અક્ષય તૃતીયા


વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીય તિથીને અક્ષય તૃતીયા અથવા તો અખા ત્રીજ કહે છે. વર્ષ ૨૦૧૨માં અક્ષય તૃતીયા ૨૪ એપ્રિલ, મંગળવારનાં રોજ આવી રહી છે. અક્ષય એટલે કે જેનો કદી ક્ષય થતો નથી. પૌરાણિક ગ્રંથો અનુસાર આ દિવસે જે કંઈ શુભ કાર્યો શરૂ કરવામાં આવે તેનું ફળ ક્ષય પામતું નથી અને તેથી જ આ દિવસને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે.

અક્ષય તૃતીયાનું જ્યોતિષિક મહત્વ

નવ ગ્રહોમાં રાજા અને રાણી સમાન સૂર્ય અને ચન્દ્ર એ બંને આ દિવસે પોતાની ઉચ્ચ રાશિ અનુક્રમે મેષ અને વૃષભમાં સ્થિત હોય છે. આ ઘટના વર્ષમાં માત્ર એક વાર ઘટે છે. મહર્ષિ પરાશરે બૃહત પરાશર હોરા શાસ્ત્રમાં કહ્યું છે કે કુંડળીમાં રચાયેલા દરેક શુભ યોગોનું શુભ ફળ ત્યારે જ મળે છે જ્યારે સૂર્ય અને ચન્દ્ર બળવાન હોય. અક્ષય તૃતીયાના દિવસે સૂર્ય અને ચન્દ્ર બંને બળવાન હોવાથી શુભ યોગોનું મહત્તમ ફળ પ્રાપ્ત થવાનો અવસર પેદા થાય છે. આ વર્ષની વિશેષતા એ છે કે શુક્ર વૃષભ રાશિમાં ઉચ્ચના ચન્દ્ર સાથે યુતિમાં છે અને ગુરુ મેષ રાશિમાં ઉચ્ચના સૂર્ય સાથે યુતિમાં છે. આ સંભવતઃ દર બાર વર્ષે એક જ વાર ઘટી શકે છે. કેતુ પણ ઉચ્ચના ચન્દ્રની સાથે યુતિમાં છે.

અક્ષય તૃતીયાનું સ્વયં સિદ્ધ કે વણજોયા મુહુર્ત તરીકે વિશેષ મહત્વ છે. આ દિવસે પંચાંગ અને મુહુર્ત શુદ્ધિ જોયા વગર કોઈ પણ શુભ અને માંગલિક કાર્યની શરૂઆત થઇ શકે છે. વિવાહ, ગૃહ પ્રવેશ, વસ્ત્ર કે આભૂષણોની ખરીદદારી, જમીન કે વાહન આદિની ખરીદદારી તેમજ નવા સાહસ કે રોકાણો કરવા માટે આ દિવસ શુભ છે. અક્ષય તૃતીયા અનંત કાળ સુધી સમૃદ્ધિ અને સફળતા અપાવનારો દિવસ ગણાય છે. આ દિવસે પિતૃઓને કરાયેલું તર્પણ કે પિંડદાન અથવા કોઈ પણ પ્રકારનું દાન અક્ષય ફળ પ્રદાન કરે છે. માન્યતા છે કે આ દિવસે ગંગા સ્નાન કે અન્ય પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મનુષ્યના સર્વે પાપોનો નાશ થાય છે. જો આ તિથી સોમવાર અને રોહિણી નક્ષત્રનાં દિવસે આવે તો તે દિવસે કરાયેલા જપ, તપ, દાન ઇત્યાદિનું ફળ ઘણું વધી જાય છે. અક્ષય તૃતીયા મધ્યાહ્ન પહેલાં શરૂ થાય અને પ્રદોષ કાળ સુધી રહે તો તેને શ્રેષ્ઠ માનવામાં આવી છે.


અક્ષય તૃતીયા સાથે અનેક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. સતયુગ અને ત્રેતા યુગનો પ્રારંભ આ તિથીથી થયો હતો. ભગવાન વિષ્ણુના અવતાર શ્રી નર-નારાયણ, હયગ્રીવ અને પરશુરામજીનું અવતરણ પણ આ જ તિથીએ થયું હતું. આ દિવસે મહાભારત યુદ્ધનું સમાપન થયું હતું અને આ જ દિવસે દ્વાપર યુગનું પણ સમાપન થયું હતું. અક્ષય તૃતીયાના દિવસે પાંડવોને શ્રી કૃષ્ણ પાસેથી અક્ષય પાત્રની પ્રાપ્તિ થઈ હતી. એવું મનાય છે કે આ જ દિવસે મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની રચના કરવાની શરૂઆત કરી હતી. અક્ષય તૃતીયાના દિવસે જ સુદામા શ્રી કૃષ્ણને મળવા ગયા હતા. આ જ દિવસે શ્રી બલરામ જયંતિ પણ ઉજવાય છે. પવિત્ર નદી ગંગા અક્ષય તૃતીયાના દિવસે જ સ્વર્ગમાંથી પૄથ્વી પર નીચે ઉતરી હતી. દેવી વિજયા ચામુંડેશ્વરીએ આ જ દિવસે અસુરનો સંહાર કર્યો હતો. પુરાણો અનુસાર દેવોના ખજાનચી અને ધન-સંપતિના સ્વામી એવા કુબેર સ્વયં આ દિવસે શ્રી લક્ષ્મીજીની આરાધના કરે છે. પ્રસિદ્ધ તીર્થસ્થળ બદ્રીનાથના દ્વાર પણ પુનઃ આ તિથીએ જ ખુલે છે. જૈન ધર્મમાં પણ અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. આ દિવસે જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાને એક વર્ષની તપસ્યા પૂર્ણ કર્યા બાદ ઈક્ષુ એટલે કે શેરડીના રસથી પારાયણ કર્યુ હતું.

અક્ષય તૃતીયાને દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને શ્રી લક્ષ્મીની પૂજા વિશેષ ફળદાયી છે. આ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતના પાઠ કરવા શ્રેષ્ઠ છે. અક્ષય તૃતીયાના દિવસે શ્રી લક્ષ્મી નારાયણની પૂજા સફેદ કમળ અથવા સફેદ ગુલાબ કે પીળા ગુલાબથી કરવી જોઈએ. આ દિવસ અભ્યાસ કે લેખનકાર્ય શરૂ કરવા માટે શુભ છે. આ દિવસની આધ્યાત્મિક ઉર્જા ઉચ્ચ પ્રકારના વિચારો સર્જવામાં મદદરૂપ બને છે. અક્ષય તૃતીયાના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું કલ્યાણકારી છે. આ દિવસે કરાયેલું દાન પુણ્યકારી છે. એવું મનાય છે કે આ દિવસે જે-જે વસ્તુઓનું દાન કરવામાં આવે તે સ્વર્ગમાં અથવા આવતાં જન્મમાં પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતીયાના દિવસે પોતાના સારા આચરણ અને સદગુણો દ્વારા બીજાના આશીર્વાદની પ્રાપ્તિ અક્ષય રહે છે. અક્ષય તૃતીયાના દિવસે પ્રારંભ કરાયેલાં કાર્યો કે આ દિવસે અપાયેલાં દાનનો ક્યારેય ક્ષય થતો નથી. આથી જે કોઈ કાર્યનું ફળ અનંતકાળ સુધી ઈચ્છતા હો તે કાર્યનો પ્રારંભ અક્ષય તૃતીયાના દિવસે કરી શકાય.  



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા