ગુરુના વૃશ્ચિક ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ


આજે 11 ઓક્ટોબર, 2018ના રોજ 19.18 કલાકે ગુરુ મહારાજ તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. અહીં ગુરુ 5 નવેમ્બર, 2019 સુધી ગોચર ભ્રમણ કરશે. આ દરમિયાન વચ્ચે 29 માર્ચ, 2019  થી 23 એપ્રિલ, 2019ના આશરે 24 દિવસ જેટલાં ટૂંકા ગાળા માટે ધનુ રાશિમાં ભ્રમણ કરશે. પરંતુ બાકીના સમયગાળામાં ગુરુ વૃશ્ચિક રાશિમાં જ ભ્રમણ કરશે. આથી વત્તે-ઓછે અંશે આ ગુરુનું વૃશ્ચિક ભ્રમણ જ કહેવાશે.

જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને 'જીવ' કહ્યો છે. તે જ્યાંથી પણ પસાર થાય તે ભાવને 'જીવિત' કરી દે છે. જીવનની જે પણ બાબતોને સ્પર્શે તેમાં પ્રાણ ફૂંકી દે છે. આવાં નવેય ગ્રહોમાં નિતાંત શુભ એવાં ગુરુનું વૃશ્ચિક રાશિમાં ગોચર ભ્રમણ બારેય રાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ.

અહીં નોંધવું જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગમાં જે-તે સ્થાનને મળેલાં બિંદુઓ વગેરે પર રહેલો છે.

મેષ: મેષ રાશિને ગુરુ અષ્ટમસ્થાનેથી ભ્રમણ કરશે. જીવન અને વ્યક્તિત્વમાં ઘણાં બદલાવ આવી શકે છે. વિચારો, માન્યતાઓ અને નૈતિક મૂલ્યોમાં ફેરફાર થવાની સંભાવના રહે. જીવનની ગુપ્ત, અજાણી અને રહસ્યમય બાબતોને જાણવાની જીજ્ઞાસા જાગે. અધ્યાત્મ વેદાંત અને ગૂઢ વિદ્યાઓનું અધ્યયન શક્ય બને. ભવિષ્ય સૂચક જ્ઞાન, સ્વપ્ન કે સંકેત મળી શકે છે. અણધારી ઘટનાઓ ઘટી શકે છે. વારસાગત અથવા ગુપ્ત ધનલાભ થવાની શક્યતા રહે. જીવનસાથી દ્વારા પણ ધનલાભ થઈ શકે છે. વીમા અને વ્યાજની રકમ સહાયરૂપ બને. દૂરના સ્થળની યાત્રાથી જીવનમાં પરિવર્તન આવી શકે છે. વિદેશયાત્રા આડેનાં અવરોધો દૂર થાય. સંશોધન કાર્ય સાથે જોડાયેલાં જાતકોને લાભ થવાની સંભાવના રહે. કુટુંબમાં સુખ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે. નવી સ્થાવર મિલકત કે વાહનની ખરીદી થઈ શકે. આરોગ્ય બાબતે સતર્ક રહેવું. સગર્ભા સ્ત્રીઓએ વિશેષ કાળજી રાખવી. પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.

વૃષભ: વૃષભ રાશિને ગુરુ સપ્તમસ્થાનેથી ભ્રમણ કરશે. અપરિણીતોની પ્રતીક્ષાનો અંત આવવાની સંભાવના છે. લગ્ન થઈ શકે છે અથવા વિજાતીય પાત્રનું સાહચર્ય પ્રાપ્ત થાય. પ્રેમીજનોને લગ્ન માટે માતા-પિતાના આશીર્વાદની પ્રાપ્તિ થાય. પરિણીતોને જીવનસાથીના સહયોગની પ્રાપ્તિ થાય. જીવનમાં આશા, ઉમંગ અને ઉત્સાહનો સંચાર થાય. સ્વનો વિકાસ સાધી શકાય. શરીરમાં મેદવૃદ્ધિ થઈ શકે છે. કોઈ નવો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા હો તો આ સમય યોગ્ય રહે. વ્યવસાય સંબંધી યાત્રાઓ થઈ શકે છે. વ્યાવસાયિક ભાગીદારી રચાવાની સંભાવના રહે. આર્થિક સુખ-સમૃદ્ધિમાં વધારો થાય. એક કરતાં વધુ સ્ત્રોતથી આવક થવાની સંભાવના રહે. મિત્રોથી ધનલાભ થઈ શકે છે. લાંબા સમયથી સેવેલી ઈચ્છાઓની પૂર્તિ થાય. જાહેર જીવનમાં માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. ભાઈ-બહેનો મદદરૂપ બને. લાભદાયી ઓળખાણો થઈ શકે છે. મોજ-શોખની પળોમાં સમય વ્યતીત થાય.

મિથુન: મિથુન રાશિને ગુરુ ષષ્ઠમસ્થાનેથી ભ્રમણ કરશે. મોસાળપક્ષથી લાભ થવાની સંભાવના રહે. નોકરીના સ્થળના વાતાવરણમાં સુધારાનો અનુભવ થાય. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વિદેશ સાથેના વ્યવસાયથી લાભ થવાની સંભાવના રહે. સમગ્ર ધ્યાન કારકીર્દિ પર કેન્દ્રિત રહેવાની સંભાવના છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. આરોગ્ય બાબતે વિશેષ કાળજી લેવી જરૂરી બને. કુશળ ડોક્ટર સાથે મુલાકાત થાય અથવા સારી અને યોગ્ય સારવાર મળી રહે. મિત્રો બનાવવા બાબતે સાવધ રહેવું જરૂરી બને. શત્રુઓ અને હરીફો મૂશ્કેલી પેદા કરી શકે છે. જીવનસાથીના દુર્વ્યવહારથી મન અશાંતિ અનુભવે. જીવનસાથી પાછળ નાણાકીય વ્યય થવાની સંભાવના રહે. ઋણમાંથી ધીરે-ધીરે મુક્તિ મળી શકે છે. સહેલાઈથી નવી લોનની પ્રાપ્તિ થઈ શકે. મનમાં રહેલાં ભય અને અશાંતિ તેમજ જવાબદારીઓનો સામનો પુરુષાર્થના બળે કરી સફળતાની પ્રાપ્તિ કરી શકાય.

કર્ક: કર્ક રાશિને ગુરુ પંચમસ્થાનેથી ભ્રમણ કરશે. વિવાહિત યુગલોને સંતાનપ્રાપ્તિનું સુખ મળે. સંતાનની પ્રગતિ થઈ શકે છે. વડીલોને પૌત્ર-પૌત્રીસુખની પ્રાપ્તિ થાય. વિદ્યાર્થીઓ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. ઉચ્ચ અભ્યાસ બાબતે અનુકૂળતાઓનું સર્જન થાય. સર્જનાત્મકતા, બૌદ્ધિકતા અને પ્રતિભામાં વધારો થાય. જીવનમાં પ્રેમનું આગમન થઈ શકે છે. વૃશ્ચિક રાશિમાં ગુરુનું ભ્રમણ પ્રેમસંબંધને ગુપ્ત રાખવાનું વલણ રખાવે. શેરબજારથી લાભ થવાની સંભાવના છે. મિત્રવર્તુળમાં વૃદ્ધિ થવાની શક્યતા રહે. જૂના મિત્રો સાથે ફરી મિલન થઈ શકે. આવકમાં વધારો થાય. સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય. મંત્રોના જાપ અને તત્વજ્ઞાન માટેની રુચિ વધે. ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોને લગતો અભ્યાસ થઈ શકે. સામાજીક માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. મનોરંજન આપતી પ્રવૃતિઓ પાછળ સમય વ્યતીત થાય. લાંબા સમયથી સેવેલાં સપનાઓ અને ઈચ્છાઓની પૂર્તિ શક્ય બને.

સિંહ: સિંહ રાશિને ગુરુ ચતુર્થસ્થાનેથી ભ્રમણ કરશે. ઘર અને માતા પર ધ્યાન કેન્દ્રિત બને. નવી સ્થાવર મિલકત કે વાહનની ખરીદી થઈ શકે. ઘરમાં રહીને કામ કે અભ્યાસ શક્ય બને અને એ રીતે ઘરમાં વધુ રહેવાના સંજોગો ઊભા થાય. ઘરમાં પૂજા કે ધાર્મિક કાર્યો થઈ શકે છે. જૂના ઘરનું નવીનીકરણ શક્ય બને. પૈતૃક સંપતિને લગતાં વિવાદોનું શમન થાય. ઘર માટે સુખ-સગવડના સાધનોની ખરીદી થાય. ઘરમાં પ્રતિષ્ઠિત લોકોની આવ-જા રહે અથવા નવા સભ્યનો ઉમેરો થાય. ઘરમાં શાંતિ અને સલામતીની અનુભૂતિ થાય. વિદેશ રહેતાં લોકોને વતનની મુલાકાત લેવી શક્ય બને. નોકરી-વ્યવસાય બાબતે નવી તકોનું નિર્માણ થાય. નવા સાહસની શરૂઆત માટે આ સમય યોગ્ય રહે. વાહન સંભાળીને ચલાવવું જોઈએ. માતા સાથેનો સંબંધ મધુર બને. માતા દ્વારા વારસાગત સ્થાવર સંપતિની પ્રાપ્તિ થઈ શકે છે. જો કે માતાના આરોગ્યની કાળજી લેવી જરૂરી બને. કૌટુંબિક પરંપરા સાથે જોડાણ સાધી શકાય.

કન્યા: કન્યા રાશિને ગુરુ તૃતીયસ્થાનેથી ભ્રમણ કરશે. સાહસ, પરાક્રમ અને પુરુષાર્થથી જીવનની પરિસ્થિતિ સુધારવી શક્ય બને. ભાઈ-બહેનો અને મિત્રો સાથેના સંબંધ મધુર બને. ભાગ્યનો સહયોગ મળી રહે. ઉચ્ચ અભ્યાસ માટેની તકોની પ્રાપ્તિ થાય. અપરિણીતોના લગ્ન થવાની સંભાવના રહે. પરિણીતોના લગ્નજીવનમાંથી તણાવ દૂર થઈને મધુર વૈવાહિકજીવનની પ્રાપ્તિ થવાની સંભાવના રહે. નવી વ્યાવસાયિક ભાગીદારીમાં કાર્યની શરૂઆત થઈ શકે. નવા સંબંધો, નવા મિત્રો અને નવા પડોશીઓ બની શકે છે. માહિતી અને વિચારોના આદાન-પ્રદાન, કમ્યુનિકેશન, લેખન, પત્રવ્યવહાર, ચર્ચા અને સંવાદ માટે સમય લાભદાયી રહે. વિચારોની અભિવ્યક્તિ સરળ બને. યાત્રાઓ, સ્થળાંતર કે બદલી થઈ શકે છે. ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે. પિતા માટે આ સમય લાભદાયી રહે. જ્ઞાન અને આવડતમાં વૃદ્ધિ થઈ શકે છે. જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ વિશાળ બને અને વધુ ખુલ્લાં દિલે વિચારી શકો.

તુલા: તુલા રાશિને ગુરુ દ્વિતીયસ્થાનેથી ભ્રમણ કરશે. આર્થિક સુખ-સમૃદ્ધિમાં વધારો થાય. નાણાકીય બચત અને રોકાણો અંગે વિચારવા માટે આ સમય શુભ રહે. કુટુંબની સુખ-શાંતિમાં વધારો થાય. કુટુંબમાં નવા સભ્ય કે સંતાનનો ઉમેરો થઈ શકે છે. કુટુંબમાં માંગલિક પ્રસંગોની ઉજવણી થઈ શકે. નવા કાર્યોની શરૂઆત થઈ શકે. અટકેલાં કાર્યો પૂર્ણ થતાં જણાય. નોકરી-વ્યવસાય માટે સમય અનુકૂળ રહે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે કે નવી નોકરી મળી શકે છે. પગારમાં વધારો થઈ શકે છે. ઉપરી અધિકારીઓ અને સહકર્મચારીઓના સાથ-સહકારની પ્રાપ્તિ થાય. વાણીની મીઠાશમાં વધારો થાય. શત્રુઓ અને હરીફોનો નાશ થાય. મોસાળપક્ષના સુખની પ્રાપ્તિ થાય. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકાય. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળવાની શક્યતા રહે. આરોગ્યની તંદુરસ્તીમાં વધારો થાય. લોનની અરજી કરવા માટે સમય અનુકૂળ રહે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સમય લાભદાયી નીવડે.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિને ગુરુ પ્રથમસ્થાનેથી ભ્રમણ કરશે. આત્મવિશ્વાસ અને પરિપક્વતામાં વૃદ્ધિ થાય. સ્વાસ્થ્યમાં સુધારાનો અનુભવ થાય. નિરાશાના વાદળો વિખેરાય અને જીવનમાં આનંદનો સંચાર થાય. દેખાવ દિપ્તીવંત બને. શરીરમાં મેદવૃદ્ધિ થવાની શક્યતા રહે, પરંતુ દેખાવ પ્રત્યે સભાનતા આવે અને ડાયેટીંગ-યોગ-કસરત વગેરેની શરૂઆત થાય. વ્યક્તિત્વમાં નવી ઉર્જાનો સંચાર થાય. વ્યક્તિત્વના વિકાસ માટે આ સમયનો મહત્તમ લાભ લેવો જોઈએ. અપરિણીતોના લગ્ન થવાની સંભાવના પ્રબળ બને. પરિણીતોનું વૈવાહિકજીવન સ્નેહસભર બને. સંતાનસુખની પ્રતીક્ષાનો અંત આવે. સંતાનના જન્મ અને પ્રેમની પ્રાપ્તિ થઈ શકે. વ્યાવસાયિક ભાગીદારી રચવી શક્ય બને. વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધવાની તકોનું નિર્માણ થાય. ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો અંગેની રુચિમાં વધારો થાય. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. મન આનંદમાં રહે.

ધનુ: ધનુ રાશિને ગુરુ બારમાસ્થાનેથી ભ્રમણ કરશે. શુભ કાર્યો પાછળ નાણાકીય ખર્ચ વધવાની સંભાવના રહે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના છે. ઘર-પરિવાર, સંતાન, અભ્યાસ, માંગલિક પ્રસંગો, ધાર્મિક કાર્યો કે દાન-ધર્માદા જેવા શુભ હેતુ પાછળ ધનનો ઉપયોગ થાય. ધન ઉપાર્જન હેતુ ઘરથી દૂર જવાની સંભાવના રહે. પ્રારબ્ધના સાથની પ્રાપ્તિ હેતુ પુરુષાર્થમાં વૃદ્ધિ કરવી પડે. મોસાળપક્ષ સાથેના સંબંધો મજબૂત બને. દૂરના સ્થળની કે વિદેશની યાત્રા થવાની સંભાવના રહે. વતનની મુલાકાત લેવી શક્ય બને. માનસિક રીતે તણાવ કે ચિંતાનો અનુભવ થઈ શકે છે. નવા જમીન, મકાન કે વાહનની ખરીદી થઈ શકે. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થાય. આધ્યાત્મિક બાબતો પ્રત્યેની રુચિમાં વધારો થાય. ધ્યાન દ્વારા મનના ઊંડાણને સ્પર્શી શકાય. એકાંતમાં કે આશ્રમમાં ધ્યાન-યોગ-ચિંતન ધરવાથી સુખાનિભૂતિની પ્રાપ્તિ થાય. આરોગ્યની કાળજી લેવી જરૂરી બને.

મકર: મકર રાશિને ગુરુ એકાદશભાવમાંથી ભ્રમણ કરશે. આવકમાં વધારો થાય. એક કરતાં વધુ સ્ત્રોતથી આવક થવાની સંભાવના રહે. વ્યવસાયમાં નફામાં વૃદ્ધિ થવાની શક્યતા રહે. વ્યાવસાયિક ભાગીદારીમાં સાનુકૂળતા રહે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના રહે. ભાઈ-બહેનો, મિત્રો અને પડોશીઓ સાથેના સંબંધો મધુર બને. મિત્રવર્તુળમાં વધારો થાય. લાભદાયી ઓળખાણો થવાની શક્યતા રહે. ક્લબ, ગ્રુપ કે સંસ્થાઓ સાથે જોડાવાના પ્રસંગ ઉદ્ભવે. લગ્નજીવન સુખી રહે. અપરિણીતોના લગ્ન થવાની સંભાવના રહે. જીવનમાં પ્રણય સંબંધનું આગમન થઈ શકે છે. સંતાનની સુખાકારી ઉત્તમ રહે. સંતાન ઈચ્છુક દંપતિઓને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. શેરબજારથી લાભ થવાની સંભાવના રહે. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉત્તમ સમય રહે. લાંબા સમયથી સેવેલી ઈચ્છાઓ, મહાત્વાકાંક્ષાઓ અને સપનાઓની પૂર્તિ થતી જણાય. મંત્ર જાપ કરવાથી લાભ રહે.

કુંભ: કુંભ રાશિને ગુરુ દસમસ્થાનેથી ભ્રમણ કરશે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે નવી તકોની પ્રાપ્તિ થઈ શકે છે. નવી નોકરીની પ્રાપ્તિ માટે કે નોકરી બદલવા માટે આ સમય યોગ્ય રહે. નોકરી-વ્યવસાયમાં સફળતાની સીડીઓ સર કરી શકાય. કામની જવાબદારી કે કામના બોજામાં વધારો થઈ શકે છે. કામને લીધે માન-સન્માન કે પુરસ્કારની પ્રાપ્તિ થઈ શકે. નોકરી-વ્યવસાય અર્થે મુસાફરી થઈ શકે છે. આર્થિક બાબતો માટે સમય લાભદાયી નીવડે. નાણાકીય આવકમાં વધારો થાય અને બચત પણ થઈ શકે. કૌટુંબિક ક્ષેત્રે સુખ-શાંતિનુ વાતાવરણ રહે. જમીન, મકાન અને વાહનથી લાભ થવાની સંભાવના રહે. ઘરની સાજ-સજાવટનું કાર્ય થઈ શકે. માતા-પિતાના સુખ, માન-સન્માન કે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. શત્રુઓ અને હરીફવર્ગ પર વિજય મેળવી શકાય. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે. રાજકીય ક્ષેત્રમાં રહેલાં લોકો માટે સમય અનુકૂળ રહે.

મીન: મીન રાશિને ગુરુ નવમસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. ભાગ્યનો સાથ મળી રહેશે. ઉચ્ચ વિચારો અને ઉચ્ચ અભ્યાસની પ્રાપ્તિ શક્ય બને. જ્ઞાનપ્રાપ્તિ અને બૌદ્ધિક બાબતો અંગેની જીજ્ઞાસા તીવ્ર બને. યાદશક્તિ અને ગ્રહણશક્તિ તેજ બને. કલા, પ્રતિભા અને સર્જનાત્મકતામાં વધારો થાય. ધર્મ અને અધ્યાત્મ પ્રત્યેની રુચિમાં વધારો થાય. ધાર્મિક સ્થળોની યાત્રા થઈ શકે. લાંબા અંતરની મુસાફરીનો યોગ બને. વિદેશયાત્રા માટે સમય અનુકૂળ રહે. સંતાનસુખની પ્રાપ્તિ થઈ શકે છે. વડીલોને પૌત્ર-પૌત્રીના સુખની પ્રાપ્તિ થાય. ભાઈ-બહેનો સાથેના સંબંધ મજબૂત બને. પિતા માટે આ સમય લાભદાયી રહે. નાણાકીય આવક અને ધન-સંપતિમાં વધારો થાય. દરેક પ્રકારના સાહસોમાં સફળતાની પ્રાપ્તિ થાય. શેરબજારથી લાભ રહે. જીવનમાં પ્રેમસંબંધનું આગમન થઈ શકે છે. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. શિક્ષક, ગુરુ અને સંતના આશીર્વાદનો લાભ મળે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા