વાસ્તુશાસ્ત્રના આધારે આઠ દિશાઓની ઓળખ


કહેવાય છે કે દિશા બદલવાથી દશા બદલાઈ જાય છે. વાસ્તુશાસ્ત્રને આ કથન સંપૂર્ણપણે લાગુ પડે છે. યોગ્ય દિશાની પસંદગી કરી યોગ્ય ભવન નિર્માણ કે કાર્ય કરવામાં આવે ત્યારે સુખ અને સફળતાની પ્રાપ્તિ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં આઠ દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉત્તર-પૂર્વ(ઈશાન), દક્ષિણ-પશ્ચિમ(નૈઋત્ય), પશ્ચિમ-ઉત્તર(વાયવ્ય) અને દક્ષિણ-પૂર્વ(અગ્નિ)ના આધારે વાસ્તુની ગણના કરવામાં આવે છે. પ્રત્યેક દિશા પર અલગ-અલગ દેવતા અને ગ્રહોનો પ્રભાવ રહેલો છે. આકાશમાં તારાઓ અને સૂર્યના આધારે દિશાની જાણકારી મેળવી શકાય છે. સૂર્ય જે દિશામાં ઊગે તે દિશામાં જો મુખ રાખીને ઊભાં રહો તો તે પૂર્વ દિશા છે. પીઠ તરફની દિશા પશ્ચિમ કહેવાશે. ડાબાં હાથ તરફની દિશા ઉત્તર હશે અને જમણાં હાથ તરફની દિશા દક્ષિણ હશે. દિશાઓની જાણકારી ચોકસાઈપૂર્વક પ્રાપ્ત કરવા માટે દિશાસૂચકયંત્ર એટલે કે હોકાયંત્ર કે કંપાસનો ઉપયોગ કરી શકાય. દિશાઓનું જ્ઞાન વાસ્તુશાસ્ત્રનો શ્વાસ છે. સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર દિશા નિર્દેશોથી ભરેલું છે. આવો વાસ્તુના આધારે આઠ દિશાઓની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરીએ.

પૂર્વ દિશા: પૂર્વ દિશા અગ્નિતત્વને પ્રભાવિત કરે છે. આ પિતૃ સ્થાનની સૂચક છે. પૂર્વ દિશાના સ્વામી શ્રી ઈન્દ્ર ભગવાન છે. આ દિશાનું પ્રતિનિધિત્વ સૂર્ય કરે છે. પૂર્વ દિશામાં સૂર્યોદય થાય છે અને તેથી આ દિશાને સૂર્યનું નિવાસસ્થાન માનવામાં આવે છે. આમ આ દિશા અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવનારી છે. આ દિશાને શક્ય હોય તેટલી ખુલ્લી અને નીચી રાખવાથી પ્રાત:કાળનો કુમળો સૂર્ય પ્રકાશ ઘરમાં પ્રવેશી શકે છે. સૃષ્ટિના સર્જનમાં સૂર્યની ભૂમિકા જીવનદાતા તરીકેની છે. સૂર્યથી જ સમસ્ત પ્રાણીઓ અને વનસ્પતિઓનું સર્જન, પાલન અને પોષણ શક્ય બને છે. જે ઘરનું મુખ્ય દ્વાર પૂર્વ તરફ હોય, પૂર્વ તરફ મોટી-મોટી બારીઓ હોય કે પૂર્વ તરફ વરંડા અને ઝરુખાંઓ રહેલાં હોય તે ઘરમાં રહેનારને સારું સ્વાસ્થ્ય, તેજસ્વિતા, સુખ-સમૃદ્ધિ અને ગૌરવપૂર્ણ જીવનની પ્રાપ્તિ થાય છે. આ દિશાને બંધ કરવાથી સૂર્યના કિરણો ઘરમાં આવતાં અટકી જાય છે અને તેને લીધે ઘરમાં રહેનાર લોકોને અનેક પ્રકારની બિમારીઓના ભોગ બનવું પડી શકે છે. ખુલ્લી, ઓછું બાંધકામ ધરાવતી અને ઉતરતાં ઢાળવાળી પૂર્વ દિશા યશ-પ્રતિષ્ઠા અને માન-સન્માનની પ્રાપ્તિ કરાવે છે. પૂર્વ દિશાની ઉર્જા સામાજીક મેળ-મિલાપ માટે મદદરૂપ બને છે. આથી પૂર્વ દિશામાં દીવાનખંડ કે સ્વાગત કક્ષ હોવો શુભ છે.

પશ્ચિમ દિશા: પૂર્વની વિરોધી રાશિ છે. પૂર્વ દિશા પ્રકાશ ફેલાવનારી છે, તો પશ્ચિમ દિશા અંધકારને લાવનારી છે. આ દિશા વાયુતત્વની સૂચક છે. વાયુ ચંચળ હોય છે અને તેથી આ દિશા ચંચળતા પ્રદાન કરે છે. આ દિશાના સ્વામી શ્રી વરુણદેવ છે. ગ્રહોમાં શનિદેવ પશ્ચિમ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે. પશ્ચિમ દિશા તરફ ઘરનો મુખ્ય દરવાજો તે ઘરમાં રહેનાર લોકોનાં મનને ચંચળ બનાવે છે. પશ્ચિમ દિશા તરફ મોં રાખીને બેસવાથી કે કોઈ કાર્ય કરવાથી મનમાં તણાવ પેદા થઈ શકે છે. જો કે પશ્ચિમ દિશા તરફ મોં રાખીને ભોજન કરી શકાય છે તેમજ આ દિશામાં ભોજનકક્ષનું નિર્માણ પણ કરી શકાય છે. પશ્ચિમ દિશાનો ભોજનકક્ષ અસીમ સુખ-શાંતિ અને સંતોષની અનુભૂતિ આપે છે. પશ્ચિમમુખી ઘર અત્યંત ધ્યાનથી નિર્માણ કરવામાં આવે તો શુભ રહે છે. આ દિશા પૂર્વની તુલનાએ વધુ ખુલ્લી હોય તો હાનિ કરી શકે છે. આ દિશા તરફનો ભાગ નીચો કે ઢાળ ધરાવતો ન હોવો જોઈએ. પશ્ચિમ દિશામાં શક્ય હોય ત્યાં સુધી વરંડા કે ઝરુખાં ન બનાવવાં જોઈએ. અસ્ત પામી રહેલાં સૂર્યના કિરણો સ્વાસ્થ્ય માટે લાભપ્રદ હોતાં નથી. પશ્ચિમ દિશા તરફની ઘરની દિવાલ ઊંચી તેમજ જાડી હોવી જોઈએ. વ્યાપારી વર્ગને પશ્ચિમ દિશા ફાયદો કરાવનારી રહે છે. તેઓ પરિશ્રમ દ્વારા યશ અને ઉન્નતિની પ્રાપ્તિ કરી શકે છે.

ઉત્તર દિશા: ઉત્તર દિશા જળતત્વ ધરાવનારી દિશા છે. આ દિશાનું સ્વામીત્વ બુધ ગ્રહ ધરાવે છે. આ દિશાના દેવ કુબેરજી છે. કુબેરજીની દિશા હોવાથી જીવનમાં ધન-ધાન્ય, સુખ-સંપતિ તથા દરેક પ્રકારના સુખ આપનારી છે. ઉત્તરમુખી દરવાજો કે બારી હોય તો સીધી કુબેરજીની દ્રષ્ટિ પડે છે. ધ્રુવ તારા સમાન સ્થિરતાનું સૂચન કરતી દિશા છે. આ દિશા શક્ય હોય તેટલી ખુલ્લી અને નીચા ઢાળવાળી હોવી જોઈએ. મુખ્ય દ્વાર, વરંડા, ઝરુખાં, બારીઓ કે અગાસી શુભ રહે છે. ઉત્તર દિશા માતૃભાવની સૂચક છે. આ દિશામાં ખાલી જગ્યા છોડવાથી માતૃપક્ષ, મામા-મોસાળથી લાભ થાય છે. કવિત્વ શક્તિ વિકસે છે. નોકર-ચાકર, મિત્ર, ઘર તેમજ અનેક પ્રકારનાં સુખની પ્રાપ્તિ થાય છે. ઉત્તર દિશા તરફ ઘરના બાંધકામની ઊંચાઈ નીચી રાખવી જોઈએ. વિદ્યા અધ્યયન, ચિંતન-મનન કે અન્ય કોઈ પણ જ્ઞાનોપાર્જન સંબંધી કાર્ય આ દિશા તરફ મુખ રહે તેમ બેસીને કરી શકાય. ઉત્તર દિશામાં પાણીનું વહન શુભ રહે છે. આ દિશા તરફ મસ્તક રાખીને સૂવું ન જોઈએ. ઉત્તર દિશામાં પગ આવે તે રીતે સૂવાથી આરામદાયી નિદ્રા આવે છે. ઘરનાં ઉત્તર તરફના કક્ષમાં ઉત્તર દિશામાં દરવાજા ખૂલતાં હોય તે રીતે તિજોરી રાખવી શુભ છે. ઉત્તર દિશામાં દીવાનખંડનું નિર્માણ કરી શકાય. આ દિશામાં શયનખંડ શુભ ન રહે.

દક્ષિણ દિશા: આ દિશાને પૃથ્વીતત્વ ધરાવતી માનવામાં આવે છે. દક્ષિણ દિશા મૃત્યુના દેવતા યમની દિશા છે. આ દિશાનો સ્વામી ગ્રહ મંગળ છે. દક્ષિણ દિશા અશુભ ગણાય છે અને આ દિશા બંધ રાખવી ઉત્તમ રહે છે. જો આ દિશામાં બારી કે દરવાજાઓ હોય તો પણ શક્ય તેટલાં બંધ રાખવાં જોઈએ. આ દિશામાં હંમેશા ઊંચુ અને ભારે નિર્માણ કરવું જોઈએ. દક્ષિણ દિશા ખુલ્લી રાખવાથી અશુભતા ઘર કરી જાય છે. દક્ષિણ દિશામાં રહેલાં વરંડા કે ઝરુખાંનો બહુ ઉપયોગ ન કરવો. આ દિશામાં ઘરનું પ્રવેશદ્વાર ક્રોધ અને અશાંતિ રખાવે છે. દક્ષિણ દિશા સ્થાયિત્વ પ્રદાન કરનારી દિશા છે. આથી ઘરની મુખ્ય વ્યક્તિનો શયનકક્ષ આ દિશામાં હોવો શુભ છે. દક્ષિણ દિશામાં માથું રહે તે રીતે શયન કરવાથી શાંત નિદ્રા આવે છે. દક્ષિણ દિશા તરફના કક્ષમાં ભારે કે અનુપયોગી સામાન રાખવો શુભ રહે છે. ભારે ફર્નીચર કે ભારે અલમારીઓ દક્ષિણ તરફની દિવાલે રાખી શકાય. આ દિશામાં પાણી, કૂવો, ભૂમિગત ટાંકી કે ભોંયરુ ન હોવું જોઈએ. છત પર રાખનારી પાણીની ટાંકી દક્ષિણ દિશામાં રાખી શકાય. સીડી પણ દક્ષિણ દિશામાં બનાવી શકાય. ઊંચા વૃક્ષો દક્ષિણ દિશા તરફ વાવવાં જોઈએ. દક્ષિણ દિશાના વાસ્તુ દોષને લીધે વધારે ક્રોધ આવે અને ભાઈઓ સાથે અણબનાવ રહેવાની સંભાવના રહે.

ઈશાન કોણ (ઉત્તર-પૂર્વ): ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચેનો કોણ ઈશાન કોણ કહેવાય છે. નામ પ્રમાણે જ જ્યાં ઈશ્વરનો વસવાટ છે તે ઈશાન કહેવાય. આ કોણના સ્વામી સ્વયં ઈશ્વર શિવ છે. ગ્રહોમાં ગુરુ ઈશાન કોણનું પ્રતિનિધિત્વ કરે છે. ગુરુ બધાં ગ્રહોમાં સૌથી શુભ ગ્રહ છે. ગુરુ સાત્વિક પ્રભાવ ધરાવનારો ગ્રહ છે. જ્ઞાન, ધર્મ, અધ્યાત્મ અને વિદ્યાનો કારક ગ્રહ છે. ધાર્મિક, આધ્યાત્મિક અને જ્ઞાન પ્રાપ્તિ હેતુ માટે પ્રયત્નો કરી રહેલાં લોકો માટે ગુરુ અને ઈશાન કોણ શુભ રહે છે. આ દિશા મંદિર, પૂજાખંડ કે ધ્યાનકક્ષ બનાવવાં માટે આદર્શ છે. દૂરદ્રષ્ટિ, પૂર્વાભાસ, પ્રેરણા અને જ્ઞાનની પ્રાપ્તિ આ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. ઈશાન કોણ શાંતિ પ્રદાન કરે છે. ઈશાન કોણની દિશાને સાફ-સુથરી, ખુલ્લી, નીચી અને ઢાળવાળી રાખવી જોઈએ. જેથી આધ્યાત્મિક અને આર્થિક સંપન્નતાની પ્રાપ્તિ થાય. આ કોણને મલિન રાખવાથી ઘરમાં અશાંતિ રહે. ઈશાન કોણમાં પીવાનાં પાણીની વ્યવસ્થા રાખી શકાય. આ જગ્યા પર ભારે સામાન રાખવાથી દૂર રહેવું જોઈએ. ઈશાન કોણમાં બાળકો માટેનો અભ્યાસખંડ બનાવવો શુભ રહે. આ કોણમાં શયનખંડ ન બનાવી શકાય. જો ઈશાન કોણમાં શયનખંડ હોય તો તેનો ઉપયોગ માત્ર નાના બાળકો માટે કરવો જોઈએ. ભૂમિગત પાણીની ટાંકી, કૂવો, બોરવેલ ઈશાન કોણથી સહેજ ઉત્તરે કે પૂર્વે બનાવી શકાય. નાના ફૂલઝાંડ અને બાગ ઈશાનકોણમાં શુભ રહે. દીવાનખંડ પણ બનાવી શકાય.

નૈઋત્ય કોણ (દક્ષિણ-પશ્ચિમ): દક્ષિણ અને પશ્ચિમ દિશાને જોડતો કોણ નૈઋત્ય કોણ કહેવાય છે. આ કોણનો સ્વામી નૈઋતિ નામક રાક્ષસ છે. ગ્રહોમાં રાહુ આ કોણનું પ્રતિનિધિત્વ કરે છે. ઘરનાં નૈઋત્ય ક્ષેત્રમાં ખાલી જગ્યા, ભૂમિગત બાંધકામ, પાણીની વ્યવસ્થા કે કાંટાંવાળા વૃક્ષ પીડા લાવે છે. આ અશુભ દિશા છે. અહીં ભારે સામાન કે વજન શુભ ફળ આપે છે. આ કોણથી ગૃહપ્રવેશ થાય તો ઘરમાં રાક્ષસનો પ્રવેશ થાય છે. આથી આ કોણ બંધ રાખવો જોઈએ. નૈઋત્ય કોણમાં ખુલ્લી જગ્યામાં રાક્ષસ વસવાટ કરે છે. જેથી આ દિશામાં ખાલી સ્થાન બિલકુલ ન છોડવું જોઈએ. આ દિશામાં રહેલાં બારી-દરવાજા શક્ય હોય ત્યાં સુધી બંધ રાખવાં જોઈએ. નૈઋત્ય કોણમાં ભોંયરું, કૂવો, રસોઈઘર, પીવાના પાણીની વ્યવસ્થા, બગીચો કે ખાડો ન કરવાં જોઈએ. આ કોણ સ્થાયિત્વ પ્રદાન કરનારો છે. ઘરનાં મુખ્ય વ્યક્તિનો અથવા સૌથી મોટા પુત્રનો શયન કક્ષ આ કોણમાં શુભ રહે છે. આ કોણમાં અતિથિઓને અને વિવાહ યોગ્ય પુત્રીને કક્ષ આપવાથી દૂર રહેવું જોઈએ. ભારે સામાન, ભારે અલમારીઓ, અનુપયોગી સામાન રાખવાનો ભંડાર કક્ષ નૈઋત્ય કોણમાં શુભ રહે. નૈઋત્ય કોણમાં ઉત્તર દિશા તરફ દરવાજા ખૂલે તે રીતે તિજોરી રાખી શકાય. આ કોણમાં સીડી બનાવવી પણ શુભ રહે.  

વાયવ્ય કોણ (પશ્ચિમ-ઉત્તર): પશ્ચિમ અને ઉત્તર દિશાની વચ્ચે બનતો કોણ વાયવ્ય કોણ કહેવાય છે. આ દિશાનું પ્રતિનિધિત્વ ચંદ્ર ગ્રહ કરે છે. વાયવ્ય કોણમાં વાયુતત્વની પ્રધાનતા છે. આ કોણમાં એકાદ બારી રાખવાથી ઘરમાં હવાની અવર-જવર સારી રહે છે. આ દિશાના સ્વામી વાયુદેવતા છે અને એ હંમેશા ચલાયમાન રહે છે. વાયવ્ય કોણમાં સ્થિરતાનો અભાવ છે. ઘરની મુખ્ય વ્યક્તિનો શયન કક્ષ આ કોણમાં રાખવાથી વારંવાર જગ્યા બદલવી પડે કે ઘરથી બહાર રહેવાનાં પ્રસંગ ઉદ્ભવે. જે વ્યક્તિને વ્યવસાય અથવા કામ અર્થે બહાર જવાનું વધુ રહેતું હોય તે આ કોણમાં પોતાનો શયન કક્ષ રાખી શકે. વધુ બહાર ભ્રમણથી વ્યવસાયમાં પ્રગતિ શક્ય બને છે. આ કોણમાં વિવાહ યોગ્ય પુત્રીનો કક્ષ રાખવાથી તેનાં જલ્દી વિવાહ થઈ જાય છે. સંતાન પ્રાપ્તિ ઈચ્છુક નવદંપતિએ વાયવ્ય કોણના શયન કક્ષનો ઉપયોગ ન કરવો જોઈએ. વાયવ્ય કોણનો કક્ષ ભાડે આપવાં માટે લાભદાયી રહે. આ કોણમાં ગેરેજ બનાવવું ઉત્તમ રહે. ધન-ધાન્ય અને મરી-મસાલા રાખવાં માટેનો ભંડાર કક્ષ વાયવ્ય કોણમાં બનાવી શકાય. જો અગ્નિ કોણમાં રસોઈઘર બનાવવું શક્ય ન હોય તો પછી આ કોણમાં રસોઈઘરનું નિર્માણ કરી શકાય. આ દિશાનો ઢાળ ઉત્તર તરફ વધુ આપવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

અગ્નિ કોણ (દક્ષિણ-પૂર્વ): દક્ષિણ અને પૂર્વ દિશા મધ્યે રહેલાં કોણને અગ્નિ કોણ કહેવાય છે. આ કોણમાં અગ્નિ તત્વનું અસ્તિત્વ માનવામાં આવ્યું છે. અગ્નિ કોણ રસોઈઘર અથવા અગ્નિ કે વીજળી સંબંધી કાર્યો માટે શુભ રહે. અગ્નિ કોણના રસોઈઘરમાં પૂર્વ તરફ મુખ રાખીને રસોઈ બનાવવી જોઈએ. આ કોણનો ઉપયોગ વીજળીના ઉપકરણો તથા લોખંડનો સામાન રાખવાં માટે કરી શકાય. અગ્નિ કોણના દેવ ગણેશજી અને સ્વામી ગ્રહ શુક્ર છે. શુક્ર પ્રેમ, સંવાદિતા અને પરસ્પર મૈત્રી સંબંધોનો કારક ગ્રહ છે. આ દિશામાં વાસ્તુ દોષ લગ્નજીવનના સુખમાં કમી લાવે છે. શુક્ર સ્ત્રી જાતિનો ગ્રહ છે. આ કોણ સ્ત્રીઓને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. અગ્નિ કોણમાં મલિનતા કે દૂષિત પદાર્થો સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પાડે છે. આ દિશા સૃષ્ટિના સર્જનને આગળ વધારે છે અને તેથી પ્રજનનક્રિયા પર આ દિશાનો અધિકાર છે. અગ્નિ કોણનો વાસ્તુ દોષ સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી પેદા કરે છે. અગ્નિકોણમાં શયન કક્ષ કે અભ્યાસ ખંડ ન હોવો જોઈએ. આ કોણમાં ઘરનું મુખ્ય દ્વાર કલહનું કારણ બને છે. અગ્નિકોણમાં ગેરેજ બનાવી શકાય. અગ્નિસ્થાન હોવાથી આ કોણમાં પાણી રાખવાથી દૂર રહેવું જોઈએ. આ સ્થાન પર સ્નાનગૃહ, કૂવો, પાણી કે બોરવેલ અશુભ પ્રભાવ આપે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા