પ્રશ્નો પૂછનારને…

આજે જ્યોતિષની અને જ્યોતિષીને પ્રશ્ન કઈ રીતે પૂછવો એ વિશે થોડી વાતો કરવી છે.

આપણાં દરેકમાં કુદરતી રીતે જ ભવિષ્ય જાણવાની ઉત્સુકતા રહેલી હોય છે. ઘણાં લોકો ગંભીરતાપૂર્વક ભવિષ્ય જાણવાં માગતા હોય છે. જ્યારે અમુક લોકો ફક્ત ગમ્મત ખાતર, પરીક્ષા કરવા કે સમય પસાર કરવાં પ્રશ્નો પૂછતાં હોય છે. જ્યોતિષ એ ઈશ્વર પાસેથી તમારી મૂશ્કેલીઓનો જવાબ મેળવવાનું શાસ્ત્ર છે. તમારી અને ઈશ્વર વચ્ચે જ્યોતિષી એ ફક્ત એક માધ્યમ બનવાની ભૂમિકા ભજવે છે. જે શ્રધ્ધાથી તમે મંદિરમાં જઈને ઈશ્વર સમક્ષ માથું નમાવીને પ્રાર્થના કરો છો એ જ શ્રધ્ધાથી તમારે જ્યોતિષીને પ્રશ્ન પૂછવો જોઈએ. અહીં હકિકતમાં તમે જ્યોતિષીને નહિ પરંતુ ઈશ્વરને જ પૂછી રહ્યા હો છો. જ્યારે તમે ગમ્મત ખાતર, પરીક્ષા કરવા માટે કે સમય પસાર કરવાં માટે પ્રશ્નો પૂછો છો ત્યારે ક્યારેય સાચી અંતઃસ્ફૂરણાથી જવાબ મળતો નથી.

ઘણાં લોકોના ઈ-મેલ્સ આવે છે અને એક જ પ્રશ્ન પૂછેલો હોય છે. "મારું ભવિષ્ય જણાવો". આ પ્રશ્ન બહુ વિશાળ છે અને કોઈ પણ જાતની હકિકતો, તથ્યો કે સંદર્ભો જાણ્યા વગર જવાબ આપવાનું શક્ય હોતું નથી. આ એવી વાત છે કે તમે ડોક્ટર પાસે જાઓ છો અને કહો છો કે તમને શરીરમાં ક્યાંક દુઃખે છે. પરંતુ શરીરનાં ક્યાં ભાગમાં દુઃખાવો થાય છે તે જણાવતાં નથી. હવે આમાં ડોક્ટર શું કરે? હાથમાં દુઃખે છે, પગમાં દુઃખે છે કે પછી પેટમાં? જ્યારે તમે જણાવી દો કે પેટમાં દુઃખે છે ત્યારે ડોક્ટર તેનું ધ્યાન આખાં શરીરને બદલે માત્ર પેટ પર કેન્દ્રિત કરી શકે. તેમાં પણ જો તમે આંગળી મૂકીને ચોક્કસ જગ્યા બતાવી દો કે આ જ જગ્યાએ દુઃખે છે તો સહેલાઈથી અને સચોટતાપૂર્વક તમારાં રોગનું નિદાન થઈ શકે અને ઝડપથી ઈલાજ શક્ય બને. જ્યોતિષશાસ્ત્રનું પણ કંઈક આવું જ છે. સચોટ ફળાદેશનો સીધો આધાર પ્રશ્નકર્તાએ વર્ણવેલ પ્રશ્ન પર રહેલો છે. પ્રશ્ન જેટલો મુદ્દાસર હશે, વિસ્તારપૂર્વક સમજાવાયેલો હશે, તેટલી જ સચોટ ફળાદેશ પ્રાપ્ત થવાની શક્યતા વધી જશે.

અહીં એક ઉદાહરણ આપું. ધારો કે તમે જાણવા માગો છો કે તમારાં માટે ક્યો વ્યવસાય અનુકૂળ રહેશે. ફક્ત આ એક વાક્યનાં પ્રશ્ન પરથી અનુકૂળ વ્યવસાય શોધી કાઢવો એ જ્યોતિષી માટે ઘાસનાં ઢગલામાંથી સોંય શોધવા જેટલું અઘરું કાર્ય છે. તમે જાણો છો કે આજકાલ વ્યવસાયનાં અનેક નવાં ક્ષેત્રો ખૂલ્યા છે અને અનેક તકો ઉપલબ્ધ છે. તમારી કુંડળી પણ એક કરતાં વધુ વ્યવસાયની અનુકૂળતાઓ સૂચવતી હશે. તમને ક્યો વ્યવસાય અનુકૂળ રહેશે તેનો આધાર અન્ય પરિબળો જેવા કે તમારી શૈક્ષણિક લાયકાત, આવડતો, અનુભવ, મૂડીરોકાણ માટેની આર્થિક સધ્ધરતા વગેરે પર રહેલો છે. આ બધા જ પરિબળો વિશેની માહિતી જ્યોતિષીને જણાવો. તમે જો વ્યવસાય માટેનાં કોઈ વિકલ્પો વિચારી રાખ્યા હોય તો તે પણ જણાવો. જ્યોતિષ તમને યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં મદદરૂપ થઈ શકે છે. ભૂતકાળમાં વ્યવસાયને લગતી કોઈ ઘટના ઘટી હોય તો ઘટના ક્યારે ઘટી તેની તારીખ સાથેની માહિતી આપો. આનાથી જ્યોતિષી તમારી કુંડળીમાં રહેલાં ગ્રહોની ચાલ સમજી શકશે અને કુંડળી પર પકડ આવશે. તમે જ્યારે પ્રશ્ન પૂછવાની સાથે-સાથે પ્રશ્નને લગતી માહિતી પણ પૂરી પાડો છો ત્યારે સચોટ ફળાદેશ મેળવવાની શક્યતા વધી જાય છે. કારણકે હવે અહીં જ્યોતિષીએ આખાં ઘાસનાં ઢગલા પર નહિ પરંતુ એક નાની ઢગલી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને નાની ઢગલીમાંથી સોંય મળી જાય તેની પૂરેપૂરી સંભાવના છે.

જીંદગી અટપટી છે અને તેવું જ અટપટું જ્યોતિષશાસ્ત્ર છે. જેમ આપણી જીંદગી અનેક શક્યતાઓથી ભરપૂર હોય છે તે જ રીતે જ્યોતિષમાં પણ અનેક સંભાવનાઓ રહેલી હોય છે. જીંદગીમાં કોઈ નિર્ણય લેતાં પહેલાં તથ્યો, હકિકતો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીએ છીએ તે જ રીતે જ્યોતિષમાં પણ સચોટ ફળાદેશની પ્રાપ્તિ માટે પ્રશ્ન સાથે જોડાયેલાં અન્ય પરિબળોની માહિતી જરૂરી છે.

ટિપ્પણીઓ

Vinati Davda એ કહ્યું…
@રાજેશ પરમાર, આભાર!
Unknown એ કહ્યું…
બહુજ સરસ સમજાવ્યું બેન

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા