છે.

નવગ્રહોમાં મંગળ એ સેનાપતિ છે. સાહસ, પરાક્રમ, જોશ, ઉમંગ, ઉત્સાહ, ક્રોધ, આવેશ, આક્રમકતા, ઉગ્રતા અને યુદ્ધ જેવા પૌરુષીય ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. આથી વિરુદ્ધ કર્ક રાશિ સ્ત્રીત્વ ધરાવતી સંવેદનશીલતા, લાગણી, કરુણા જેવા સૌમ્ય ગુણોથી ભરપૂર રાશિ છે. કાળપુરુષની કુંડળીમાં કર્ક રાશિ માતા અને ઘર-પરિવારનો નિર્દેશ કરે છે. કર્ક રાશિમાં મંગળનો પ્રવેશ એ જાણે કે સેનાપતિને યુદ્ધનું મેદાન છોડીને ઘર સાચવવા જવાનો આદેશ આપવામાં આવ્યો હોય તેવો કપરો છે. અહીં હવે સેનાપતિએ પોતાના શસ્ત્રો હેઠાં મૂકવા પડે છે. ઘર-પરિવારની એક માતાની જેમ કાળજી લેવાનું લાગણીભર્યુ કાર્ય એક ક્રોધી, લડાયક વૃતિ ધરાવતો, રુક્ષ, કઠોર સૈનિક કઈ રીતે કરી શકે? કર્ક એ જળતત્વ ધરાવતી રાશિ છે અને મંગળ અગ્નિતત્વથી ભરેલો બળતો કોલસો !! આગને પાણીમાં પ્રવેશ કરવાનો આદેશ અકળાવે છે. આથી જ કર્ક રાશિમાં મંગળની ઉર્જા નબળી પડે છે. લડાયક વૃતિ શાંત થાય છે. હુમલો કરવાને બદલે બચાવ કરતો થઈ જાય છે. વધુ પડતો સંવેદનશીલ બની જાય છે. પોતાની જાતને યોગ્ય રીતે અભિવ્યક્ત કરવા અસમર્થ બને છે.   

કર્ક રાશિમાં મંગળનો પ્રવેશ બોટીંગ, સ્વિમિંગ કે અન્ય જળરમતો સાથે સંકળાયેલાં ખેલાડીઓ માટે લાભપ્રદ સાબિત થાય છે. આ સમય ગાયક, અભિનેતા જેવા સંવેદનાઓને અભિવ્યક્ત કરતાં વ્યવસાય સાથે જોડાયેલાં લોકો માટે પણ શ્રેષ્ઠ રહે છે.

આવો જોઈએ બારેય રાશિઓ માટે મંગળનું કર્ક રાશિમાં ભ્રમણ કેવું ફળ આપશે. અહીં તમે જોશો કે મંગળ પોતાની નીચ રાશિમાં હોવાથી બારેય રાશિઓ માટે વત્તે-ઓછે અંશે ફળ નકારાત્મક રહેશે. પરંતુ જન્મકુંડળીમાં મંગળ ઉપરાંત અન્ય આઠ ગ્રહોનું ફળ પણ જોવાનું રહે છે. જેને લીધે ફળમાં ફેરફાર થવાની શક્યતા રહે છે. વ્યક્તિગત કુંડળીના ગ્રહો,  દશા-મહાદશા, ગોચર વગેરેનો સમગ્રપણે અભ્યાસ કર્યા બાદ જ સૂક્ષ્મ રીતે ભાવિની આગાહી થઈ શકે. નીચે આપેલ ફળને સ્થૂળ માર્ગદર્શન તરીકે ઉપયોગમાં લઈ શકાય.

મેષ (અ, , ઈ): મંગળ ચતુર્થભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. સમગ્ર ધ્યાન ઘર-પરિવાર પર કેન્દ્રિત બને. નવા ઘરનું નિર્માણ કરવામાં, ઘર સુશોભિત કરવામાં કે ઘરની સાફ-સફાઈમાં શારીરિક ઉર્જાનો ખર્ચ થાય. ઘર ખરીદવા બાબતે લોન લેવાનું વિચારી શકાય. આ સમય દરમિયાન પરિવારજનો સાથે સંબંધ સુધારવા તરફ ધ્યાન આપવું. બાળપણથી દબાવીને રાખેલાં સંવેદનો બહાર આવી શકે છે. હ્રદય આળું બને. નાની એવી વાત પણ લાગણી દુભવી શકે છે. પરિવારજનો પર ગુસ્સો ન ઉતરે તેનું ધ્યાન રાખવું. નોકરીમાં રહેલાંઓ માટે આ સમય શુભ રહે. નોકરીમાં પ્રગતિની અને પગાર વધારાની આશા રાખી શકાય. માતાના આરોગ્યની કાળજી લેવી. જીવનસાથીની નારાજગી વહોરવી પડી શકે છે. 

વૃષભ (બ, , ઉ): મંગળ તૃતીયભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. ઘર-પરિવારથી દૂર જવાના પ્રસંગ ઉદ્ભવે. ટૂંકી યાત્રાઓ થઈ શકે છે. નજીકના મિત્રો કે પિતરાઈઓ સાથે મિલન-મુલાકાત થઈ શકે. સંતાનો સાથે યાત્રા-પ્રવાસ કરી શકાય અથવા દૂર રહેતાં સંતાનને મળવા યાત્રા કરી શકાય. નવા-નવા વિચારોની સ્ફૂરણા થાય. વિચારોની અભિવ્યક્તિમાં રોષ સાથે સંવેદનાનું મિશ્રણ થાય. શબ્દને શસ્ત્ર બનાવી લડાઈઓ લડો તેવી શક્યતા રહે. જીવનસાથીને તેમનાં નોકરી-વ્યવસાયમાં પ્રગતિજનક સમય રહે. જીવનસાથી સાથેની દલીલો લગ્નજીવન પર નકારાત્મક પ્રભાવ પાડે. નાના ભાઈ-બહેનો અને પડોશીઓ સાથેના સંબંધોમાં કાળજી લેવી. તેમની સાથેના સંબંધોનાં સમીકરણ બદલાઈ શકે છે.

મિથુન (ક, , ઘ): મંગળ દ્વિતીયભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આ સમય દરમિયાન શારીરિક ઉર્જાનો ઉપયોગ આર્થિક ઉપાર્જનમાં થાય. નાણાકીય સુરક્ષા અને સ્થિરતા બાબતે સતર્ક બનવું જરૂરી રહેશે. નવા અને જોખમી નાણાકીય રોકાણો કરવાથી દૂર રહેવું. જમીન-મકાન સંબંધિત લોનની વાતચીત આગળ વધે. મિત્રો આર્થિક બાબતો માટે સલાહ આપે કે આર્થિક ઉપાર્જનમાં ભાગીદાર બને. આ સમય દરમિયાન વાણી તલવારની જેમ કામ કરે તેવું બને. શબ્દોના ઘાથી અન્યોની લાગણીઓ ઘવાઈ શકે છે. કુટુંબમાં દલીલો અને ક્રોધનું વાતાવરણ રહે. વાણીની રુક્ષતા અને કડવાશ કૌટુંબિક જીવનને નુક્સાન પહોંચાડી શકે છે. માનસિક અશાંતિનો અનુભવ થાય. એકાંતમાં સમય વ્યતીત કરવો લાભદાયી રહે.

કર્ક (ડ, હ): મંગળ પ્રથમભાવ એટલે કે લગ્નસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરશે. નોકરી-વ્યવસાય અર્થે દૂરની કે વિદેશની મુસાફરી થઈ શકે છે. નોકરી-વ્યવસાયને ગંભીરતાથી લઈને કામકાજ બાબતે ચોક્કસ રહેવું હિતાવહ રહે. વ્યવસાયમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. ક્રોધ અને આક્રમકતામાં વધારો થઈ શકે છે. ચીડિયાપણાંનો અનુભવ થાય. જીવનસાથી ક્રોધનો ભોગ ન બને તેની કાળજી રાખવી. આ સમય દરમિયાન સહેલાઈથી લાગણીઓ ઘવાઈ શકે છે. આરોગ્યની વિશેષ કાળજી લેવી જરૂરી બને. સગર્ભા સ્ત્રીઓએ પોતાના સ્વાસ્થ્ય બાબતે સભાન રહેવું. મંગળનું આ ગોચર ભ્રમણ જીવનમાં મુશ્કેલીઓ વધારી શકે છે, પરંતુ હિંમત અને સાહસ દાખવીને આ મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશો.

સિંહ (મ, ટ): મંગળ બારમાંસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરશે. આ સમય જીવનની વ્યસ્તતામાંથી થોડી ક્ષણો પોતાની જાત માટે ફાળવી એકાંતમાં વ્યતીત કરવાનો છે. જીવનમાં પોતે કરેલી ભૂલો અંગે મનમાં રહેલાં રોષને દૂર કરવાનો છે. નોકરી-વ્યવસાય કે અભ્યાસ અર્થે વિદેશની મુસાફરી થઈ શકે છે. અગાઉથી વિદેશમાં વસવાટ કરી રહેલાં જાતકો માટે આ સમય થોડો પડકારજનક રહેવાની સંભાવના છે. અચાનક નાણાકીય ખર્ચાઓ વધી શકે છે. ખર્ચાઓ વધવાને લીધે માનસિક શાંતિ જોખમમાં મૂકાય. મંગળના આ ગોચર ભ્રમણ દરમિયાન જમીન, મકાન કે વાહનને લગતી ખરીદી કરવાનું ટાળવું. માતા સાથે વૈચારીક મતભેદો ઉદ્ભવી શકે છે. માતાનું આરોગ્ય પણ ચિંતા કરાવી શકે છે.

કન્યા (પ, , ણ): મંગળ અગિયારમાં ભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આ સમય નવી લાભદાયી ઓળખાણો બનાવવાનો છે. પોતાના જેવું જ વિચારતાં કે સરખાં શોખ ધરાવતાં લોકો સાથે જોડાઈ શકાય. નવા બનેલાં સંબંધોના વર્તુળમાં નવી નોકરી મળવાની શક્યતા ઊભી થાય. આવકનું આગમન એક અથવા બીજી રીતે ચાલુ રહે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે અપેક્ષા ન રાખી તેવા કાર્યોમાં પણ સફળતા મળતી જણાય. આમ છતાં મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળી રહ્યાંની લાગણી ચોક્કસ રહે. કાર્યક્ષેત્રે હરીફો પર વિજય મેળવી શકાય. મિત્રો સાથે પ્રવાસ-પર્યટનનું આયોજન થઈ શકે છે. આ સમય દરમિયાન પ્રેમમાં પડેલાં જાતકોએ પ્રિયજનનું દિલ દુભાવવાથી દૂર રહેવું જોઈએ.

તુલા (ર, ત): મંગળ દસમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આ સમય નોકરી-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ સાધવાનો છે. તમારા કાર્યોની નોંધ ઉપરી અધિકારીઓ દ્વારા લેવાઈ શકે છે. કાર્યક્ષેત્રે બધાનાં આકર્ષણનું કેન્દ્ર બની શકો છો. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સકારાત્મક પરિણામોની પ્રાપ્તિ થઈ શકે છે. આ સમય દરમિયાન કારકિર્દીમાં જોખમો કે સાહસો ખેડી શકાય. આમ છતાં કાર્ય અંગે અન્યોને વણમાગી સલાહ આપવાથી દૂર રહેવું. તમારી સલાહને ખોટી રીતે મૂલવવામાં આવે તેવું બની શકે. આ સમય જીવનસાથીના આરોગ્ય માટે નબળો ગણી શકાય. જીવનસાથીને લીધે નાણાકીય ખર્ચ થઈ શકે છે. પોતાના આરોગ્યની કાળજી રાખવી પણ જરૂરી બને. બહારનો બિનઆરોગ્યપ્રદ ખોરાક હાનિ કરી શકે છે.

વૃશ્ચિક (ન, ય): મંગળ નવમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આ સમય દરમિયાન એક સ્થળ પર સ્થિર રહેવું મુશ્કેલ બને. ચંચળતા વધે. નવી યાત્રાઓ થાય અને નવાં લોકોને મળવાનું બને. નવા લોકોને મળીને તેમની પાસેથી નવું-નવું જાણવાં-શીખવાની મહેચ્છા રહે. ગૂઢ બાબતો શીખવા પ્રત્યે આકર્ષણ વધી શકે છે. આ સમય દરમિયાન પિતાનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. વિદ્યાર્થી જાતકો અભ્યાસમાં મિત્રોની મદદ લેવાનું વિચારે, પરંતુ મદદને બદલે સમયનો વેડફાટ થતો જણાય. ભાગ્યનો સાથ મળવામાં અવરોધનો અનુભવ થઈ શકે છે. નાના ભાઈ-બહેનો સાથેના સંબંધમાં કાળજીથી કામ લેવું. આ સમય કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કે મુલાકાત કરવા માટે યોગ્ય રહે.

ધનુ (ભ, , , ઢ): મંગળ અષ્ટમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. મંગળનું આ ગોચર ભ્રમણ મુશ્કેલ પરિસ્થિતિઓ પેદા કરી શકે છે. સાહસ અને હિંમતપૂર્વક લડત આપીને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકાય. આ પરિસ્થિતિમાંથી વધુ મજબૂત અને નીડર બનીને બહાર આવશો. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. ટ્રાફિકના નિયમોને કાળજીપૂર્વક અનુસરવા હિતાવહ રહે. પોતાના અને પિતાના આરોગ્યની કાળજી લેવી. આરોગ્યપ્રદ ભોજન અને કસરતની ટેવ અપનાવી બિમારીના જોખમો ટાળી શકાય. લગ્નજીવનના પ્રશ્નો ચિંતા કરાવી શકે છે. વાણી પર સંયમ રાખવો જરૂરી બને. સંતાનોનું વલણ કે વર્તન રોષ પેદા કરી શકે છે. સંતાનોના આરોગ્ય પ્રત્યે પણ સચેત રહેવું જરૂરી બને.

મકર (ખ, જ): મંગળ સપ્તમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આ સમય મારુંકરતાં આપણુંવિચારવાનો વધુ રહે. અન્યોની ભાગીદારી કે સાથ મેળવીને કાર્યો હાથ ધરી શકાય તેમજ જીવનની કઠિન પરિસ્થિતિ અને મુશ્કેલીઓનો સામનો કરી શકાય. કાર્યક્ષેત્રે આકરી મહેનત બાદ સફળતાની પ્રાપ્તિ થતી જણાય. કેટલાંક અપરિણીત જાતકોને વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષણ થઈ શકે છે. જો કે આ સમય દરમિયાન પ્રણય સંબંધમાં સંકળાતાં પહેલાં પૂરતી કાળજી લેવી. પરિણીત જાતકો માટે લગ્નજીવન સમસ્યા બની શકે છે. જીવનસાથી સાથે ઉગ્ર દલીલો અને મતભેદો થવાની સંભાવના રહે. ધૈર્યપૂર્વક કામ લઈ વાતચીત દ્વારા મતભેદો ઉકેલવાની કોશિશ કરવી.

કુંભ (ગ, , , ષ): મંગળ છઠ્ઠાં ભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. શારીરિક ઉર્જાનો ઉપયોગ શરીરની તંદુરસ્તી વધારવા માટે કરી શકાય. ધ્યાન-યોગ-કસરતને ગંભીરતાથી લઈને તંદુરસ્તીની પ્રાપ્તિ શક્ય બને. નોકરીના સ્થળે કામથી કામ રાખવું. બને તેટલું ઓછું બોલવાથી લાભ રહે. તમારા શબ્દોનાં અલગ અર્થ કાઢીને મુશ્કેલી પેદા કરવામાં આવી શકે છે. હરીફો પોતાની જાળમાં ફસાવે નહિ તે બાબતે સતર્ક રહેવું. વ્યાપાર સાથે સંકળાયેલાં જાતકોએ પોતાની યોજનાઓને અમલમાં મૂકતાં પહેલાં બરાબર ચકાસી લેવી. કોર્ટ-કચેરીના કેસોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સંતાનોનું અને જીવનસાથીનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. ખર્ચાઓ વધવાથી માનસિક તણાવનો અનુભવ થઈ શકે છે.

મીન (દ, , , થ): મંગળ પંચમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આ ભ્રમણ દરમિયાન શારીરિક ઉર્જાનો ઉપયોગ રચનાત્મક અને કળાત્મક કાર્યો કરવામાં કરી શકાય. રોજ-બરોજના કાર્યો પૂર્ણ કરવામાં પણ કળાત્મક અભિગમનો ઉપયોગ થઈ શકે. રંગોની નાની એવી ફેર-બદલ તમારા મૂડને બદલી શકે છે. બાળપણમાં અનુભવાઈ હોય તેવી લાગણીઓ અને સંવેદનાઓનો ફરી અનુભવ થઈ શકે છે. જો પ્રેમમાં પડ્યાં હો તો મંગળના ભ્રમણનો આ સમય પ્રેમ પ્રસ્તાવ રજૂ કરવા માટે યોગ્ય ન ગણી શકાય. પ્રિયજન સાથેના સંબંધમાં ચડાવ-ઉતારનો અનુભવ થઈ શકે છે. સંતાનોને લગતાં પ્રશ્નો પેદા થઈ શકે છે. સગર્ભા સ્ત્રીઓએ આરોગ્યની વિશેષ કાળજી રાખવી જરૂરી બને.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા