ચાતુર્માસ


ચોમાસું શબ્દ ક્યાંથી આવ્યો હશે? ચોમાસું એટલે કે - ચૌમાસું. ચૌ એટલે ચાર અને માસું એટલે કે માસ અને આમ ચોમાસું એટલે કે ચાતુર્માસ. અષાઢ માસની શુક્લ એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ એકાદશી દેવશયની, હરિશયની અને પદ્મનાભાનાં નામથી પણ ઓળખાય છે. ચાતુર્માસની અવધિ કાર્તિક માસની શુક્લ એકાદશી સુધી રહે છે. જેને દેવઉઠી, દેવોત્થાની કે હરિપ્રબોધિની એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ ચાર મહિનાઓ દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં રાજા બલિના દ્વાર પર અનંત શૈયા પર શયન કરે છે. આથી આ ચાર મહિનાની અવધિ દરમિયાન માંગલિક કે શુભ કાર્યો જેવાં કે વિવાહ, ઉપનયન, દિક્ષાગ્રહણ, ગૃહપ્રવેશ, યજ્ઞ, ગોદાન, પ્રતિષ્ઠા વગેરે વર્જિત છે. સૂર્યના કર્ક રાશિ પ્રવેશ સાથે આરંભ થનાર ચાતુર્માસ સૂર્યના તુલા રાશિ પ્રવેશ સાથે સમાપ્ત થાય છે. એ સાથે જ ભગવાન શ્રી વિષ્ણુનો શયનકાળ સમાપ્ત થાય છે. ત્યારબાદ માંગલિક કાર્યોનો આરંભ થઈ જાય છે.

આપણાં ધર્મશાસ્ત્રોમાં હરિ શબ્દ સૂર્ય, ચંદ્ર, વિષ્ણુ, વાયુ વગેરે અનેક અર્થોમાં પ્રયોજાયેલો છે. હરિશયન અર્થાત આ ચાર માસ દરમિયાન વાદળ અને વરસાદને લીધે સૂર્ય અને ચંદ્રનું તેજ ક્ષીણ થઈ જવાને લીધે એક રીતે તેમનાં શયનનો જ નિર્દેશ કરે છે. ઉપરાંત આ સમય દરમિયાન પિતસ્વરૂપ અગ્નિની ગતિ શાંત થઈ જવાને લીધે શરીરની શક્તિઓ ક્ષીણ થાય છે અથવા તો પોઢી જાય છે. જળની વિપુલતા અને સૂર્યપ્રકાશની અતિ અલ્પ પ્રાપ્તિને લીધે કીટાણુંઓ ઉત્પન થાય છે. આથી આ ઋતુમાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન થાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં માંગલિક કાર્ય કે સામૂહિક ભોજન-મિજબાનીઓનું આયોજન સુખદ સાબિત ન થઈ શકે. કદાચ આ જ કારણોસર આપણાં શાસ્ત્રોમાં આ ચાર મહિના દરમિયાન શુભ કાર્યો નહિ કરવાની સલાહ આપવામાં આવી છે.

માંગલિક કાર્યો વર્જિત કરવાનું અન્ય કારણ એ પણ હોઈ શકે કે ચાતુર્માસ એ વર્ષાઋતુ કાળ હોય છે. આ સમય દરમિયાન સાધુ મહાત્માઓ કે જેઓ એક સ્થાનથી બીજા સ્થાન પર વિચરણ કરતાં રહે છે, તેઓ વરસાદને લીધે આ દિવસોમાં એક જ સ્થાન પર રહીને જપ-તપ કરે છે. આ સમય દરમિયાન ગૃહસ્થો સાધુ મહાત્માઓના જ્ઞાન, સત્સંગ અને પ્રવચનનો લાભ ઉઠાવે છે. ચાતુર્માસની સમાપ્તિ થતાં જ સાધુ મહાત્માઓ આગળ વિચરણ માટે નીકળી પડે છે. જેથી ચાતુર્માસ દરમિયાન ગૃહસ્થો પોતાનો વધુમાં વધુ સમય જપ-તપ, પ્રવચન અને સત્સંગમાં આપી શકે તે માટે જ માંગલિક કાર્યોનું આયોજન સ્થગિત રાખવું હિતાવહ રહે છે.  

વર્ષાઋતુમાં ભેજને લીધે હાનિકારક બેક્ટેરિયા ઝડપથી વિકસે છે. પાણી પણ દૂષિત હોવાની સંભાવના વધુ રહે છે. આ કાળ દરમિયાન સંતુલિત ભોજન કરીને જપ-તપ-વ્રત-ધ્યાનયોગ દ્વારા આંતરિક રોગપ્રતિકારક શક્તિ તેમજ આત્મબળને વધારવાની સલાહ શાસ્ત્રોમાં આપવામાં આવી છે.

ચાતુર્માસ દરમિયાન શું ન ખાવું જોઈએ?

શ્રાવણ માસમાં લીલાં પાંદડાંવાળા શાકભાજી ન ખાવા જોઈએ. વર્ષાઋતુમાં જંતુ-મંકોડા સપાટી પર આવી જાય છે. આ જંતુઓથી છોડનાં પાંદડાંઓ સૌથી વધુ દૂષિત થાય છે. આથી શ્રાવણ માસ દરમિયાન લીલાં પાંદડાંવાળા શાકભાજીનું સેવન નિષેધ છે.

ભાદ્રપદ માસમાં દહીં ન ખાવું જોઈએ. પિત્તની વૃદ્ધિ કરનાર અમ્લપ્રધાન વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.

આશ્વિન માસમાં દૂધનું સેવન વર્જિત છે. આ સમય દરમિયાન ગાય-ભેંસ દ્વારા દૂષિત લીલો ચારો અને દૂષિત પાણી પીવાથી તેમના દૂધની શુદ્ધતા પર વિપરિત અસર પડે છે. આથી આ માસ દરમિયાન દૂધનું સેવન ન કરવું જોઈએ.

કાર્તિક માસમાં દાળનું સેવન નિષેધ કરવામાં આવ્યું છે. કારણકે તે મુખ્યત્વે કફમાં વૃદ્ધિ કરે છે. આ માસમાં ઋતુ પરિવર્તન થાય છે તથા પાચનશક્તિ હજુ મંદ હોવાને લીધે આ પ્રકારના ભોજનનું સેવન ટાળવું જોઈએ. 

ચાતુર્માસ દરમિયાન જવ, માંસ, ઘઉં, મગની દાળનું સેવન નિષેધ છે. નમક પણ ઓછું લેવું જોઈએ. સૂર્યાસ્ત બાદ ભોજન કરવાની મનાઈ કરવામાં આવે છે. રાત્રે રોશનીમાં કીટ-મંકોડાં સામે આવી જવાથી ભોજનમાં પડીને તેને દૂષિત કરી દેવાની સંભાવના રહે છે. ભૂમિ પર શયન કરવું જોઈએ. નમો નારાયણઅથવા ૐ નમો ભગવતે વાસુદેવાયમંત્રના જાપ કરવાથી દરેક પ્રકારના કષ્ટોથી મુક્તિ પ્રાપ્ત થાય છે.

ટિપ્પણીઓ

Anand Joshi એ કહ્યું…
Very nice article!!!
Vinati Davda એ કહ્યું…
@Anand Joshi, Thank you !
રાજેશ પરમાર એ કહ્યું…
ઘણી ઉપયોગી માહિતી છે !!!
Vinati Davda એ કહ્યું…
@રાજેશ પરમાર, આભાર!

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા