ધીરે સબ કુછ હોય

ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય
માલી સીંચે સૌ ઘડા ઋતુ આયે ફલ હોય
‍‍‍- કબીર

પ્રકૃતિ આપણને ધીરજનો પાઠ શીખવે છે. પ્રકૃતિમાં દરેક ઘટના એના નિશ્ચિત સમયે અને નિશ્ચિત નિયમ અનુસાર ઘટે છે અને એ જ તો આ સમગ્ર બ્રહ્માંડનો શાશ્વત નિયમ છે. આપણે જ્યારે આ નિયમ જાણી લઈએ છીએ ત્યારે આપોઆપ ધીરજનો પ્રથમ પાઠ શીખી લઈએ છીએ.  

ધીરજ એટલે શું? ધીરજ એટલે પોતાના કર્મ, આવડત અને પ્રતિભામા શ્રદ્ધા ધરાવવી. ધીરજ એટલે ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરે આપણાં માટે ઘડેલી યોજનામા શ્રદ્ધા ધરાવવી. બુદ્ધિ શંકા પેદા કરે છે. હૃદય શ્રધ્ધા પેદા કરે છે. ધીરજ ગુમાવવી એટલે કે પોતાની જાત પ્રત્યે અને ઈશ્વર પ્રત્યે શંકા પેદા કરવી. ધીરજ ગુમાવવી એટલે ખુદમાંથી અને ખુદામાંથી શ્રદ્ધા ગુમાવવી.

ધીરજ એટલે રાહ જોવી, અડગ રહેવુ, મથ્યા કરવુ. ધીરજ એટલે કશુંક પ્રાપ્ત કરવા માટે કરાતી તપસ્યા અને સાધના. ધીરજ એટલે સંપૂર્ણતાનો આગ્રહ. ધીરજ એટલે બારીકી અને ચોકસાઈનો આગ્રહ. ધીરજ એટલે શ્રેષ્ઠનું નિર્માણ. ધીરજ એટલે કશુંક ચલાવી લેતાં, ફવડાવી લેતાં, સમાધાન કરાવી લેતાં કરાતો ઈન્કાર. ધીરજ ગુમાવવી એટલે સુખની અનુભૂતિ પ્રાપ્ત કરવામાં કરાતી ઉતાવળ અને પરિણામે બેવડાં દુ:ખની અનુભૂતિ.

જ્યોતિષમાં ધીરજનો કારક ગ્રહ શનિ છે. ચંદ્ર એ બાળક છે. ચંદ્ર ઉછળતા-કૂદતાં-નાચતા-રમતા જે અંતર આશરે સવા બે દિવસમાં કાપી નાખે છે તે જ અંતરને કાપતાં શનિને અઢી વર્ષ લાગે છે! શનિ વૃદ્ધ પાકટ વ્યક્તિ છે. કદાચ ધીરજને પણ વય સાથે ઊંડો સંબંધ છે. મનુષ્યની વય જેમ-જેમ વધે તેમ-તેમ અનુભવોની ઠોકરો ખાઈ-ખાઈને ધીરજનો ગુણ વિકસે છે. ધીરજના ગુણને વિકસવા માટે પણ ધીરજની જરૂર પડે છે. જીવનમાં જેટલી પીડા વધુ એટલો ધીરજના ગુણનો વિકાસ વધુ અને એથી ઉલ્ટું જેટલો ધીરજનો અભાવ એટલો જીવનમાં પીડાનો પ્રભાવ વધુ. એટલે જ તો શનિ પીડાનો પણ કારક ગ્રહ છે.

ચંદ્ર એ મન છે. મન ચંચળ છે. લગામ વગરના ઘોડા જેવું બેકાબુ છે. તેનામાં ધીરજનો સંપૂર્ણ અભાવ છે. મનને ભૂતકાળમાં વિહરવું અથવા ભવિષ્યની કલ્પનાઓમાં રાચવું પસંદ છે. તે ભાગ્યે જ વર્તમાનની ક્ષણમાં હાજર રહે છે. ધીરજ એટલે વર્તમાનમાં જીવવું. સમય પ્રત્યે સભાનતા કેળવવી. પ્રત્યેક ક્ષણ પસાર થવાની રાહ જોવી. ધીરજ એટલે મનરૂપી ઘોડાને વશ કરતી લગામ. આથી જ બળવાન ચંદ્ર-શનિની યુતિ વ્યક્તિને સંયમિત અને સાધક બનાવે છે.

મંગળ એ ક્રોધ છે. ક્રોધ ક્યારે આવે? જ્યારે ધીરજ ગુમાવી બેસીએ ત્યારે! જ્યાં ધીરજ હોય ત્યાં ક્રોધ ન હોઈ શકે અને જયાં ક્રોધ છે ત્યાં ધીરજનું મૃત્યુ થઈ ચૂક્યુ હોય છે. કોઈ નવાઈની વાત છે કે મંગળ એ શનિનો શત્રુ ગ્રહ છે? ધીરજથી વિપરિત એવાં અધીરાઈ, આવેશ, ક્રોધ, ઝડપ આ બધાં જ મંગળના ગુણો છે.

ધીરજ એટલે નિશ્ચિત ઘટના ઘટવાની રાહ જોવી. પરંતુ રાહ જોવાના સમય દરમિયાન ઉદાસ, હતાશ અને ગમગીન નહિ રહો. એક વૃક્ષ ક્યારેય ચીમળાઈને, સૂકાઈને, ખરીને, નિસ્તેજ થઈને પોતાનાં પર ફળ બેસવાની રાહ જુએ છે? એ રીતે તો તેનાં પર ફળ બેસવાની શક્યતા નહિવત થઈ જાય છે. વૃક્ષ હંમેશા લીલુંછમ્મ થઈને, ફૂલી-ફાલીને, વિકસીને, વિસ્તરીને પોતાના પર ફળ બેસવાની રાહ જુએ છે અને એ રીતે તેનાં પર ફળ બેસશે જ તેની પાકી ખાતરી રહે છે. રાહ જોવાના સમય દરમિયાન આનંદિત અને પ્રફુલ્લિત રહો. મનગમતી પ્રવૃતિમાં વ્યસ્ત અને મસ્ત રહો. જ્યારે આપણે આનંદમાં રહીએ છીએ ત્યારે જીવનમાં આનંદસભર ઘટનાને આકર્ષીએ છીએ.

ધીરજના ગુણની સૌથી વધુ જરૂર માનવીય સંબંધોમાં પડે છે. પોતાની જ વાતો કર્યા વગર બીજાની વાત શાંતિથી સાંભળવાની ધીરજ. બીજાની લાગણીઓ અને સંવેદનાઓની કાળજી રાખવાની ધીરજ. અન્યોના વ્યક્તિત્વની ખામીઓ અને અણગમતી આદતો સહન કરવાની ધીરજ. કોઈપણ વ્યક્તિ વિશે ઉતાવળે કશો અભિપ્રાય નહિ બાંધી લેવાની ધીરજ. અકળાવતાં અને મૂંઝવતા લોકો કે સવાલોનો સામનો કરવાની ધીરજ. માનવીય સંબંધોમાં ધીરજ એક ગુણ મટીને કળા બની જાય છે. સંબંધ નિભાવવાની અને સંબંધને ફૂલની માફક મઘમઘતો ખીલવવાની કળા. દરેક સંબંધનો પાયો એવા પ્રેમ અને વિશ્વાસ પણ ધીરજમાં જ પાંગરે છે.

સૌથી અગત્યનું છે પોતાની જાત સાથે ધીરજ રાખવી. જીવનમા દરેક ઘટના આપણે નક્કી કરેલી યોજના કે ઈચ્છા અનુસાર નથી ઘટતી. આપણે સૌ ખૂબીઓની સાથે-સાથે ખામીઓ ધરાવતાં અપૂર્ણ માનવીઓ છીએ. જીવનમાં આપણે ઘણી ભૂલો કરીએ છીએ, મૂંઝવણો અનુભવીએ છીએ, ભય અને અસલામતીનો અનુભવ કરીએ છીએ, હારીએ છીએ, ઠોકરો ખાઈએ છીએ. પરંતુ આમ છતાં આ દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને ગુનેગારના કઠોડામાં ઉભી રાખીને તેની ટીકા નહિ કરવાની ધીરજ પણ એટલી જ જરૂરી છે. ફરી ઉભા થાઓ અને મંડ્યા રહો. દરેક નવો દિવસ અને નવી સવાર એક નવી આશા સાથે ઉગે છે. આખરે સૂરજ પણ તો આથમ્યા પછી ફરી-ફરી ઊગવાની ધીરજ ગુમાવતો નથી ને?

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા