July 23, 2018

ચાતુર્માસ


ચોમાસું શબ્દ ક્યાંથી આવ્યો હશે? ચોમાસું એટલે કે - ચૌમાસું. ચૌ એટલે ચાર અને માસું એટલે કે માસ અને આમ ચોમાસું એટલે કે ચાતુર્માસ. અષાઢ માસની શુક્લ એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ એકાદશી દેવશયની, હરિશયની અને પદ્મનાભાનાં નામથી પણ ઓળખાય છે. ચાતુર્માસની અવધિ કાર્તિક માસની શુક્લ એકાદશી સુધી રહે છે. જેને દેવઉઠી, દેવોત્થાની કે હરિપ્રબોધિની એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ ચાર મહિનાઓ દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં રાજા બલિના દ્વાર પર અનંત શૈયા પર શયન કરે છે. આથી આ ચાર મહિનાની અવધિ દરમિયાન માંગલિક કે શુભ કાર્યો જેવાં કે વિવાહ, ઉપનયન, દિક્ષાગ્રહણ, ગૃહપ્રવેશ, યજ્ઞ, ગોદાન, પ્રતિષ્ઠા વગેરે વર્જિત છે. સૂર્યના કર્ક રાશિ પ્રવેશ સાથે આરંભ થનાર ચાતુર્માસ સૂર્યના તુલા રાશિ પ્રવેશ સાથે સમાપ્ત થાય છે. એ સાથે જ ભગવાન શ્રી વિષ્ણુનો શયનકાળ સમાપ્ત થાય છે. ત્યારબાદ માંગલિક કાર્યોનો આરંભ થઈ જાય છે.

આપણાં ધર્મશાસ્ત્રોમાં હરિ શબ્દ સૂર્ય, ચંદ્ર, વિષ્ણુ, વાયુ વગેરે અનેક અર્થોમાં પ્રયોજાયેલો છે. હરિશયન અર્થાત આ ચાર માસ દરમિયાન વાદળ અને વરસાદને લીધે સૂર્ય અને ચંદ્રનું તેજ ક્ષીણ થઈ જવાને લીધે એક રીતે તેમનાં શયનનો જ નિર્દેશ કરે છે. ઉપરાંત આ સમય દરમિયાન પિતસ્વરૂપ અગ્નિની ગતિ શાંત થઈ જવાને લીધે શરીરની શક્તિઓ ક્ષીણ થાય છે અથવા તો પોઢી જાય છે. જળની વિપુલતા અને સૂર્યપ્રકાશની અતિ અલ્પ પ્રાપ્તિને લીધે કીટાણુંઓ ઉત્પન થાય છે. આથી આ ઋતુમાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન થાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં માંગલિક કાર્ય કે સામૂહિક ભોજન-મિજબાનીઓનું આયોજન સુખદ સાબિત ન થઈ શકે. કદાચ આ જ કારણોસર આપણાં શાસ્ત્રોમાં આ ચાર મહિના દરમિયાન શુભ કાર્યો નહિ કરવાની સલાહ આપવામાં આવી છે.

માંગલિક કાર્યો વર્જિત કરવાનું અન્ય કારણ એ પણ હોઈ શકે કે ચાતુર્માસ એ વર્ષાઋતુ કાળ હોય છે. આ સમય દરમિયાન સાધુ મહાત્માઓ કે જેઓ એક સ્થાનથી બીજા સ્થાન પર વિચરણ કરતાં રહે છે, તેઓ વરસાદને લીધે આ દિવસોમાં એક જ સ્થાન પર રહીને જપ-તપ કરે છે. આ સમય દરમિયાન ગૃહસ્થો સાધુ મહાત્માઓના જ્ઞાન, સત્સંગ અને પ્રવચનનો લાભ ઉઠાવે છે. ચાતુર્માસની સમાપ્તિ થતાં જ સાધુ મહાત્માઓ આગળ વિચરણ માટે નીકળી પડે છે. જેથી ચાતુર્માસ દરમિયાન ગૃહસ્થો પોતાનો વધુમાં વધુ સમય જપ-તપ, પ્રવચન અને સત્સંગમાં આપી શકે તે માટે જ માંગલિક કાર્યોનું આયોજન સ્થગિત રાખવું હિતાવહ રહે છે.  

વર્ષાઋતુમાં ભેજને લીધે હાનિકારક બેક્ટેરિયા ઝડપથી વિકસે છે. પાણી પણ દૂષિત હોવાની સંભાવના વધુ રહે છે. આ કાળ દરમિયાન સંતુલિત ભોજન કરીને જપ-તપ-વ્રત-ધ્યાનયોગ દ્વારા આંતરિક રોગપ્રતિકારક શક્તિ તેમજ આત્મબળને વધારવાની સલાહ શાસ્ત્રોમાં આપવામાં આવી છે.

ચાતુર્માસ દરમિયાન શું ન ખાવું જોઈએ?

શ્રાવણ માસમાં લીલાં પાંદડાંવાળા શાકભાજી ન ખાવા જોઈએ. વર્ષાઋતુમાં જંતુ-મંકોડા સપાટી પર આવી જાય છે. આ જંતુઓથી છોડનાં પાંદડાંઓ સૌથી વધુ દૂષિત થાય છે. આથી શ્રાવણ માસ દરમિયાન લીલાં પાંદડાંવાળા શાકભાજીનું સેવન નિષેધ છે.

ભાદ્રપદ માસમાં દહીં ન ખાવું જોઈએ. પિત્તની વૃદ્ધિ કરનાર અમ્લપ્રધાન વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.

આશ્વિન માસમાં દૂધનું સેવન વર્જિત છે. આ સમય દરમિયાન ગાય-ભેંસ દ્વારા દૂષિત લીલો ચારો અને દૂષિત પાણી પીવાથી તેમના દૂધની શુદ્ધતા પર વિપરિત અસર પડે છે. આથી આ માસ દરમિયાન દૂધનું સેવન ન કરવું જોઈએ.

કાર્તિક માસમાં દાળનું સેવન નિષેધ કરવામાં આવ્યું છે. કારણકે તે મુખ્યત્વે કફમાં વૃદ્ધિ કરે છે. આ માસમાં ઋતુ પરિવર્તન થાય છે તથા પાચનશક્તિ હજુ મંદ હોવાને લીધે આ પ્રકારના ભોજનનું સેવન ટાળવું જોઈએ. 

ચાતુર્માસ દરમિયાન જવ, માંસ, ઘઉં, મગની દાળનું સેવન નિષેધ છે. નમક પણ ઓછું લેવું જોઈએ. સૂર્યાસ્ત બાદ ભોજન કરવાની મનાઈ કરવામાં આવે છે. રાત્રે રોશનીમાં કીટ-મંકોડાં સામે આવી જવાથી ભોજનમાં પડીને તેને દૂષિત કરી દેવાની સંભાવના રહે છે. ભૂમિ પર શયન કરવું જોઈએ. નમો નારાયણઅથવા ૐ નમો ભગવતે વાસુદેવાયમંત્રના જાપ કરવાથી દરેક પ્રકારના કષ્ટોથી મુક્તિ પ્રાપ્ત થાય છે.

July 21, 2018

સંદેશ પંચાંગ વિ. સં. 2075-76 (ઈ.સ. 2018-19-20)


સામાન્ય રીતે ટીનેજર સંતાનનાં માતા કે પિતા કુંડળી જોવડાવવાં આવે એટલે એક પ્રશ્ન અચૂક આવે, “મારા બાળકના મિત્રો કેવાં છે?”  તેમને બાળકના મિત્રોની સોબતની ચિંતા સતાવતી હોય છે. મોટાં થયા પછી આપણને સૌ કોઈને મિત્રોની સોબત વગરનું જીવન અધૂરું લાગતું હોય છે. જો કે દરેક લોકો એટલાં ભાગ્યશાળી હોતાં નથી. ઘણીવાર કોઈક નજીકના મિત્રએ આપેલ દગો કે વિશ્વાસઘાત કે પછી છૂટી ગયેલી - તૂટી ગયેલી મૈત્રીનું દર્દ શૂળની જેમ ભોંકાતું હોય છે. કેવાં રહેશે તમારાં મિત્રો અને તમારા મૈત્રી સંબંધો? આ જ વિષય પર સંદેશ પંચાંગ વિ.સં. 2075-76 માં મારો લેખ પ્રસિદ્ધ થયેલ છે. વાંચો અને વંચાવો તમારા મિત્રોને !!


July 20, 2018

જન્મભૂમિ પંચાંગ વિ.સં. 2075 (નવેમ્બર 2018 થી માર્ચ 2020)

પ્રિય મિત્રો, જન્મભૂમિ પંચાંંગ વિ.સં 2075 (નવેમ્બર 2018 થી માર્ચ 2020) માં મારો 'માનસશાસ્ત્ર અને જ્યોતિષ' વિષય પરનો લેખ પ્રગટ થયેલ છે. પ્રસ્તુત લેખમાં માનસશાસ્ત્રના આધારે કુંડળીનું વિશ્લેષણ કરીને મનની વૃતિઓ ઓળખતાં સમજાવેલ છે. જરૂર પડે ત્યાં ઉદાહરણ કુંડળીઓ આપી ચર્ચા કરેલ છે. સ્વની ઓળખ અને વ્યક્તિત્વના વિકાસ માટે આ લેખ ઉપયોગી બની રહેશે તેવી આશા રાખું છુ. લેખ અંગેના આપના પ્રતિભાવો આવકાર્ય છે. આભાર


July 19, 2018

જોશીનું ટીપણું - 4ઘણીવાર પ્રશ્ન થાય કે જીવનમાં દરેક વસ્તુ ઈશ્વરની કૃપાથી જ પ્રાપ્ત થવાની હોય તો સાધના શાં માટે કરવી? શાં માટે તપ કરવું? કહેવાય છે ને કે એની મરજી વગર તો પાંદડું પણ નથી હલતું, તો પછી આપણી સાધના કર્યે શું વળે? આ પ્રશ્ન સમજના અભાવને લીધે કે પ્રમાદને લીધે આપણું મન પેદા કરે છે. હકીકતમાં સાધના એ આપણે ઈશ્વરને પાડેલો સાદ છે અને કૃપા એ ઈશ્વરે આપેલો પ્રતિસાદ છે. જો સાદ જ નહિ પાડો તો પ્રતિસાદ ક્યાંથી સાંપડશે? દ્વાર જ નહિ ખટખટાવો તો ઉઘડશે ક્યાંથી? સાદી અને સીધી વાત છે કે જે દ્વાર નથી ખટખટાવતાં એ અંદર પ્રવેશ કરવાની ઈચ્છા પણ નથી ધરાવતાં. સાધના એ આપણે આપણી જાતને ઈશ્વરની કૃપાને લાયક અને તત્પર બનાવી હોવાની નિશાની છે અને ત્યારબાદ સિદ્ધિરૂપી દ્વાર ઉઘડતાં વાર નથી લાગતી. સાધના અને કૃપા અલગ કે વિરોધી નથી. સાધના એ આપણે અધ્યાત્મપથ પર કરેલી ચાલવાની શરૂઆત છે અને ઈશ્વરની કૃપા એ આપણી મંઝિલ !! ક્યાંક પહોંચવા માટે ચાલવાની શરૂઆત તો કરવી જ પડે. 

June 16, 2018

લઘુપારાશરી સિદ્ધાંત – 22 થી 42 સૂત્ર


લઘુપારાશરી ગ્રંથમાં ફળ જ્યોતિષ સંબંધી 42 સૂત્રો આપેલાં છે. આ અગાઉ આપણે 1 થી 21 સૂત્ર જોઈ ગયા છીએ. શેષ 22 થી 42 સૂત્રો કોઈ ટીકા કે મૂળ શ્લોક વગર નીચે મુજબ છે.

22. જો નવમેશ જ અષ્ટમેશ પણ હોય, તથા જો દસમેશ જ એકાદશેશ પણ હોય તો આ પ્રકારે નવમેશ અને દસમેશના સંબંધમાત્રથી જ રાજયોગનો લાભ પ્રાપ્ત થતો નથી.

23. લગ્નથી અષ્ટમ અને તૃતીય (આઠમાંથી આઠમું) એ બંને આયુષ્યના સ્થાનો છે. આ બંને સ્થાનોનાં વ્યયસ્થાન (અર્થાત લગ્નથી સપ્તમ અને દ્વિતીય) એ મારક સ્થાનો કહેવાય છે.

24/25. દ્વિતીય અને સપ્તમ મારક સ્થાનોમાં દ્વિતીય સ્થાન એ સપ્તમ સ્થાન કરતાં વધુ બળવાન મારક સ્થાન છે. મારક સ્થાનમાં પાપગ્રહ હોય અને મારકેશથી યુક્ત હોય તો તેમની દશાઓમાં જાતકનું મૃત્યુ થાય છે. આ અસંભવ હોય (અર્થાત મારકસ્થાનમાં કોઈ પણ પાપગ્રહ ન હોય, તથા મારકેશની સાથે પણ કોઈ પાપગ્રહ ન હોય) ત્યારે લગ્નથી દ્વાદશાધીશ ગ્રહની દશામાં મારકેશની અંતર્દશામાં મરણ થાય છે.

26/27. કદાચિત ઉપરોક્ત મારકેશોના (અર્થાત મારકસ્થાનમાં સ્થિત પાપગ્રહ, મારકેશ અને દ્વાદશેશ) દશા સમયમાં મૃત્યુ ન થાય તો  વ્યયેશ સાથે સંબંધિત શુભગ્રહોની દશામાં અને કદાચિત અષ્ટમેશની દશામાં પણ મૃત્યુ થાય છે. જો આ દશામાં પણ મૃત્યુ ન થાય તો ફક્ત પાપગ્રહોની (મારકેશના સંબંધરહિત) દશામાં મરણ થાય છે તેવું પંડિતોએ વિચાર કરવું જોઈએ. 

28. 3, 6 વગેરે અશુભસ્થાનોના આધિપત્યથી પાપકારક શનિને મારક ગ્રહો સાથે સંબંધ હોય તો અન્ય બધાં મારકો ગ્રહોનું ઉલ્લંઘન કરીને શનિ જ મારક બને છે. એમાં સંદેહ નથી. અર્થાત મારકના સંબંધ વગર પણ પાપકારક શનિ સામાન્ય રીતે મારક બને છે.

29/30. બધાં ગ્રહો (પાપ તથા શુભ) પોતાની દશામાં પોતાની જ અંતર્દશામાં પોતાનાં સ્વભાવને અનુરૂપ શુભ તેમજ અશુભ ફળ આપતાં નથી. જે ગ્રહ પોતાની સાથે સંબંધ ધરાવતાં હોય, તથા જે પોતાનાં સધર્મી હોય, તેમની અંતર્દશામાં જ સ્વભાવાનુસાર પોતાની દશાનું ફળ આપે છે.

31. દશાનાથથી સંબંધરહિત તથા વિરુદ્ધ ફળ દેવાવાળા ગ્રહોની અંતર્દશામાં દશાધિપતિ અને અંતર્દશાધિપતિ બંનેના અનુસાર દશાફળ કલ્પના કરીને સમજવું જોઈએ.

32. કેન્દ્રાધિપતિ પોતાની દશામાં પોતાની સાથે સંબંધમાં રહેલાં ત્રિકોણેશની અંતર્દશા આવે ત્યારે શુભ ફળ આપે છે. તથા ત્રિકોણેશ પણ પોતાની દશામાં પોતાની સાથે સંબંધમાં રહેલાં કેન્દ્રેશની અંતર્દશા આવે ત્યારે શુભ ફળ આપે છે. જ્યારે કેન્દ્રેશ અને ત્રિકોણેશ એકબીજાથી સંબંધિત ન હોય તો કેન્દ્રેશ પોતાની દશામાં ત્રિકોણેશની અંતર્દશામાં પણ સામાન્ય રીતે પાપફળ જ આપે છે.

33. યોગકારક ગ્રહની દશામાં સંબંધિત મારકેશની અંતર્દશામાં રાજયોગનો આરંભ થાય તો પાપી મારકની અંતર્દશા તે રાજયોગનો આરંભ કરીને ક્રમથી વિસ્તાર કરે છે.

34. યોગકારક સાથે સંબંધિત શુભગ્રહની અંતર્દશામાં રાજયોગનો આરંભ થાય તો યોગનું શુભ ફળ મળે છે. યોગકારક ગ્રહ સાથે અસંબંધિત શુભગ્રહોની અંતર્દશામાં ફળમાં સમત્વ રહે છે.

35. યોગકારક ગ્રહથી સંબંધિત શુભગ્રહની મહાદશામાં યોગકારક ગ્રહની પોતાની અંતર્દશા આવે ત્યારે ક્યારેક રાજયોગનું ફળ મળે છે.

36. રાહુ – કેતુ જો કેન્દ્ર અથવા ત્રિકોણમાં હોય અને અન્ય કોઈ ગ્રહથી સંબંધિત ન હોય તો પોતાની મહાદશામાં યોગકારક ગ્રહોની અંતર્દશામાં તે ગ્રહો અનુસાર શુભ યોગકારક ફળ પ્રદાન કરે છે.

37/38. જો મહાદશાનો સ્વામી પાપગ્રહ હોય તો તેની સાથે સંબંધ નહિ ધરાવનાર શુભગ્રહની અંતર્દશા અશુભફળ આપે છે. પાપી મહાદશાધિપતિ સાથે સંબંધ ધરાવનાર શુભગ્રહની અંતર્દશા મિશ્ર ફળ (શુભ-અશુભ બંને) આપે છે. પાપી મહાદશાધિપતિ સાથે સંબંધ નહિ ધરાવનાર યોગકારક ગ્રહની અંતર્દશા અત્યંત અશુભ ફળ આપે છે.

39. મારક ગ્રહની મહાદશામાં તેની સાથે સંબંધ ધરાવનાર શુભગ્રહની અંતર્દશા મારક બનતી નથી. પરંતુ મારક ગ્રહની મહાદશામાં તેની સાથે સંબંધ ન હોય તો પણ પાપગ્રહની અંતર્દશા મારક બને છે.

40. શુક્રની મહાદશામાં શનિ પોતાની અંતર્દશામાં શુક્ર સંબંધી ફળ આપે છે, અને શનિની મહાદશામાં શુક્રની અંતર્દશા શનિ સંબંધી ફળ જ વિશેષરૂપથી આપે છે.

41. લગ્નેશ અને દસમેશ પરસ્પર એકબીજાના સ્થાનમાં સ્થિત હોય અથવા બંને મળીને એક જ સ્થાનમાં (લગ્ન અથવા દસમ) સ્થિત હોય તો રાજયોગ બને છે. આ યોગમાં જન્મ લેનાર જાતક જગત પ્રસિદ્ધ અને વિજયી બને છે.

42. લગ્નેશ અને નવમેશ પરસ્પર એકબીજાના સ્થાનમાં સ્થિત હોય અથવા બંને મળીને એક જ સ્થાનમાં (લગ્ન અથવા નવમ) સ્થિત હોય તો રાજયોગ બને છે. આ યોગમાં જન્મ લેનાર જાતક જગત પ્રસિદ્ધ અને વિજયી બને છે.

June 1, 2018

લઘુપારાશરી સિદ્ધાંત – 1 થી 21 સૂત્ર


લઘુપારાશરી સંસ્કૃત શ્લોકોથી સમાવિષ્ટ લઘુ ગ્રંથ છે. મહર્ષિ પરાશર રચિત બૃહત પરાશર હોરા શાસ્ત્ર ને વિસ્તૃત રીતે સમજીને, તેમાંથી સાર ગ્રહણ કરીને તેમનાં શિષ્યએ ઉડુદાય પ્રદીપનામના ગ્રંથની રચના કરી. જે પાછળથી લઘુપારાશરીના નામે પ્રચલિત થયો. લઘુપારાશરીમાં 42 શ્લોક છે, જે પાંચ અધ્યાયમાં વિભાજીત છે. આ 42 સૂત્ર મૂળ શ્લોક કે ટીકા વગર નીચે મુજબ છે.

1. વાદ-પ્રતિવાદથી સિદ્ધ છે નિશ્ચય જેમનો એવાં વેદાંતમાં પ્રતિપાદિત બ્રહ્માના અંત:પુરમાં રહેનાર અરુણ વર્ણ અધર ધરાવનાર વીણા ધારણ કરેલ તેજોવિશેષની અમે ઉપાસના કરીએ છીએ. અર્થાત શ્રી સરસ્વતીજીના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.

2. અમે અમારી બુદ્ધિ અનુસાર જ્યોતિષીઓની પ્રસન્નતા અર્થે મહર્ષિ પરાશર રચિત હોરાશાસ્ત્ર અનુસાર ઉડુદાયપ્રદીપ” નામક ગ્રંથની રચના કરીએ છીએ.  

3. અહીં અમે નક્ષત્ર દશા અનુસાર જ શુભ-અશુભ ફળ કહીશું. આ ગ્રંથ અનુસાર ફળ કહેવામાં વિશોંત્તરી દશાને જ ગ્રહણ કરવી જોઈએ. અષ્ટોત્તરી દશા અહીં ગ્રાહ્ય નથી.

4. વિદ્વાનોએ સામાન્યશાસ્ત્રથી ભાવ આદિ ફલિત જ્યોતિષિક સંજ્ઞાઓને જાણી લેવી જોઈએ. આ શાસ્ત્રમાં વિશેષ સંજ્ઞાઓ જણાવવામાં આવશે.

5. બધાં ગ્રહો પોતાનાં સ્થાનથી સપ્તમસ્થાન સ્થિત ગ્રહને પૂર્ણ દ્રષ્ટિથી જુએ છે. શનિ તૃતીય અને દસમ, ગુરુ પંચમ અને નવમ તથા મંગળ ચતુર્થ અને અષ્ટમસ્થાનમાં રહેલાં ગ્રહોને વિશેષ દ્રષ્ટિથી જુએ છે.

6. કોઈપણ ગ્રહ જો ત્રિકોણનો (1, 5, 9) સ્વામી હોય તો શુભફળદાયક હોય છે. જો ત્રિષડાયનો (3, 6, 11) સ્વામી હોય તો અશુભફળદાયક હોય છે. ત્રિકોણના સ્વામીઓ પણ સાથે જો ત્રિષડાયના સ્વામી થતાં હોય તો અશુભ ફળ જ આપે છે.

7. સૌમ્ય ગ્રહો (ગુરુ, શુક્ર, પૂર્ણ ચંદ્ર, એકલો અથવા શુભગ્રહયુક્ત બુધ) જો કેન્દ્રના સ્વામી હોય તો શુભ ફળ આપતાં નથી. ક્રૂર ગ્રહ ( સૂર્ય, શનિ, મંગળ, ક્ષીણ ચંદ્ર, પાપગ્રહયુક્ત બુધ) જો કેન્દ્રના સ્વામી હોય તો અશુભ ફળ આપતાં નથી. આ ગ્રહો ઉત્તરોત્તર ક્રમથી બળવાન છે. અર્થાત લગ્નેશથી પંચમેશ અને
પંચમેશથી નવમેશ બળવાન છે. તૃતીયેશથી ષષ્ઠેશ અને ષષ્ઠેશથી એકાદશેશ બળવાન છે. તેમજ ચતુર્થેશથી સપ્તમેશ અને સપ્તમેશથી દસમેશ બળવાન છે. 

8. લગ્નથી દ્વાદશેશ અને દ્વિતીયેશ અન્ય ગ્રહોના સાહચર્ય તથા પોતાનાં અન્ય સ્થાન અનુસાર જ શુભ અથવા અશુભ ફળ આપે છે. 

9. ભાગ્યસ્થાનથી વ્યયસ્થાનનો અધિપતિ હોવાને લીધે અષ્ટમેશ શુભપ્રદ નથી. જો તે લગ્નનો પણ સ્વામી હોય તો શુભફળ પ્રદાન કરે છે અથવા અષ્ટમેશ સ્વયં હોય (માત્ર અષ્ટમેશ જ હોય) અને અન્ય કોઈ સ્થાનનો સ્વામી ન હોય તો પણ શુભકારક બને છે.  

10. શુભ ગ્રહોનો જે કેન્દ્રાધિપત્ય દોષ કહેવામાં આવ્યો છે તેમાં ગુરુ અને શુક્રનો કેન્દ્રાધિપત્ય દોષ બળવાન છે. આ ગ્રહો કેન્દ્રાધિપતિ થઈને મારક સ્થાનમાં (દ્વિતીય અને સપ્તમ) સ્થિત હોય અથવા તેના અધિપતિ હોય તો બળવાન મારક બને છે.

11. ગુરુ અને શુક્ર કરતાં બુધનો કેન્દ્રાધિપતિ દોષ ઓછો બળવાન હોય છે. બુધ કરતાં પણ ઓછો દોષ ચંદ્રનો હોય છે. સૂર્ય અને ચંદ્રને અષ્ટમેશ હોવાનો દોષ લાગતો નથી.

12. નૈસર્ગિક પાપગ્રહ માત્ર કર્મેશ (કેન્દ્રાધિપતિ) બનવાથી શુભ બની જતો નથી. પરંતુ કેન્દ્રાધિપતિ હોવાની સાથે ત્રિકોણાધિપતિ પણ બને તો શુભ ફળ આપે છે.

13. પ્રબળ હોવા છતાં પણ રાહુ-કેતુ જે-જે ભાવમાંં અને જે-જે ભાવાધિપતિ સાથે રહે છે તેમનાં અનુસાર જ શુભ કે અશુભ ફળ આપે છે.

14. કેન્દ્રેશ અને ત્રિકોણેશ પરસ્પર સંબંધમાં હોય તે સ્થિતિમાં જો અન્ય સ્થાનોના (કેન્દ્ર અને ત્રિકોણ સિવાયના સ્થાનો) સ્વામી સાથે સંબંધ ન હોય તો વિશેષ શુભફળદાયક હોય છે. અર્થાત જો અન્ય સ્થાનોના સ્વામી સાથે સંબંધ હોય તો સામાન્ય શુભ રહે છે.

15. કેન્દ્ર અને ત્રિકોણના સ્વામીઓ સ્વયં દોષયુક્ત (શત્રુ રાશિ, અસ્ત, નીચત્વ) હોય તો પણ પરસ્પર સંબંધ માત્રથી યોગકારક ( વિશેષ શુભફળદાયક) બને છે.

16. ધર્મેશ (નવમેશ) અને કર્મેશ (દસમેશ) એકબીજાનાં સ્થાનમાં હોય (પરિવર્તન યોગ) અથવા બંને ધર્મ કે કર્મ એક જ સ્થાનમાં સાથે હોય અથવા ધર્મેશ કર્મસ્થાનમાં રહેલો હોય કે કર્મેશ ધર્મસ્થાનમાં રહેલો હોય તો યોગકારક બને છે. 

17. ત્રિકોણાધિપતિઓમાંથી કોઈ એકની સાથે જો બળવાન કેન્દ્રાધિપતિનો સંબંધ હોય તો સુયોગ (ઉત્કૃષ્ટ યોગ) કારક થાય છે.

18. યોગકારક ગ્રહો કેન્દ્ર અને ત્રિકોણના અધિપતિઓની દશામાં વિશેષ કરીને રાજયોગના ફળની પ્રાપ્તિ થાય છે. યોગકારક ગ્રહોથી સંબંધ રહિત શુભગ્રહોની દશામાં પણ રાજયોગનું ફળ મળે છે.

19. સ્વયં પાપકારક ગ્રહ પણ યોગકારક ગ્રહના સંબંધથી પોતાની દશામાં યોગકારક ગ્રહની અંતર્દશા અને પ્રત્યંતર દશામાં યોગફળ આપે છે.

20. જો એક જ ગ્રહ કેન્દ્ર અને ત્રિકોણ બંનેનો સ્વામી હોય તો પણ યોગકારક બને છે. તેનો જો બીજા ત્રિકોણેશ સાથે પણ સંબંધ થઈ જાય તો એનાંથી વધુ શુભ શું હોઈ શકે?

21. રાહુ અથવા કેતુ કેન્દ્રમાં હોય અને ત્રિકોણેશ સાથે સંબંધ કરતાં હોય, અથવા ત્રિકોણમાં હોય અને કેન્દ્રેશ સાથે સંબંધ કરતાં હોય તો શુભયોગકારક બને છે.

ક્રમશ:

March 25, 2018

રામચરિત માનસની ચોપાઈથી મનોકામના પૂર્તિ


રામશબ્દ એ એક ચમત્કારી મંત્ર છે. સામાન્ય રીતે લોકો મળે ત્યારે એકબીજાને રામ રામકે જય શ્રી રામકહે છે. સાહજિક રીતે બોલાતાં આ રામશબ્દ કે મંત્રમાં આધ્યાત્મિક પ્રગતિ કરાવવાની તાકાત છૂપાયેલી છે. દરરોજ રામ નામનો જપ કરવાથી દરેક પ્રકારની મૂશ્કેલીઓ દૂર થાય છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે. 

તુલસીદાસજી રચિત રામચરિત માનસ એક અદભૂત ગ્રંથ છે. તુલસીદાસજી મંત્ર રચયિતા હતા અને રામચરિત માનસની દરેક ચોપાઈ મંત્રની જેમ સિદ્ધ છે. આ ચોપાઈઓના નિયમિત અને નિષ્ઠાપૂર્વક જાપ કરવાથી ઈચ્છિત હેતુની પ્રાપ્તિ થાય છે. નીચે કેટલીક ચોપાઈઓ આપેલ છે જેના પઠનથી જે-તે હેતુની પ્રાપ્તિ થઈ શકે છે.

રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ હેતુ:

साधक नाम जपहिं लय लाएं 
होहि सिद्धि अनिमादिक पाएं।।


ધન સંપતિ પ્રાપ્તિ હેતુ:

जे सकाम नर सुनहिं जे गावहिं 
सुख सम्पत्ति नानाविधि पावहिं


લક્ષ્મીની પ્રાપ્તિ હેતુ:

जिमि सरिता सागर मंहु जाही 
यद्यपि ताहि कामना नाहीं।। 
तिमि सुख संपत्ति बिनहि बोलाएं
धर्मशील पहिं जहि सुभाएं।।


દુર્ભાગ્યને ભાગ્યમાં પલટાવવા હેતુ:

मोहि अनुचर कर केतिक बाता ।
तेहि महं कुसमऊ बाम बिधाता

વરસાદની કામના પૂર્તિ હેતુ:

सोइ जल अनल अनिल संघाता 
होइ जलद जग जीवनदाता।।


સુખ પ્રાપ્તિ હેતુ:

सुनहि विमुक्त बिरत अरू विबई 
लहहि भगति गति संपति नई।।


શાસ્ત્રાર્થમાં વિજય પ્રાપ્તિ હેતુ:

तेहि अवसर सुनि शिव धनु भंगा 
आयउ भृगुकुल कमल पतंगा।।


વિદ્યા પ્રાપ્તિ હેતુ:

गुरु ग्रह गए पढ़न रघुराई 
अलपकाल विद्या सब आई।।


જ્ઞાન પ્રાપ્તિ હેતુ:

छिति जल पावक गगन समीरा 
पंचरचित अति अधम शरीरा।।


દરેક પ્રકારની સ્પર્ધામાં વિજય પ્રાપ્તિ હેતુ:

कर सारंग साजि कटी भाथा अरिदल दलन चले रघुनाथा ॥

પ્રેમ વૃદ્ધિ હેતુ:

सब नर करहिं परस्पर प्रीती 
चलहिं स्वधर्म निरत श्रुतिनीती।।


પ્રેમ આકર્ષણ હેતુ:

जेहि के जेहि पर सत्य सनेहू ।
सो तेहि मिलइ न कछु संदेहू ॥

લગ્ન આડેના અવરોધો દૂર કરવા હેતુ:

तब जनक पाई वसिष्ठ आयसु ब्याह साज संवारी कै ।
मांडवी श्रुतकीर्ति उर्मिला कुंअरी लई हंकारी कै ॥   

સ્ત્રીઓને ઈચ્છિત પતિની પ્રાપ્તિ હેતુ:

सुनु सिय सत्य असीस हमारी ।
पूजिहि मन कामना तुम्हारी ॥
नारद बचन सदा सुचि साचा ।
सो बरु मिलिहि जाहिं मनु राचा ॥

પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ હેતુ:

जेहि पर कृपा करहिं जनुजानी 
कवि उर अजिर नचावहिं बानी।। 
मोरि सुधारहिं सो सब भांती 
जासु कृपा नहिं कृपा अघाती।।


વિપત્તિમાં સફળતા પ્રાપ્તિ હેતુ:

राजिव नयन धरैधनु सायक
भगत विपत्ति भंजनु सुखदायक।।


સંકટથી રક્ષા હેતુ:

जौं प्रभु दीन दयाल कहावा 
आरतिहरन बेद जसु गावा।। 
जपहि नामु जन आरत भारी 
मिंटहि कुसंकट होहि सुखारी।। 
दीन दयाल बिरिदु संभारी 
हरहु नाथ मम संकट भारी।।


વિઘ્ન વિનાશ હેતુ:

सकल विघ्न व्यापहि नहिं तेही 
राम सुकृपा बिलोकहिं जेही।।


દરિદ્રતા દૂર કરવા હેતુ:

अतिथि पूज्य प्रियतम पुरारि के 
कामद धन दारिद्र दवारिके।।


નોકરી-વ્યવસાય કે કામની પ્રાપ્તિ હેતુ:

बिस्व भरण पोषण कर जोई ।
ताकर नाम भरत अस होई ॥

અકાળ મૃત્યુથી રક્ષા હેતુ:

नाम पाहरू दिवस निसि ध्यान तुम्हार कपाट
लोचन निज पद जंत्रित प्रान केहि बात।।


વિવિધ રોગ-ઉપદ્રવો વગેરેથી રક્ષા કે સાજા થવા હેતુ:

दैहिक दैविक भौतिक तापा 
राम काज नहिं काहुहिं व्यापा।।


વિષ નાશ હેતુ:

नाम प्रभाऊ जान सिव नीको 
कालकूट फलु दीन्ह अमी को।।


ખોવાયેલી વસ્તુની પુન: પ્રાપ્તિ હેતુ:

गई बहारे गरीब नेवाजू 
सरल सबल साहिब रघुराजू।।


રોગચાળાથી રક્ષા હેતુ:

जय रघुवंश वन भानू 
गहन दनुज कुल दहन कूसानू।।


મસ્તિષ્ક પીડાથી રક્ષા હેતુ:

हनुमान अंगद रन गाजे 
होक सुनत रजनीचर भाजे।।


શત્રુને મિત્ર બનાવવા હેતુ:

गरल सुधा रिपु करहि मिताई
गोपद सिंधु अनल सितलाई।।


શત્રુતા દૂર કરવા હેતુ:

वयरू कर काहू सन कोई 
रामप्रताप विषमता खोई।।


ભૂતપ્રેતના ભયથી મુક્તિ હેતુ:

प्रनवउ पवन कुमार खल बन पावक ग्यान धुन 
जासु हृदय आगार बसहि राम सर चाप घर।।


સફળ યાત્રા હેતુ:

प्रबिसि नगर कीजै सब काजा 
हृदय राखि कौशलपुर राजा।।


સંતાન પ્રાપ્તિ હેતુ:

प्रेम मगन कौशल्या निसिदिन जात जान 
सुत सनेह बस माता बाल चरित कर गान।।


મનોરથની સિદ્ધિ હેતુ:

भव भेषज रघुनाथ जसु सुनहि जे नर अरू नारि 
तिन्ह कर सकल मनोरथ सिद्ध करहि त्रिसरारी।।


ઈચ્છાપૂર્તિ, મનોરથની સિદ્ધિ હેતુ:

सो तुम जानहु अंतर्यामी ।
पुरवह, मोर मनोराथ स्वामी ॥

હનુમાન ભક્તિ હેતુ:

सुमिरि पवन सुत पावन नामू 
अपने बस करि राखे रामू


વિચાર શુદ્ધિ હેતુ:

ताके जुग पद कमल मनावऊं 
जासु कृपा निरमल मति पावऊं।।

ઈશ્વરની ક્ષમા હેતુ:

अनुचित बहुत कहेउं अग्याता
छमहु क्षमा मंदिर दोउ भ्राता