ધનુ

ધનુ રાશિ રાશિચક્રની નવમી રાશિ છે. તે દ્વિસ્વભાવ અને અગ્નિતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી ગુરુ છે. ધનુ રાશિમાં મૂળ નક્ષત્ર, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રનાં પ્રથમ ચરણનો સમાવેશ થાય છે.

ધનુ રાશિનું ચિહ્ન ધનુર્ધારી અર્ધમાનવ અર્ધઅશ્વ છે. ધનુ રાશિનાં જાતકો ઊંચા, સુડોળ, ભરાવદાર ગાલ, વિશાળ ભાલ, મોટી આંખો અને ભોળો ચહેરો ધરાવતાં હોય છે. અર્ધ અશ્વ હોવાથી ધનુ રાશિનાં જાતકો અશ્વની માફક ઉર્જા, જોશ અને તાકતથી ભરપૂર હોય છે. તેઓ કાર્યશીલ હોય છે અને જલ્દીથી થાકતાં નથી. નિર્ભીક અને હિમતવાન હોય છે. જીવનની દરેક મૂશ્કેલ પરિસ્થિતિઓનો દ્રઢતાથી સામનો કરે છે. તેઓ આત્મવિશ્વાસ ધરાવે છે અને શક્તિશાળી હોય છે. ધનુર્ધારી અર્ધ માનવે તીર વડે પોતાનાં લક્ષ્ય પર નિશાન તાકેલું છે. આ જ રીતે ધનુ રાશિનાં જાતકોનું ધ્યાન હંમેશા પોતાનાં લક્ષ્ય પર કેન્દ્રિત હોય છે અને તેઓ પોતાનાં લક્ષ્ય પ્રાપ્ત કરીને રહે છે. લક્ષ્યની સિધ્ધિ માટે બધી હદો ભૂલી જાય છે. તેઓ ચીવટપૂર્વક કાર્યો કરનારાં અને કાર્ય કરતી વખતે પરિણામનો વિચાર નહિ કરનારાં હોય છે. તેઓ સ્પષ્ટવક્તા હોય છે અને ઘણીવાર તેને લીધે સંકોચજનક પરિસ્થિતિમાં મૂકાય જાય છે. ધનુ રાશિનાં જાતકો ભગવાનથી ડરીને ચાલનારાં અને સત્યપ્રિય હોય છે. તેઓ ફિલસૂફી અને ધાર્મિક બાબતોમાં રુચિ ધરાવનારાં હોય છે. તેઓ પરોપકારી, પરંપરાઓને જાળવનારાં, કાયદાઓ અને રીતરીવાજોને માન આપનારાં હોય છે. ન્યાયપ્રિય હોય છે અને ન્યાય માટે પારકી તકરાર પણ વહોરી લે છે. જવાબદારીઓથી ગભરાય છે અને સ્વતંત્રતા પસંદ કરનારાં હોય છે. તેઓ ઉચ્ચ અભ્યાસની પ્રાપ્તિ કરે છે અને શોધક બુધ્ધિ ધરાવે છે. ધનુ રાશિનાં જાતકો ઝડપથી નિર્ણયો લઈ શકતાં નથી. મુસાફરીઓના શોખીન હોય છે. તેઓ કાર્યદક્ષ, નમ્ર, વફાદાર, ઉદાર અને હસમુખો સ્વભાવ ધરાવે છે. પ્રસિધ્ધિની કામના ધરાવતાં હોય છે. રમત-ગમતમાં તેમની વિશેષ અભિરુચિ હોય છે. ધનુ રાશિનાં જાતકોની અંતઃપ્રેરણાઓ મોટેભાગે સાચી પડે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા