June 24, 2014

ગુરુના કર્ક ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

દેવોના ગુરુ એવા બૃહસ્પતિ મહારાજે જૂન 19, 2014થી કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચત્વ ધારણ કરે છે. આથી કર્ક રાશિમાં ગુરુનુ ગોચર ભ્રમણ વિશેષ મહત્વ ધરાવે છે. ગુરુ ગ્રહ વિદ્વાનોનું પ્રતીક છે. નૈસર્ગિક કુંડળીમાં નવમ અને દ્વાદશભાવનો સ્વામી છે. શરીરમા મેદ પર તેનો અધિકાર માનવામાં આવ્યો છે. ગુરુ એ સાત્વિક અને પૌરુષપૂર્ણ ગ્રહ છે. કોઈપણ ગ્રહ જે રાશિ અને ભાવમાં ભ્રમણ કરે છે તે અનુસાર મનુષ્યને જીવનમા ક્યારે અને કેવું ફળ મળશે તેનો નિર્દેશ મળે છે. ગુરુ કર્ક રાશિમાં જુલાઈ 14, 2015 સુધી ભ્રમણ કરવાનો છે. આ લગભગ એક વર્ષના ગાળા દરમિયાન બાર રાશિઓ/જન્મલગ્નોને કેવું ફળ મળશે તે જોઈએ.

નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમા રહેલાં ગ્રહો, મહાદશા-અંતર્દશા, અષ્ટકવર્ગના બિંદુઓ વગેર પર રહેલો છે.

મેષ (અ,, ઈ): મેષ રાશિને ગુરુએ ચતુર્થસ્થાનમાં પ્રવેશ કર્યો છે. ગૃહ અને કુટુંબને લીધે આનંદનો અનુભવ થાય. ઘરની સુખ-સગવડતાઓમાં વધારો થાય. ગૃહ ક્ષેત્રે શાંતિ અને સલામતીની અનુભૂતિ થાય. બહારની દુનિયાની પળોજણો કરતાં મનની શાંતિ વધુ અગત્યની બને. સ્થાવર મિલકત અને વાહનનું ખરીદ કે વેંચાણ કરવાની તક પ્રાપ્ત થાય. જૂના ઘરનું નવીનીકરણ કરાવીને તેને વધુ સગવડતાભર્યુ બનાવી શકાય. ઘરમાં નવા સભ્યનો ઉમેરો થઈ શકે છે. લાંબા સમયથી ચાલતાં કૌટુંબિક પ્રશ્નોનો અંત આવે. માતા સાથેનો સંબંધ વધુ સરળ અને મધુર બને. માતા દ્વારા આર્થિક લાભ અથવા વારસાકીય ધનલાભ થઈ શકે છે. કૌટુંબિક પરંપરાઓ સાથે જોડાણ સાધી શકાય. વતનની મુલાકાત લેવી શક્ય બને. માનસિક સુખ-શાંતિનો અનુભવ થાય. કુટુંબનુ વાતાવરણ સહકારભર્યુ રહે. નવા સાહસની શરૂઆત કરવા માટે આ સમય અનુકૂળ રહે. 

વૃષભ (બ,, ઉ): વૃષભ રાશિને ગુરુએ તૃતીયસ્થાનમાં પ્રવેશ કર્યો છે. વાતચીત અને સંવાદની તકો પ્રાપ્ત થાય. વાતચીતો વધુ અર્થસભર અને ઊંડાણભરી બને. મહત્વપૂર્ણ પત્રવ્યવહાર અને લેખનકાર્ય માટે સમય અનુકૂળ રહે. સંદેશાઓ, પત્રો કે ઈમેલની આપ-લે દ્વારા નવીન તકોની પ્રાપ્તિ થાય. વિચારોને વધુ સારી રીતે અભિવ્યક્ત કરી શકો. ઉચ્ચ અભ્યાસ કરવા માટે સમય યોગ્ય રહે. જ્ઞાન અને આવડતમાં વધારો થઈ શકે છે. માહિતીનું આદાન-પ્રદાન સરળ બને. યાત્રાઓ કરવાની તક પ્રાપ્ત થઈ શકે છે. લેખકો, અધ્યાપકો અને કોમ્યુનિકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલાં લોકો માટે આ સમય વિશેષ લાભદાયી રહે. સર્જનાત્મક અભિગમ અને આવડત ખીલી ઉઠે. પડોશીઓ અને સંબંધીઓ મદદરૂપ બને. પડોશીઓ અને ભાઈ-બહેન સાથેના કોઈ પ્રશ્નો હોય તો તેનો ઉકેલ આવે અને સંબંધ મધુર બને. સ્થળાંતર કે બદલીના યોગ બને. ભાગ્ય બળવાન બને.

મિથુન (ક,, ઘ): મિથુન રાશિને ગુરુએ દ્વિતીયસ્થાનમાં પ્રવેશ કર્યો છે. આર્થિક ઉન્નતિ થવી નિશ્ચિત છે. નાણાકીય આવક અને નફામાં વધારો થાય. ભૂતકાળની આર્થિક સમસ્યાઓ દૂર થાય અને ભવિષ્યની સુરક્ષા માટે આર્થિક બચત કરવી શક્ય બને. લોનની અરજી કરવા માટે આ સમય અનુકૂળ રહે. નવા અલંકારોની ખરીદી કરી શકાય. કૌટુંબિક જીવનમાં સુખ, શાંતિ અને સંવાદિતાનો અનુભવ થાય. કુટુંબમાં માંગલિક પ્રસંગોની ઉજવણી થાય. કુટુંબમાં નવા સભ્યનો ઉમેરો થઈ શકે છે. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળે. નોકરી-વ્યવસાયમા નવીન તકોની પ્રાપ્તિ તેમજ પ્રગતિ થઈ શકે છે. પ્રમોશન થઈ શકે છે. મોસાળપક્ષનો સાથ-સહકાર મળી રહે. ઉપરી અધિકારીઓ તેમજ સહકાર્યકરો મદદરૂપ બને. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકાય. બિમારીઓથી રાહત મળે અને તંદુરસ્તીની પ્રાપ્તિ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સમય અનુકૂળ રહે.

કર્ક (ડ, હ): કર્ક રાશિને ગુરુએ લગ્નસ્થાનમાં પ્રવેશ કર્યો છે. સ્વાસ્થ્યમાં સુધારો થાય. મન આનંદિત રહે અને મનમાં ઉત્સાહ અને આશાજનક વિચારોનો સંચાર થાય. બુદ્ધિની તીવ્રતામાં વધારો થાય. વ્યક્તિત્વમાં ઉદારતા અને આત્મવિશ્વાસ જેવા ગુણોનું સિંચન થાય. જિંદગીને એક નવી આશા સાથે આવકારો. જીવન પ્રત્યેનો અભિગમ બદલાય. વિતી ગયેલી વાતોને ભૂલીને આગળ વધી શકાય. મુક્તિનો અનુભવ થાય. થાય. સ્વના વ્યક્તિત્વનો વિકાસ કરવા માટે આ સમય યોગ્ય છે. છે. પોતાની જાત પ્રત્યે સભાન બનો અને જાત સાથે વધુ સમય વિતાવો તેવું બની શકે છે. ઈશ્વર અને ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થાય. અપરિણીતોના લગ્ન થઈ શકે છે. પરિણીતોને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. વ્યાવસાયિક ભાગીદારીઓ રચી શકાય. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. વિદ્યાર્થીઓની અભ્યાસમાં પ્રગતિ થાય તેમજ ઉચ્ચ અભ્યાસ માટેની તકોની પ્રાપ્તિ થઈ શકે છે.

સિંહ (મ, ટ): સિંહ રાશિને ગુરુએ દ્વાદશભાવમાં પ્રવેશ કર્યો છે. આધ્યાત્મિકતામાં વધારો થાય. ધ્યાન દ્વારા અર્ધજાગૃત મનની વધુ નજીક સરી શકાય. મનના ઊંડાણમાં પડેલાં ભય અને અપરાધ ભાવનાને દૂર કરી શકય. એકાંતમા ધ્યાન અને ચિંતન કરવાથી સુખની અનુભૂતિ થાય. અહમનો નાશ થાય અને આંતરિક શક્તિ તેમજ વિશ્વાસમાં વધારો થાય. ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકે છે. દાન-સત્કાર્ય અને સેવા કાર્યોમાં સક્રિય બની શકાય. ગુપ્ત અને સાહસી કાર્યો સારી રીતે પૂર્ણ થઈ શકે છે. શત્રુઓ અને હરિફો પર વિજયની પ્રાપ્તિ થાય. શુભ હેતુઓ પાછળ નાણાકીય ખર્ચ થાય. નવા જમીન, મકાન અથવા વાહનની ખરીદી કરી શકાય. વતનની મુલાકાત લેવાનો અવસર પેદા થાય. વિદેશની મુસાફરી શક્ય બને. સહેલાઈથી અને સરળતાથી લોનની પ્રાપ્તિ શક્ય બને. નોકરી-વ્યવસાય ક્ષેત્રે વધુ પડતા કામના બોજને લીધે તણાવનો અનુભવ થઈ શકે છે. 
    
કન્યા (પ,, ણ): કન્યા રાશિને ગુરુએ એકાદશભાવમાં પ્રવેશ કર્યો છે. મિત્રોથી સુખની પ્રાપ્તિ થાય. મિત્ર વર્તુળ અને સામાજીક વર્તુળમા વધારો થાય. નવી લાભદાયી ઓળખાણો થઈ શકે છે. ક્લબ અને સંસ્થાઓ સાથે જોડાઈ શકાય. લાંબા સમયથી રહેલી ઈચ્છાઓ અને સપનાઓની પૂર્તિ થાય. સાહસ અને પરાક્રમમાં વૃધ્ધિ થાય. નોકરી અને વ્યવસાયમાં નાણાકીય આવક અને નફામાં વધારો થાય. નોકરીમાં આર્થિક લાભ સાથે પ્રમોશન મેળવી શકાય. એક કરતાં વધુ સ્ત્રોતથી આવક થાય. અપરિણીતોના લગ્ન શક્ય બને. પરિણીતો માટે ગર્ભાવસ્થા અને સંતાન પ્રાપ્તિ માટે આ સમય યોગ્ય રહે. નવયુવાનોના જીવનમાં પ્રેમમાં પડવાની ઘટના ઘટી શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધ મધુર બને. સંતાનો માટે આ સમય પ્રગતિજનક રહે. વ્યાવસાયિક ભાગીદારીમાં સાનુકૂળતા રહે. આ સમય દરમિયાન વિદ્યાર્થીઓની અભ્યાસમાં પ્રગતિ થઈ શકે છે. શેર-સટ્ટાથી લાભ રહે. મન શાંત અને આનંદિત રહે.               

તુલા (ર, ત): તુલા રાશિને ગુરુએ દસમભાવમાં પ્રવેશ કર્યો છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સફળતાની પ્રાપ્તિ થાય. કાર્ય સંબંધી યાત્રા થઈ શકે છે. નવી નોકરી મળવા માટે કે નોકરી બદલવા માટે આ સમય અનુકૂળ રહે. ઉપરી અધિકારીઓ સાથેના સંબંધ મધુર રહે. કામની જવાબદારીઓ અને કામકાજના સમયમાં વધારો થઈ શકે છે. વ્યાવસાયિક સાહસોમાં સફળતા મળી શકે છે. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠમા વધારો થાય. નાણાકીય આવકમાં વધારો થાય. બચત થઈ શકે છે. કૌટુંબિક સુખ-શાંતિની અનુભૂતિ થાય. કુટુંબના સભ્યો વચ્ચે સંવાદિતા સ્થપાય. નવા જમીન, મકાન કે વાહનની ખરીદી થઈ શકે છે. પિતા માટે આ સમય લાભદાયી રહે. માતા-પિતાના માન-સન્માન, પદ કે સત્તામાં વધારો થઈ શકે છે. શત્રુઓ અને હરીફવર્ગ પર વિજયની પ્રાપ્તિ થાય. સંતાનોના આરોગ્યની કાળજી રાખવી. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરિક્ષામાં સફળતા મળી શકે છે. તંદુરસ્તી સારી રહે. 
  
વૃશ્ચિક (ન, ય): વૃશ્ચિક રાશિને ગુરુએ નવમભાવમાં પ્રવેશ કર્યો છે. લાંબી યાત્રાની તકો પ્રાપ્ત થાય. પરદેશની મુસાફરી થઈ શકે છે. ધાર્મિક સ્થળોની યાત્રા થાય. ધર્મ પ્રત્યેની શ્રધ્ધા અને વિશ્વાસમાં વધારો થાય. ઉચ્ચ અભ્યાસ માટે અનુકૂળતા રહે. બૌદ્ધિક બાબતોમાં રસ વધે. આ સમય પિતા માટે લાભદાયી રહે. નાના ભાઈ-બહેનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. સંદેશાઓ, પત્રવ્યવહાર અને લેખનકાર્ય માટે ઉત્તમ સમય રહે. સર્જનાત્મક પ્રવૃતિઓ કરી શકાય. શિક્ષક, ગુરુ અને સંતના આશીર્વાદની પ્રાપ્તિ થાય. પરિણીતોને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. વડિલોને પૌત્ર-પૌત્રીના જન્મની વધામણી મળી શકે છે. શેરબજાર લાભદાયી નિવડે. નાણાકીય આવકમાં વૃદ્ધિ થાય. ભાગ્યનો સાથ મળી રહે. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય. વિદ્યાર્થીઓ માટે આ સમય અભ્યાસમાં પ્રગતિ કરાવનારો રહે. નવયુવાનોના જીવનમા પ્રેમના અંકુર ખીલી ઉઠવાની સંભાવના બને.

ધનુ (ભ,,, ઢ): ધનુ રાશિને ગુરુએ અષ્ટમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. આ સમય વિચારો અને વ્યક્તિત્વમાં પરિવર્તન લાવનારો રહે. ગુપ્ત અને વારસાકીય ધનલાભ થઈ શકે છે. જીવનસાથી દ્વારા પણ ધનલાભ થઈ શકે છે. આ સમય સંતાન પ્રાપ્તિ માટે પ્રતિકૂળ નિવડી શકે છે. સગર્ભા સ્ત્રીઓએ પોતાની વિશેષ કાળજી રાખવી. વિદ્યાર્થીઓને અભ્યાસમા વધુ મહેનત કરવી પડે. સંશોધન કાર્ય સાથે સંકળાયેલાને સફળતાની પ્રાપ્તિ થાય. નવા ધંધાકીય સાહસો કરવાથી દૂર રહેવું. ગૃહ ક્ષેત્રે સુખ, શાંતિ અને સંવાદિતા રહે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકાય. નવી સ્થાવર મિલક્ત અને વાહનની ખરીદી થઈ શકે છે. વીમા અને વ્યાજની રકમ સહાયરૂપ બની શકે. આવકના સ્ત્રોતોની કાળજી રાખવાથી નાણાકીય બચત કરી શકાય. લાંબા સમયથી ચાલતી બિમારીમાં રાહત મળી શકે છે. આમ છતાં આ સમય દરમિયાન આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવું હિતાવહ નથી.

મકર (ખ, જ): મકર રાશિને ગુરુએ સપ્તમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. અપરિણીતોને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે છે. વિવાહના બંધને બંધાઈ શકાય. પરિણીતોના લગ્નજીવનમાં સુખ-શાંતિમા વધારો થાય. જો જીવનસાથી સાથે કોઈ મતભેદ હોય તો તે આ સમય દરમિયાન દૂર કરી શકાય. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બને. પ્રેમમાં પડેલાઓને માતા-પિતાના આશીર્વાદની પ્રાપ્તિ થઈ શકે છે અને પ્રેમનુ લગ્નમા રૂપાંતર કરી શકાય છે. વ્યાવસાયિક ભાગીદારી માટે આ સમય અનુકૂળ રહે. ભાગીદારી દ્વારા ધનલાભ થવાની શક્યતા રહે. લાંબા સમયથી સેવેલી ઈચ્છાઓની પૂર્તિ થઈ શકે છે. નાણાકીય આવકમાં વધારો થાય. જાહેર જીવનમાં માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય. જાહેર જીવનમા પડેલાઓની લોકપ્રિયતા અને પ્રસિદ્ધિમાં વધારો થાય. વ્યવસાય અર્થે મુસાફરીઓ થઈ શકે છે. ભાઈ-બહેનો અને મિત્રો મદદરૂપ બને.  

કુંભ (ગ,,, ષ): કુંભ રાશિને ગુરુએ ષષ્ઠમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. આ સમય દરમિયાન સમગ્ર ધ્યાન કારકિર્દી પર રહે. નોકરી-વ્યવસાયના સ્થળના વાતાવરણમાં સુધારો અનુભવી શકાય. પુરુષાર્થ દ્વારા નાણાકીય આવકની વૃધ્ધિ થઈ શકે છે. પરદેશ દ્વારા ધનલાભ થઈ શકે છે. સહકાર્યકરોનો સાથ-સહકાર મળી રહે. સરળતાથી લોનની પ્રાપ્તિ થઈ શકે છે. શત્રુઓ અને હરીફવર્ગ પર વિજય મેળવી શકાય. રોજબરોજના કાર્યો અને પ્રવૃતિ કરવામાં સરળતાનો અનુભવ થાય. આરોગ્ય બાબતે કાળજી રાખવી જરૂરી બને. યોગ્ય ડોક્ટર સાથે મુલાકાત થાય અથવા યોગ્ય સારવાર મળી રહે. લાંબા સમયથી ચાલતી બિમારીનું કારણ જાણી શકાય. આરોગ્ય માટે લાભદાયી હોય તેવી ટેવો અપનાવી શકાય. કુટુંબના સભ્યોનો સાથ-સહકાર મળી રહે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે.  

મીન (દ,,, થ): મીન રાશિને ગુરુએ પંચમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. બૌદ્ધિક વિષયોમાં રૂચિ જાગે. સર્જનાત્મકતા અને કલ્પનાશીલતામાં વધારો થાય. પ્રતિભા બહાર આવે. મંત્રોના જાપથી આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ કરી શકાય. ગર્ભધારણ કે સંતાન જન્મના શુભ સમાચાર મળી શકે છે. સંતાનો માટે આ સમય પ્રગતિજનક રહે. સંતાનો સાથેના સંબંધ મધુર બને. નાણાકીય આવકમાં વૃદ્ધિ થાય. સપનાઓ અને ઈચ્છાઓની પૂર્તિ શક્ય બને. મિત્ર વર્તુળમાં વધારો થાય. લાંબા સમયથી વિખૂટાં પડી ગયેલા કે જૂના મિત્ર સાથે ફરી મિલન થાય. પ્રેમ સંબંધમાં સફળતા મળી શકે છે. શેરબજારથી લાભ રહે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સમય ઉત્સાહજનક રહે. મનોરંજન આપતી પ્રવૃતિઓ પાછળ સમય પસાર કરી શકાય. વિદ્યાર્થીઓ માટે આ સમય વિશેષ લાભદાયી નિવડે. અભ્યાસમાં ઈચ્છિત પ્રગતિ કરી શકાય. ઉચ્ચ અભ્યાસ માટેની તકોની પ્રાપ્તિ થાય.                                                                  

No comments: