November 20, 2012

સૂર્ય અને શનિનો સંબંધ

સૂર્ય એ રાજા છે, તો શનિ એ દાસ છે. સૂર્ય પ્રકાશ છે, શનિ અંધકાર છે. સૂર્ય ગરમ છે, શનિ ઠંડો છે. સૂર્ય તેજસ્વી અને ચળકાટથી ભરેલો છે, શનિ નિસ્તેજ છે. સૂર્ય જીવન છે, શનિ મૃત્યુ છે. સૂર્ય અહંકારને પોષનારો છે, શનિ નમ્રતાને ચાહનારો છે. સૂર્ય વ્યક્તિગતતાનો કારક છે, શનિ જનતાનો કારક છે. સૂર્ય ઉતરાયણમાં બળવાન બને છે, શનિ દક્ષિણાયનમાં બળવાન બને છે. સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો થાય છે અને તુલા રાશિમાં નીચનો થાય છે, શનિ મેષ રાશિમાં નીચનો થાય છે અને તુલા રાશિમાં ઉચ્ચનો થાય છે. પરસ્પર વિપરીત ગુણો અને પ્રકૃતિ ધરાવતા આ બે ગ્રહો જયારે કુંડળીમાં કોઈ પ્રકારે સંબંધ કરે છે ત્યારે જીવન મુરઝાયેલું બની જાય છે.

શનિ એ સૂર્યનો પુત્ર છે. પિતા અને પુત્રનો સંબંધ હોવા છતાં સૂર્ય અને શનિ વચ્ચે શત્રુતા છે. પ્રકાશ અને અંધકાર ક્યારેય એક જગ્યાએ એક સાથે રહી શકે નહિ. કુંડળીમાં જયારે સૂર્ય અને શનિ યુતિ, પ્રતિયુતિ, કેન્દ્રયોગ કે દ્રષ્ટિયોગથી સંબંધમાં રહેલા હોય ત્યારે જીવન સંઘર્ષમય બની જાય છે. આત્મા સતત બંધન અને જવાબદારીનો અનુભવ કરે છે. જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તે માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે. સફળતાની સીડી ચઢવામાં બીજાની મદદનો અભાવ રહે છે. ભાગ્યે જ યશ કે કીર્તિની પ્રાપ્તિ થાય છે. આત્મવિશ્વાસનો અભાવ હોય છે. સત્તા સ્થાને રહેલી વ્યક્તિઓની નારાજગીનો ડર રહે છે. તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે વિશેષ પ્રયાસ કરવો પડે છે. ઉચ્ચ પદ ટકાવી રાખવા મહેનત કરવી પડે છે. ક્યારેક ઉચ્ચ પદ પરથી પડતી પણ થાય છે. ઉચ્ચ અધિકારીઓ સાથે વારંવાર ઘર્ષણ કે દલીલના પ્રસંગો ઉભા થાય છે. નોકરીમાંથી સસ્પેન્ડ કે ડીસમીસ થવાની આશંકા રહે છે. સરકારી કાર્યોમાં અડચણોનો સામનો કરવો પડે છે.  જીવનભર કોઈ ને કોઈ અપમાન કે દંડ અને સજાનો ભય રહે છે. સામાજિક પ્રતિષ્ઠાનો ભંગ થાય તેવી ઘટનાઓ ઘટે છે. સામાજિક રીતે શરમજનક પરિસ્થિતિમાં મૂકાય જવાનો ભય રહે છે.

સૂર્ય એ પિતાનો કારક છે. સૂર્ય – શનિનો સંબંધ ધરાવતા જાતકો પિતાથી દૂર થઈ જાય છે. પિતા સાથે વૈચારિક મતભેદો રહે છે. ઘણીવાર પિતા કડક અને શિસ્તનો આગ્રહ રાખનારા હોય છે. ઉંચી અપેક્ષાઓ રાખનારા હોય છે. જીવનમાં સિદ્ધિઓની પ્રાપ્તિ માટે જાતકને ધકેલનારા હોય છે. જાતકના જીવનને એક સમયપત્રકમાં બાંધીને ઘડનારા હોય છે. પિતા સાથે મધુર અને સંવાદિતાપૂર્ણ સંબંધનો અભાવ રહે છે. ઘણીવાર પિતા પ્રેમાળ અને કાળજી રાખનારા હોય છે. પરંતુ નબળા હોય છે અને જાતકના જીવનમાં એક પિતા તરીકેની સશક્ત, સલામતી અને રક્ષણ પૂરું પાડનાર તરીકેની ભૂમિકા ભજવી શકતા નથી. આર્થિક કે ભૌતિક રીતે નિષ્ફળ ગયેલા હોય છે અથવા તો નબળા આરોગ્યને લીધે જાતક પર જવાબદારી બનેલા હોય છે. ઘણીવાર પિતા ધંધાર્થે ઘરથી દૂર રહેતાં હોય છે અથવા વ્યસ્ત રહેતાં હોય છે અને તેને લીધે જાતકને સમય આપી શકતા નથી. ક્યારેક જાતક નાની વયમાં જ પિતાને ગુમાવી દે છે. જીવનમાં કોઈ ને કોઈ રીતે પિતાના સુખની કમી રહે છે. કોઈકવાર એવું પણ બને છે કે જાતકના જન્મ સમયે પિતાએ કષ્ટ કે મૂશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું હોય. ક્યારેક આવા જાતકનો જન્મ પિતાના ભાગ્યને રૂંધે છે. સૂર્ય અને શનિનો સંબંધ ધરાવનાર જાતક પિતા સાથે મળીને એક છત નીચે એક જ કાર્ય ન કરે તે હિતાવહ છે, નહિ તો તેમની વચ્ચે મતભેદો ઉભા થતા વાર નથી લાગતી.

સૂર્ય – શનિનો સંબંધ જાતકને પોતાની જાતથી જ અલગ પડી ગયાની લાગણીનો અનુભવ કરાવે છે. તેઓ પોતાની લાગણીઓ અને વિચારોને માર્યાદિત રીતે અભિવ્યક્ત કરી શકે છે. નિયમો ઘડનારું કઠોર અને સખત વ્યક્તિત્વ હોય છે. નાજુક અને સહેજમાં તૂટી જનારો અહમ હોય છે. શિસ્તના આગ્રહી હોય છે. સર્જનાત્મકતા સાથે કોઈ નિસબત ધરાવતા નથી. પોતે ગંભીર હોય છે અને જીવનને પણ ગંભીરતાથી લે છે. જીવનમાં આનંદ-પ્રમોદ, મનોરંજન અને રમત-ગમતનો અભાવ હોય છે. માનસિક અભિગમ પરિપક્વ અને વ્યક્તિત્વ જૂનવાણી હોય છે. પોતાની જાત પ્રત્યે કઠોરતા દર્શાવે છે. પોતાની ભૂલો અને દોષો માટે જાતને માફ કરી શકતા નથી. સ્વ પર નિયંત્રણ લાદનાર અને કઠોર અભિગમ ધરાવનાર હોય છે. હંમેશા પોતાની જાતની પરીક્ષા લે છે અને બીજા પણ સતત પોતાની પરીક્ષા કર્યા કરે છે તેવી માન્યતા ધરાવે છે. બીજા પોતાની સ્વતંત્રતાને રૂંધી રહ્યા હોય તેવી લાગણી અનુભવે છે. પોતાની સિદ્ધિઓ અને પરિશ્રમ માટે લોકો તેમની નોંધ લે તેવી ઝંખના રહ્યા કરે છે. તેમને પોતાના કાર્યો માટે યશ, વળતર, કૃતજ્ઞતા અને આભારવશતાની સહેલાઈથી પ્રાપ્તિ થતી નથી. હતાશ, ઉદાસ અને ખિન્ન જીવન વ્યતીત કરે છે. ઠંડો અભિગમ ધરાવે છે. ક્યારેક સંયમી, તપસ્વી અથવા સાદું જીવન જીવનાર હોય છે. લાંબા સમયની યોજનાઓ ઘડનારા હોય છે. વૃદ્ધાવસ્થાનું આગોતરું આયોજન કરનાર હોય છે. તેમને પોતાનાથી મોટી વયના કે વૃદ્ધો સાથે સારું ફાવે છે. સામાજિક સેવાના કાર્યોમાં રસ ધરાવે છે. લાંબો વિચાર કર્યા વગર કોઈ કાર્ય કરતાં નથી. ઘણીવાર તેઓ કુટુંબના વડા હોય છે અથવા કુટુંબની જવાબદારીઓ ઉઠાવેલી હોય છે. સૂર્ય આરોગ્યનો કારક છે. સૂર્ય-શનિની યુતિ કે પ્રતિયુતિ આરોગ્યની સમસ્યાઓ આપી શકે છે. જીવન ટકાવી રાખવાની ક્ષમતા ઓછી હોય છે. આંખો નબળી હોય છે અથવા નેત્રવિકાર થવાનો ભય રહે છે.

સૂર્ય અને શનિની અંશાત્મક યુતિ લગ્નજીવનના સુખની કમી કરે છે. લગ્ન થવામાં વિલંબ થાય છે અથવા ક્યારેક લગ્ન થતા જ નથી. કુટુંબસુખનો અભાવ રહે છે. સાંસારિક સુખ માટે આ યોગ પ્રતિકૂળ ગણાય. પરંતુ આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે સૂર્ય અને શનિનો સંબંધ ઉત્તમ ફળ આપે છે. જાતક સહેલાઈથી તપ, ધ્યાન અને યોગના માર્ગે આગળ વધી શકે છે.

ગોચરમાં જન્મના સૂર્ય પરથી શનિનું ભ્રમણ જીવનનો પરિવર્તન કાળ બની રહે છે. અનેક પ્રકારની ઉપાધિઓ અને ચિંતાનો સામનો કરવો પડી શકે છે. કામનો બોજો રહે છે અને જવાબદારીઓમાં વધારો થાય છે. કઠોર પરિશ્રમની આવશ્યકતા રહે છે. જીવન એક ચોક્કસ સમયચક્રમાં બંધાઈ જાય છે. એક પ્રકારની શિસ્તતા આવી જાય છે. ઘણીવાર પોતાની જાત માટે પણ સમયનો અભાવ રહે છે. પોતાની સત્તા અને સ્વતંત્રતા પર રોક લાગી ગઈ હોય તેવું લાગ્યા કરે છે. અંગત અને વ્યાવસાયિક જીવનમાં નિષ્ફળતાઓનો સામનો કરવો પડી શકે છે. પ્રમોશન મળવામાં વિલંબ અનુભવાય છે. જો મળે તો જવાબદારીઓને લીધે તણાવ રહ્યા કરે છે. ઉપરી અધિકારીઓ સાથે ઘર્ષણનાં બનાવ બને છે. આરોપો, આક્ષેપો અને બદનામીનો ભોગ બનવું પડે છે. અણગમતાં સ્થળે બદલી થાય છે. ક્યારેક નોકરી છોડી દે છે કે છૂટી જાય છે. બેકાર હોય તો તેને નોકરી મળે છે. પોતે કરેલી મહેનત માટે યોગ્ય વળતર કે પ્રશંસાની પ્રાપ્તિ થતી નથી. સરકારી કામકાજોમાં વિલંબ અને અવરોધ રહ્યા કરે છે. ઘણીવાર ઉચ્ચ અમલદારો કે રાજકીય નેતાઓની કુંડળીમાં સૂર્ય પરથી શનિનું ગોચર ભ્રમણ પડતી કરાવી શકે છે. પદ કે સત્તાનો ત્યાગ કરવો પડે છે. સામાજિક રીતે માન ભંગની પરિસ્થિતિ ઉભી થાય છે. અપમાનજનક કે શરમજનક સ્થિતિમાં મુકાઈ જવાય તેવી ઘટનાઓ ઘટે છે. આ સમય દરમિયાન પિતાનું આરોગ્ય કાળજી માંગી લે છે. પિતા સાથે મતભેદ થવાની શક્યતા રહે છે. યુવતીઓની કુંડળીમાં આ ગોચર ભ્રમણ ક્યારેક લગ્ન કરાવીને, પિતાથી વિયોગ કરાવીને, શ્વસુરગૃહે પ્રસ્થાન કરાવે છે. સૂર્ય એ શિરછત્રનો કારક છે. લગ્ન પહેલા પિતા છત્ર પૂરું પાડતા હોય છે અને લગ્ન પછી પતિ છત્ર પૂરું પાડે છે. પરિણીત સ્ત્રીઓની કુંડળીમાં સૂર્ય પરથી શનિનું ગોચર ભ્રમણ ક્યારેક પતિ માટે ચિંતાજનક સમયનું સૂચન કરે છે. આ ગોચર ભ્રમણ સ્વનાં આરોગ્યની પણ કાળજી માંગી લે છે. પનોતી ચાલતી હોય અને જન્મનો સૂર્ય પણ જો શનિના સંબંધમાં આવતો હોય તો પનોતીનો એ તબક્કો કપરો બની રહે છે. જો દશા શુભ ચાલતી હોય અને શનિ યોગકારક હોય તો સૂર્ય પરથી શનિના ગોચર ભ્રમણ દરમિયાન જીવનમાં થતું પરિવર્તન છેવટે શુભ બની રહે છે.

નોંધ લેશો કે ઉપર વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિ પર રહેલો છે. જ્યોતિષશાસ્ત્ર એ એક સંકુલ શાસ્ત્ર છે. હંમેશા સમગ્ર કુંડળીનો અભ્યાસ કરીને, યોગને અસર કરતી દરેક બાબતનો વિચાર અને તુલના કરીને જ કોઈ તારણ પર આવવું જોઈએ. 

No comments: