November 30, 2010

કારક

કારક એટલે સરળ ભાષામાં કહું તો કરનાર, ઘટાવનાર, બનાવનાર. આપણે ગ્રહો વિશેની લેખમાળામાં જોયું કે પ્રત્યેક ગ્રહ કોઈ ચોક્ક્સ વસ્તુ, બાબત કે વ્યક્તિ અંગેનો કારક ગ્રહ છે. દા.ત. શુક્ર એ લગ્નનો કારક છે અને મંગળ ભાઈનો કારક છે. આ તો થઈ ગ્રહોના કાયમી કારકત્વ અંગેની વાત. આ ઉપરાંત ગ્રહો ચોક્કસ બાબતો અંગેનાં કારક છે જે બાબતો તેમના રાશિના અંશના આધારે બદલાતી રહે છે. બદલાતાં રહેતાં કારકને ચર કારક અથવા જૈમિની કારક તરીકે ઓળખવામાં આવે છે.

પ્રત્યેક રાશિ ૦ થી લઈને ૩૦ અંશ ધરાવે છે. ચર કારક ગ્રહો તેમની રાશિના અંશના આધારે નક્કી કરવામાં આવે છે. અહીં ગ્રહોની રાશિને ધ્યાનમાં લેવાતી નથી પરંતુ ફક્ત તેમનાં અંશના આધારે કારકત્વ નક્કી કરવામાં આવે છે. કુલ ૮ ચર કારક ગ્રહો હોય છે. ચર કારકમાં સૂર્યથી લઈને રાહુ સુધીના ૮ ગ્રહોનો સમાવેશ કરવામાં આવે છે. કેતુ મોક્ષનો કારક હોવાથી ચર કારકની ગણતરીમાં તેનો સમાવેશ કરવામાં આવતો નથી.

૧. કુંડળીમાં સૌથી વધુ અંશ ધરાવનાર ગ્રહ આત્મકારક કહેવાય છે. આત્મકારક બનનાર ગ્રહ જાતકના આત્માનો કારક હોય છે.

૨. ત્યાર બાદ ઉતરતાં ક્રમમાં આત્મકારક ગ્રહથી ઓછાં અંશ ધરાવનાર ગ્રહ અમાત્યકારક કહેવાય છે. અમાત્યકારક જાતકની કારકિર્દીનો કારક ગ્રહ છે.

૩. અમાત્યકારકથી ઓછાં અંશ ધરાવનાર ગ્રહ ભાતૃકારક બને છે. નામ પ્રમાણે જ ભાતૃકારક ગ્રહ જાતકના ભાઈનો કારક હોય છે.

૪. ભાતૃકારક ગ્રહથી ઓછાં અંશ ધરાવનાર ગ્રહ માતૃકારક (માતાનો કારક) કહેવાય છે.

૫. માતૄકારક ગ્રહથી ઓછાં અંશ ધરાવનાર ગ્રહ પિતૃકારક (પિતાનો કારક) કહેવાય છે.

૬. પિતૄકારક ગ્રહથી ઓછાં અંશ ધરાવનાર ગ્રહ પુત્રકારક (પુત્રનો કારક) કહેવાય છે.

૭. પુત્રકારક ગ્રહથી ઓછાં અંશ ધરાવનાર ગ્રહ જ્ઞાતિકારક કહેવાય છે. જ્ઞાતિકારક ગ્રહ જાતકના પિતરાઈઓ અને સંબંધિઓનો કારક હોય છે.

૮. જ્ઞાતિકારક ગ્રહથી ઓછાં અંશ ધરાવનાર ગ્રહ સ્ત્રીકારક કહેવાય છે. સ્ત્રીકારક ગ્રહ પુરુષ જાતકની કુંડળીમાં પત્નીનો અને સ્ત્રી જાતકની કુંડળીમાં પતિનો કારક હોય છે.

રાહુ હંમેશા વક્રી રહેતો હોવાથી તેનાં અંશની ગણતરી રાશિનાં અંત ભાગથી કરવામાં આવે છે. એટલે કે ૩૦ અંશમાંથી રાહુનાં અંશ બાદ કરીને જે પરીણામ આવે તેને આધારે રાહુની સ્થિતિ નક્કી કરવામાં આવે છે. અમુક વિદ્વાનો ૭ ચર કારકની પધ્ધતિનો ઉપયોગ કરે છે. જેમાં રાહુનો સમાવેશ કરવામાં આવતો નથી. ૭ ચર કારકની પધ્ધતિમાં માતૃકારક ગ્રહને જ પુત્રકારક પણ ગણવામાં આવે છે. અમુક વિદ્વાનો પુત્રકારકને બદલે માતૃકારક અને પિતૃકારક ગ્રહને એક ગણે છે.

પરાશર ૭ અને ૮ બંને ચર કારક પધ્ધતિનો સ્વીકાર કરે છે. પરાશર કહે છે, " હે વિપ્ર, હવે હું સૂર્યથી લઈને શનિ સુધીનાં ૭ ગ્રહોમાંથી આત્મકારક કઈ રીતે મેળવવો તે કહું છું. કોઈના મતે જ્યારે બે ગ્રહોનાં અંશ સરખાં હોય ત્યારે રાહુનો કારક તરીકે સમાવેશ કરવો. જ્યારે અન્યો કહે છે કે કોઈ પણ સ્થિતિમાં રાહુ સુધીનાં ૮ ગ્રહોનો સમાવેશ કરવો."

પરાશર આગળ કહે છે કે, "હે વિપ્ર, જે રીતે મંત્રી આદિ અધિકારી રાજાની આજ્ઞા વિરુધ્ધ જઈ શકતાં નથી તે જ રીતે જાતકની બાબતમાં અન્ય કારક જેવાં કે પુત્રકારક, અમાત્યકારક વગેરે આત્મકારક ગ્રહથી સર્વોપરી થઈ શકતાં નથી. જો આત્મકારક ગ્રહ પ્રતિકૂળ હોય તો અન્ય કારક ગ્રહો પોતાનું સંપૂર્ણ શુભ ફળ આપી શકતાં નથી. એ જ રીતે જો આત્મકારક ગ્રહ અનુકૂળ હોય તો અન્ય કારક ગ્રહો પોતાનું અશુભ ફળ આપી શકતાં નથી."

હવે આપણે ચર કારકની ગણતરી કઈ રીતે કરવી તેને ઉદાહરણ દ્વારા સમજીએ.

દા.ત. એક કુંડળીમાં નીચે મુજબ ગ્રહ સ્થિતિ છે.

સૂર્ય - કુંભ રાશિ ૬ અંશ ૫૩ કળા
ચન્દ્ર - કુંભ રાશિ ૨૨ અંશ ૧૪ કળા
મંગળ - મકર રાશિ ૨૨ અંશ ૧૬ કળા
બુધ - કુંભ રાશિ ૧૫ અંશ ૬ કળા
ગુરુ - મિથુન રાશિ ૧૪ અંશ ૩૩ કળા
શુક્ર - મીન રાશિ ૯ અંશ ૫ કળા
શનિ - તુલા રાશિ ૧૩ અંશ ૪૧ કળા
રાહુ - વૃષભ રાશિ ૨ અંશ ૫૩ કળા (૩૦ અંશ - ૨ અંશ ૫૩ કળા = ૨૭ અંશ ૭ કળા)

ઉપરોક્ત કુંડળીમાં સૌથી વધુ અંશ રાહુનાં છે. આથી જો ૮ ચર કારકની પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો રાહુ આત્મકારક ગ્રહ બનશે. ત્યારબાદ રાહુ કરતાં ઓછાં અંશ ધરાવતો મંગળ અમાત્યકારક બનશે. મંગળથી ઓછાં અંશ ચન્દ્ર ધરાવે છે. આથી ચન્દ્ર ભાતૃકારક ગ્રહ બનશે. આ જ રીતે ત્યારબાદ બુધ માતૄકારક, ગુરુ પિતૃકારક, શનિ પુત્રકારક, શુક્ર જ્ઞાતિકારક અને સૌથી ઓછાં અંશ ધરાવનાર સૂર્ય સ્ત્રીકારક બનશે.

હવે જો ૭ ચર કારક પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો રાહુને ધ્યાનમાં લેવાનો રહેશે નહિ. આથી સૌથી વધુ અંશ ધરાવનાર મંગળ આત્મકારક બનશે. બાકીના કારકની ગણતરી અગાઉ કરી તે જ રીતે ઉતરતાં ક્રમમાં કરવાની રહેશે.

No comments: