તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો - મેષથી કન્યા લગ્ન

આપણે અગાઉના લેખમાં સ્થાનોના આધિપત્યના આધારે તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો નક્કી કરવા અંગેના સિદ્ધાંતોની ચર્ચા કરી. તે સિદ્ધાંતો અનુસાર મેષથી કન્યા સુધીના જન્મલગ્ન પરત્વેના તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો નીચે મુજબ છે.

મેષ લગ્ન

સૂર્યઃ મેષ લગ્નમાં સૂર્ય પંચમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. સૂર્ય નૈસર્ગિક ક્રૂર ગ્રહ હોવા છતાં મેષ લગ્નમાં ત્રિકોણસ્થાનનો સ્વામી હોવાથી શુભ ફળ આપશે.

ચન્દ્રઃ ચન્દ્ર ચતુર્થ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. નૈસર્ગિક શુભ ગ્રહ હોવાથી કેન્દ્રાધિપતિ દોષને કારણે શુભતા ગુમાવે છે.

મંગળઃ મંગળ લગ્ન અને અષ્ટમસ્થાનનો સ્વામી છે. અષ્ટમેશ હોવા છતાં લગ્નસ્થાનનો સ્વામી હોવાથી શુભ ફળ આપે છે.

બુધઃ બુધ તૄતીય અને ષષ્ઠસ્થાનનો અધિપતિ છે. ત્રિષડાય સ્થાનનો અધિપતિ હોવાથી બુધ અશુભ ફળ આપે છે.

ગુરુઃ ગુરુ દ્વાદશ અને નવમ ભાવનો સ્વામી છે. દ્વાદશ એ તટસ્થ ભાવ છે અને બીજી રાશિ ત્રિકોણસ્થાનમાં પડતી હોવાથી ગુરુ શુભફળ આપે છે. આમ છતાં જ્યારે ગુરુ અશુભ ગ્રહો સાથે સંકળાયેલો હશે ત્યારે દ્વાદશ ભાવનો સ્વામી પણ હોવાથી અશુભ ફળ આપવાની શક્યતા રહે છે.

શુક્રઃ દ્વિતીય અને સપ્તમસ્થાનનો સ્વામી છે. દ્વિતીય સ્થાનના સ્વામી તરીકે તટસ્થ છે. પરંતુ સપ્તમસ્થાનનો સ્વામી હોવાથી કેન્દ્રાધિપતિ દોષ લાગવાથી શુભતા ગુમાવે છે.

શનિઃ શનિ દસમસ્થાનનો સ્વામી હોવાથી અશુભતા ગુમાવે છે. પરંતુ સાથે-સાથે એકાદશ ભાવનો સ્વામી હોવાથી અશુભ છે. વળી ત્રિષડાય સ્થાનોમાં એકાદશ ભાવ ઉત્તરોત્તર બળવાન છે. આથી શનિ અશુભ ફળ આપશે.

વૃષભ લગ્ન

સૂર્યઃ સૂર્ય ચતુર્થ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. નૈસર્ગિક ક્રૂર ગ્રહ હોવાથી અશુભતા ગુમાવે છે. સામાન્ય રીતે ક્રૂર ગ્રહમાંથી શુભ ગ્રહ બનવા માટે ત્રિકોણસ્થાનનું સ્વામીત્વ હોવું પણ જરૂરી છે. પરંતુ સૂર્ય ફક્ત એક જ રાશિનું સ્વામીત્વ ધરાવતો હોવાથી શુભ ફળ આપશે.

ચન્દ્રઃ ચન્દ્ર તૃતીયસ્થાનનો સ્વામી છે. ત્રિષડાય સ્થાનનો સ્વામી હોવાથી અશુભ ફળ આપશે.

મંગળઃ મંગળ દ્વાદશ અને સપ્તમસ્થાનનો સ્વામી છે. દ્વાદશસ્થાનના સ્વામી તરીકે તટસ્થ છે. તેની બીજી રાશિ કેન્દ્રસ્થાનમાં પડતી હોવાથી અશુભતા ગુમાવે છે. પરંતુ સંપૂર્ણ શુભ ગ્રહ બની જતો નથી.

બુધઃ બુધ દ્વિતીય અને પંચમસ્થાનનો સ્વામી છે. દ્વિતીયસ્થાનના સ્વામી તરીકે તટસ્થ છે. પંચમ ત્રિકોણસ્થાનનો સ્વામી હોવાથી શુભ ફળ આપી શકે. બુધની મૂળભૂત પ્રકૃતિ તે જે ગ્રહ સાથે જોડાય તે પ્રમાણે વર્તવાની છે. દ્વિતીયસ્થાનના સ્વામી તરીકે આ પ્રકૃતિ વધુ મજબૂત બને છે. આથી જ બુધ અહીં ત્રિકોણસ્થાનનો સ્વામી હોવા છતાં સ્વતંત્ર રીતે સંપૂર્ણ શુભ ફળ આપવા શક્તિમાન નથી.

ગુરુઃ ગુરુ અષ્ટમ અને એકાદશસ્થાનનો સ્વામી હોવાથી અશુભ ફળ આપશે.

શુક્રઃ શુક્ર લગ્નસ્થાન અને ષષ્ઠસ્થાનનો સ્વામી છે. લગ્નેશ તરીકે શુભ છે. પરંતુ કેન્દ્રસ્થાનોમાં લગ્નસ્થાન કરતાં ત્રિષડાય સ્થાનોમાં ષષ્ઠસ્થાન વધુ બળવાન હોવાથી શુક્ર ત્રિષડાય સ્થાનના અધિપતિ તરીકે અશુભ ફળ આપે છે.

શનિઃ શનિ નવમ અને દસમસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાને લીધે અશુભતા ગુમાવે છે. ઉપરાંત નવમ ત્રિકોણ સ્થાનનો સ્વામી હોવાથી સંપૂર્ણ શુભ બને છે. વૃષભ લગ્ન માટે શનિ યોગકારક ગ્રહ છે.

મિથુન લગ્ન

સૂર્યઃ સૂર્ય તૃતીયસ્થાનનો સ્વામી હોવાથી અશુભ ફળ આપે છે.

ચન્દ્રઃ ચન્દ્ર દ્વિતીયસ્થાન સ્વામી હોવાથી તટસ્થ બને છે. તેનું શુભાશુભ ફળ તેની સાથે સંકળાયેલાં બીજા ગ્રહો પર આધાર રાખશે.

મંગળઃ મંગળ ષષ્ઠ અને એકાદશ ભાવનો અધિપતિ હોવાથી અશુભ ફળ આપશે.

બુધઃ બુધ લગ્નેશ અને ચતુર્થ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. લગ્નેશ તરીકે બુધ શુભ છે. આમ છતાં લગ્નસ્થાનનો સમાવેશ કેન્દ્રસ્થાનમાં પણ થતો હોવાથી અને ચતુર્થ કેન્દ્રસ્થાન એ લગ્નસ્થાન કરતાં અધિક બળવાન હોવાથી કેન્દ્રાધિપતિ દોષને લીધે બુધ શુભતા ગુમાવે છે. પરંતુ અશુભ બની જતો નથી. તેનું શુભાશુભ ફળ તેની સાથે સંકળાયેલાં અન્ય ગ્રહોનાં આધારે નક્કી થશે.

ગુરુઃ ગુરુ સપ્તમ અને દસમ કેન્દ્રસ્થાનનો અધિપતિ છે. નૈસર્ગિક શુભ ગ્રહ હોવાથી કેન્દ્રાધિપતિ દોષને લીધે શુભતા ગુમાવે છે.

શુક્રઃ શુક્ર દ્વાદશ અને પંચમભાવનો સ્વામી છે. દ્વાદશ તરીકે તટસ્થ છે અને પંચમ ત્રિકોણ સ્થાનના અધિપતિ હોવાને લીધે શુભ ફળ આપે છે.

શનિઃ શનિ અષ્ટમ અને નવમભાવનો સ્વામી છે. અષ્ટમસ્થાનના સ્વામી તરીકે અશુભ છે અને નવમસ્થાનના સ્વામી તરીકે શુભ છે. શનિ અષ્ટમ ભાવ સાથે નૈસર્ગિક લગાવ ધરાવે છે. આથી ત્રિકોણાધિપતિ હોવા છતાં તે સંપૂર્ણ શુભ નથી અને તટસ્થ રહીને ફળ આપે છે.

કર્ક લગ્ન

સૂર્યઃ સૂર્ય દ્વિતીયસ્થાનનો સ્વામી છે. તે તેની સાથે સંકળાયેલાં અન્ય ગ્રહો અનુસાર ફળ આપશે.

ચન્દ્રઃ ચન્દ્ર લગ્નસ્થાનનો સ્વામી છે. લગ્નેશ હોવાથી તે શુભ ફળ આપે છે.

મંગળઃ મંગળ દસમ કેન્દ્રસ્થાન અને પંચમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી અશુભતા ગુમાવે છે અને સાથે સાથે ત્રિકોણાધિપતિ હોવાથી શુભ બની જાય છે. કર્ક લગ્ન માટે મંગળ યોગકારક ગ્રહ છે.

બુધઃ બુધ દ્વાદશ અને તૃતીયસ્થાનનો સ્વામી છે. દ્વાદશ ભાવના સ્વામી તરીકે તટસ્થ છે. પરંતુ તૃતીયસ્થાનનો સ્વામી હોવાથી અશુભ ફળ આપે છે.

ગુરુઃ ગુરુ ષષ્ઠ અને નવમસ્થાનનો સ્વામી છે. ત્રિષડાય સ્થાનોમાં ષષ્ઠસ્થાન કરતાં ત્રિકોણસ્થાનોમાં નવમસ્થાન અધિક બળવાન છે. વળી ગુરુ નવમભાવ સાથે નૈસર્ગિક લગાવ ધરાવે છે. આથી ગુરુ શુભ ફળ આપે છે.

શુક્રઃ શુક્ર ચતુર્થ અને એકાદશ ભાવનો સ્વામી છે. કેન્દ્રાસ્થાનના સ્વામી તરીકે શુભતા ગુમાવે છે અને ત્રિષડાય ભાવનો સ્વામી હોવાથી શુક્ર અશુભ ફળ આપે છે.

શનિઃ શનિ સપ્તમ અને અષ્ટમસ્થાનનો સ્વામી છે. સપ્તમ કેન્દ્રસ્થાનના સ્વામી તરીકે અશુભતા ગુમાવે છે. પરંતુ અષ્ટમ ભાવનો સ્વામી હોવાથી તટસ્થ રહે છે અને તેની સાથે સંકળાયેલાં અન્ય ગ્રહો અનુસાર ફળ આપે છે.

સિંહ લગ્ન

સૂર્યઃ સૂર્ય લગ્નસ્થાનનો સ્વામી છે. લગ્નેશ હોવાથી શુભ ફળ આપે છે.

ચન્દ્રઃ ચન્દ્ર દ્વાદશ ભાવનો સ્વામી હોવાથી તટસ્થ રહે છે અને તેની સાથે સંકળાયેલાં અન્ય ગ્રહો અનુસાર ફળ આપે છે.

મંગળઃ મંગળ ચતુર્થ કેન્દ્રસ્થાન અને નવમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાની સાથે ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે. સિંહ લગ્ન માટે મંગળ યોગકારક ગ્રહ છે.

બુધઃ બુધ દ્વિતીય અને એકાદશ ભાવનો સ્વામી છે. દ્વિતીયસ્થાનના સ્વામી તરીકે તટસ્થ છે. પરંતુ સાથે એકાદશ ભાવનો પણ સ્વામી હોવાથી અશુભ ફળ આપે છે.

ગુરુઃ ગુરુ પંચમ અને અષ્ટમસ્થાનનો સ્વામી છે. અષ્ટમ ભાવનો સ્વામી હોવાની સાથે ત્રિકોણાધિપતિ પણ હોવાથી ગુરુ શુભ ફળ આપે છે. વળી ગુરુ પંચમ ભાવ સાથે નૈસર્ગિક લગાવ ધરાવે છે એટલે પંચમાધિપતિ તરીકે વધુ ફળ આપે છે.

શુક્રઃ શુક્ર તૃતીય અને દસમસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી શુભતા ગુમાવે છે. ઉપરાંતમાં ત્રિષડાય સ્થાનના સ્વામી તરીકે અશુભ ફળ આપે છે.

શનિઃ શનિ ષષ્ઠ અને સપ્તમસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ તરીકે અશુભતા ગુમાવતો હોવા છતાં ત્રિષડાય ભાવના સ્વામી તરીકે અશુભ ફળ આપે છે.

કન્યા લગ્ન

સૂર્યઃ સૂર્ય દ્વાદશ ભાવનો સ્વામી છે. તે તટસ્થ રહીને તેની સાથે સંકળાયેલાં અન્ય ગ્રહો અનુસાર ફળ આપશે.

ચન્દ્રઃ ચન્દ્ર એકાદશ ભાવનો સ્વામી છે અને તે અશુભ ફળ આપે છે.

મંગળઃ મંગળ તૃતીય અને અષ્ટમસ્થાનનો સ્વામી છે. આથી અશુભ ફળ આપે છે.

બુધઃ બુધ લગ્નસ્થાન અને દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી શુભતા ગુમાવે છે. આમ છતાં બુધની મૂળત્રિકોણ રાશિ લગ્નસ્થાનમાં પડતી હોવાથી ત્રિકોણાધિપતિ તરીકે શુભ ફળ આપે છે.

ગુરુઃ ગુરુ ચતુર્થ અને સપ્તમ એમ બે કેન્દ્રસ્થાનોનો સ્વામી છે. આથી કેન્દ્રાધિપતિ દોષને લીધે શુભતા ગુમાવે છે.

શુક્રઃ શુક્ર દ્વિતીય અને નવમસ્થાનનો સ્વામી છે. દ્વિતીયસ્થાનના સ્વામી તરીકે તટસ્થ પરંતુ નવમ ત્રિકોણસ્થાનનો સ્વામી હોવાથી શુભ ફળ આપે છે.

શનિઃ શનિ પંચમ અને ષષ્ઠ ભાવનો સ્વામી છે. પંચમ ત્રિકોણાધિપતિ તરીકે શુભ અને ષષ્ઠ ત્રિષડાયાધિપતિ તરીકે અશુભ હોવાથી તટસ્થ રહીને ફળ આપે છે.

હવે પછીના લેખમાં તુલાથી મીન લગ્ન સુધીના જન્મલગ્નોનાં તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો જોઈશું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા