મકર સંક્રાંતિ

સંક્રાતિ એટલે કે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ. સૂર્ય દર એક મહિને રાશિ બદલે છે એટલે આમ તો સંક્રાતિ દર મહિને થાય છે. સૂર્ય જયારે મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરે તેને મેષ સંક્રાતિ થઈ કહેવાય છે. મેષ સંક્રાતિએ નવા સૌર વર્ષની શરૂઆત થાય છે. સૂર્ય જ્યારે મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરે તેને વૃષભ સંક્રાતિ થઈ કહેવાય. આ રીતે સૂર્ય જ્યારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તેને મકર સંક્રાતિ કહે છે. મકર સંક્રાતિ આગવું મહત્વ ધરાવે છે.

મકર સંક્રાતિના દિવસથી સૂર્ય ક્રમે ક્રમે પૃથ્વીની ઉત્તર તરફ આગળ વધે છે. આથી જ તેને ઉત્તરાયણ પણ કહેવાય છે. આમ તો ઉત્તરાયણની શરૂઆત જ્યારે સાયન સૂર્ય ૨૨મી ડિસેમ્બરે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારથી થઈ જાય છે. પરંતુ નિરયન સૂર્ય ૧૪મી જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી ભારતીય જ્યોતિષ મુજબ ૧૪મી જાન્યુઆરીએ ઉત્તરાયણ મનાવવામાં આવે છે. એક વર્ષ ઉત્તરાયણ અને દક્ષિણાયન એમ બે ભાગમાં વહેંચાયેલું હોય છે. સૂર્યનાં મકર રાશિથી લઈને મિથુન રાશિ સુધીનાં ભ્રમણને ઉત્તરાયણ અને કર્ક રાશિથી લઈને ધનુ રાશિ સુધીના ભ્રમણને દક્ષિણાયન કહે છે. દક્ષિણાયનમાં સૂર્ય ફરી દક્ષિણ તરફ જવાની શરૂઆત કરે છે.

ઉત્તરાયણથી દેવતાઓનાં દિવસની શરૂઆત થાય છે અને અસુરોની રાત્રિ શરૂ થાય છે. જ્યારે દક્ષિણાયનથી દેવતાઓની રાત્રિની શરૂઆત થાય છે અને અસુરોનો દિવસ શરૂ થાય છે. ઉત્તરાયણને દેવયાન અને દક્ષિણાયનને પિતૃયાણ કહેવામાં આવે છે. ઉત્તરાયણથી દેવતાઓનો દિવસ શરૂ થતો હોવાથી તે તમામ શુભ કાર્યો માટે શ્રેષ્ઠ ગણાય છે.

ઉત્તરાયણનો સમય આત્માની ઉર્ધ્વ ગતિ માટે પણ શ્રેષ્ઠ ગણાય છે. આથી જ તો ભીષ્મ પિતામહે શરીરનો ત્યાગ કરવાં માટે બાણશય્યા પર સૂતેલાં રહીને ઉત્તરાયણની રાહ જોઈ હતી. બાણ/તીર/ધનુષ્ય એટલે કે ધનુ રાશિ. કાળપુરુષની કુંડળીમાં નવમસ્થાન ધર્મ અને સાધનાનું છે અને દસમસ્થાન ઈન્દ્રનુ સિંહાસન હોવાથી સ્વર્ગલોક ગણાય છે. આમ ધનુ રાશિમાંથી મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ સાધનાનો અંત અને સ્વર્ગલોકની પ્રાપ્તિનું સૂચન કરે છે.

કાળપુરુષની કુંડળીમાં મકર રાશિ એટલે કે દસમસ્થાનમાં સૂર્ય દિગ્બલ મેળવી બળવાન બને છે. વળી મકર રાશિ એ ચર રાશિ હોવાથી મકર રાશિમાં પ્રવેશ સમયે નવમાંશમાં પણ સૂર્ય મકર રાશિમાં રહી વર્ગોત્તમી બની બળ પ્રાપ્ત કરે છે. હિંદુઓ માટે સૂર્ય એ પ્રત્યક્ષ દેવતા છે. ગ્રહોમાં એ રાજા છે. આથી સૂર્યની બળ પ્રાપ્ત કરવાની ઘટના મહત્વની બની રહે છે.

મકર રાશિનો સ્વામી શનિ છે. શનિ એ સૂર્યનો પુત્ર છે. પરંતુ પિતા-પુત્રને એકબીજા સાથે શત્રુતા છે. મકર સંક્રાંતિએ સૂર્ય પોતાનાં શત્રુરૂપી પુત્રનાં ઘરમાં પ્રવેશ કરે છે અને પૂરાં એક મહિના સુધી રહે છે. આ દરમ્યાન શનિ પોતાનાં પિતાની સેવા કરે છે. આથી આ સમયને સૌભાગ્યશાળી ગણવામાં આવે છે.

ઉપર મુજબનાં કારણોને લીધે મકર સંક્રાતિ એક અગત્યની ઘટના બની રહે છે. હિંદુઓના બાકી બધાં તહેવારો ચન્દ્રની સ્થિતિને ધ્યાનમાં રાખીને મનાવવામાં આવે છે. જ્યારે મકર સંક્રાંતિ એ કદાચ એકમાત્ર એવો તહેવાર હશે જે સૂર્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને મનાવવામાં આવે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા