સૂર્ય

સૂર્ય એ ગ્રહોમાં રાજા છે. તે પથ્વીથી આશરે ૯ કરોડ ૨૯ લાખ માઈલ દૂર છે. વિશાળ ગ્રહ છે. પથ્વી કરતાં લગભગ ૧૧૦ ગણો મોટો છે.

સૂર્ય એ કશ્યપ અને અદિતીનો પુત્ર છે. અદિતીનો પુત્ર છે તેથી આદિત્ય કહેવાયો. પુરાણો અનુસાર સૂર્ય સાત અશ્વ લગાવેલાં રથ પર સવાર થઈને સ્વર્ગમાંથી ઉતરે છે. રથનો સારથિ અરૂણ છે. જે સૂર્યની આગળ ઉભો રહીને પોતાનાં વિશાળ શરીરથી સૂર્યનાં તેજને રોકીને આ જગતની રક્ષા કરે છે. સાત અશ્વો એ મેઘધનુષ્યનાં સાત રંગોનું પ્રતીક છે.

સૂર્ય કલિંગદેશનો સ્વામી છે. તેઓ શ્રી રામના સૂર્યવંશનાં આદિ પુરુષ છે. કુંતીએ સૂર્યની ઉપાસનાથી જ કર્ણને જન્મ આપ્યો હતો. સૂર્યની સંજ્ઞા નામક રાણી હતી. એક્વાર સંજ્ઞાથી સૂર્યનું તેજ સહન ન થતાં તેણે પોતાનાં પડછાયામાંથી એક પ્રતિકૃતિનું નિર્માણ કર્યું અને તેનામાં પ્રાણ પૂર્યા. આ પ્રતિકૃતિ તે સૂર્યની બીજી પત્ની છાયા. બાદમાં છાયા શનિ નામક પુત્રની માતા બની. સૂર્ય એ જીવન દાતા અને પ્રાણ પ્રદાન કરનાર હોવાથી તેમને પ્રત્યક્ષ દેવતા માની 'સૂર્યદેવ' તરીકે પૂજા કરવામાં આવે છે.

સૂર્ય એક રાશિમાં એક માસ સુધી રહે છે. ૧૨ રાશિનાં બનેલાં રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં સૂર્યને એક વર્ષ લાગે છે. સૂર્ય ક્યારેય વક્રી થતો નથી અને હંમેશા માર્ગી રહે છે. જ્યારે કોઈ ગ્રહ સૂર્યની નજીક આવે ત્યારે સૂર્યનાં તેજથી પોતાનું બળ ગુમાવી બેસે છે. તેને ગ્રહનો અસ્ત થયો કહેવાય છે.

સૂર્ય મધના રંગ જેવી પીળાશ પડતી આંખો, પહોળું અને ગોળ મુખ, વિશાળ લલાટ, મધ્યમ ઊંચાઈ અને અલ્પકેશ ધરાવે છે. પુરુષ જાતિનો પાપગ્રહ છે. ૫૦ વર્ષની વયનો પ્રૌઢ છે. પૂર્વ દિશાનો અને ગ્રીષ્મ ઋતુનો સ્વામી છે. ક્ષત્રિય વર્ણનો સ્થિર સ્વભાવ ધરાવતો સાત્વિક ગ્રહ છે. મંદિરમાં નિવાસ કરે છે. પિતપ્રકૃતિ અને અગ્નિતત્વ ધરાવે છે. તેનો રંગ રક્ત સમાન લાલ, સ્વાદ તીખો, ધાન્ય ઘઉં, રત્ન માણેક અને વાર રવિવાર છે. ધાતુ તામ્ર અને સુવર્ણ છે. અધિદેવતા અગ્નિદેવ છે. શરીરમાં હાડકાં પર પ્રભુત્વ ધરાવે છે. દક્ષિણ દિશામાં અને દસમ કેન્દ્ર સ્થાનમાં બળવાન બને છે.

સૌર મંડળનું કેન્દ્ર સૂર્ય છે. આપણાં શરીરનું કેન્દ્ર આત્મા છે. આથી સૂર્ય એ આત્માનો કારક છે. કુંડળીમાં સૂર્ય જાતકના પિતાનો કારક છે. કાર્યક્ષેત્રે ઉપરી અધિકારીઓ અથવા સરકારી અમલદારો અને સરકારનો કારક છે. સૂર્ય આપણો શ્વાસ છે, જીવનનો આધાર છે. ચૈતન્યનો મહાસાગર છે. આપણને મજબૂત અને નિર્ણાયક બનવા જરૂરી બળ અને આત્મશક્તિ પ્રદાન કરનાર છે. સૂર્યની પ્રકૃતિ ગરમ અને સૂકી છે. આથી તેનામાં લાગણીનો અભાવ છે. આત્મા, પિતા, આરોગ્ય, શક્તિ, સત્તા, ઉચ્ચ પદ, સરકાર, સરકારી કામકાજો, નવા સાહસો, પ્રચાર, લોકપ્રિયતા અને વૈદક વિદ્યાનો કારક છે. શરીરમાં પડખાં, બરડા, હ્રદય, પુરુષની જમણી આંખ અને સ્ત્રીની ડાબી આંખ પર પ્રભુત્વ ધરાવે છે.

કુંડળીમાં દુષિત થયા વગરનો શુભ સ્થાનમાં રહેલો સૂર્ય જાતકને મહાત્વાકાંક્ષી, ગર્વિષ્ઠ, ઉદાર, નિખાલસ, માનવતાવાદી, પોતાનાં નિર્ણયોમાં અડગ રહેનાર અને લોકોમાં સન્માનીય બનાવે છે. સૂર્યપ્રધાન જાતકો હંમેશા સત્તા કે ઉચ્ચ પદની મહેચ્છા ધરાવનારા હોય છે. તેઓ સામાન્ય રીતે વિશ્વાસુ અને જવાબદાર વ્યક્તિત્વ ધરાવતાં હોય છે અને લોકો તેમને માનની નજરે જુએ છે.

કુંડળીમાં દુષિત થયેલો અશુભ સ્થાનમાં રહેલો સૂર્ય જાતકને બળ પ્રયોગ કરનાર, વર્ચસ્વ જમાવનાર, ઘમંડી, અહંકારી, નબળું આરોગ્ય, હ્રદય અને નેત્રવિકાર ધરાવનાર બનાવે છે. સત્તા, પદ કે પ્રતિષ્ઠાને હાનિ કરાવનાર બની રહે છે.

સૂર્ય અગ્નિતત્વ ધરાવતો ગ્રહ હોવાથી અગ્નિતત્વની મેષ, સિંહ અને ધન રાશિમાં ઉત્તમ ફળ પ્રદાન કરે છે. તે સિંહ રાશિનો સ્વામી છે. ઉચ્ચ રાશિ મેષ છે અને નીચ રાશિ તુલા છે. મેષના ૧૦ અંશ પર પૂર્ણ ઉચ્ચનો બને છે અને તુલાના ૧૦ અંશ પર પૂર્ણ નીચનો બને છે. સિંહ રાશિનાં શરૂઆતના ૦ થી ૨૦ અંશ તેની મૂળત્રિકોણ રાશિ છે. બાકીનાં ૧૦ અંશ સ્વરાશિ છે. ચન્દ્ર, મંગળ અને ગુરુ એ સૂર્યના મિત્રો છે. શુક્ર, શનિ અને રાહુ શત્રુ ગ્રહો છે. બુધ સમ ગ્રહ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા