ગુરુના વૃષભ ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ


 આ વર્ષે ૧૭ મે, ૨૦૧૨ના રોજ પ્રાત:કાળ ૯.૩૭ કલાકે ગુરુ મહારાજ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. અહીં ગુરુ ૩૦ મે, ૨૦૧૩ સુધી ગોચર ભ્રમણ કરશે. આ દરમિયાન ૪ ઓક્ટોબર, ૨૦૧૨થી ૩૦ જાન્યુઆરી, ૨૦૧૩ સુધી વક્રી રહેશે.

નવ ગ્રહોમાં ગુરુને સૌથી શુભ, સૌમ્ય અને સાત્વિક ગ્રહ ગણવામાં આવે છે. જ્ઞાન અને ડહાપણનો ભંડાર એવા ગુરુની એક રક્ષક તરીકે વિશિષ્ટ ઓળખાણ છે. ગુરુ અને શનિ જેવા મોટા અને ધીમી ગતિના ગ્રહો જયારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેમનો પ્રભાવ ધીરે ધીરે પરંતુ લાંબા સમય સુધી અનુભવાય છે. વૃષભ રાશિમાં ગુરુનુ ગોચર ભ્રમણ બાર રાશિઓને કઈ રીતે પ્રભાવિત કરશે તે જોઈએ
.
અહીં નોંધવું જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગમાં જે-તે સ્થાનને મળેલાં બિંદુઓ વગેરે પર રહેલો છે.

મેષ (અ, લ, ઈ) 

મેષ રાશિને ગુરુ દ્વિતીય સ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. આર્થિક તથા કૌટુંબિક બાબતો માટે આ સમય લાભદાયી બની રહે. નાણાકીય આવકમાં વધારો થાય. વ્યવસાયમાં નફામાં વધારો થઈ શકે છે. આવકમાં વધારો થવાથી ખુશીથી દાન-ધર્માદા પાછળ નાણાનો ઉપયોગ થાય. ઉધાર લીધેલા નાણાની ચૂકવણી કરી શકાય. કૌટુંબિક બાબતો માટે આ સમય સુખદ બની રહે. કુટુંબમાં નવા સભ્યનો ઉમેરો થઈ શકે છે. લગ્નસંબંધમાં મધુરતાનો અનુભવ થાય. કાર્ય ક્ષેત્રે ઉપરી અધિકારીઓનો વિશ્વાસ સંપાદન કરી શકાય. સહકાર્યકરોને પ્રભાવિત કરી શકાય. શત્રુઓ પર વિજયની પ્રાપ્તિ થાય. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળે. સામાજિક રીતે સંતોષજનક સમય રહે. માન-સન્માન અને ગૌરવની પ્રાપ્તિ થાય. માનસિક શાંતિનો અનુભવ થાય તેમજ બૌદ્ધિક કુશાગ્રતામાં વધારો થાય. 

વૃષભ (બ, વ, ઉ)

વૃષભ રાશિને ગુરુ પ્રથમ સ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. આ સમય લાગણીઓને પ્રભાવિત કરનારો બની રહે. સ્વની ઈચ્છાઓની પૂર્તિ કરવાનું વલણ રહે. ઉદારતા, સર્જનાત્મકતા, અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસમાં વધારો થાય. ધીરજ અને ખંતથી જીવનમાં આવતા પડકારોનો સામનો કરવો પડે. અપરિણીતોના લગ્ન શક્ય બને. પરિણીતો સંતાન પ્રાપ્તિનો આનંદ માણી શકે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બને. આરોગ્યની વિશેષ કાળજી જરૂરી બને. શરીરમાં મેદવૃદ્ધિ થવાની શક્યતા રહે. આધ્યાત્મિક તથા ધાર્મિક બાબતો પ્રત્યેની રુચિમાં વધારો થાય. ધાર્મિક સ્થળોની યાત્રા થાય. પિતા માટે આ સમય લાભપ્રદ રહે. શેર-સટ્ટાથી લાભ રહે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. ભાગ્યનો સાથ મળી રહે. 

મિથુન (ક, છ, ઘ)

મિથુન રાશિને ગુરુ દ્વાદશ સ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. આ સમય નાણાકીય ખર્ચાઓ કરાવનારો બની રહે. આવક કરતા જાવકનું પ્રમાણ વધુ રહે. જો કે માંગલિક પ્રસંગો કે દાન-ધર્માદા જેવા ઉમદા હેતુ પાછળ નાણાકીય જાવક થઈ શકે છે. વ્યાપાર કે નોકરી ક્ષેત્રે મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. પરદેશની મુસાફરી થઈ શકે છે. પરદેશમાં વસવાટ કરનારાઓ વતનની મુલાકાત લઈ શકે છે. કાર્ય ક્ષેત્રે સત્તા કે હોદ્દો જાળવવામાં મહેનત કરવી પડે. માનસિક રીતે ચિંતા, દુખ કે ભયનો અનુભવ થઈ શકે છે. આ સમય દરમિયાન અસામાન્ય વર્તન કરો તેવું બની શકે છે. નજીકની વ્યક્તિઓ સાથેનો અભિગમ નકારાત્મક રહે. સામાજિક બદનામીનો સામનો કરવો પડે તેવા પ્રસંગ ઉભા ન થાય તેની કાળજી રાખવી. નવા જમીન, મકાન કે વાહનની ખરીદી થઈ શકે છે. અધ્યાત્મ, ધ્યાન, યોગ વગેરે પ્રત્યેની રુચિમાં વધારો થાય. 

કર્ક (ડ, હ)

કર્ક રાશિને ગુરુ એકાદશ સ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. આ સમય લાભદાયી બની રહે. કાર્ય ક્ષેત્રે નોકરીમાં બઢતી, સત્તા કે હોદ્દાની પ્રાપ્તિ થઈ શકે છે. વ્યવસાયમાં નફામાં વૃદ્ધિ થઈ શકે છે. વ્યાવસાયિક ભાગીદારીમાં સાનુકૂળતા રહે. શેર-સટ્ટાથી લાભ રહે. ભાઈ-બહેનો અને મિત્રોથી ધનલાભ થાય. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. પ્રણય સંબંધમાં સંકળાવાનું બની શકે છે. અપરિણીતોના લગ્ન થઈ શકે છે. પરિણીતો માટે સંતાન પ્રાપ્તિ માટે આ સમય અનુકૂળ રહે. સંતાનો માટે આ સમય પ્રગતિદાયક બની રહે. સુખ-સગવડના સાધનોની ખરીદી શક્ય બને. શરીરની તંદુરસ્તી જળવાય રહે અને માનસિક શાંતિનો અનુભવ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. ધાર્મિક બાબતો પ્રત્યેની રુચિમાં વધારો થાય અને મંત્ર જાપ કરવાથી લાભ રહે. લાંબા સમયથી રહેલી ઈચ્છાઓની પૂર્તિ શક્ય બને.

સિંહ (મ, ટ)

સિંહ રાશિને ગુરુ દસમ સ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. આ સમય કૌટુંબિક અને નાણાકીય બાબતો માટે લાભદાયી બની રહે. નાણાકીય આવકમાં વધારો થાય. કૌટુંબિક ક્ષેત્રે સુખ-શાંતિનું વાતાવરણ જળવાય રહે. કાર્ય ક્ષેત્રે ઉપરી અધિકારીઓ સાથે દલીલો કરવાથી દૂર રહેવું. જો કાળજી રાખવામાં ન આવે તો સત્તા કે હોદ્દો ગુમાવવો પડી શકે છે અથવા દૂરના સ્થળે બદલી થઈ શકે છે. નવી નોકરીની પ્રાપ્તિ માટે કે નોકરી બદલવા માટે આ સમય અનુકૂળ છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે ટૂંકા ગાળાના લાભની પ્રાપ્તિ થઈ શકે છે. નવા જમીન, મકાન કે વાહનની ખરીદી થઈ શકે છે. નિયમિત લયમાં જીવાતા જીવનમાં આ સમય ખલેલ પહોંચાડનારો બની શકે છે. નકારાત્મકતા અને અસંતોષની લાગણીનો અનુભવ થાય. અધૂરી રહેલી ઈચ્છાઓ મનને અશાંત બનાવી શકે છે. સંતાનોના આરોગ્યની કાળજી લેવી જરૂરી બને. માતા માટે આ સમય લાભપ્રદ રહે. 

કન્યા (પ, ઠ, ણ)

કન્યા રાશિને ગુરુ નવમ સ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. આ સમય ભાગ્યની વૃદ્ધિ કરનારો બની રહે. નાણાકીય આવક તથા ધન-સંપતિમાં વધારો થાય. કાર્ય ક્ષેત્રે સત્તાની પ્રાપ્તિ અને વ્યવસાયમાં નફામાં વૃદ્ધિ શક્ય બને. શેર-સટ્ટાથી લાભ રહે. દરેક પ્રકારના સાહસોમાં સફળતાની પ્રાપ્તિ થાય. લેખકો, પ્રકાશકો અને  અધ્યાપકો માટે આ સમય વિશેષ લાભદાયી પૂરવાર થાય. સામાજિક માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. ધાર્મિક બાબતો પ્રત્યેની રુચિમાં વધારો થાય. ધાર્મિક ક્રિયાઓ તથા ધાર્મિક સ્થળોની યાત્રા થાય. સાધુ-સંતોની સંગતમાં રહેવાનું બની શકે. નાના ભાઈ-બહેનો માટે આ સમય પ્રગતિદાયક બની રહે. પ્રણય સંબંધમાં સફળતા મળે. પરિણીતો માટે આ સમય સંતાન પ્રાપ્તિ માટે અનુકૂળ રહે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. શારીરિક તંદુરસ્તી જળવાય રહે. લાંબા અંતરની મુસાફરીઓ શક્ય બને. 

તુલા (ર, ત)

તુલા રાશિને ગુરુ અષ્ટમ સ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. આ સમય આત્મમંથન દ્વારા જીવનની ગૂઢતાને સમજવાનો બની રહે. અધ્યાત્મ અને રહસ્યમય બાબતો પ્રત્યેની રુચિમાં વધારો થાય. આરોગ્યની વિશેષ કાળજી જરૂરી બને. નિરાશા તથા કંટાળાનો અનુભવ થઈ શકે છે. કાર્ય ક્ષેત્રે કઠોર પરિશ્રમની આવશ્યકતા રહે. બિનજરૂરી દલીલો કરવાથી દૂર રહીને ફક્ત પોતાના કાર્ય પર ધ્યાન આપવું. શેર-સટ્ટાથી દૂર રહેવું. નવા વ્યાવસાયિક સાહસો માટે આ સમય યોગ્ય નથી. સંશોધન ક્ષેત્રે સફળતાની પ્રાપ્તિ થાય. gગુપ્ત અથવા વારસાકીય ધનલાભ થઈ શકે છે. જીવનસાથીથી પણ ધનલાભ થઈ શકે છે. સંતાન જન્મ માટે આ સમય પ્રતિકૂળ રહે. ગર્ભસ્થ સ્ત્રીઓએ વિશેષ કાળજી રાખવી. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. પરદેશથી લાભ રહે. 

વૃશ્ચિક (ન, ય)

વૃશ્ચિક રાશિને ગુરુ સપ્તમ સ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. લગ્નજીવન અને ભાગીદારીને લગતી બાબતો માટે આ સમય લાભદાયી બની રહે. વિવાહયોગ્ય જાતકોને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય. પરિણીત યુગલોને દાંપત્યજીવનમાં સુખ અને સંવાદીતાનો અનુભવ થાય. લગ્નજીવનમાં કોઈ મૂશ્કેલી હોય તો તેમાંથી બહાર આવી શકાય. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બને. ભૌતિક સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ શક્ય બને. મોજ-શોખની પળોમાં સમય પસાર થાય. જાહેર માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય. લાભદાયી ઓળખાણો થઈ શકે છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સમય અનુકૂળ રહે. વ્યવસાય અર્થે મુસાફરીઓ થાય. વ્યાવસાયિક ભાગીદારીમાં સાનુકૂળતા રહે. ભાગીદાર દ્વારા ધનલાભ થાય. શારીરિક તંદુરસ્તી ઉત્તમ રહે. ભાઈ-બહેનો અને મિત્રોનો સાથ-સહકાર મળી રહે. ઈચ્છાઓની પૂર્તિ શક્ય બને. 

ધનુ (ભ, ફ, ધ, ઢ)

ધનુ રાશિને ગુરુ ષષ્ઠ સ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. આ સમય આરોગ્યની વિશેષ કાળજી લેવાનો છે. શારીરિક તકલીફોનો અનુભવ થઈ શકે છે. સારવાર પાછળ નાણાકીય વ્યય થઈ શકે છે. જીવનમાં દરેક પરિસ્થિતિ સારી હોવા છતાં દુઃખનો અનુભવ થયા કરે અને મન અશાંત રહે. હરીફો તથા શત્રુ વર્ગમાં વધારો થઈ શકે છે. મિત્રો તથા પરિવારજનો સાથે બિનજરૂરી દલીલો કરવાથી દૂર રહેવું. જીવનસાથી સાથે તણાવ પેદા થવાની શક્યતા રહે. સમજદારી અને કાળજીથી સંબંધને જાળવવો જરૂરી બને. કાર્ય ક્ષેત્રે વધુ એકાગ્રતાની જરૂર પડે. નોકરીમાં બઢતી મળવાની સંભાવના રહે. પરદેશ સાથેના વ્યવસાયથી લાભ રહે. ઉછીના નાણા સહેલાઈથી મળી શકે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે. 

મકર (ખ, જ)

મકર રાશિને ગુરુ પંચમ સ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. આ સમય સંતાનો સાથે આનંદની પળો વિતાવવાનો છે. સંતાનોની પ્રગતિ થઈ શકે છે. સંતાન ઇચ્છુક દંપતિઓ માટે સંતાન પ્રાપ્તિ માટે આ યોગ્ય સમય છે. પ્રણય સંબંધમા સાનુકૂળતા રહે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. નોકરી-વ્યવસાય માટે આ સમય અનુકૂળ રહે. પરિશ્રમનું પૂરતું વળતર મળે. આવકમાં વધારો થઈ શકે છે. પ્રતિભા, બૌદ્ધિકતા  અને સર્જનાત્મકતા ખીલી ઉઠે. ભાગ્યની વૃદ્ધિ થાય. પિતા માટે પણ આ સમય લાભદાયી રહે. મોટા ભાઈ-બહેનોનો સાથ-સહકાર મળી રહે. મિત્રોની સંખ્યામાં વધારો થાય. શારીરિક તંદુરસ્તી જળવાય રહે. જો કે શરીરમાં મેદવૃદ્ધિ થવી શક્ય છે. ધાર્મિક પ્રવૃતિઓ તથા ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકાય. સામાજિક માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. 

કુંભ (ગ, સ, શ, ષ)

કુંભ રાશિને ગુરુ ચતુર્થ સ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. આ સમય ગૃહ ક્ષેત્રે ધ્યાન આપવાનો છે. ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ જાળવવા માટે મહેનત કરવી પડે. ગૃહ ક્ષેત્રે નાણાકીય ખર્ચાઓ થઈ શકે છે. માતાના આરોગ્યની કાળજી લેવી. પોતાના આરોગ્ય પ્રત્યે પણ બેદરકાર ન રહેવું. શારીરિક નબળાઈનો અનુભવ થઈ શકે છે. વાહન સંભાળીને ચલાવવું. નવા જમીન, મકાન, કે વાહનની ખરીદી થઈ શકે છે. જૂના ઘરનું નવીનીકરણ શક્ય બને. ઘરને લગતા સુખ-સગવડના સધાનોની ખરીદી થઈ શકે છે. બિનજરૂરી ખર્ચાઓ કરવાથી દૂર રહેવું. વતનની મુલાકાત શક્ય બને. કાર્ય ક્ષેત્રે સંઘર્ષની પરિસ્થિતિ રહે. કોર્ટ-કચેરીના કેસોથી દૂર રહેવું. શત્રુઓથી સાવધાન રહેવું. સંતાનને લગતી બાબતો વિશેષ કાળજી માગી લે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મહેનત કરવી પડે. સંશોધન ક્ષેત્રે સફળતા મળે. 

મીન (દ, ચ, ઝ, થ)

મીન રાશિને ગુરુ તૃતીય સ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. આ સમય સંવાદ અને પ્રત્યાયન દ્વારા લાભ પ્રાપ્ત કરવાનો છે. લખાણો, સંવાદ, ચર્ચાઓ, સંદેશાવ્યવહાર અને પ્રત્યાયન માટે અનુકૂળ સમય રહે. ભાઈ-બહેનો માટે આ સમય પ્રગતિદાયક પૂરવાર થાય. તેમનો પૂરો સાથ અને સહકાર મળી રહે. અપરિણીતોના લગ્ન શક્ય બને. કાર્ય ક્ષેત્રે સંઘર્ષ અને કઠોર પરિશ્રમની આવશ્યકતા રહે. ઉપરી અધિકારી અને સહકર્મચારીઓના વિરોધનો સામનો કરવો પડી શકે છે. પોતાનું તથા જીવનસાથીનું આરોગ્ય કાળજી માગી લે. માનસિક અશાંતિનો અનુભવ થઈ શકે છે. આ સમય દરમિયાન સ્થાવર મિલકતમાં રોકાણ કરવાથી દૂર રહેવું. ટૂંકી તેમજ લાંબી મુસાફરીઓ થઈ શકે છે. ધાર્મિક પ્રવૃતિમાં વધારો થાય. પિતા માટે આ સમય લાભદાયી રહે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા