ભાવોનું વર્ગીકરણ

જન્મકુંડળીનાં બાર ભાવોને તેમની જુદી-જુદી સમાનતાઓને આધારે જુદાં-જુદાં જૂથમાં વહેંચવામાં આવ્યા છે.

કેન્દ્રસ્થાનો :

જન્મકુંડળીનાં ૧, ૪, ૭ અને ૧૦ ભાવ કેન્દ્રસ્થાનો કહેવાય છે. કેન્દ્રસ્થાનોની રાશિઓ ચરાદિ સ્વભાવમાં સમાનતા ધરાવતી હોય છે. એટલે કે આ ચારેય સ્થાનોની રાશિ ચર અથવા સ્થિર અથવા દ્વિસ્વભાવ હોય છે. સ્વભાવમાં સમાનતા હોવાને લીધે આ ચારેય સ્થાનો એકબીજાં સાથે સંવાદિતા ધરાવે છે. કેન્દ્રસ્થાનો કુંડળીનાં સ્તંભ સમાન છે. આ સ્થાનોમાં રહેલાં ગ્રહો બળ પ્રાપ્ત કરે છે અને સંપૂર્ણ ફળ આપવા સમર્થ બને છે. કેન્દ્રસ્થાનોમાં પહેલાંથી ચોથું, ચોથાથી સાતમું અને સાતમાંથી દસમું સ્થાન ઉત્તરોત્તર વધારે બળવાન હોય છે. દસમ સ્થાન સૌથી વધુ બળવાન હોય છે અને આ સ્થાનમાં રહેલ ગ્રહ સમગ્ર કુંડળી પર પ્રભુત્વ ધરાવતો હોય છે. કેન્દ્રસ્થાનો વિષ્ણુસ્થાનો છે અને જીવનમાં કરવાં પડતાં પુરુષાર્થનો નિર્દેશ કરે છે.

પણફર સ્થાનો :

જન્મકુંડળીનાં ૨, ૫, ૮ અને ૧૧ સ્થાન પણફર સ્થાનો કહેવાય છે. આ ચાર ભાવ એ દરેક કેન્દ્રસ્થાનથી આગળ રહેલો ભાવ છે. પણફર સ્થાનોમાં રહેલી રાશિઓ પણ ચરાદિ સ્વભાવમાં સમાનતા ધરાવતી હોય છે. કાળપુરુષની કુંડળીમાં પણફર સ્થાનો સ્થિર રાશિ ધરાવે છે. આથી પણફર સ્થાનો સ્થિરતા, દ્રઢતા અને સલામતીનો નિર્દેશ કરે છે.


આપોકિલમ સ્થાનો :


જન્મકુંડળીનાં ૩, ૬, ૯ અને ૧૨ સ્થાન આપોકિલમ સ્થાનો કહેવાય છે. આ ચાર ભાવ એ દરેક કેન્દ્રસ્થાનથી પાછળ રહેલો ભાવ છે. આપોકિલમ સ્થાનોની રાશિઓ પણ ચરાદિ સ્વભાવમાં સમાનતા ધરાવતી હોય છે. કાળપુરુષની કુંડળીમાં આપોકિલમ સ્થાનોમાં દ્વિસ્વભાવ રાશિઓ રહેલી છે. આ સ્થાનો સંદેશાવ્યવહાર અને વિચારણાનો નિર્દેશ કરે છે.


ત્રિકોણસ્થાનો :


જન્મકુંડળીનાં ૧, ૫ અને ૯ સ્થાન ત્રિકોણસ્થાનો કહેવાય છે. આ ભાવોની રાશિ તત્વમાં સમાનતા ધરાવતી હોય છે. એટલે કે આ ભાવો સ્થિત રાશિઓ અગ્નિતત્વ અથવા પૃથ્વીતત્વ અથવા વાયુતત્વ અથવા જળતત્વ ધરાવે છે. તત્વની સમાનતાને લીધે ત્રિકોણ સ્થાનો એકબીજાં સાથે સંવાદિતા ધરાવે છે. લગ્નસ્થાનનો સમાવેશ કેન્દ્ર અને ત્રિકોણ બંનેમાં થાય છે. ત્રિકોણ સ્થાનો શુભ સ્થાનો છે અને ભાગ્ય, કૃપા, ધન-સંપતિ, જ્ઞાન અને આશીર્વાદનો નિર્દેશ કરે છે. પંચમ સ્થાન કરતાં નવમ સ્થાન બળવાન છે અને તેને ત્રિ-ત્રિકોણ સ્થાન પણ કહેવામાં આવે છે. આ લક્ષ્મીસ્થાનો છે. કેન્દ્રસ્થાન પુરુષાર્થ છે તો ત્રિકોણસ્થાન એ પુરુષાર્થનું ફળ છે.

ત્રિક સ્થાનો :

જન્મકુંડળીનાં ૬, ૮ અને ૧૨ સ્થાનને ત્રિક સ્થાનો કહેવામાં આવે છે. આ સ્થાનો દુઃસ્થાનો ગણાય છે અને શત્રુ, રોગ, મૃત્યુ અને હાનિનો નિર્દેશ કરે છે. તૃતીય સ્થાન પણ દુઃસ્થાન ગણાય છે. પરંતુ ત્રિક સ્થાનો કરતાં પ્રમાણમાં ઓછી નકારાત્મક અસર ધરાવે છે. ૩, ૬, ૮ અને ૧૨ ને ખાડાનાં સ્થાનો પણ કહેવાય છે.


ત્રિષડાય સ્થાનો :


જન્મકુંડળીમાં ૩, ૬ અને ૧૧ સ્થાનો ત્રિષડાય સ્થાનો કહેવાય છે. તેમાં ત્રીજાં કરતાં છઠ્ઠું અને છઠ્ઠાં કરતાં અગિયારમું સ્થાન ઉત્તરોત્તર વધારે બળવાન હોય છે.





ઉપચય સ્થાનો :


જન્મકુંડળીમાં ૩, ૬, ૧૦ અને ૧૧ સ્થાન ઉપચય સ્થાનો કહેવાય છે. ઉપચય એટલે કે વૃધ્ધિ. નામ પ્રમાણે જ ઉપચય સ્થાનો લાભ અને વૃધ્ધિનો નિર્દેશ કરે છે. પાપગ્રહો ઉપચય સ્થાનમાં હોવા શુભ ગણાય છે.





મારક સ્થાનો :


જન્મકુંડળીનાં ૨ અને ૭ સ્થાનો મારક સ્થાનો કહેવાય છે. કુંડળીમાં કોઈ પણ સ્થાનથી બારમું સ્થાન એ જે-તે ભાવની હાનિનો નિર્દેશ કરે છે. અષ્ટમ સ્થાન આયુષ્ય સ્થાન છે. આથી અષ્ટમ સ્થાનથી બારમું સ્થાન એટલે કે સપ્તમ સ્થાન આયુષ્યની હાનિનો નિર્દેશ કરે છે. તૃતીય સ્થાન અષ્ટમ સ્થાનથી આઠમું સ્થાન હોવાથી ભાવાત ભાવમના સિધ્ધાંતથી આયુષ્યનો નિર્દેશ કરે છે. તૃતીય સ્થાનથી બારમું સ્થાન એટલે કે દ્વિતીય સ્થાન આયુષ્યની હાનિનો સંકેત કરે છે. આ રીતે દ્વિતીય સ્થાન અને સપ્તમ સ્થાન મારક સ્થાનો બને છે.

આ ઉપરાંત જન્મકુંડળીના બાર ભાવોને ચાર ત્રિકોણ-ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં વહેંચવામા આવ્યાં છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જીવનના ચાર પુરુષાર્થો છે જેનો ચાર કેન્દ્રસ્થાનો નિર્દેશ કરે છે. આ ચાર કેન્દ્રસ્થાનોથી શરૂ કરીને ચાર ત્રિકોણની રચના થાય છે.
૧, ૫, ૯
૪, ૮, ૧૨
૭, ૧૧, ૩
૧૦, ૨, ૬
ત્રિકોણ સ્થાનોમાં સ્થિત રાશિઓ એક જ તત્વ ધરાવતી હોવાથી એક ત્રિકોણનાં ત્રણેય સ્થાનો પરસ્પર એકબીજાં સાથે સંવાદિતા ધરાવે છે.

ધર્મ ત્રિકોણ :

જન્મકુંડળીનાં ૧, ૫ અને ૯ સ્થાનોથી ધર્મ ત્રિકોણ બને છે. આ સ્થાનો વ્યક્તિની વિશિષ્ટ માન્યતાનો નિર્દેશ કરે છે જે તેને સમાજમાં અલગ ઓળખ આપે છે. પ્રથમ સ્થાન એ ચોક્ક્સ ધાર્મિક માન્યતા ધરાવતાં કુટુંબમાં જન્મ થવાનો નિર્દેશ કરે છે. પંચમ સ્થાન પવિત્ર ધાર્મિક ગ્રંથો, મંત્ર, યંત્ર, તંત્ર અને ભક્તિનું સ્થાન છે. નવમ સ્થાન દેવાલયો અને ગુરુનો નિર્દેશ કરે છે. કાળપુરુષની કુંડળીમાં આ સ્થાનો અગ્નિતત્વની રાશિઓ ધરાવે છે. જે રીતે અગ્નિમાં બળીને સોનું શુધ્ધ થાય છે તે રીતે ધર્માગ્નિમાં સર્વ પાપ અને દૂષણોનો નાશ થાય છે અને શુધ્ધ-પવિત્ર સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અગ્નિતત્વ રૂપાંતરનું પ્રતીક છે.

અર્થ ત્રિકોણ :

જન્મકુંડળીનાં ૨, ૬ અને ૧૦ સ્થાનોથી અર્થ ત્રિકોણ બને છે. આ સ્થાનો ભૌતિક સમૃધ્ધિ અને જીવન નિર્વાહ સાથે સંબંધિત છે. દ્વિતીય સ્થાન આર્થિક સાધનોનો નિર્દેશ કરે છે જેની મદદ વડે વ્યવસાયની શરૂઆત કરી શકાય. ષષ્ઠ સ્થાન કઠોર પરિશ્રમ અને નોકરીનું સૂચક છે. જ્યારે દસમ સ્થાન કર્મસ્થાન છે અને આજીવિકા અને વ્યવસાયનો નિર્દેશ કરે છે. કાળપુરુષની કુંડળીમાં આ સ્થાનોમાં પૃથ્વીતત્વની રાશિ રહેલી છે. પૃથ્વીતત્વ ભૌતિકતાનું સૂચક છે.

કામ ત્રિકોણ :

જન્મકુંડળીનાં ૩, ૭ અને ૧૧ ભાવોથી કામ ત્રિકોણ બને છે. આ સ્થાનો કામનાઓ સાથે સંબંધિત છે. તૃતીય સ્થાન વ્યક્તિગત ઈચ્છા અને મહાત્વાકાંક્ષાનો નિર્દેશ કરે છે. સપ્તમ સ્થાન કામેચ્છાનું સૂચક છે અને એકાદશ ભાવ દરેક પ્રકારની મનોકામનાઓ અને તેની પૂર્તિનો નિર્દેશ કરે છે. કાળપુરુષની કુંડળીમાં આ સ્થાનોમાં વાયુતત્વની રાશિ રહેલી છે. ઈચ્છાઓ મનમાં ઉદ્‌ભવે છે અને વાયુતત્વ મનને કલ્પનાઓથી ભરી દે છે.

મોક્ષ ત્રિકોણ :

જન્મકુંડળીનાં ૪, ૮ અને ૧૨ ભાવોથી મોક્ષત્રિકોણ બને છે. આ સ્થાનો અનાસક્તિ, મોક્ષ અને અધ્યાત્મ સાથે સંબંધિત છે. ચતુર્થ સ્થાન મધ્ય રાત્રિનો નિર્દેશ કરે છે. મધ્ય રાત્રિએ આવતી ગાઢ નિદ્રા એક રીતે સંસારથી અલિપ્તતાની સૂચક છે. આ ઉપરાંત ચતુર્થ સ્થાન હ્રદયનું છે. ઈશ્વર પ્રત્યેની ભક્તિનો ઉદ્‌ભવ હ્રદયમાં થાય છે. અષ્ટમ સ્થાન અવરોધો, પીડા અને વેદના ભોગવીને અધ્યાત્મના માર્ગે આગળ વધવાનું છે. કુંડલિની શક્તિનો નિર્દેશ કરે છે. દ્વાદશ ભાવ મોક્ષ, અનાસક્તિ અને અહંકારના નાશનો સૂચક છે. કાળપુરુષની કુંડળીમાં આ સ્થાનોમાં જળતત્વની રાશિ રહેલી છે. જળતત્વ દયા, કરુણા અને પવિત્રતાનું પ્રતીક છે.

દ્રશ્ય અને અદ્રશ્ય ગોળાર્ધ :

જાતકનાં જન્મસમયે પૂર્વ ક્ષિતિજનું નિરિક્ષણ કરતાં કોઈ એક રાશિ ઉદિત થઈ રહેલી દેખાશે. આ રાશિનો અમુક ભાગ ઉદિત થઈ ચૂક્યો હશે. જ્યારે અમુક ભાગ ઉદિત થવાનો બાકી હશે. સપ્તમ સ્થાન એ પશ્ચિમ ક્ષિતિજનો નિર્દેશ કરે છે. જ્યાં રાશિઓ અસ્ત પામે છે. જન્મકુંડળીમાં ભાવ ૭ થી ૧ માં ઉદિત થઈ ચૂકેલી રાશિઓ હશે જ્યારે ભાવ ૧ થી ૭ ની રાશિઓ ક્ષિતિજ નીચે રહેલી હશે અને હવે પછી ઉદિત થનારી હશે.

ભાવ ૭ થી ૧ દ્રશ્ય ગોળાર્ધ કહેવાય છે.









ભાવ ૧ થી ૭ અદ્રશ્ય ગોળાર્ધ કહેવાય છે.








ધારોકે જાતકનાં જન્મ સમયે સિંહ રાશિનું ૧૮ અંશનુ લગ્ન ઉદિત થઈ રહ્યુ છે. તો સિંહ રાશિનાં ૧૮ અંશથી લઈને કર્ક, મિથુન, વૃષભ, મેષ, મીન અને કુંભ રાશિનાં ૧૮ અંશ સુધીનો ભાગ કુંડળીનો દ્રશ્ય ગોળાર્ધ(ભાવ ૭ થી ૧)કહેવાશે. જ્યારે કુંભ રાશિના બાકીના ભાગથી લઈને મકર, ધનુ, વૃશ્ચિક, તુલા, કન્યા અને સિંહ રાશિનો બાકીનો ભાગ કુંડળીનો અદ્રશ્ય ગોળાર્ધ(ભાવ ૧ થી ૭) કહેવાશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા