નક્ષત્ર

ન ક્ષતિ ઈતિ નક્ષત્ર એટલે કે જેનો નાશ નથી થતો તે નક્ષત્ર. આકાશમાં જુદા-જુદા સ્થિર તારક સમૂહો રહેલાં છે. તારાઓનાં આ સમૂહો એકબીજાથી સ્પષ્ટ રીતે અલગ જોઈ શકાય છે. આ તારક વૃંદોને આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ.

પુરાણો અનુસાર ૨૭ કે ૨૮ નક્ષત્રો એ દક્ષની પુત્રીઓ હતી. દક્ષ બ્રહ્માનો પુત્ર ગણાય છે અને એ પ્રજાપતિ પણ છે. દક્ષે પોતાની પુત્રીઓને ચન્દ્ર સાથે પરણાવેલી હતી. દક્ષની બધી પુત્રીઓમાં રોહિણી ચન્દ્રને સૌથી પ્રિય હતી. બાકીની દક્ષપુત્રીઓની ચન્દ્ર અવગણના કરતો હતો. દક્ષને આની જાણ થતાં તેણે ચન્દ્ર મૃત્યુ પામે તેવો શ્રાપ આપ્યો. પરંતુ બાદમાં પુત્રીઓની દરમ્યાનગીરી અને વિનવણીઓને લીધે તેણે એ શ્રાપ ઘટાડીને થોડી અવધિ પૂરતું ચન્દ્રનું મૃત્યુ થાય તેમ કરી નાખ્યો. આથી ચન્દ્રની કલામાં થતો ઘટાડો અને ફરી થતો વધારો એ દક્ષે ચન્દ્રને આપેલાં શ્રાપનું સૂચક છે.

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ નક્ષત્રો એ ક્રાંતિવૃતનું (સૂર્યનો ભ્રમણમાર્ગ) ૨૭ ભાગમાં થતું વિભાજન છે. ક્રાંતિવૃત ૩૬૦ અંશનો બનેલો છે. આથી એક નક્ષત્રનું માપ ૧૩ અંશ ૨૦ કલા થશે. (૩૬૦/૨૭) વધુમાં દરેક નક્ષત્રને ૪ ચરણ/પદમાં વિભાજીત કરવામાં આવ્યા છે. આથી નક્ષત્રનાં એક ચરણનું માપ ૩ અંશ ૨૦ કલા થશે. એક રાશિ ૩૦ અંશની બનેલી હોય છે. એક રાશિમાં આશરે સવા બે નક્ષત્રનો સમાવેશ થાય છે. દરેક રાશિ કુલ ૯ નક્ષત્ર ચરણ ધરાવે છે.

૨૭ નક્ષત્રોનાં નામ નીચે મુજબ છે.
















































૧. અશ્વિની ૧૦. મઘા ૧૯. મૂળ
૨. ભરણી ૧૧. પૂર્વાફાલ્ગુની૨૦. પૂર્વાષાઢા
૩. કૃતિકા ૧૨. ઉત્તરાફાલ્ગુની૨૧. ઉત્તરાષાઢા
૪. રોહિણી ૧૩. હસ્ત ૨૨. શ્રવણ
૫. મૃગશીર્ષ ૧૪. ચિત્રા ૨૩. ધનિષ્ઠા
૬. આર્દ્રા ૧૫. સ્વાતિ ૨૪. શતતારકા
૭. પુનર્વસુ ૧૬. વિશાખા ૨૫. પૂર્વાભાદ્રપદા
૮. પુષ્ય ૧૭. અનુરાધા૨૬. ઉત્તરાભાદ્રપદા
૯. આશ્લેષા ૧૮. જ્યેષ્ઠા ૨૭. રેવતી



નક્ષત્ર એ સૂર્ય અને ચન્દ્રની ગતિ અને સ્થિતિની એક પ્રકારે થતી અભિવ્યક્તિ છે. સૂર્યને એક ભ્રમણ પૂર્ણ કરતાં આશરે ૩૬૫ દિવસ લાગે છે અને ચન્દ્રને એક ભ્રમણ પૂર્ણ કરતાં આશરે ૨૭ દિવસ કરતાં થોડો વધુ સમય લાગે છે. આમ એક નક્ષત્ર એટલે કે ૩૬૫.૨૫/૨૭.૩૨ = ૧૩ અંશ ૨૦ કલા. ચન્દ્રને એક નક્ષત્રમાંથી પસાર થતાં આશરે ૧ દિવસ લાગે છે.

૩૬૦ અંશનું વર્તુળ પૂર્ણ કરતાં ચન્દ્રને ૨૭ દિવસ કરતાં થોડો વધુ સમય લાગે છે. આથી કુલ ૨૭ નક્ષત્રો છે અને સંતુલન બનાવવા માટે ૨૮મું નક્ષત્ર અભિજીત છે. ઉત્તરાષાઢા નક્ષત્રનાં ચોથા ચરણથી લઈને શ્રવણ નક્ષત્રનો પ્રથમ ૧/૧૫ ભાગ અભિજીત તરીકે ઓળખાય છે. આમ, અભિજીત નક્ષત્ર ૪ અંશ ૧૪ કલા ૧૩ વિકલાનું બનેલું છે. વ્યવહારમાં ૨૭ નક્ષત્રોનો જ ઉપયોગ થાય છે. મુહૂર્ત જ્યોતિષમાં અભિજીત નક્ષત્રનો ઉપયોગ થાય છે અને તે શુભ ગણાય છે.

કાંતિવૃત પર મેષ રાશિનાં અશ્વિની નક્ષત્રથી નક્ષત્ર વિભાગની શરૂઆત થાય છે. રાશિની જેમ દરેક નક્ષત્રનો પણ કોઈ એક ગ્રહ સ્વામી છે. કેતુ, શુક્ર, સૂર્ય, ચન્દ્ર, મંગળ, રાહુ, ગુરુ, શનિ, બુધ એ ક્રમમાં નક્ષત્રોનાં સ્વામી નિર્ધારિત થયેલાં છે. દા.ત. અશ્વિની નક્ષત્રનો સ્વામી કેતુ, ભરણી નક્ષત્રનો સ્વામી શુક્ર વગેરે. કુલ ૨૭ નક્ષત્રો હોવાથી ૯ ગ્રહોનું આ ચક્ર ૩ વખત પુનરાવર્તિત થાય છે. નક્ષત્ર સ્વામી જ વિંશોતરી દશાનાથ બને છે.

નક્ષત્રોનું દેવ, નર અને રાક્ષસ એમ ૩ ગણમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. વધુમાં તેઓની જાતિ, અધિષ્ઠાતા દેવ, રંગ, શરીરનાં અંગો પર આધિપત્ય વગેરે પણ નિર્ધારિત છે.

હિંદુ ધર્મમાં જ્યારે બાળક જન્મે ત્યારે રાશિનાં અક્ષરો પરથી નામ પાડવું શુભ ગણાય છે. વધુ સૂક્ષ્મતાથી જોઈએ તો દરેક નક્ષત્ર ૪ પદ માટે ૪ અક્ષર ધરાવે છે. જો નામ પાડતી વખતે વધુ ચોકસાઈ દાખવવી હોય તો બાળકનાં જન્મ નક્ષત્રનાં ચરણ પરથી એક ચોક્કસ અક્ષર મળશે કે જેનાં પરથી નામ પાડી શકાય.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા