May 30, 2013

ગુરુના મિથુન ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

આવતીકાલે એટલે કે ૩૧ મે, ૨૦૧૩ના રોજ પ્રાત:કાળે ૬.૪૯ કલાકે ગુરુ મહારાજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. ગુરુ વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. અહીં તે ૧૮ જૂન, ૨૦૧૪ સુધી ભ્રમણ કરશે. મિથુન રાશિમાં પ્રવેશ કર્યા તુરંત બાદ ૭ જૂન, ૨૦૧૩થી અસ્ત થઈ જશે. જે બાદમાં ૩ જૂલાઈ, ૨૦૧૩ના રોજ ઉદય થશે. ૭ નવેમ્બર, ૨૦૧૩થી ૬ માર્ચ, ૨૦૧૪ દરમિયાન ગુરુ વક્રી ગતિથી ભ્રમણ કરશે.

જ્યોતિષમાં ગુરુના રાશિ પરિવર્તનને આશાભરી નજરે જોવામાં આવે છે. ગુરુ એ ‘આપનારો’ ગ્રહ છે. તે જે પણ ભાવમાંથી પસાર થાય છે કે જે ભાવ કે ગ્રહ પર દ્રષ્ટિ કરે છે તેને લગતું કંઈક ને કંઈક શુભ ફળ જરૂર આપે છે. દેવોના ગુરુ એવા બૃહસ્પતિ મહારાજ વિપુલતાના કારક છે. ગુરુનું મિથુન રાશિમાં ભ્રમણ આપની જિંદગીને પણ વિપુલતાથી ભરી દે તેવી શુભેચ્છાઓ. આવો જોઈએ કે રાશિ અથવા જન્મલગ્ન અનુસાર ગુરુનું મિથુન ભ્રમણ બાર રાશિઓને કઈ રીતે પ્રભાવિત કરશે.

અહીં નોંધશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગમાં જે-તે ભાવને મળેલાં બિંદુઓ વગેરે અનેક બાબતો પર રહેલો છે.

મેષ (અ, લ, ઈ) : મેષ રાશિને ગુરુ તૃતીયભાવમાં ગોચર ભ્રમણ કરશે. ઉચ્ચ અભ્યાસની તકો ઉભી થાય અને કૌશલ્યમાં વધારો થાય. કમ્યુનિકેશન સરળ બને. વિચારોને સહેલાઈથી અભિવ્યક્ત કરી શકાય. સંદેશાઓ, માહિતીની આપ-લે, ચર્ચાઓ અને સંવાદો ધાર્યું પરિણામ આપે. રચાનાત્મક લખાણો લખનાર તેમજ લેખકો માટે ગુરુનું આ ભ્રમણ ઈશ્વરની કૃપા વરસાવે. પડોશીઓ અને ભાઈ-બહેનો સાથેના સંબંધ લાભદાયી નીવડે. ભાઈ-બહેનના લગ્ન થઈ શકે છે. પિતા સાથેનો સંબંધ મધુર બને. યાત્રાઓની તકો પ્રાપ્ત થાય. વિદેશ યાત્રા પણ શક્ય બને. સ્થળાંતર કે બદલી થઈ શકે છે. નવી મિત્રતા અને નવી ભાગીદારીઓ થઈ શકે છે. સામાજિક અને મિત્ર વર્તુળમાં વધારો થાય. ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓની પૂર્તિ થાય. ભાગ્યનો સાથ મળી રહે. ધનની આવકમાં વૃદ્ધિ થાય. અપરિણીતોના લગ્ન થઈ શકે છે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય. ધાર્મિક સ્થળોની યાત્રા પણ થઈ શકે છે.

વૃષભ (બ, વ, ઉ) : વૃષભ રાશિને ગુરુ દ્વિતીયભાવમાં ગોચર ભ્રમણ કરશે. લક્ષ્મીજીની કૃપાની પૂર્ણરૂપે પ્રાપ્તિ થઈ શકે છે. ધનલાભ થવાની શક્યતા છે. નાણાકીય આવકમાં વધારો થાય. ગુરુનું આ ભ્રમણ નફાકારક અને ફળદ્રુપ સાબિત થાય. ભૂતકાળની આર્થિક સમસ્યાઓ દૂર કરવી શક્ય બને. બેન્ક બેલેન્સમાં વધારો થાય. મહત્વના ખરીદ-વેંચાણ થઈ શકે છે. માલમિલકતમાં વધારો થાય. આ સમય લોન માટે અરજી કરવા કે નાણાકીય સંસ્થાઓ સાથે કરારો કરવા અનુકૂળ બની રહે. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે કોઈ સમસ્યા હોય તો તે દૂર થાય. પ્રમોશન મળવાની સંભાવના રહે. ગૃહ ક્ષેત્રે સુખ અને શાંતિ પ્રવર્તે. કુટુંબના સભ્યોમાં ઉમેરો થાય. કુટુંબમાં માંગલિક પ્રસંગોની ઉજવણી થાય. ડોક્ટરની મુલાકાતો લેવાથી બચી શકાય. તંદુરસ્તીની પ્રાપ્તિ થાય. લાંબા સમયથી ચાલતી બિમારીમાંથી સાજા થવાની સંભાવના બને. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થાય.

મિથુન (ક, છ, ઘ) : મિથુન રાશિને ગુરુ પ્રથમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. ઉત્સાહ અને આશાનો સંચાર કરનાર સમય નીવડે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય. ભૂતકાળને ભૂલીને જીવનમાં આગળ વધવાનો ઉમંગ પેદા થાય. એક નવી દ્રષ્ટિથી પરિસ્થિતિઓને જોવાનો અભિગમ રહે. વ્યક્તિત્વના વિકાસ માટે આ ભ્રમણનો મહત્તમ લાભ લઈ શકાય. ભાગ્યશાળી સમય રહે. શરીરમાં મેદવૃદ્ધિ થવાની શક્યતા રહે. આમ છતાં શારીરિક તંદુરસ્તી માટે સભાન બનો અને ધ્યાન, યોગ કે કસરત શરૂ કરો તેવું પણ બને. સંતાનનો જન્મ થઈ શકે છે. સંતાનો ખુશીનું માધ્યમ બને. ધાર્મિક સ્થળોની યાત્રા થાય. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય. સ્વ પ્રયત્ને આવકમાં વૃદ્ધિ કરી શકાય. વ્યાવસાયિક ભાગીદારીઓ કરી શકાય. અપરિણીતોના લગ્ન શક્ય બને. લગ્નજીવનની સમસ્યાઓથી રાહત મળે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય તેમજ ઉચ્ચ અભ્યાસ માટે તકોની પ્રાપ્તિ થઈ શકે છે.

કર્ક ( ડ, હ) : કર્ક રાશિને ગુરુ દ્વાદશભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આધ્યાત્મિક રક્ષણ મળી રહે. અર્ધજાગૃત મન સાથે સંવાદ સાધવો શક્ય બને. દાન કે ગુપ્ત દાન અને સામાજિક સેવા કરી શકાય. કોઈ પણ જાતની અપેક્ષા વિના અન્યોને મદદ કરવાનું વલણ રહે. બીજાને મદદ કરવાથી સુખની અનુભૂતિ થાય. શુભ કાર્યો પાછળ નાણાકીય ખર્ચ થાય. સંતાનોના અભ્યાસ પાછળ પણ ખર્ચ થઈ શકે છે. ગૃહ ક્ષેત્રે સુખ અને શાંતિ પ્રવર્તે. ધ્યાન, યોગ અને આધ્યાત્મિક શિબિરો લાભદાયી નીવડે. ગૂઢ રહસ્યમય બાબતોનો અભ્યાસ અને સંશોધન હાથ ધરી શકાય. શાંત અને ખલેલરહિત નિદ્રા માણી શકાય. બિમારીમાંથી સાજા થઈ શકાય. નોકરચાકર અને મજૂરવર્ગને લીધે રહેતી સમસ્યાઓ હળવી બને. સ્પર્ધાત્મક કે તબીબી પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે. વિદેશ યાત્રા શક્ય બને. સ્થાવર મિલકતમાં વધારો થઈ શકે છે. વાહન કે પછી ઘરનું ઘર ખરીદવાની ઈચ્છા પૂર્ણ થાય. વતનની મુલાકાત લઈ શકાય.

સિંહ (મ, ટ) : સિંહ રાશિને ગુરુ એકાદશભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. મિત્રો મદદરૂપ બને. જીવનમાં આવતી સમસ્યાઓના સમાધાન માટે મિત્રો પર આધાર રાખી શકાય. મિત્રો થકી નાણાકીય લાભ પણ થઈ શકે છે. મિત્રોની સંખ્યામાં વધારો થાય. લાંબા સમયથી સેવેલી ઈચ્છાઓ અને સપનાઓની પૂર્તિ થાય. ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે છે. ધનની આવકમાં વધારો થાય. વ્યવસાયમાં નફાની વૃદ્ધિ થઈ શકે છે. નવા ધંધાકીય સાહસ કે ધંધાનો વિસ્તાર કરવા માટે ગુરુનું આ ભ્રમણ ઉપયુક્ત રહે. નોકરીમાં પગાર વધારો કે પ્રમોશન મળી શકે છે. શેરબજારથી લાભ થાય. સામાજિક રીતે વધુ સક્રિય બનો તેવું બને. જુદી જુદી સંસ્થાઓ કે ક્લબ વગેરેમાં જોડાઈ શકો. જૂથમાં સાથે રહીને પ્રવૃતિઓ કરો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. અપરિણીતોના લગ્ન થવાની અને પરિણીતોને ત્યાં સંતાન જન્મ થવાની શક્યતા રહે. સંતાનોની પ્રગતિ થઈ શકે છે. ઉંમરલાયક સંતાનના લગ્નની શરણાઈઓ વાગી શકે છે. ભાઈ-બહેનો સાથેના સબંધ મધુર બને.

કન્યા (પ, ઠ, ણ) : કન્યા રાશિને ગુરુ દસમભાવેથી ગોચર ભ્રમણ કરશે. વ્યવસાય-નોકરી ક્ષેત્રે પદ કે સત્તાની પ્રાપ્તિ થાય. પ્રમોશન, નવી નોકરીની તકો કે એવોર્ડ મળવાની શક્યતાઓ ઉભી થાય. ઉપરી અધિકારીઓની કૃપા દ્રષ્ટિ રહે. જો બેકાર હશો તો ગુરુનું આ ભ્રમણ નોકરી અપાવવા સમર્થ છે. નાણાકીય આવકમાં વધારો થાય. કામકાજને લીધે વિદેશ યાત્રા થઈ શકે છે. કામની જવાબદારી કે કામના કલાકોમાં  વધારો થઈ શકે છે. ગૃહ ક્ષેત્રે સુખ, શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ બની રહે. પિતાથી લાભ થાય. માતા કે પિતાના પદ કે સત્તામાં પણ વધારો થઈ શકે છે. કૌટુંબિક સંવાદિતા રહે. કુટુંબથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. સ્થાવર સંપતિ કે નવા વાહનની ખરીદી થઈ શકે છે. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થાય. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. માન-સન્માનમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે. તંદુરસ્તી જળવાય રહે.

તુલા (ર, ત) : તુલા રાશિને ગુરુ નવમભાવેથી ગોચર ભ્રમણ કરશે. ભાગ્યમાં વૃદ્ધિ થાય. ધાર્મિક તેમજ આધ્યાત્મિક વલણમાં વધારો થાય. ધાર્મિક પ્રવૃતિઓ થઈ શકે છે. ધાર્મિક સ્થળોની યાત્રા થાય. સાધુ-સંતોના આશીર્વાદની પ્રાપ્તિ થઈ શકે છે. બૌદ્ધિક વલણ, આત્મવિશ્વાસ અને હકારાત્મકતામાં વધારો થાય. ઉચ્ચ અભ્યાસની તકોની પ્રાપ્તિ થઈ શકે છે. શિક્ષકો અને ગુરુનો પૂર્ણ પ્રેમ અને સહકાર મળે. પિતા, વડીલો અને ભાઈ-બહેનો મદદરૂપ બને. પરિણીત યુગલોને ત્યાં સંતાનનો જન્મ થઈ શકે છે. પૌત્ર-પૌત્રીના જન્મની વધામણી મળી શકે છે. શેરબજારથી લાભ રહે. નાણાકીય આવકમાં વધારો થાય. યાત્રા અને મુસાફરીની તક મળે. સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય. કમ્યુનિકેશન લાભદાયી નીવડે. લેખકો અને અધ્યાપકો માટે આ ભ્રમણ ઉત્તમ રહે. કલા, પ્રતિભા અને સર્જનાત્મકતા ખીલી ઉઠે. અન્યો માટે સલાહકારની ભૂમિકા ભજવી શકાય. પ્રણય સબંધ જીવનમાં ખુશીઓ લઈને આવે.

વૃશ્ચિક (ન, ય) : વૃશ્ચિક રાશિને ગુરુ અષ્ટમભાવેથી ગોચર ભ્રમણ કરશે. આત્મમંથન દ્વારા સ્વ પર કાબુ મેળવી શકાય. જીવન અથવા વ્યક્તિત્વમાં સર્વાંગી પરિવર્તન લાવતી ઘટનાઓ ઘટી શકે છે. મનને સમજવાની ચાવી મળી આવે. આધ્યાત્મિક વલણમાં વધારો થાય. ગૂઢ અને રહસ્યમય બાબતો શીખવા અને સમજવામાં રસ જાગે. કોઈ પણ પ્રકારનો ઊંડો અભ્યાસ કે સંશોધન હાથ ધરી શકાય. અચાનક, વારસાકીય કે ગુપ્ત ધનલાભ મળે. વીમાથી કે વ્યાજની રકમથી સહાય મળી શકે છે. વ્યાવસાયિક ભાગીદારીથી કે જીવનસાથીની આવક વધવાથી ધન લાભ થઈ શકે છે. ગુરુના આ ભ્રમણ દરમિયાન અન્યોના નાણા થકી કે સંયુક્તપણે સ્થાવર મિલ્કત ખરીદી શકાય અથવા વ્યવસાયમાં રોકાણ કરી શકાય. જો આવકના સ્ત્રોતોની કાળજી રાખશો તો ધન એકઠું કરી શકશો. નવું ઘર કે નવું વાહન ખરીદવું શક્ય બને. લાંબા સમયથી ચાલતી બિમારીમાં રાહત મેળવી શકાય. આમ છતાં આરોગ્ય બાબતે સાવધ રહેવું.

ધનુ (ભ, ફ, ધ, ઢ) : ધનુ રાશિને ગુરુ સપ્તમભાવેથી ગોચર ભ્રમણ કરશે. પ્રિય વ્યક્તિ સાથે જિંદગીભરનો સાથ નિભાવવાનો નિર્ણય લઈ શકાય છે. લગ્નના બંધને બંધાઈ શકો છો. જીવનસાથી સાથે મધુર અને સંવાદિતાભર્યો સમય વિતાવી શકાય. પ્રણય સંબંધથી જોડાયેલાંઓ માતા-પિતાના આશીર્વાદથી લગ્નગ્રંથીથી જોડાઈ શકશે. અલગ પડવાનું વિચારી રહેલા દંપતિઓ ફરી એકવાર પોતાના નિર્ણય પર વિચાર કરી શકે છે. આ સમય ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ અને ધ્યેયની પૂર્તિ થવાનો છે. વ્યાવસાયિક ભાગીદારીઓ ફળદાયી નીવડે. ભાગીદારી દ્વારા ધનલાભ થવાની શક્યતા રહે. નાણાકીય આવકમાં વધારો થાય. વ્યવસાય-નોકરી ક્ષેત્રે પ્રગતિજનક સમય રહે. સામાજિક જીવનમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. જાહેર જીવનમાં પડેલાંઓ લોકપ્રિયતા અને પ્રસિદ્ધિનો આનંદ માણી શકે. ભાઈ-બહેનો અને મિત્રો લાભદાયી નીવડે. આરોગ્યમાં સુધારો થાય. હકારાત્મક અભિગમ દ્વારા આત્મવિશ્વાસ કેળવી શકાય.

મકર (ખ, જ) : મકર રાશિને ગુરુ ષષ્ઠમભાવેથી ગોચર ભ્રમણ કરશે. જીવનમાં નક્કી કરેલાં આર્થિક લક્ષ્યને સિદ્ધ કરવા પુરુષાર્થ કરી શકાય. કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત રહે. સહકાર્યકરો મદદરૂપ બને. નોકરી-વ્યવસાયના સ્થળના વાતાવરણમાં સુધારો અનુભવી શકાય. નવી નોકરી શોધવામાં સરળતા રહે. શત્રુઓ અને હરીફવર્ગ પર વિજય પ્રાપ્ત કરી શકાશે. શુભ કાર્યો પાછળ નાણાકીય ખર્ચ થઈ શકે છે. દાન-ધર્માદાઓ કરી શકાય. સહેલાઈથી લોનની પ્રાપ્તિ થઈ શકે છે. પરદેશથી ધનલાભ થઈ શકે છે. આરોગ્ય બાબતે કાળજી રાખવી જરૂરી છે. આરોગ્યપ્રદ ટેવો અપનાવી શકાય. નવા ડોક્ટર કે નવી સારવાર મેળવી શકાય છે. બિમારીનું કારણ જડી આવે. કુટુંબમાં સુખ અને શાંતિનું વાતાવરણ પ્રવર્તે. કુટુંબના સભ્યોનો સહકાર મળી રહે. રોજબરોજના કાર્યો કરવામાં સરળતાનો અનુભવ થાય. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મહેનત કરવી પડે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે.

કુંભ (ગ, શ, સ, ષ) : કુંભ રાશિને ગુરુ પંચમભાવેથી ગોચર ભ્રમણ કરશે. ધર્મ અને સત્યના માર્ગે ચાલીને ઊંચાઈ પર પહોંચી શકાય. બૌદ્ધિકતા, સર્જનાત્મકતા અને કલ્પનાશીલતા સંપૂર્ણપણે ખીલી ઉઠે. શોખને આગળ વધારી શકાય. જવાબદારીઓમાંથી મુક્તિ મેળવીને રજાઓનો આનંદ માણી શકાય. મિત્રો સાથે આનંદ અને મનોરંજનભર્યો સમય વિતાવી શકાય. નવા મૈત્રી સંબંધો કેળવી શકાય. જૂના, વિખૂટા પડી ગયેલા મિત્રોને ફરી મળવાનું બને. પ્રેમમાં પડવાની ઘટના ઘટી શકે છે. ઈચ્છાઓ અને કામનાઓની પૂર્તિ થાય. ગર્ભ ધારણ કે સંતાનજન્મ થઈ શકે છે. સંતાનોની પ્રગતિ થાય. સંતાનો સાથેના સંબંધ મધુર બને. નાણાકીય આવકમાં વધારો થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિજનક સમય રહે. મંત્ર અને પૂજા લાભદાયી નીવડે. ધાર્મિક ગ્રંથોના અભ્યાસમાં રુચિ વધે. વિદ્યાર્થીઓ માટે ગુરુનું આ ભ્રમણ અનુકૂળ રહે. અભ્યાસમાં એકાગ્રતા કેળવી શકાય. ઉચ્ચ અભ્યાસ માટેની તકોની પ્રાપ્તિ થાય.

મીન (દ, ચ, ઝ, થ) : મીન રાશિને ગુરુ ચતુર્થભાવેથી ગોચર ભ્રમણ કરશે. ગૃહ ક્ષેત્રે સુખ અને શાંતિનો અનુભવ થાય. ઘર-પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ઘરમાં વધુ રહેવાનું મન થાય. આંતરિક સુખ અને સંતોષનો અનુભવ થઈ શકે છે. સ્થાવર મિલકતના ખરીદ-વેંચાણની તકો પ્રાપ્ત થાય. નવું ઘર ખરીદી શકાય. જૂના ઘરનું નવીનીકરણ થઈ શકે. ઘરની સુખ-સુવિધામાં વધારો થાય. નવું વાહન ખરીદવાનો અવસર મળે. વાહન અને મિલકત સબંધી નાણાકીય ખર્ચ થઈ શકે છે. માતા સાથેનો સબંધ મધુર બને. સુખ અને સંતોષભરી નિદ્રા માણી શકાય. વતનની મુલાકાત લઈ શકાય. કૌટુંબિક પરંપરાઓ સાથે જોડાણ સાધી શકાય. સંતાનોની સમસ્યાઓ પ્રત્યે ધ્યાન આપવું. નોકરી-વ્યવસાય ક્ષેત્રે આશાજનક સમય રહે. નવી નોકરી મેળવી શકાય. પરદેશથી કે વારસાકીય ધનલાભ થઈ શકે છે. સંશોધન ક્ષેત્રે સફળતા મળે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ મહેનત બાદ સફળતાની પ્રાપ્તિ થાય.

3 comments:

Niraj Doshi said...

Thank u

ddpathak said...

સરસ.

Vinati Davda said...

@Niraj Doshi & ddpathak, આપના પ્રતિભાવ બદલ આભાર.