September 7, 2009

જ્યોતિષ પરિચય

જ્યોતિષ શબ્દની સંધિ છૂટી પાડીએ તો જ્યોતિ + ઈશ થાય. અર્થાત ઈશ્વરની જ્યોતિ. જ્યોતિનું કામ છે પ્રકાશ પાથરવાનું. જે વસ્તુ, ઘટના કે પરિસ્થિતિ આપણે આપણી સામાન્ય આંખો વડે સામાન્ય પ્રકાશમાં જોઈ શકતાં નથી તે ઈશ્વરની જ્યોતિ એટલે કે જ્યોતિષની મદદ વડે જોઈ શકાય છે. જ્યોતિષ એ જ્યોત પ્રગટાવનાર વિજ્ઞાન છે, ઈશ્વરની નજીક લઈ જતું શાસ્ત્ર છે.

જ્યોતિષ એ વેદોનું એક અંગ છે. વેદ એ સદીઓ પુરાણા પવિત્ર ગ્રંથો છે જેમાં તમામ વિષયોનું જ્ઞાન છુપાયેલું છે. વેદોમાં છુપાયેલાં આ જ્ઞાનને સમજવાં માટે અમુક ચોક્કસ વિષયો શીખવા જરુરી છે. આ વિષયો વેદાંગ એટલે કે વેદોનાં અંગ તરીકે ઓળખાય છે. વેદનાં કુલ છ અંગ છે. ૧. જ્યોતિષ ૨. વ્યાકરણ ૩. શિક્ષા ૪. નિરુક્ત ૫. કલ્પ ૬. છંદ. આ છ અંગોમાં જ્યોતિષને વેદનાં ચક્ષુ ગણવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ચક્ષુ આપણાં શરીરનું મહત્વનું અંગ છે અને તેનાં વગર આપણી દુનિયા અંધકારમય છે. તે જ રીતે જ્યોતિષ એ વેદોનું મહત્વપૂર્ણ અંગ છે અને તેને સમજ્યાં વગર ગહન જ્ઞાનની પ્રાપ્તિ થવી અસંભવ છે.

જ્યોતિષની ત્રણ પ્રમુખ શાખાઓ છે.

૧. સિધ્ધાંત - સિધ્ધાંત એટલે કે નિયમ. આ શાખા જ્યોતિષનાં ગણિત વિભાગને આવરે છે. ગ્રહોની સ્થિતિ અને ગતિની ગણતરી એટલે કે મુખ્યત્વે ખગોળ વિજ્ઞાન અને તેનો જ્યોતિષમાં ઉપયોગ.

૨. સંહિતા - સમૂહને લગતી કે સ્પર્શતી ઘટનાઓનું ફળકથન. દેશ સંબંધિત ઘટનાઓની આગાહીઓ, હવામાન આગાહી, લડાઈ, ભૂકંપ, રાજકીય ઘટનાઓ, આર્થિક પરિસ્થિતિઓ, ખેત ઉપજ વગેરે.

૩. હોરા - વ્યક્તિગત ફળાદેશ, જાતક સંબંધિત ફળકથન, મૂહૂર્ત જ્યોતિષ.

ભારતીય જ્યોતિષ કર્મની ફિલસૂફી પર આધારિત છે. આપણે પાછલાં દરેક જન્મોમાં કરેલાં વિચારો અને કાર્યોનો સરવાળો એ આપણાં સંચિત કર્મો છે. આ સંચિત કર્મો આપણાં સૂક્ષ્મ શરીરમાં સચવાયેલાં રહે છે અને જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દરેક જન્મમાં આપણી સાથે રહે છે. આ સંચિત કર્મોમાંથી અમુક ભાગ કોઈ એક જન્મમાં ભોગવવાનો હોય છે. કોઈ એક ચોક્કસ જન્મ દરમ્યાન ભોગવવાનાં કર્મને પ્રારબ્ધ કર્મ કહેવાય છે. પ્રારબ્ધ કર્મો એ સંચિત કર્મનો જ ભાગ છે. આપણી જન્મકુંડળી આપણાં કર્મોનો જ નક્શો છે. જન્મકુંડળીની મદદથી આપણે આપણાં સારાં કર્મો કઈ જગ્યાએ અને ખરાબ કર્મો કઈ જગ્યાએ સંચિત થયેલાં છે તે જાણી શકીએ છીએ. આ કર્મોમાંથી અમુક કર્મૉ દ્રઢ પ્રારબ્ધ હોય છે જે બદલી શકાતું નથી. જ્યારે અમુક કર્મો હળવા હોય છે અને દ્રઢ ઈચ્છાશક્તિ તથા ઈશ્વરની ભક્તિ વડે બદલી શકાય છે. (વધુ સ્પષ્ટતા માટે જુઓ લેખ "પ્રારબ્ધ અને પુરુષાર્થ" મે, ૨૦૦૮). એક જ્યોતિષી તમને તમારાં કર્મોનો નક્શો ઉકેલવામાં મદદ કરી શકે છે. જ્યોતિષ એ એક ગહન શાસ્ત્ર છે અને અધ્યાત્મ તરફ દોરી જતું વિજ્ઞાન છે.

સામાન્ય વ્યક્તિ માટે જ્યોતિષ એ ફક્ત ભવિષ્ય જાણવાનું સાધન છે. કોઇ પણ વ્યક્તિ જ્યારે સુખી હશે, આનંદમાં હશે ત્યારે જ્યોતિષી પાસે આવીને અને કુંડળી દેખાડીને નહિ પૂછે કે જરા જુઓ તો આજકાલ આટલું બધું સુખ કેમ છે! જ્યોતિષી પાસે આવતી દરેક વ્યક્તિ મોટેભાગે પોતાની જીંદગીથી દુઃખી હોય છે અને પોતાનાં પ્રશ્નોનું નિરાકરણ ઈચ્છતી હોય છે. એક સાચાં જ્યોતિષીનું કામ છે તેને દુઃખનાં અંધકારમાં આશાનું કિરણ દેખાડવાનું. જ્યોતિષ એ આશા પ્રગટાવનાર અને માનવીનાં મનમાંથી નકારાત્મકતા દૂર કરનાર શાસ્ત્ર છે.

1 comment:

ttp said...

i want you to read my Horoscope, can you give your e mail i.d.