લઘુપારાશરી સિદ્ધાંત – 1 થી 21 સૂત્ર


લઘુપારાશરી સંસ્કૃત શ્લોકોથી સમાવિષ્ટ લઘુ ગ્રંથ છે. મહર્ષિ પરાશર રચિત બૃહત પરાશર હોરા શાસ્ત્ર ને વિસ્તૃત રીતે સમજીને, તેમાંથી સાર ગ્રહણ કરીને તેમનાં શિષ્યએ ઉડુદાય પ્રદીપનામના ગ્રંથની રચના કરી. જે પાછળથી લઘુપારાશરીના નામે પ્રચલિત થયો. લઘુપારાશરીમાં 42 શ્લોક છે, જે પાંચ અધ્યાયમાં વિભાજીત છે. આ 42 સૂત્ર મૂળ શ્લોક કે ટીકા વગર નીચે મુજબ છે.

1. વાદ-પ્રતિવાદથી સિદ્ધ છે નિશ્ચય જેમનો એવાં વેદાંતમાં પ્રતિપાદિત બ્રહ્માના અંત:પુરમાં રહેનાર અરુણ વર્ણ અધર ધરાવનાર વીણા ધારણ કરેલ તેજોવિશેષની અમે ઉપાસના કરીએ છીએ. અર્થાત શ્રી સરસ્વતીજીના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.

2. અમે અમારી બુદ્ધિ અનુસાર જ્યોતિષીઓની પ્રસન્નતા અર્થે મહર્ષિ પરાશર રચિત હોરાશાસ્ત્ર અનુસાર ઉડુદાયપ્રદીપ” નામક ગ્રંથની રચના કરીએ છીએ.  

3. અહીં અમે નક્ષત્ર દશા અનુસાર જ શુભ-અશુભ ફળ કહીશું. આ ગ્રંથ અનુસાર ફળ કહેવામાં વિશોંત્તરી દશાને જ ગ્રહણ કરવી જોઈએ. અષ્ટોત્તરી દશા અહીં ગ્રાહ્ય નથી.

4. વિદ્વાનોએ સામાન્યશાસ્ત્રથી ભાવ આદિ ફલિત જ્યોતિષિક સંજ્ઞાઓને જાણી લેવી જોઈએ. આ શાસ્ત્રમાં વિશેષ સંજ્ઞાઓ જણાવવામાં આવશે.

5. બધાં ગ્રહો પોતાનાં સ્થાનથી સપ્તમસ્થાન સ્થિત ગ્રહને પૂર્ણ દ્રષ્ટિથી જુએ છે. શનિ તૃતીય અને દસમ, ગુરુ પંચમ અને નવમ તથા મંગળ ચતુર્થ અને અષ્ટમસ્થાનમાં રહેલાં ગ્રહોને વિશેષ દ્રષ્ટિથી જુએ છે.

6. કોઈપણ ગ્રહ જો ત્રિકોણનો (1, 5, 9) સ્વામી હોય તો શુભફળદાયક હોય છે. જો ત્રિષડાયનો (3, 6, 11) સ્વામી હોય તો અશુભફળદાયક હોય છે. ત્રિકોણના સ્વામીઓ પણ સાથે જો ત્રિષડાયના સ્વામી થતાં હોય તો અશુભ ફળ જ આપે છે.

7. સૌમ્ય ગ્રહો (ગુરુ, શુક્ર, પૂર્ણ ચંદ્ર, એકલો અથવા શુભગ્રહયુક્ત બુધ) જો કેન્દ્રના સ્વામી હોય તો શુભ ફળ આપતાં નથી. ક્રૂર ગ્રહ ( સૂર્ય, શનિ, મંગળ, ક્ષીણ ચંદ્ર, પાપગ્રહયુક્ત બુધ) જો કેન્દ્રના સ્વામી હોય તો અશુભ ફળ આપતાં નથી. આ ગ્રહો ઉત્તરોત્તર ક્રમથી બળવાન છે. અર્થાત લગ્નેશથી પંચમેશ અને
પંચમેશથી નવમેશ બળવાન છે. તૃતીયેશથી ષષ્ઠેશ અને ષષ્ઠેશથી એકાદશેશ બળવાન છે. તેમજ ચતુર્થેશથી સપ્તમેશ અને સપ્તમેશથી દસમેશ બળવાન છે. 

8. લગ્નથી દ્વાદશેશ અને દ્વિતીયેશ અન્ય ગ્રહોના સાહચર્ય તથા પોતાનાં અન્ય સ્થાન અનુસાર જ શુભ અથવા અશુભ ફળ આપે છે. 

9. ભાગ્યસ્થાનથી વ્યયસ્થાનનો અધિપતિ હોવાને લીધે અષ્ટમેશ શુભપ્રદ નથી. જો તે લગ્નનો પણ સ્વામી હોય તો શુભફળ પ્રદાન કરે છે અથવા અષ્ટમેશ સ્વયં હોય (માત્ર અષ્ટમેશ જ હોય) અને અન્ય કોઈ સ્થાનનો સ્વામી ન હોય તો પણ શુભકારક બને છે.  

10. શુભ ગ્રહોનો જે કેન્દ્રાધિપત્ય દોષ કહેવામાં આવ્યો છે તેમાં ગુરુ અને શુક્રનો કેન્દ્રાધિપત્ય દોષ બળવાન છે. આ ગ્રહો કેન્દ્રાધિપતિ થઈને મારક સ્થાનમાં (દ્વિતીય અને સપ્તમ) સ્થિત હોય અથવા તેના અધિપતિ હોય તો બળવાન મારક બને છે.

11. ગુરુ અને શુક્ર કરતાં બુધનો કેન્દ્રાધિપતિ દોષ ઓછો બળવાન હોય છે. બુધ કરતાં પણ ઓછો દોષ ચંદ્રનો હોય છે. સૂર્ય અને ચંદ્રને અષ્ટમેશ હોવાનો દોષ લાગતો નથી.

12. નૈસર્ગિક પાપગ્રહ માત્ર કર્મેશ (કેન્દ્રાધિપતિ) બનવાથી શુભ બની જતો નથી. પરંતુ કેન્દ્રાધિપતિ હોવાની સાથે ત્રિકોણાધિપતિ પણ બને તો શુભ ફળ આપે છે.

13. પ્રબળ હોવા છતાં પણ રાહુ-કેતુ જે-જે ભાવમાંં અને જે-જે ભાવાધિપતિ સાથે રહે છે તેમનાં અનુસાર જ શુભ કે અશુભ ફળ આપે છે.

14. કેન્દ્રેશ અને ત્રિકોણેશ પરસ્પર સંબંધમાં હોય તે સ્થિતિમાં જો અન્ય સ્થાનોના (કેન્દ્ર અને ત્રિકોણ સિવાયના સ્થાનો) સ્વામી સાથે સંબંધ ન હોય તો વિશેષ શુભફળદાયક હોય છે. અર્થાત જો અન્ય સ્થાનોના સ્વામી સાથે સંબંધ હોય તો સામાન્ય શુભ રહે છે.

15. કેન્દ્ર અને ત્રિકોણના સ્વામીઓ સ્વયં દોષયુક્ત (શત્રુ રાશિ, અસ્ત, નીચત્વ) હોય તો પણ પરસ્પર સંબંધ માત્રથી યોગકારક ( વિશેષ શુભફળદાયક) બને છે.

16. ધર્મેશ (નવમેશ) અને કર્મેશ (દસમેશ) એકબીજાનાં સ્થાનમાં હોય (પરિવર્તન યોગ) અથવા બંને ધર્મ કે કર્મ એક જ સ્થાનમાં સાથે હોય અથવા ધર્મેશ કર્મસ્થાનમાં રહેલો હોય કે કર્મેશ ધર્મસ્થાનમાં રહેલો હોય તો યોગકારક બને છે. 

17. ત્રિકોણાધિપતિઓમાંથી કોઈ એકની સાથે જો બળવાન કેન્દ્રાધિપતિનો સંબંધ હોય તો સુયોગ (ઉત્કૃષ્ટ યોગ) કારક થાય છે.

18. યોગકારક ગ્રહો કેન્દ્ર અને ત્રિકોણના અધિપતિઓની દશામાં વિશેષ કરીને રાજયોગના ફળની પ્રાપ્તિ થાય છે. યોગકારક ગ્રહોથી સંબંધ રહિત શુભગ્રહોની દશામાં પણ રાજયોગનું ફળ મળે છે.

19. સ્વયં પાપકારક ગ્રહ પણ યોગકારક ગ્રહના સંબંધથી પોતાની દશામાં યોગકારક ગ્રહની અંતર્દશા અને પ્રત્યંતર દશામાં યોગફળ આપે છે.

20. જો એક જ ગ્રહ કેન્દ્ર અને ત્રિકોણ બંનેનો સ્વામી હોય તો પણ યોગકારક બને છે. તેનો જો બીજા ત્રિકોણેશ સાથે પણ સંબંધ થઈ જાય તો એનાંથી વધુ શુભ શું હોઈ શકે?

21. રાહુ અથવા કેતુ કેન્દ્રમાં હોય અને ત્રિકોણેશ સાથે સંબંધ કરતાં હોય, અથવા ત્રિકોણમાં હોય અને કેન્દ્રેશ સાથે સંબંધ કરતાં હોય તો શુભયોગકારક બને છે.

ક્રમશ:

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા