રાહુ-કેતુના રાશિ પરિવર્તનનો (૨૦૧૧) બાર રાશિ પર પ્રભાવ


તા.૬.૬.૨૦૧૧ના રોજ રાહુએ વૃશ્ચિક રાશિમાં અને કેતુએ વૄષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં તેઓ તા.૨૩.૧૨.૨૦૧૨ સુધી ગોચર ભ્રમણ કરશે. રાહુ-કેતુ એક રાશિમાં આશરે ૧૮ મહિના સુધી ગોચર ભ્રમણ કરે છે. શનિ અને ગુરુ ઉપરાંત રાહુ-કેતુ મંદ ગતિથી ભ્રમણ કરતા હોવાથી અને એક રાશિમાં લાંબો સમય રહેતા હોવાથી તેમનું રાશિ પરિવર્તન અગત્યનુ બની રહે છે. રાહુ-કેતુનુ આ રાશિ પરિવર્તન બાર રાશિઓ પર કેવો પ્રભાવ પાડશે તે જોઈએ.

અહીં એ નોંધવુ જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત જન્મકુંડળીમાં રહેલાં ગ્રહો અને દશા-મહાદશા પર રહેલો છે.

મેષ (અ, લ, ઈ)

રાહુ અષ્ટમસ્થાનમાં અને કેતુ દ્વિતીયસ્થાનમાં પ્રવેશ કર્યો છે. અચાનક અથવા અણધારી સંપતિ પ્રાપ્ત થઈ શકે છે. વારસાગત અથવા શેર-સટ્ટાથી ધનલાભ થાય. જીવનસાથી અથવા શ્વસુરપક્ષ તરફથી પણ ધનલાભ થઈ શકે છે. આમ છતાં ખર્ચાઓમાં વધારો થાય અને નાણાકીય ખેંચનો અનુભવ થઈ શકે છે. આ સમય દરમ્યાન લોન લેવાથી અને શેરબજારમાં નવું રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ નોકરી-વ્યવસાય માટે સમય પ્રતિકૂળ રહે. આ સમય દરમ્યાન નોકરી બદલવાથી દૂર રહેવું. મહેનત કરવા છતાં ફળની પ્રાપ્તિ ન થાય તેવું બની શકે છે. ઉપરી અધિકારીથી મૂશ્કેલીનો અનુભવ થાય.  આરોગ્યની કાળજીને અગ્રતા આપવી. શારીરિક તથા માનસિક બિમારીઓ આવી શકે છે. આંખોની સંભાળ રાખવી. જીવનસાથી અથવા શ્વસુરપક્ષ સાથે ઘર્ષણ થઈ શકે છે. પરિવારજનોનો વિરહ સહન કરવો પડે. માન અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે છે. રહસ્યમય અને ગૂઢ બાબતો અથવા સંશોધન ક્ષેત્રે રસ જાગૄત થાય.

વૄષભ (બ, વ, ઉ)

રાહુ સપ્તમસ્થાનમાં અને કેતુ પ્રથમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. દામ્પત્યજીવનમાં તણાવ પેદા થઈ શકે છે. જીવનસાથી સાથે દલીલો કરવાથી દૂર રહેવું. જીવનસાથીનું આરોગ્ય પણ કાળજી માગી લે. વિજાતીય પાત્રો સાથેના સંબંધમાં સચેત રહેવું. સમાજમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી પ્રવૃતિઓથી દૂર રહેવું. જો કુંડળી અનુકૂળતા સૂચવતી હશે તો અપરિણીતોના લગ્ન થઈ શકે છે. વ્યવસાયિક ભાગીદારીમાં મૂશ્કેલીઓ પેદા થઈ શકે છે. શત્રુઓની સ્થિતિ મજબૂત બની શકે છે. કારણ વગર કોર્ટ-કચેરીના કેસોમાં સંકળાય ન જવાય ધ્યાન રાખવું. જો ધ્યાન રાખવામાં ન આવે તો નાણાકીય મૂશ્કેલીઓ પેદા થઈ શકે છે. આનંદ-પ્રમોદ અને વૈભવની ઈચ્છાઓથી દૂર રહેવું. નાણાકીય વ્યવહારો સંભાળીને કરવા. કાનૂની વ્યવહારોથી દૂર રહેવું. શેરબજારમાં રોકાણ શાણપણપૂર્વક કરવું. આરોગ્યની કાળજી રાખવી.

મિથુન (ક, છ, ઘ)

રાહુ ષષ્ઠમસ્થાનમાં અને કેતુ વ્યયસ્થાનમાં પ્રવેશ કર્યો છે. આર્થિક સ્થિતિમાં સુધારો થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે વાતાવરણ અનુકૂળ રહે. અણધાર્યા અથવા અચાનક બદલાવ આવી શકે છે. ઉપરી અધિકારી તથા સહકર્મચારીઓનો સહકાર મળે. એક કરતા વધુ સ્ત્રોતથી આવક થાય. વ્યવસાયમાં નફામા વધારો થાય. નવા પ્રકારનું કાર્ય હાથ ધરી શકાય. દામ્પત્યજીવનમાં ખુશીનો અનુભવ થાય. આમ છતા જીવનસાથીનુ આરોગ્ય ચિંતા કરાવી શકે છે. પરિવારજનો સાથેના મતભેદો દૂર થઈ શકે છે. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળે. શત્રુઓ પર વિજય મેળવી શકાય. લાગણીઓ અને ગુસ્સા પર સંયમ રાખવો. સાહસમાં વૄધ્ધિ થાય. પરદેશ સાથેના સંબંધોથી લાભ થાય. વધુ પડતો શ્રમ આરોગ્યને હાનિ પહોંચાડી શકે છે. આધ્યાત્મિક પ્રગતિ થાય.

કર્ક (ડ, હ) 

રાહુ પંચમ ભાવમાં અને કેતુ એકાદશ ભાવમાં પ્રવેશ કર્યો છે. સંતાનોને લગતી બાબતો અંગે ચિંતાઓ આવી શકે છે. સંતાનોનુ આરોગ્ય વિશેષ કાળજી માગી લે. સગર્ભા સ્ત્રીઓએ જાળવીને રહેવુ. આર્થિક સ્થિતિ તણાવભરી રહે અને બિનજરૂરી ખર્ચાઓ થાય. સર્જનાત્મકતા વધારો થાય. વ્યાવસાયિકો માટે સમય અનુકૂળ રહે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સંવાદિતા જળવાય રહે. માન-પાન અને આવકમાં વૃધ્ધિ થાય પરંતુ બચત ન થઈ શકે. વ્યવસાયમાં રહેલા લોકોની મૂશ્કેલીઓમાં ઘટાડો થાય અને નવીન તકની પ્રાપ્તિ થઈ શકે છે. શેર-સટ્ટાથી લાભ થાય. મિત્રોની સંખ્યામા વધારો થાય અને તેઓ મદદરૂપ બને. પ્રણયસંબંધમાં સફળતા મળે. પ્રેમલગ્ન થઈ શકે. વિદ્યાર્થીઓમા એકાગ્રતાનો અભાવ રહે. અભ્યાસમાં વધુ મહેનત જરૂરી બને. મન ચંચળ અને અનિર્ણયાત્મક બને.

સિંહ (મ, ટ)

રાહુ ચતુર્થસ્થાનમાં અને કેતુ દસમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. માનસિક અશાંતિ અને ચિંતાઓ રહે. અવરોધ અને સંઘર્ષનો અનુભવ થાય. નકારાત્મક વિચારોથી દૂર રહેવુ. માતાનુ આરોગ્ય વિશેષ કાળજી માગી લે. ઘર તથા કામના સ્થળમાં ફેરફાર થાય. રહેઠાણ બદલવુ પડે. સ્થાવર મિલ્કત તથા વાહનની ખરીદી સાવધ રહીને કરવી જરૂરી છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. નોકરી-વ્યવસાયમાં મહેનત કરવા છતાં યોગ્ય વળતરની પ્રાપ્તિ ન થાય. પ્રમોશન મળવામાં વિલંબ તથા અણગમતી જગ્યાએ બદલી થઈ શકે છે. નવા સાહસ કરવાથી દૂર રહેવુ. ગૃહ ક્ષેત્રે સુખ-શાંતિનું વાતાવરણ જાળવવા મહેનત કરવી પડે. આરોગ્યની વિશેષ કાળજી રાખવી.

કન્યા (પ, ઠ, ણ)

રાહુએ તૄતીયસ્થાનમાં અને કેતુએ નવમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. જોશ અને સાહસમાં વૄધ્ધિ થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સમય અનુકૂળ રહે. નોકરીમાં પગાર વધારો અને વ્યવસાયમાં નફામાં વૄધ્ધિ થાય. મહેનતનું યોગ્ય વળતર મળે. શત્રુઓ દ્વારા પણ ધનલાભ થઈ શકે છે. લખાણ તથા પ્રકાશન જેવી પ્રવૃતિઓ દ્વારા ધનલાભ થઈ શકે છે. કળા, સમત-ગમત તેમજ પ્રત્યાયન સાથે સંકળાયેલાં લોકો માટે અનુકૂળ સમય રહે. ભાઈ-બહેનો દ્વારા લાભ થાય. પરંતુ ભાઈ-બહેનોને શારીરિક પીડા થઈ શકે છે. નાની મુસાફરીઓ થવાની સંભાવના રહે. ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૄતિમાં વધારો થાય. તંદુરસ્તી ઉત્તમ રહે આમ છતાં પિતાનુ આરોગ્ય ચિંતા કરાવી શકે છે. નવા મિત્રો તથા નવી ઓળખાણો થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થાય અને ધ્યેય પ્રાપ્તિ શક્ય બને.

તુલા (ર, ત)

રાહુએ દ્વિતીયસ્થાનમાં અને કેતુએ અષ્ટમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. શારીરીક, આર્થિક તથા સામાજીક રીતે સમય પ્રતિકૂળ રહે. પોતાના તથા પરિવારજનોના આરોગ્યની કાળજી રાખવી. આહાર લેવાની અયોગ્ય આદતો પર કાબુ રાખવો. અજાણ્યા ખાદ્યપદાર્થો આરોગવાથી દૂર રહેવું. આંખોની સંભાળ રાખવી. ઓપરેશન તથા ઇજા-અકસ્માત થઈ શકે છે. આ સમય દરમ્યાન જીવનસાથીનુ આરોગ્ય પણ ચિંતા કરાવી શકે છે. પરિવારજનો સાથે વાદ-વિવાદ કરવાથી દૂર રહેવું. આર્થિક સ્થિતિમાં અચાનક અથવા અણધાર્યો સુધારો થઈ શકે છે. વગદાર લોકો સાથે નવી ઓળખાણો થવાની સંભાવના રહે. કોર્ટ-કચેરીના કેસોમાં મૂશ્કેલીઓ પડવાની સંભાવના રહે. ગૂઢ અને આધ્યાત્મિક બાબતો પ્રત્યેના રસમાં વધારો થાય. વ્યાવહારિકતા અને સહનશક્તિમાં વધારો થાય.

વૃશ્ચિક (ન, ય)

રાહુએ પ્રથમસ્થાનમાં અને કેતુએ સપ્તમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. પોતાનું તથા જીવનસાથીનુ આરોગ્ય ચિંતા કરાવી શકે છે. શારીરિક નબળાઈનો અનુભવ થઈ શકે છે. બિનજરૂરી ખર્ચાઓને લીધે નાણાકીય વ્યય થઈ શકે છે. શત્રુઓથી વિશેષ સંભાળીને રહેવું. પોતાના ક્ષેત્રમાં અપમાનજનક સ્થિતિમાં મુકાવુ પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે. અણધારેલી મૂશ્કેલીઓ આવી પડે. આર્થિક સ્થિતિ સંતોષજનક બની રહે. નવી વ્યવસાયિક ભાગીદારી કરવાથી દૂર રહેવુ. મલિન ઈરાદાઓ ધરાવતા તથા શંકાસ્પદ પ્રવૃતિઓ ધરાવતા લોકોથી દૂર રહેવું. દામ્પત્યજીવનમાં તણાવ પેદા થઈ શકે છે. વ્યવહારમાં લાગણીઓની પ્રધાનતા રહે. સગા-સંબંધિઓ તથા સહકાર્યકર વર્ગને લીધે પ્રતિકૂળતા અને મશ્કેલીનો અનુભવ થઈ શકે છે.

ધનુ (ભ, ફ, ધ, ઢ)

રાહુએ વ્યયસ્થાનમાં અને કેતુએ ષષ્ઠસ્થાનમાં પ્રવેશ કર્યો છે. ખર્ચાઓ તથા આર્થિક નુક્સાન થઈ શકે છે. વધુ પડતા ખર્ચાઓને લીધે દેવાનો બોજો વધી જાય. સ્થાવર મિલ્કતનુ નુકસાન પણ થઈ શકે છે. વ્યવસાયમાં ભાગીદારો સાથે ગેરસમજણ તથા નુક્સાન થઈ શકે છે. પરદેશ જવાની અથવા પરદેશની મુસાફરી કરવાની તક મળી શકે છે. પરદેશી સંબંધોથી લાભ રહે. રહેઠાણનુ સ્થળ બદલાય શકે છે. કોર્ટ-કચેરીના કેસોથી દૂર રહેવું. નજીકના લોકો સાથે સંવાદિતાપૂર્ણ સંબંધો બનાવી રાખવા. પોતાનુ તથા જીવનસાથીનુ આરોગ્ય ચિંતા કરાવી શકે છે. આંખોની સંભાળ રાખવી. અનિદ્રાનો રોગ લાગુ પડી શકે છે. શત્રુઓ દ્વારા મૂશ્કેલીનો અનુભવ થઈ શકે છે આમ છતાં તેમનાં પર વિજય મેળવી શકાય. મિત્રોથી વિખૂટાં પડવું પડે.

મકર (ખ, જ)

રાહુએ એકાદશભાવમાં અને કેતુએ પંચમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. આર્થિક દ્વષ્ટિએ સમય ઉત્તમ રહે. એક કરતા વધુ સ્ત્રોત દ્વારા આવક થાય. નવી મિત્રતા દ્વારા લાભ થાય. વ્યવસાયનું વિસ્તરણ શક્ય બને અને નફામાં વૃધ્ધિ થાય. અણધારેલી સફળતાની પ્રાપ્તિ થાય. સ્થાવર મિલ્કતની ખરીદી કરી શકાય. સુખ-સમૄધ્ધિ તથા વૈભવમાં વધારો થાય. સામાજીક માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. મોટા ભાઈ-બહેનો માટે સમય પ્રતિકૂળ રહે. સંતાનને લગતી બાબતોથી ચિંતા રહે. સગર્ભા સ્ત્રીઓએ વિશેષ કાળજી રાખવી. શેર-સટ્ટા માટે સમય પ્રતિકૂળ રહે. પ્રણયસંબંધમાં મૂશ્કેલીનો અનુભવ થાય. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતો અંગેનાં અભ્યાસમાં આગળ વધી શકાય.

કુંભ (ગ, સ, શ, ષ)

રાહુએ દસમસ્થાનમાં અને કેતુએ ચતુર્થસ્થાનમાં પ્રવેશ કર્યો છે. આર્થિક દ્રષ્ટિએ સમય અનુકૂળ રહે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે ધનલાભ થાય તેમજ નવી તકોની પ્રાપ્તિ થાય. ઉપરી અધિકારી વર્ગનો અને સહકર્મચારીઓનો સહકાર મળી રહે. કાર્યક્ષેત્રે જવાબદારીઓમાં વધારો થાય. જીવન ધોરણ ઉંચુ આવી શકે છે.આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. અનિદ્રાના રોગનો ભોગ બની શકાય છે. સતત માનસિક ચિંતાઓ રહ્યા કરે. માતાનુ આરોગ્ય પણ ચિંતા કરાવી શકે છે. મિલ્કત તથા વાહનને લીધે નુક્સાન ન થાય તેની કાળજી રાખવી જરૂરી બની રહે. રહેઠાણના સ્થળમાં બદલાવ આવી શકે છે. ગૄહસ્થજીવનની શાંતિ જોખમાય તેવા પ્રસંગો ઘટી શકે છે.

મીન (દ, ચ, ઝ, થ)

રાહુએ નવમસ્થાનમાં અને કેતુએ તૄતીયસ્થાનમાં પ્રવેશ કર્યો છે. ઉચ્ચ અભ્યાસ અર્થે અથવા નોકરી-વ્યવસાય અર્થે વિદેશયાત્રા સંભવ બને. ઉચ્ચ અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. પ્રારંભિક અવરોધ બાદ ભાગ્ય સાથ આપે. માન-પાન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. ભાઇ-બહેનોના લગ્ન થઈ શકે છે. ભાઇ-બહેનો સાથે દલીલો કરવાથી દૂર રહેવુ. પિતાનુ આરોગ્ય ચિંતા કરાવી શકે છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે પરિવર્તન સંભવી શકે છે. કોર્ટ-કચેરીના કેસોને લીધે મૂશ્કેલીઓ પેદા થાય. અન્ય ધર્મો કે માન્યતાઓ પ્રત્યે આકર્ષણ થઈ શકે છે. મિત્રો તથા સગા-સંબંધિઓની સહાનુભૂતિમાં ઘટાડો થાય. ખભા તથા ગળાના રોગોથી સાવધાન રહેવું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા