ગંડાંતના ગુરુની ગડમથલ - 29/03/2019


ગોચરમાં વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહેલાં ગુરુ મહારાજે 15 માર્ચ, 2019ના રોજ ગંડાંત ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. 29 માર્ચ, 2019ના રોજ 0 અંશે ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. 10 એપ્રિલ, 2019ના રોજ વક્રી થશે અને 23 એપ્રિલ, 2019ના રોજ ફરી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ બધો સમય ગંડાંતમાં જ રહેલાં ગુરુ મહારાજ 6 મે, 2019ના રોજ ગંડાંત ક્ષેત્રમાંથી બહાર આવશે. ગંડાંત ક્ષેત્ર કાર્મિક ફળ આપે છે. કોઈ પણ ગ્રહનું ગંડાંતમાં હોવું એ કઠિન પરિસ્થિતિ છે. અહીં ગ્રહ આરામપ્રદ સ્થિતિનો અનુભવ નથી કરતો અને પોતાની ઉર્જાને કુદરતી રીતે અભિવ્યક્ત કરવામાં અસમર્થ બને છે.

ગંડાંત એટલે શું? ગંડાંત શબ્દની સંધિ છૂટી પાડીએ તો ગંડ+અંત થાય. સંસ્કૃતમાં ગંડ એટલે કે ગાંઠ અથવા ગ્રંથિ અને ગંડાંત એટલે કે અંતમાં, છેવટમાં લાગેલી ગાંઠ. જ્યાં પણ ગાંઠ પડે ત્યાં મુશ્કેલી ઉભી થાય. પછી એ ગાંઠ દોરીમાં પડી હોય, સંબંધમાં પડી હોય કે રાશિચક્રમાં! આપણાં આર્ષદ્રષ્ટા ઋષિમુનિઓએ બાર રાશિઓનાં બનેલાં રાશિચક્રમાં ત્રણ જગ્યાએ ગાંઠ પડ્યાંનો સંકેત આપ્યો છે.

ક્યાં પડી છે આ ગાંઠ? સમગ્ર વિશ્વ પાંચ તત્વોથી બનેલું છે. ૧. અગ્નિ ૨. પૃથ્વી ૩. વાયુ ૪. જળ ૫. આકાશ. બાર રાશિઓને પણ પંચતત્વો પ્રમાણે નીચે મુજબ વર્ગીકૃત કરેલ છે.

અગ્નિ રાશિઓ - મેષ, સિંહ, ધનુ
પૃથ્વી રાશિઓ – વૃષભ, કન્યા, મકર
વાયુ રાશિઓ – મિથુન, તુલા, કુંભ
જળ રાશિઓ – કર્ક, વૃશ્ચિક, મીન

આકાશ તત્વ સર્વવ્યાપી છે અને દરેક રાશિમાં સમાયેલું છે.

જ્યાં જળ રાશિ પૂરી થાય અને અગ્નિ રાશિની શરૂઆત થાય એ સંધિસ્થળને ગંડાંત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કર્ક-સિંહ, વૃશ્ચિક-ધનુ અને મીન-મેષ એ ત્રણ ગાંઠ રાશિચક્રમાં પડેલી છે. અગ્નિ અને જળ બંને પરસ્પર વિરોધી તત્વો છે. અગ્નિ જળને ગરમ કરીને બાળી નાખી શકે છે. જ્યારે જળ અગ્નિ પર પડીને એને ઠારી નાખી શકે છે. આમ પરસ્પર વિરોધી પ્રકૃતિ ધરાવતા તત્વો જ્યાં એકબીજા સાથે ભળે છે તે ક્ષેત્રમાં ગાંઠ પડી જતી હોવાનું જણાવવામાં આવ્યું છે. અગ્નિ અને જળની આ સંધિ અશાંત, વિસ્ફોટક તેમજ ઉથલપાથલ મચાવી દેનારી હોવાથી અશુભ માનવામાં આવે છે.

નક્ષત્ર અનુસાર રેવતી (મીન), આશ્લેષા (કર્ક) અને જ્યેષ્ઠા (વૃશ્ચિક)ની અંતની ૨ ઘડી અર્થાત ૪૮ મિનિટ અને અશ્વિની (મેષ), મઘા (સિંહ) અને મૂળ (ધનુ)ની પ્રારંભની ૨ ઘડી અર્થાત ૪૮ મિનિટ (સળંગ ૪ ઘડી) ગંડાંત ક્ષેત્ર કહેવાય છે. બુધનુ સ્વામીત્વ ધરાવતાં નક્ષત્રો રેવતી, આશ્લેષા અને જ્યેષ્ઠા સાત્વિક નક્ષત્રો છે. જ્યારે કેતુનુ સ્વામીત્વ ધરાવતાં નક્ષત્રો અશ્વિની, મઘા અને મૂળ તામસિક નક્ષત્રો છે. સત્વ અને તમસ પરસ્પર વિરોધી ગુણો છે. સત્વ એ સુખ, આનંદ, જ્ઞાન, ડહાપણ, મનની શાંત અવસ્થા અને ઉત્કૃષ્ટતાનુ પ્રતીક છે. જ્યારે તમસ એટલે કે અંધકાર. તમસ એ આળસ, નિષ્ક્રિયતા, અકર્મણ્યતા, ઉદાસીનતા, ભ્રમ અને અજ્ઞાનનું પ્રતીક છે. સત્વ અને તમસનું સંધિસ્થળ એટલે જ અશુભ માનવામાં આવે છે અને ગંડાંત તરીકે ઓળખાય છે.

હાલ 15 માર્ચથી 6 મે સુધી ગુરુ વૃશ્ચિક-ધનુના 2912’-0048’ ગંડાંત ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યો છે. સામાન્ય રીતે ગુરુને ગંડાંતમાંથી પસાર થતાં આશરે દસ દિવસ જેટલો સમય લાગે છે. પરંતુ આ વખતે ગુરુ ગંડાંતમાં જ વક્રી થઈ રહ્યો હોવાથી લગભગ દોઢથી બે મહિના જેટલો લાંબો સમય ગંડાંત ક્ષેત્રમાં રહેશે. આટલો લાંબો સમય ગંડાંતમાં રહેવાથી તેની અસર સમગ્ર દુનિયા પર સામૂહિક રીતે અને દરેક વ્યક્તિ પર અંગત રીતે વત્તે-ઓછે અંશે ચોક્કસ અનુભવાશે.

કેવી રહેશે ગંડાંત ગુરુની અસર? એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારોકે તમે પોતાનાં દેશના ટાઈમ ઝોન કરતાં અલગ ટાઈમ ઝોન ધરાવતાં દેશે જવાની યાત્રા કરો છો. આ યાત્રાને લીધે તમે જેટ લેગ એટલે કે ઊંઘવા અને જાગવાની સ્થિતિમાં વિષમતા અનુભવશો. તમારા શરીરની આંતરીક ઘડિયાળ ખોરવાશે. જેટ લેગની સૂક્ષ્મ નકારાત્મક અસર તમારી કામગીરી નબળી પાડશે અને થાકનો અનુભવ કરશો. કંઈક આવી જ પરિસ્થિતિ જ્યારે ગ્રહ ગંડાંતમાંથી પસાર થાય ત્યારે ઉદ્ભવે છે. ગ્રહ કષ્ટ અને બદલાવનો અનુભવ કરે છે. 

ગંડાંતમાં સ્થિત ગ્રહ જે ભાવનો અધિપતિ હોય તે ભાવ સંબંધી બાબતો કે ક્ષેત્રો અંગે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ગુરુ એ ધનુ અને મીન રાશિનો સ્વામી છે. તમારી કુંડળીમાં ધનુ અને મીન રાશિ ક્યાં ભાવમાં સ્થિત છે તે જુઓ. તે ભાવ સંબંધી બાબતો અંગે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દા.ત. મિથુન રાશિને ગુરુ સપ્તમ અને દસમ ભાવનો સ્વામી છે. આથી આ સમય દરમિયાન લગ્ન, જીવનસાથી, વ્યાવસાયિક ભાગીદારી, આજીવિકા, નોકરી-વ્યવસાય વગેરેને લગતાં પ્રશ્નો સતાવે.

આ ઉપરાંત ગ્રહના કારકત્વ સંબંધી બાબતો અંગે પણ મુશ્કેલીઓ પડી શકે છે. ગુરુ એ જ્ઞાન, વિદ્યા, ધન-સંપતિ, સંતાન, ધર્મ, ગુરુ/શિક્ષક અને સ્ત્રીની કુંડળીમાં પતિનો કારક ગ્રહ છે. આ દરેક બાબતોને લગતાં પ્રશ્નો મુશ્કેલી કે મુંઝવણ પેદા કરી શકે તેમજ આ બાબતોનું ફળ પ્રાપ્ત કરવાં માટે સંઘર્ષનો સામનો કરવો પડી શકે.

ધનુ કે મીન જન્મરાશિ, જન્મલગ્ન કે સૂર્ય ધરાવનારને ગુરુનાં ગંડાંત ભ્રમણનો સમય સૌથી વધુ તણાવપૂર્ણ રહેવાની સંભાવના છે. ત્યારબાદ જળ રાશિઓ કર્ક અને વૃશ્ચિકને આ ભ્રમણ વધુ અસર કરનારું રહેશે. હાલ સિંહ રાશિનો સ્વામી સૂર્ય મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. મીન રાશિના રાશ્યાધિપતિ ગુરુનું ગંડાંતમાં પ્રવેશવું સિંહ રાશિ કે સિંહ જન્મલગ્ન ધરાવનાર માટે કષ્ટદાયક બની શકે છે. જો વૃશ્ચિક-ધનુ ગંડાંત ક્ષેત્રમાં જન્મનો કોઈ ગ્રહ પડ્યો હશે તો તે ગ્રહની બાબતો અંગે સકારાત્મક પરિણામ મળી શકે છે.

ગોચરમાં ગંડાંતમાં ગ્રહનું પસાર થવું અશુભ અને કષ્ટદાયક છે. પરંતુ ગંડાંત જ છે કે જ્યાંથી ગ્રહના પસાર થવાથી જીવનની પરિસ્થિતિ અંગે સાચી સમજ ઉઘડે છે. એક નવી શરૂઆત થાય છે. જળમાં ધોવાઈને મલિનતા સાફ થાય છે અને અગ્નિમાં તપીને શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે. પરંતુ જ્યારે એ મલિનતા સાફ થઈ રહી હોય એ સમય કષ્ટદાયક હોય છે. જીવનની ગડમથલ, મુંઝવણ, કષ્ટ, હાનિ અને પીડા તમને ઘસીને ચમકાવે છે. ત્યારબાદ તમે નાવિન્ય ધારણ કરીને શુદ્ધ અને પવિત્ર, અધ્યાત્મના તેજથી તપીને ચમકતાં-ચળકતાં, તેજસ્વી થઈને બહાર નીકળો છો.

ગંડાંતમાંથી પસાર થઈ રહેલો ગ્રહ શરૂઆતમાં જીવનમાં ઊંડે દટાય ગયેલાં પ્રશ્નો સપાટી પર લાવે છે. પ્રશ્ન સંબંધી પીડા અને ગડમથલ પેદા કરે છે. મનમાં ધરબાયેલાં ભય અને અસલામતી બહાર આવે છે. પરંતુ બાદમાં ધીરે-ધીરે એક સ્પષ્ટ સમજ પેદા થાય છે. ખરાં-ખોટાંનું ભાન આવે છે. સમસ્યાનું નિરાકરણ સમજાય છે. છેવટે અમુક બાબતોનો અંત આવે છે અને જીવનમાં એક નવી શરૂઆત થાય છે. દાખલા તરીકે જ્યારે તમે ગાઢ અંધકારમાંથી બહાર તેજ પ્રકાશમાં આવો છો ત્યારે થોડીવાર માટે તમારી આંખો અંજાય જાય છે. તમે કશું જ સ્પષ્ટ જોઈ શકતાં નથી. પરંતુ ત્યારબાદ ધીરે-ધીરે તમારી નજર સમક્ષ દ્રશ્ય સ્પષ્ટ થવાં લાગે છે. તમે તમારી આસપાસની દુનિયાને હવે સ્પષ્ટ રીતે જોઈ શકો છો અને એ પ્રમાણે વર્તી શકો છો. ગ્રહ જ્યારે ગંડાંતમાં પ્રવેશ કરે ત્યારે એ તમને તમારા મનના અંધકારમાંથી બહાર કાઢે છે. શરૂઆતમાં પરિસ્થિતિ ધૂંધળી બની ગયાનો અનુભવ થાય. પરંતુ જો ધીરજથી કામ લેવામાં આવે તો પરિસ્થિતિ પહેલાં કરતાં વધુ સ્પષ્ટ અને રાહતમય બને. 

દેશ અને દુનિયામાં ગુરુનાં ગંડાંત ગોચર ભ્રમણ દરમિયાન ભૂકંપ, પૂર, અકસ્માત, હિંસાત્મક ઘટનાઓ, રાજકીય કે કાયદાકીય દલીલો વગેરે જોવા મળી શકે છે. ભારતમાં આ જ ગાળા દરમિયાન લોકસભાની ચૂંટણી યોજાય રહી છે. હાલ પ્રવર્તી રહેલ રાજકીય આક્ષેપો અને ટીકાઓ, દલીલબાજી અને અટકળોનું વાતાવરણ ગુરુનાં ગંડાંત ભ્રમણનું સૂચક છે.

આ ભ્રમણ દરમિયાન શું ધ્યાન રાખશો? ગુરુના ગંડાંત ક્ષેત્રમાં ભ્રમણ દરમિયાન માનસિક સ્વસ્થતા બનાવીને રાખો અને નકારાત્મક વિચારસરણીથી દૂર રહો. નિયમિત યોગ-ધ્યાન અને આધ્યાત્મિક પ્રવૃતિ કરો. અન્ય લોકો સાથે દલીલો કરવાથી દૂર રહો. વધારે પડતાં જોખમી નાણાકીય રોકાણો કરવાથી દૂર રહો. કોઈ કાર્ય અંગે શંકા જણાય તો હાલ રાહ જોવાની નીતિ અપનાવો. પૂરતી ઉંઘ લો, સત્યનું આચરણ કરો અને આત્માના અવાજને અનુસરો. અંતે એ યાદ રાખવું કે જિંદગી એ સૌથી મોટી ગુરુ છે. શીખો અને શીખતાં રહો !!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા