શનિના તુલા ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ


તા.૪.૮.૨૦૧૨ શનિવારના રોજ સવારે ૮.૫૮ કલાકે શનિ મહારાજ ફરી કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. અહીં શનિ તા.૨.૧૧.૨૦૧૪ સુધી ગોચર ભ્રમણ કરશે. તુલા રાશિ એ શનિની ઉચ્ચ રાશિ છે. બારેય રાશિને ઉચ્ચનો શનિ કેવું ફળ આપશે તે જોઈએ.

અહીં નોંધવું જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-મહાદશા, જે-તે ભાવને અષ્ટકવર્ગમાં મળેલા બિંદુ વગેરે પર રહેલો છે.

મેષ (અ, લ, ઈ)

મેષ રાશિને શનિ સપ્તમ સ્થાનેથી પસાર થશે. સપ્તમ સ્થાન એ લગ્ન અને ભાગીદારીનું સ્થાન છે. લગ્ન અને વ્યવસાયિક ભાગીદારી માટે વ્યવહારુ અભિગમ અપનાવો તેવું બની શકે છે. લાભાલાભનો વિચાર કરીને ભાગીદારીની શરૂઆત થાય. લગ્ન બાબતે પરંપરાઓને અનુસરવાનું વલણ રહે. જીવનસાથી જવાબદારી અને બંધનમાં આવી ગયાનો અનુભવ કરે. સંબંધમાં થોડો તણાવ રહે. વ્યવસાયિક પ્રવૃતિઓમાં પ્રગતિ થઈ શકે છે. કોર્ટ-કચેરીના કેસોથી દૂર રહેવું. માતાનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. આ સમય દરમિયાન સ્થાવર મિલકતમાં રોકાણ નહિ કરતાં સોનામાં કે સરકારી ડિપોઝીટમાં રોકાણ કરવું લાભપ્રદ રહે. શારીરિક નબળાઈનો અનુભવ થઈ શકે છે.

વૃષભ (બ, વ, ઉ)

વૃષભ રાશિને શનિ ષષ્ઠમ સ્થાનેથી પસાર થશે. શનિ જીવનમાં એક પ્રકારની નિયમિતતા લાવે. કાર્ય કરવાની પદ્ધતિ વધુ શિસ્તભરી બને અને કઠોર પરિશ્રમ કરો. કાર્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વધારો થાય. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થાય. રાજકારણમાં રહેલા જાતકો માટે આ સમય શુભ રહે. મિત્રો અને સગા-સંબંધીઓ સાથે નાની-મોટી ગેરસમજણો થવાની શક્યતા રહે. ધૈર્યમાં વધારો થાય. જૂના લેણાંની ચૂકવણી કરી શકાય. સહેલાઈથી લોન મેળવી શકાય. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરી શકે. આ સમય આરોગ્યની વિશેષ કાળજી લેવાનો છે. બેદરકારી દાખવશો તો લાંબા સમય સુધી ચાલનારી બિમારીનો ભોગ બનવું પડે તેવી શક્યતા રહે.

મિથુન (ક, છ, ઘ)

મિથુન રાશિને પંચમ સ્થાનેથી શનિ પસાર થશે. જીવનમાં હતાશા અને બંધનનો અનુભવ થઈ શકે છે. સ્વને મુક્ત રીતે અભિવ્યક્ત ન કરી શકો તેવું બની શકે. સર્જનાત્મક શક્તિઓ રૂંધાઈ ગઈ હોય તેવું લાગ્યા કરે. સંતાન સંબંધિત ચિંતાઓ રહ્યા કરે. તેમની જવાબદારી બોજો વધારે. લગ્નજીવનમાં તણાવ પેદા ન થાય તેની કાળજી રાખવી. પ્રણય સંબંધમાં અસલામતીનો અનુભવ થાય. જીવનમાંથી મનોરંજનની બાદબાકી થઈ જાય. સામાજિક સંમેલનો અને મનોરંજક મિજબાનીઓથી દૂર રહેવાનું વલણ રહે. એકલાં રહીને સમય પસાર કરવાનું પસંદ કરો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્રતા જાળવવામાં મૂશ્કેલી અનુભવે. નિર્ણયો લેવામાં ભૂલ થઈ શકે છે.

કર્ક (ડ, હ)

કર્ક રાશિને શનિ ચતુર્થ સ્થાનેથી પસાર થશે. કર્ક રાશિને અઢી વર્ષની નાની પનોતી લોઢાના પાયે શરૂ થશે. ભારે હૃદય અને હતાશાનો સામનો કરવો પડી શકે છે. ગૃહ ક્ષેત્રે મુશ્કેલીનો સામનો કરવો પડે. સ્થાવર મિલકતનાં પ્રશ્નો ચિંતા કરાવે. કાર્ય ક્ષેત્રે કામનો બોજો વધુ રહે. નોકરીમાં અસલામતીનો અનુભવ થાય. સ્વના આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. માતાનું આરોગ્ય પણ ચિંતા કરાવે. માતા સાથે નાની-મોટી ગેરસમજણો ન થાય તેનું ધ્યાન રાખવું. વતન અથવા પરિવારના સભ્યોથી દૂર જવાનું બની શકે છે. નાના બાળકોને શાળાનું વાતાવરણ અણગમાભર્યું લાગે. માતા-પિતા વધુ પડતી ટીકા કરતાં હોય અને પુરતો સમય આપતા ન હોય તેવું લાગ્યા કરે. અભ્યાસમાં પાછળ પડી જઈ શકાય છે.

સિંહ (મ, ટ)

સિંહ રાશિને શનિ તૃતીય સ્થાનેથી પસાર થશે. આ સાથે સિંહ રાશિને લાંબા સમયથી ચાલતી મોટી પનોતીનો અંત આવશે. લોકો હવે આપની નોંધ લઈ રહ્યા હોય તેવું લાગે. સમાજમાં મહત્વનું સ્થાન મળી શકે છે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવી શકે છે. સુખનાં દિવસોનો ફરી અનુભવ થાય. દુનિયાનો સામનો કરવાનું સાહસ અને બળ પ્રાપ્ત થાય. ભાઈ-બહેનો અને મિત્રો સાથેના સંબંધમાં તણાવનો અનુભવ થઈ શકે છે. તેમનાં સંબંધિત જવાબદારી અને બંધનનો અનુભવ થયા કરે. ગૃહ અથવા કાર્ય સ્થળમાં બદલાવ થઈ શકે છે. વારંવાર નાની મુસાફરીઓ થાય. રમત-ગમત ક્ષેત્રે રહેલા જાતકો સફળતા મેળવે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં પ્રગતિ કરી શકે છે.

કન્યા (પ, ઠ, ણ)

કન્યા રાશિને શનિ દ્વિતીય સ્થાનેથી પસાર થશે. આ સાથે કન્યા રાશિને સાડા સાતી પનોતીનો અંતિમ તબક્કો સોનાના પાયે શરૂ થશે. આર્થિક અને કૌટુંબિક પ્રશ્નો ચિંતા કરાવી શકે છે. પરિવારનાં સભ્યો વચ્ચે તિરાડ પડી શકે છે. કુટુંબમાં નવા સભ્યનો ઉમેરો થઈ શકે છે. ગૃહ ક્ષેત્ર અને સ્થાવર મિલકતને લગતી મુશ્કેલીઓ રહ્યા કરે. સ્થાવર મિલકતમાં મોટું રોકાણ કર્યું હોવાને લીધે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે તેવું પણ બની શકે છે. અન્ય વાયદાઓ પૂર્ણ કરવામાં બચત ખર્ચાય જઈ શકે છે. કઠોર વાણી બોલવા પર સંયમ રાખવો. જો વિપરીત દશા ચાલી રહી હોય તો અકસ્માત અને ઇજાઓ ન થાય તેની કાળજી રાખવી. એકાગ્રતા બની રહે.

તુલા (ર, ત)

તુલા રાશિને શનિ પ્રથમ સ્થાનેથી પસાર થશે. આ સાથે તુલા રાશિને સાડા સાતી પનોતીનો દ્વિતીય તબક્કો ચાંદીના પાયે શરૂ થશે. માનસિક દબાણ તેમજ ચિંતાઓ રહ્યા કરે. વ્યક્તિત્વ અંતર્મુખી બની જાય તેવું બને. બીજા લોકો ટીકા કે પરીક્ષા કરી રહ્યા હોય તેવી સભાનતાને લીધે આત્મવિશ્વાસ અને સ્વ પ્રત્યેની શ્રદ્ધામાં ઘટાડો થાય. મિત્રો અથવા સગા-સંબંધીઓ દ્વારા માનહાનિ થઈ શકે છે. કાર્ય ક્ષેત્રે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. લગ્નજીવનમાં પણ તણાવનો અનુભવ થાય. પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે છે. નાની-મોટી આરોગ્યને લગતી તકલીફો થઈ શકે છે. સફળ પરંતુ શારીરિક રીતે થકવી દેનારી યાત્રાઓ થાય. જાહેર ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. નવા સાહસો શરૂ કરવા માટે આ યોગ્ય સમય નથી.

વૃશ્ચિક (ન, ય)

વૃશ્ચિક રાશિને શનિ દ્વાદશ સ્થાનેથી પસાર થશે. આ સાથે વૃશ્ચિક રાશિને સાડા સાતી પનોતીના પ્રથમ તબ્બકાની લોઢાના પાયે શરૂઆત થશે. આ સમય કસોટીરૂપ બની રહે. મન અશાંત બને અને અનિદ્રાનો ભોગ બની શકાય છે. ચિંતાઓ, ડર અને અપરાધની લાગણીનો અનુભવ થાય. ખાવા–પીવાની આદતોની કાળજી રાખવી. બેજવાબદારીભરી જીવન શૈલી મુશ્કેલીઓ પેદા કરી શકે છે. શારીરિક ઉર્જામાં ઘટાડો થાય. આર્થિક બાબતો અંગે થોડી મુશ્કેલીઓ પેદા થાય અને લોન ચિંતાનું કારણ બની શકે છે. નાણાકીય વ્યય થાય. દૂરના સ્થળે બદલી થઈ શકે છે. વિદેશ યાત્રા થઈ શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્રતા જાળવી ન શકે અને અભ્યાસમાંથી રસ ગુમાવે. આધ્યાત્મિકતામાં વધારો થાય.

ધનુ (ભ, ફ, ધ, ઢ)

ધનુ રાશિને શનિ એકાદશ ભાવેથી પસાર થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. આર્થિક બાબતો અંગે કોઈ પ્રકારની ચિંતા ન રહે. મનોબળ મજબૂત રહે. કાર્ય ક્ષેત્રે પ્રગતિ, પ્રમોશન અને કદરની પ્રાપ્તિ થાય. સ્થાવર મિલકતનાં વેંચાણથી આર્થિક ફાયદો થાય. મિત્રો ટીકા કરે અથવા તેમના દ્વારા અસ્વીકાર થવાનો અનુભવ થઈ શકે છે. એકલા પડી ગયાની ભાવના દુઃખનું કારણ બને. મોટી ઉંમરના અને પરિપક્વ મિત્રનો સાથ દુ:ખ હળવું કરે. સંતાનોની ચિંતા રહ્યા કરે. જીવનમાં અચાનક અને અનપેક્ષિત ઘટનાઓ ઘટી શકે છે. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળે. ઉચ્ચ અધિકારીઓ અને સરકારી કામકાજથી લાભ રહે. લગ્નજીવનમાં સુખ-શાંતિ બની રહે. વાહન તેમજ અન્ય વૈભવનાં સાધનોની ખરીદી થઈ શકે છે.

મકર (ખ, જ)

મકર રાશિને શનિ દસમ સ્થાનેથી પસાર થશે. કાર્ય ક્ષેત્રે થોડી મુશ્કેલીઓ પેદા થઈ શકે છે. વ્યસ્તતામાં વધારો થાય અને નોકરી કે વ્યવસાય વધુ સમય અને શ્રમ માંગી લે. વધુ ને વધુ જવાબદારીઓ આવી પડે. કાર્ય પ્રત્યેની શિસ્તતામાં વધારો થાય. નોકરી ગુમાવવાના ભયને લીધે પડકારોનો સામનો કરતા રહો. જો કે બાદમાં કઠોર પરિશ્રમ અને કામ પ્રત્યેના સમર્પણનું વળતર મળતું દેખાય. કાર્ય ક્ષેત્રે પ્રગતિનો આનંદ માણી શકો. કુટુંબ માટેના સમયનો ભોગ આપવો પડે. ગૃહનાં વાતાવરણમાં અને લગ્નજીવનમાં તણાવનો અનુભવ થાય. સ્થાવર મિલકતનાં પ્રશ્નો અંગે ચિંતા રહે. જાહેર જીવનમાં સફળતા મળે. નાણાકીય ખર્ચમાં વધારો થઈ શકે છે. માતા-પિતાનાં આરોગ્યની કાળજી લેવી.

કુંભ (ગ, સ, શ, ષ)

કુંભ રાશિને શનિ નવમ સ્થાનેથી પસાર થશે. આ સાથે કુંભ રાશિને ચાલતી નાની અઢી વર્ષની પનોતી પૂરી થશે. લાંબા અંતરની યાત્રાઓ થઈ શકે છે. કાર્ય ક્ષેત્રે સફળતાની પ્રાપ્તિ થાય. ભાગ્યમાં અવરોધ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઈચ્છાઓની પૂર્તિ થવામાં વિલંબનો અનુભવ થાય. અર્થ ઉપાર્જન માટે નવી તકો મળે પરંતુ તેની પ્રાપ્તિ માટે સંઘર્ષનો સામનો કરવો પડે. જીવન પ્રત્યેનો અભિગમ વ્યવહારુ બને. ભાઈ-બહેનો અને પિતા સાથેના સંબંધમાં તણાવ આવી શકે છે. પિતાનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. સ્વના આરોગ્યની પણ કાળજી લેવી. ઉચ્ચ અધિકારીઓ અને સરકારથી થોડી મુશ્કેલીઓ પડી શકે છે. કોર્ટ-કચેરીના કેસો અને ગેરકાનૂની પ્રવૃતિઓથી દૂર રહેવું. આધ્યાત્મિકતામાં વધારો થાય.

મીન (દ, ચ, ઝ, થ)

મીન રાશિને શનિ અષ્ટમ સ્થાનેથી પસાર થશે. આ સાથે મીન રાશિને અઢી વર્ષની નાની પનોતી લોઢાના પાયે શરૂ થશે. કાર્ય ક્ષેત્રે અવરોધનો સામનો કરવો પડી શકે છે. સહનશક્તિની પરીક્ષા થાય. નકારાત્મક વિચારો કરવાથી દૂર રહેવું. નાણાકીય બાબતો ધ્યાન માંગી લે. આર્થિક કરકસરનાં ઉપાયો અજમાવવા પડે. માનસિક તેમજ શારીરિક આરોગ્યની કાળજી લેવી. સંતાન બાબતે ચિંતાઓ રહ્યા કરે. પરિવારના સભ્યો વચ્ચે અને લગ્નજીવનમાં તણાવ પેદા થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો. દલીલો કરવાથી દૂર રહેવું. શેર-સટ્ટા માટે સમય પ્રતિકૂળ રહે. માનહાનિનો અનુભવ થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં ઘટાડો થાય. ખાનગી કરારો થઈ શકે છે. ગૂઢ જ્ઞાનની પ્રાપ્તિ થાય.

ટિપ્પણીઓ

નિર્મલ પાઠક એ કહ્યું…
શનિના વૃશ્ચિક રાશીના ગોચર ભ્રમણની વિગતવાર માહિતી આપવા વિનંતી. વૃશ્ચિક રાશી માટે સાડાસાતીનો બીજો તબક્કો કેવો રહેશે અને કયા પાયે શરૂ થશે તે પણ જણાવવા વિનંતી.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા