રાહુ–કેતુ

રાહુ અને કેતુ એ દ્રષ્ટ ગ્રહો નથી. આકાશમાં સૂર્ય, ચન્દ્ર અને બીજાં ગ્રહોની માફક તેમને જોઈ શકાતાં નથી. રાહુ અને કેતુ એ ફક્ત ગાણિતીક બિંદુઓ છે. સૂર્ય અને ચન્દ્રની ભ્રમણકક્ષાઓ જ્યાં એકબીજાંને છેદે છે તે બિંદુઓ રાહુ અને કેતુ તરીકે ઓળખાય છે. ઉત્તરનું છેદનબિંદુ રાહુ કહેવાય છે અને દક્ષિણનું છેદનબિંદુ કેતુ કહેવાય છે. આ બિંદુઓ એક સ્વતંત્ર ગ્રહના જેવું ગુરુત્વાકર્ષણ અને ચુંબકીય પ્રભાવ ધરાવતાં હોવાથી તેમને માનવો પર અસર કરનારા ગણીને ભારતીય જ્યોતિષમાં ગ્રહો તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

રાહુ-કેતુની ગતિ હંમેશા વક્રી રહે છે. તેઓ એક રાશિમાં આશરે દોઢ વર્ષ રહે છે. રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં ૧૮ વર્ષ લાગે છે. રાહુથી કેતુ હંમેશા ૧૮૦ અંશ પર રહે છે.

પુરાણો અનુસાર રાહુ એ સિંહિકાનો પુત્ર છે અને કેતુનો જન્મ રાહુમાંથી જ થયો છે. રાહુ-કેતુની કલ્પના સાપ તરીકે કરવામાં આવી છે. સાપને બે ભાગમાં છેદી નાખવામાં આવ્યો છે. સાપનું મુખ એ રાહુ અને પુચ્છ તે કેતુ.

પૌરાણિક કથા અનુસાર સમુદ્રમંથન બાદ શ્રીવિષ્ણુ ભગવાન મોહિનીનું સ્વરૂપ ધારણ કરીને દેવોને અમૃત વહેંચતા હતા ત્યારે દૈત્ય રાહુએ અમૃતપ્રાપ્તિ માટે દેવનું રૂપ ધારણ કરી લીધું. પરંતુ આ વાતની જાણ સૂર્ય અને ચન્દ્રને થઈ જતાં તેમણે મોહિનીનું ધ્યાન દોર્યુ. મોહિનીએ પોતાના ચક્ર વડે દૈત્યનું બે ભાગમાં છેદન કરી ધડથી મસ્તક અલગ કરી નાખ્યું. મસ્તક એ રાહુ કહેવાયું અને ધડ કેતુ કહેવાયું. જો કે છેદન પહેલાં દૈત્યએ અમૃતપાન કરી લીધું હોવાથી રાહુ અને કેતુનું મૃત્યુ ન થયું. સૂર્ય અને ચન્દ્રએ મોહિનીને જાણ કરી હોવાથી રાહુ-કેતુ સૂર્ય અને ચન્દ્ર સાથે શત્રુતા ધરાવે છે અને સમયાંતરે તેમને ગળી જાય છે. રાહુ-કેતુની સૂર્ય અથવા ચન્દ્રને ગળી જવાની ઘટનાને ગ્રહણ કહે છે.

રાહુ–કેતુ બીજાં ગ્રહોની માફક શારીરિક અસ્તિત્વ કે આકાર ધરાવતાં નથી. આથી તેમને દ્રષ્ટિ આપવામાં આવી નથી. રાહુ-કેતુનો પ્રભાવ તેઓ જે ગ્રહો સાથે યુતિ કરતાં હોય તેમનાં પર, જે ભાવ સ્થિત હોય તે ભાવ પર અને જે રાશિમાં રહેલાં હોય તે રાશિસ્વામી પર પડે છે. સામાન્ય રીતે રાહુ શનિવત વર્તે છે અને કેતુ મંગળવત વર્તે છે. એટલે કે રાહુ શનિના જેવું ફળ આપે છે અને કેતુ મંગળના જેવું ફળ આપે છે.

જ્યોતિષમાં રાહુ-કેતુને છાયાગ્રહો કહેવામાં આવે છે. રાહુ-કેતુ જે પણ ગ્રહો સાથે સંકળાય તે ગ્રહોની પ્રકૃતિની છાયા એટલે કે પ્રતિબિંબ પાડે છે. જો કે ગ્રહોની પ્રકૃતિનું પ્રતિબિંબ પાડે છે પણ તેઓ સંપૂર્ણ પારદર્શક નથી. એટલે કે તેઓ પોતાની સ્વતંત્ર પ્રકૃતિ પણ જાળવી રાખે છે. રાહુ-કેતુ જે ગ્રહો સાથે યુતિ કરતાં હોય તે ગ્રહોનાં જેવું અને જે રાશિમાં રહેલાં હોય તે રાશિનાં સ્વામી જેવું ફળ આપે છે. દા.ત. મેષમાં રહેલો રાહુ મંગળ જેવું ફળ આપે, વૃષભમાં શુક્ર જેવું ફળ આપે. આ ઉપરાંત રાહુ-કેતુ જે નક્ષત્રમાં રહેલાં હોય તે નક્ષત્રનાં સ્વામી જેવું ફળ આપે છે.

રાહુ–કેતુ કાર્મિક ગ્રહો છે. ગત જન્મનાં અધૂરાં કે અનિર્ણીત રહી ગયેલાં કર્મો, ઈચ્છાઓ અને વાસનાઓનો નિર્દેશ કરે છે. આથી આ જન્મમાં સંઘર્ષ, ભય, ભ્રમણાઓ, ગ્રંથિઓ અને ઈચ્છાઓ પેદા કરી શકે છે. જો તેમને સમજી લેવામાં આવે તો રાહુ-કેતુ આધ્યાત્મિક શક્તિ બની શકે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા