મંગળના વૃષભ પ્રવેશની બાર રાશિઓ પર શુભાશુભ અસર - 22/03/2019


નવ ગ્રહોમાં મંગળને સેનાપતિનું સ્થાન આપવામાં આવ્યું છે. મંગળ એ યુદ્ધનો દેવતા છે. યુદ્ધ લડવાં માટે શક્તિ, બળ, હિંમત, સાહસ, જોશ, પરાક્રમ, આવેગ, આક્રમકતા અને ઉગ્રતાની જરૂર પડે. મંગળ આ દરેક ગુણનું પ્રતિનિધિત્વ કરે છે. તે વિશિષ્ટ શારીરિક તાકાત ધરાવતો ગ્રહ છે. ઝડપથી વિચારે છે અને ઝડપથી વિચારોને અમલમાં મૂકે છે. લડાયક અને વાદ-વિવાદ કરનારો ગ્રહ છે. શક્તિ, સાહસ, ક્રોધ, યુદ્ધ, દુર્ઘટના, અકસ્માત, હિંસા, યંત્ર-શસ્ત્ર, શત્રુ, ભાઈ-ભાંડુ, પોલીસ, શસ્ત્રક્રિયા કરનાર ડોક્ટર, મિકેનીકલ એન્જીનીયર, ભૂમિ, અગ્નિ અને વીજળીનો કારક ગ્રહ છે. શરીર પર થતાં ઘા, કાપાં, ઘસરકાંઓ અને દાઝવાનાં નિશાનો મંગળને આભારી હોય છે. મંગળ ઉર્જાથી ભરપૂર ગ્રહ છે. સકારાત્મક રીતે ઉર્જાને પોલીસ કે સેનામાં ભરતી થઈને લોકોનું રક્ષણ કરવામાં વાપરી શકાય અને નકારાત્મક રીતે આતંક ફેલાવી હિંસા આચરી શકાય. બધો આધાર આપણાં ઉપર છે કે આપણે મંગળની ઉર્જાનો ઉપયોગ કઈ રીતે કરવો છે.

22 માર્ચ, 2019ના રોજ 15.06 (IST) કલાકે મંગળ મેષમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે. મેષ રાશિ મંગળની સ્વરાશિ હતી. મેષ રાશિમાં મંગળ પૂર્ણ સ્વરૂપે બળવાન અને આવેગમય વ્યક્ત થાય છે. હવે વૃષભ રાશિ એ શુક્રનું સ્વામીત્વ ધરાવતી રાશિ છે. શુક્ર એ પ્રેમ અને સંવાદિતાનો કારક ગ્રહ છે. અહીં હવે મંગળના આવેશમાં ઘટાડો થશે. જો કે મંગળનો શુક્રની રાશિમાં પ્રવેશ વૃષભના શાંત પાણીમાં વમળો પેદા કરશે. પ્રેમ કે સંબંધોમાં આપણે સ્વકેન્દ્રીત ન બની જઈએ તેનું ધ્યાન રાખવું જરૂરી બનશે. મેષમાંથી મંગળ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહેલાં ગુરુ પર દ્રષ્ટિ કરી રહ્યો હતો. આ એકપક્ષીય દ્રષ્ટિપાત હતો. હવે વૃષભમાં મંગળના પ્રવેશ સાથે મંગળ તો ગુરુ પર દ્રષ્ટિ કરશે જ, પરંતુ સાથે-સાથે હવે ગુરુને પણ મંગળ પર દ્રષ્ટિ કરવાની તક મળી છે. ગુરુ એ જ્ઞાન અને ડહાપણ ધરાવતો ગ્રહ છે. મંગળ પર ગુરુની દ્રષ્ટિ તેની ઉર્જાને યોગ્ય અને સારાં કામ તરફ વાળશે. વૃષભ રાશિ એ સ્થિર રાશિ છે. હવે અહીં મંગળ ઉતાવળીયો અને અવિચારી નહી રહેતાં થોડો ધીરજવાન બનશે. વૃષભ રાશિમાં એકવિધતા છે. રોજ એકનું એક કામ થાક્યા વગર કરવું એ સ્થિર રાશિનો ગુણ છે. વૃષભ રાશિમાં મંગળની ઉર્જાને એક કાર્યમાં કેન્દ્રિત કરીને કશુંક નક્કર નિર્માણ કે ઘડતર કરી શકાય છે. જેમ કે વૃષભ રાશિનું ચિહ્ન એવો બળદ રોજ એક જ ચીલે ચાલવામાં પોતાનું સંપૂર્ણ બળ લગાડે છે અને અંતે ખેતર ખેડાય જાય છે અને પાક ઉગી નીકળે છે. વૃષભ રાશિમાં મંગળ ગતિ પકડવામાં ધીમો રહેશે. પરંતુ એકવાર ગતિ પકડી લે પછી કોઈ તેને રોકી શકે તેમ નહિ હોય.

મંગળ એક રાશિમાં લગભગ દોઢ માસ રહે છે. વૃષભ રાશિમાં મંગળ 7 મે, 2019 સુધી ભ્રમણ કરશે. વૃષભનાં મંગળનો આ સમય બારેય રાશિઓ/જન્મલગ્નને કેવું ફળ આપશે તે જોઈએ. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગના બિંદુ વગેરે પરિબળો પર રહેલો છે.  

મેષ (, , ઈ): મંગળ દ્વિતીયભાવમાં પ્રવેશ કરશે. નાણાકીય ખર્ચ વધી જવાની સંભાવના રહે. ઉડાઉ બનીને ખર્ચ કરો જેથી ધનની હાનિ થઈ શકે છે. વાણી તીખી અને કટાક્ષયુક્ત બની શકે છે. કુટુંબીજનો સાથે ક્લેશ થવાની શક્યતા રહે. લોકોના અપશબ્દ સાંભળવાનો વખત આવે. જીવનસાથીને કષ્ટ પડે તેવી ઘટના ઘટી શકે. અકસ્માતથી સાવચેત રહેવું. વિદ્યાર્થીઓએ વિદ્યાનો ભંગ થવાથી સંભાળવું. સંતાનથી સંતાપ રહે. ભાગ્યની હાનિ થતી જણાય. નેત્રપીડા કે નેત્રના ઓપરેશનનો યોગ બને. ડેન્ટીસ્ટ પાસે જવા માટે આ સમય યોગ્ય રહે. વારસાગત સંપતિથી લાભ થાય.    

વૃષભ (બ, , ઉ): મંગળ લગ્નસ્થાનમાં પ્રવેશ કરશે. સક્રિય અને સ્ફૂર્તિલા બનો. પડકારોનો સામનો કરવાનું સાહસ આવે. પગ વાળીને સ્થિર બેસવું મુશ્કેલ બને. ક્રોધમાં વધારો થાય. સમય અને પરિસ્થિતિ પ્રમાણે ઝાઝું કે ઊંડુ વિચાર્યા વગર વર્તો તેવું બને. કેટલીકવાર કૃત્ય થઈ ગયા બાદ પસ્તાવાનો અનુભવ થાય. ક્રોધ અને આવેગથી ગુનાહિત કૃત્ય ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. ચિત્ત વ્યગ્ર અને વિહ્વળ બને. પિત્તવિકાર થાય કે તાવ આવી શકે છે. બ્લડપ્રેશર વધી શકે છે. શસ્ત્ર અને અગ્નિનો ભય રહે. માતાને કષ્ટ પડે. અપરિણીત જાતકોને લગ્ન થવાની સંભાવના ઉભી થાય. વ્યવસાયથી લાભ થાય.

મિથુન (ક, , ઘ): મંગળ દ્વાદશભાવમાં પ્રવેશ કરશે. ચિંતા રહ્યા કરે. સુખચેનભરી નિદ્રાની કમી રહે. ગુપ્ત શત્રુઓ જેવાં કે ચોર, ખિસ્સાકાતરું વગેરે દ્વારા ભય રહે. ધનની હાનિ કે ખર્ચ થઈ શકે છે. હરીફો પર વિજયની પ્રાપ્તિ થઈ શકે છે. આરોગ્ય માટે સમય પ્રતિકૂળ રહેવાની સંભાવના છે. નેત્રરોગથી સાવધાન રહેવું. કારણ વગર ઘરની બહાર ભ્રમણ રહે. અગાઉથી આયોજન કર્યા વગરની ઉતાવળમાં નક્કી કરાતી મુસાફરી કે વિદેશયાત્રા થઈ શકે છે. જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના રહે. જીવનસાથીનું આરોગ્ય પણ ચિંતા કરાવી શકે છે. નોકરી બદલવા માટે આ સમય યોગ્ય રહે.

કર્ક (ડ, હ): મંગળ એકાદશભાવમાં પ્રવેશ કરશે. આ ગોચર શુભ નીવડવાનો સંભવ રહેશે. આર્થિક લાભ થઈ શકે છે. ઐશ્વર્ય અને વૈભવમાં વૃદ્ધિ થાય. કૌટુંબિક સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. નવા કાર્યોની યોજના સફળ રહે. નોકરીમાં સત્તા કે ઉચ્ચપદની પ્રાપ્તિ થઈ શકે છે. વ્યવસાયમાં સફળતા મળે. સંતાનસુખની પ્રાપ્તિ થાય. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સફળતા મળે અને પ્રગતિના નવા દ્વાર ઉઘડે. પ્રણય કે સગાઈ માટે આ ગોચર અનુકૂળ રહે. મિત્રો અને મોટાં ભાઈ-બહેનો સાથે મતભેદ થઈ શકે છે. મોસાળપક્ષને કષ્ટ પડી શકે છે. રમત-ગમત દ્વારા મનોરંજન મેળવી શકો.

સિંહ (મ, ટ): મંગળ દસમભાવમાં પ્રવેશ કરશે. નોકરી-વ્યવસાયમાં પ્રારંભમાં મુશ્કેલી અનુભવ્યા બાદ પ્રગતિનો અનુભવ થાય. વધુ મહેનત કરવી પડે. જો કે મહેનત કરવા માટેની શક્તિ અને બળ પણ મંગળ પૂરું પાડે. નવી નોકરી કે નવી આજીવિકાની પ્રાપ્તિ થઈ શકે છે. કૌટુંબિક વ્યવસાયને અપનાવી શકાય અથવા વ્યવસાયમાં ઘરના સભ્યોની મદદ લઈ શકાય. વ્યવસાયમાં પિતાની સલાહ કે મદદ ઉપયોગી નીવડે. નવા કાર્યોમાં રુચિ વધે. સ્થાવર સંપતિ કે વાહનની ખરીદી થઈ શકે છે. વ્યાપારિક હેતુ સંપતિ કે વાહનની ખરીદી થઈ શકે. સંતાનપક્ષ ચિંતા કરાવી શકે છે. માનસિક અકળામણ થઈ શકે.

કન્યા (પ, , ણ): મંગળ નવમભાવમાં પ્રવેશ કરશે. પિતા અને ગુરુજનો સાથે મતભેદ થઈ શકે છે. પિતાનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. ભાગ્યની હાનિ થવાનો સંભવ રહે. અગાઉથી આયોજન કર્યા વગરના યાત્રા-પ્રવાસ થવાની સંભાવના રહે. ઉચ્ચ અભ્યાસ, સંશોધન, પત્રકારિતા કે માહિતી એકઠી કરવાં હેતુ યાત્રા થઈ શકે છે. નાના ભાઈ-બહેનો સાથે મિલન સંભવે. જો કે નાના ભાઈ-બહેનોને લીધે માનસિક ઉદ્વેગનો અનુભવ પણ થઈ શકે છે. સ્થળાંતર કે બદલી થવાની સંભાવના રહે. નાણાકીય ખર્ચમાં વધારો થઈ શકે છે. ઘરમાં ક્લેશનું વાતાવરણ રહે. માનસિક ઉચાટનો અનુભવ થાય.

તુલા (ર, ત): મંગળ અષ્ટમભાવમાં પ્રવેશ કરશે. જીવનસાથી સાથે મતભેદ ન થાય તેની કાળજી રાખવી. જીવનસાથીનું આરોગ્ય ચિંતા કરાવી શકે. વ્યાવસાયિક ભાગીદારી કરવાથી દૂર રહેવું. વાહન ચલાવવામાં સાવધાની રાખવી જરૂરી બનશે. ઓપરેશન કે બિમારી આવી શકે છે. કૌટુંબિક ક્લેશ થવાની સંભાવના રહે. કુટુંબના સભ્યોનું આરોગ્ય પણ ચિંતા કરાવી શકે. વાણી પર નિયંત્રણ રાખવું. કુટુંબમાં માંગલિક પ્રસંગની ઉજવણીને લીધે ધનનો ખર્ચ થાય. વારસાગત ધન-સંપતિને લીધે આર્થિક લાભ થઈ શકે છે. યાત્રાઓ કષ્ટદાયી રહે. નાના ભાઈ-બહેનોને લીધે મુશ્કેલી પડી શકે છે.

વૃશ્ચિક (ન, ય): મંગળ સપ્તમભાવમાં પ્રવેશ કરશે. શારીરિક તંદુરસ્તી અને સક્રિયતામાં વધારો થાય. રોજબરોજની ટેવો, કસરત અને ખાન-પાનમાં સુધારો થાય. નેત્રપીડાથી સાવધ રહેવું. જીવનસાથીનો સ્વભાવ ક્રોધી અને ઉગ્ર બને તેવી સંભાવના રહે. લગ્નજીવનમાં લડાઈ-ઝઘડાંઓ અને દલીલો કરવાથી દૂર રહેવું. જીવનસાથીને અનુરૂપ પોતાને ઢાળવાની કોશિશ કરો. કૌટુંબિક ક્લેશ થવાની સંભાવના રહે. નાણાકીય બચત થવામાં મુશ્કેલીનો અનુભવ થાય. નોકરી-વ્યવસાય બાબતે સમય પ્રગતિજનક રહે. નવી નોકરી મળી શકે છે. સહકર્મચારીઓ સાથેના સંબંધોમાં સમાનતાનો અનુભવ થાય.

ધનુ (ભ, , , ઢ): મંગળ ષષ્ઠમભાવમાં પ્રવેશ કરશે. નોકરી-વ્યવસાય અર્થે યાત્રા થઈ શકે છે. વિદેશયાત્રા અથવા દૂરના સ્થળની યાત્રા થવાની પ્રબળ સંભાવના બને. આરોગ્યની વિશેષ કાળજી રાખવી જરૂરી બને. અકસ્માતથી સાવધ રહેવું. શુભ માંગલિક કાર્યો પાછળ ધન ખર્ચ થવાની સંભાવના રહે. સહકર્મચારીઓ ગુપ્ત શત્રુ તરીકેની ભૂમિકા ભજવી શકે છે. જો કે શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થાય. નિ:સ્વાર્થ સેવાના કાર્યો થઈ શકે. જેલ, હોસ્પિટલ કે આશ્રમ જેવાં સ્થળોએ નોકરીની પ્રાપ્તિ થઈ શકે. નોકરીમાં રચનાત્મક કાર્યો પર કામ થઈ શકે. ભાગ્યમાં વૃદ્ધિ થાય.

મકર (ખ, જ): મંગળ પંચમભાવમાં પ્રવેશ કરશે. બુદ્ધિ તીવ્ર બને. આર્થિક લાભ થવાની સંભાવના રહે. મિત્રો સાથે સુખમય સમય વ્યતીત કરી શકાય. મોટાં ભાઈ-બહેનોના સહકારની પ્રાપ્તિ થાય. નવી ઓળખાણો અને મૈત્રી સંબંધો રચાય શકે છે. વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષણ થઈ શકે છે. પ્રણયમાં કલહનો અનુભવ થાય. સંતાન સંબંધી ઉપાધિ થઈ શકે છે. રમત-ગમત થકી મનોરંજન મેળવો અથવા રમત-ગમતનાં આયોજનમાં ભાગ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો અભ્યાસમાં પ્રગતિ સાધી શકે. લાંબા સમયથી સેવેલી ઈચ્છાઓની પૂર્તિ શક્ય બને. શેરબજારથી લાભ થવાની સંભાવના રહે.

કુંભ (ગ, , , ષ): મંગળ ચતુર્થભાવમાં પ્રવેશ કરશે. નોકરી-વ્યવસાયમાં સફળતા મળે. નવી નોકરી મળી શકે અથવા નવો વ્યવસાય શરૂ કરી શકાય. વ્યવસાયમાં સાહસી નિર્ણયો લઈ શકાય. ઘર ખાલી કરતાં કે ઘર સંબંધી કોઈપણ ફેરફાર કરવાથી દૂર રહેવું જોઈએ. જૂના ઘરનું સમારકામ કરાવી શકાય. રાત્રે વિચારો વધુ આવે અને સુખચેનભરી નિદ્રાની કમી રહે. ગૃહક્ષેત્રે ક્લેશનું વાતાવરણ રહે. માતાને કષ્ટ પડવાની સંભાવના રહે. પેટ અથવા પેટની ઉપરના ભાગમાં પીડાનો અનુભવ થઈ શકે. હ્રદયને સંતાપ થાય. મનમાં દબાયેલો ગુસ્સો રહે. મિત્રો અને ભાઈઓથી મુશ્કેલી પડવાની શક્યતા રહે.

મીન (દ, , , થ): મંગળ તૃતીયભાવમાં પ્રવેશ કરશે. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થાય. ભાગ્યનો સાથ મળી રહે. લાભદાયી યાત્રા થવાની સંભાવના રહે. આર્થિક લાભ થઈ શકે છે. સામાજીક માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. શત્રુઓને હંફાવી શકાય. ધાર્મિક કાર્યો પ્રત્યેની રુચિમાં વધારો થાય. ધર્મને લગતું લખાણ કે પ્રકાશન થઈ શકે. વિદ્યાર્થી મિત્રોને ઉચ્ચ અભ્યાસ બાબતે આ ભ્રમણ શુભ રહે. પાડોશી સાથે કલહ ન થાય તેનું ધ્યાન રાખવું. નાના ભાઈ-બહેનોને લીધે નાણાકીય ખર્ચ થઈ શકે છે. સંદેશાવ્યવહારના સાધનો જેવા કે કોમ્પ્યુટર, ટીવી, ટેલિફોનના વધુ પડતાં ઉપયોગથી તણાવ રહે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા