કુંભ

કુંભ રાશિ રાશિચક્રની અગિયારમી રાશિ છે. તે સ્થિર અને વાયુતત્વ ધરાવતી રાશિ છે. કુંભ રાશિનો સ્વામી શનિ છે. કુંભ રાશિમાં ધનિષ્ઠા નક્ષત્રનાં છેલ્લા બે ચરણો, શતભિષા અને પૂર્વાભાદ્રપદા નક્ષત્રનાં પહેલાં ત્રણ ચરણોનો સમાવેશ થાય છે.

કુંભ રાશિનું ચિહ્ન કુંભધારી માનવ છે. કુંભ રાશિનાં જાતકો મધ્યમ કે ઊંચા અને મજબૂત બાંધો ધરાવતાં હોય છે. ઘડો જળથી પૂર્ણરૂપે ભરેલો છે અને જળ છલકાઈ રહ્યું છે. પૂર્ણરૂપે જળથી ભરેલો ઘડો પૂર્ણતાનું પ્રતીક છે. કુંભ રાશિનાં જાતકો ગ્નાન અને દયાથી પરિપૂર્ણ હોય છે. ઘડો એ બ્રહ્માંડરૂપી ગર્ભનું પણ સૂચન કરે છે. આથી કુંભ રાશિનાં જાતકો દુનિયાભરનાં માનવ બાળો માટે મમતાથી ભરેલાં હોય છે. તેઓ માનવતાવાદી હોય છે અને સમાજની ઊંડી ચિંતા કરનારાં હોય છે. તેઓ લાગણીશીલ હોય છે અને બીજાનાં દુઃખ અને તક્લીફો જોઈ શકતાં નથી. સમાજનાં પ્રશ્નોનો ઉકેલ શોધવાં તત્પર રહે છે અને સામાજીક કાર્યો કરતી સંસ્થાઓ કે સંગઠનો સાથે જોડાય છે. કુંભ રાશિનાં જાતકો બુધ્ધિશાળી હોય છે. દરેક બાબતનાં લાભ અને ગેરલાભ વિચારીને આગળ વધે છે. તેઓ કાર્યને સમજવામાં ધીમા પરંતુ એક વાર કાર્ય સમજી લીધાં બાદ તેને પૂરાં આત્મવિશ્વાસ સાથે સહેલાઈથી પૂર્ણ કરનારાં હોય છે. પોતાની વ્યક્તિગત સ્વતંત્રતા પસંદ કરનારાં હોય છે અને બીજાઓને અનુસરીને ચાલતાં નથી. ઉત્તમ સંગઠનશક્તિ તથા વાતચીત કરવાની કળા ધરાવે છે. તેઓ મહેનતુ, નિઃસ્વાર્થી, માનવીય, પરોપકારી અને વિશાળ દ્રષ્ટિકોણ ધરાવનારાં હોય છે. કુંભ રાશિનાં જાતકો કુદરતી રીતે જ વૈગ્નાનિક હોય છે. નવી શોધખોળો અને આધુનિક સાધનો પ્રત્યે વિશેષ લગાવ ધરાવે છે. તેઓ ધીર-ગંભીર સ્વભાવ અને ઉચ્ચ નૈતિક મૂલ્યો ધરાવનારાં હોય છે. જો તેમનાં જીવનસાથી પણ તેમનાં જેટલાં જ બુધ્ધિશાળી હોય તો લગ્નજીવન સુખી રહે છે. તેઓ લાગણીઓને અભિવ્યકત કરતાં નથી. કુંભ રાશિનાં જાતકો ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં રસ ધરાવતાં હોય છે. તેઓ બળવાન અંતઃપ્રેરણા અને ઉચ્ચ માનસિક શક્તિઓ ધરાવનારાં હોય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા