જ્યોતિષ અને કવિતા

મારા ગમતાં કવિઓમાંના એક છે શ્રી વિપિન પરીખ. અછાંદસ કાવ્યો માટે પ્રખ્યાત એવા શ્રી વિપિન પરીખના કાવ્યોમાં સંવેદનશીલતા, કટાક્ષ અને વેદનાનો સુભગ સમન્વય જોવા મળે છે. ખાસ કરીને તેમના કાવ્યોનો અંત ચોટદાર જોવા મળે છે. શ્રી વિપિન પરીખના કાવ્યોમાં જ્યોતિષ કે જ્યોતિષ સંબંધિત બાબતોનો ઉલ્લેખ પણ ઘણીવાર જોવા મળે છે. આથી લાગે છે કે કવિશ્રી જરૂર જ્યોતિષ વિષયમાં રસ કે અભ્યાસ ધરાવતા હશે. આજે જ્યોતિષના વાંચનને બાજુ પર રાખીને તેમની થોડી ચૂંટેલી કવિતાઓ માણીએ J


અવદશા

વાવાઝોડું તો પસાર થઈ જશે
સમય પડખું પણ બદલશે,
શનિ દશા, રાહુ અંતરદશા જશે ને
ગુરુ ધીમાં-ધીમાં પગલાં પણ મૂકશે પ્રાંગણમાં,
વાદળો તો ખસશે આકાશમાંથી;
પણ સૂરજના ઊગવામાં હું
શ્રદ્ધા ખોઈ બેસીશ તો?
શાણા માણસો કહે છે:
બધું ઠીક થઈ જશે થોડા સમયમાં,
પણ ત્યાં સુધીમાં
હું હસવાનું ભૂલી જઈશ તો?

- વિપિન પરીખ


બિછાનામાં

પ્રત્યેક ક્ષણે દીકરી મોટી થતી જાય છે
પ્રત્યેક ક્ષણે એની આંખો કોરી થતી જાય છે.
માને આજીજી કરે છે :
‘મા, મારા માટે મુરતિયો લાવ,
કોઈ પણ...!’
મા બારણાં ખટખટાવતી જ રહી.
મહેલોનાં પણ, હવે ચાલીઓનાં પણ!
કોઈ કહે છે મંગળ નડે છે, કોઈ કહે છે શનિ.
દરેક વરસે જોષી કહે છે આ માગશર પછી યોગ છે.
કેટલાયે સોમવાર કર્યા, કેટલાયે શનિવાર.
મહાદેવ રીઝ્યા જ નહીં.
રાતે ખાધું નહીં, દિવસે પીધું નહીં.
આંખોના કૂવા ઊંડા ને ઊંડા ઊતરતા જાય.
એક બિછાનામાં મા પડખું બદલ્યાં કરે
બીજામાં દીકરી સ્વપ્નોના ટુકડા ભેગા કરે.

-વિપિન પરીખ


આ હું?

હું ચામડીની ઉપર ચીટકી ગયેલું આંસુ.
હું ત્યાં ને ત્યાં ખોડાઈ ગયેલી અભિલાષા.
હું ફૂલોને જોતાં જોતાં જ સળગી ઉઠેલો અંગારો.
હું હવાને સ્પર્શ્યા વિના ભડથું થઈ ગયેલો ચિત્કાર.
હું ચકરાવો પૂરો કર્યા પહેલાં જ
ઘડિયાળમાંથી તૂટી પડેલો સમય.
હવે
હું પ્રેત થઈને
જ્યોતિષીઓના થોથાં બાળું છું.
હું વિધાતાનો ચોટલો ખેંચી
નગરના ચોક વચ્ચે ખડી કરું છું.
હવે
હું ગલીએ ગલીએ ભટકી
ઈશ્વર નામના બદમાશને શોધું છું.

- વિપિન પરીખ


જાણું છું.

રવિવારનું છાપું હાથમાં આવે કે તરત
પહેલાં જોઈ લઉં છું :
ધનુ રાશિ માટે આવતું સપ્તાહ શું શું લાવે છે?
જાણું છું, થોડાક વારોનાં નામની
આમતેમ ફેરબદલી હશે!
ગયા અઠવાડિયે ગુરુ તો
આ અઠવાડિયે શુક્રવાર શુભ હશે.
‘તા ૧૯મીએ અચાનક
ધનલાભનો યોગ સારો છે.’
છેલ્લાં ત્રણ વરસથી આ વાંચી વાંચીને જ
લોટરી લેતો આવ્યો છું,
આપેલી તારીખોમાંથી એકે ફળી નથી.
છતાં એકાદ chance આવી પણ જાય!
કહે છે : કોઈ મધુર સમાગમનો આ અઠવાડિયે યોગ છે
હસવું આવે છે –
બે છોકરાંનો બાપ અને માથે ટાલ,
અને હવે આકર્ષણ – પરિચય!
તો પણ સારું લાગે છે.
થોડાંક સ્વપ્નો... જુઠ્ઠાં હોય તો પણ!
લખે છે : ‘તમારા ઉપર ઘેરાયેલાં વાદળ વિખરાતા જશે’
જાણું છું :
આકાશમાં કોઈ પણ વાદળ
હંમેશ માટે ક્યારેય ટકતું નથી.
છતાં જુઠ્ઠા વાક્યોનો વરતારો પણ
થોડોક આધાર તો આપે જ છે!
શનિવારની સાંજે અઠવાડિયાનું
સરવૈયું કાઢતાં ક્રોધથી બોલી પડાય છે :
‘સાલાઓ તદ્દન જુઠ્ઠાં છે...
એક શબ્દ પણ સાચો પડતો નથી.’
છતાં
આવતા રવિવારે વ્હેલી સવારે
મારી નજર સૌ પ્રથમ
આ જ પાના ઉપર બિલાડીની જેમ તૂટી પડશે –
એ પણ જાણું છું!

-વિપિન પરીખ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા