શુક્ર

શુક્ર એ અંતર્વર્તી અને સૌર મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છે. તેનું કદ લગભગ પૃથ્વી જેટલું જ છે. પૃથ્વી કરતાં સૂર્યથી વધુ નજીક છે. તે પૃથ્વીથી ૬ કરોડ ૭૨ લાખ માઈલ દૂર છે. તેનો વ્યાસ ૭૬૦૦ માઈલ છે.

સંસ્કૃતમાં શુક્રનો અર્થ છે શુધ્ધ અથવા તેજસ્વી. શુક્ર એ વ્યુત્પતિની દ્રષ્ટિએ શુક્લ સાથે સમાનતા ધરાવે છે. શુક્લ એટલે કે સફેદ. પુરાણો અનુસાર શુક્ર એ મહર્ષિ ભૃગુના પુત્ર છે અને દૈત્યોના ગુરુ છે. અનેક શાસ્ત્રોના જ્ઞાતા એવા શુક્ર બ્રાહ્મણ વર્ણના છે. તેઓ ભોજકટ દેશના સ્વામી છે. યયાતિ અને બલિના ગુરુ છે. દેવ અને દાનવોની લડાઈમાં દાનવોને સાથ આપનાર હતાં. તેમણે તપસ્યા કરીને ભગવાન શિવ પાસેથી સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી હતી.

શુક્રાચાર્યે ૨૦ વર્ષ (વિશોંત્તરી દશા વર્ષ) સુધી વૃક્ષ પર ઊલટાં લટકીને, નીચે બળી રહેલી આગનો ધુમાડો સહન કરીને આકરી તપશ્ચર્યા કરી હતી. આ અશક્ય લાગતી તપશ્ચર્યા સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ભગવાન શિવે તેમને મહામૃત્યુંજય મંત્ર શીખવાડ્યો હતો. જે મૃતસંજીવની મંત્ર તરીકે પણ ઓળખાય છે.

શુક્ર એક રાશિમાં આશરે એક માસ સુધી રહે છે. રાશિચક્રનુ એક ભ્રમણ પૂર્ણ કરતાં તેને એક વર્ષ લાગે છે. લગભગ ૪૫ દિવસ સુધી વક્રી રહે છે. શુક્ર ક્યારેય સૂર્યથી ૪૭ અંશ કરતાં વધુ દૂર જતો નથી. આથી કુંડળીમાં હંમેશા સૂર્યની સાથે અથવા સૂર્યથી બે સ્થાન આગળ કે પાછળ રહે છે.

શુક્ર એ મોહક આંખો, ભવ્ય શરીર, વાંકડિયા વાળ અને સારી પ્રકૃતિ ધરાવતો કવિ છે. સ્ત્રી જાતિનો શુભગ્રહ છે. અગ્નિ કોણનો અને વસંત ઋતુનો સ્વામી છે. બ્રાહ્મણ વર્ણનો રાજસિક ગ્રહ છે. શયનગૃહમાં નિવાસ કરે છે. વાત અને કફપ્રકૃતિ તેમજ જળતત્વ ધરાવતો ગ્રહ છે. તે જુદાં જુદાં રંગો ધરાવતો રંગબેરંગી અને આમ્લ સ્વાદ ધરાવતો ગ્રહ છે. ધાન્ય સફેદ, રત્ન હીરો, ધાતુ ચાંદી અને વાર શુક્રવાર છે. અધિદેવતા ઈન્દ્રપત્ની શચિ છે. વીર્ય પર પ્રભુત્વ ધરાવે છે. ઉત્તર દિશામાં અને ચતુર્થ સ્થાનમાં બળવાન બને છે.

ગ્રહોમાં શુક્ર એ મંત્રી છે. શરીરમાં શુક્ર ગળું, ગરદન, નસો, પ્રજનન અંગો પર આધિપત્ય ધરાવે છે. વાહન અને વિવાહનો પ્રમુખ કારક ગ્રહ છે. પુરુષની કુંડળીમાં પત્નીનો કારક છે. આ ઉપરાંત વૈભવ, વિલાસ, ભોગ, પ્રેમ, આકર્ષણ, કામ, કલા, સંગીત, નૃત્ય, અભિનયનો કારક છે. શુક્ર લગ્નનો કારક હોવાથી કુંડળીમાં જીવનસાથીની પ્રકૃતિ અને લગ્નજીવનની ગુણવત્તા જાણવા માટે અગત્યનો બની રહે છે. બળવાન શુક્રપ્રધાન જાતકો જીંદગીમાં સાંસારિક અને ભૌતિક સુખોની પ્રાપ્તિ કરે છે. તેઓ સંબંધોમાં સંવાદિતા પસંદ કરનારા હોય છે. શુક્ર એ જ્ઞાની અને તપસ્વી છે. બળવાન શુક્રમાં સાંસારિક પ્રેમને ઈશ્વર પ્રત્યેના પ્રેમમાં પલટાવી શકવાનું સામર્થ્ય છે. પરંતુ બળવાન શુક્રના વધુ પડતાં પ્રભાવથી એ જ જ્ઞાની પુરુષ સ્ત્રી આસક્ત થઈને સાંસારિક સુખોમાં અટવાયા કરે છે.

કુંડળીમાં બળવાન અને પાપગ્રહોથી દૂષિત થયા વગરનો શુક્ર જાતકને આકર્ષક દેખાવ, સુખ-સમૃઘ્ઘિ અને કલાઓમાં અભિરુચિ આપે છે. આવાં જાતકો શુધ્ધ અને સૂક્ષ્મ પ્રેમ કરી શકનારા હોય છે. તેઓ આત્માને અને આંતરિક સુંદરતાને ચાહનારા હોય છે. જીવનમાં તમામ પ્રકારના એશોઆરામની પ્રાપ્તિ કરે છે. કુંડળીમાં બીજા આધ્યાત્મિક યોગોનો અભાવ હોય ત્યારે બળવાન શુક્ર ભૌતિકવાદી વલણ રખાવે છે અને જાતક ભોગ વિલાસમાં રચ્યો પચ્યો રહે છે.

કુંડળીમાં દૂષિત થયેલો શુક્ર લગ્નજીવનને લગતી તક્લીફોનુ સૂચન કરે છે. પ્રણય સંબંધોમાં ચિંતા રખાવે છે. આવાં જાતકો સ્થૂળ પ્રેમ કરનારા હોય છે. તેઓ શારીરિક સુંદરતાને ચાહનારા હોય છે. જીવનમાં સુખનો અભાવ રહે છે. ઘણીવાર વ્યભિચારી, વિલાસી, વિષયાસક્ત અને ચારિત્ર્યહીન બનાવે છે. દારૂ અને અન્ય વ્યસનોની આદતનો ભય રહે છે.

શુક્રની સ્વરાશિ વૃષભ અને તુલા છે. ઉચ્ચ રાશિ મીન છે અને નીચ રાશિ કન્યા છે. મીન રાશિમાં ૨૭ અંશે પૂર્ણ ઉચ્ચનો અને કન્યા રાશિમાં ૨૭ અંશે પૂર્ણ નીચનો બને છે. તુલા રાશિનાં શરૂઆતનાં ૦ થી ૧૫ અંશ તેની મૂળત્રિકોણ રાશિ છે અને બાકીનાં ૧૫ અંશ તેની સ્વરાશિ છે. બુધ અને શનિ મિત્ર ગ્રહો છે. સૂર્ય અને ચન્દ્ર શત્રુ ગ્રહો છે. મંગળ અને ગુરુ સમ ગ્રહો છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા