ગુરુના મેષ ભ્રમણનો બાર રાશિ પર પ્રભાવ


દેવોના ગુરુ એવા બૄહસ્પતિએ તા.૮.૫.૨૦૧૧ના રોજ પોતાના મિત્ર મંગળની મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. ગુરુ તા.૧૭.૫.૨૦૧૨ સુધી મેષ રાશિમાં ગોચર ભ્રમણ કરશે. તા.૩૦.૮.૨૦૧૧ થી તા.૨૬.૧૨.૨૦૧૧ સુધી વક્રી રહેશે. ગુરુનુ આ રાશિ પરિવર્તન સમગ્ર બ્રહ્માંડને પ્રભાવિત કરશે. ગુરુનુ આ ગોચર ભ્રમણ બાર રાશિઓને કઈ રીતે પ્રભાવિત કરશે તે જોઈએ.

અહીં એ નોંધવું જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-અંતર્દશા, અષ્ટકવર્ગના બિંદુઓ વગેરે પર સૂક્ષ્મ ફળનો આધાર રહેલો છે.

મેષ (અ, લ, ઈ)

મેષ રાશિને ગુરુ લગ્નસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય વ્યક્તિગત વિકાસ સાધવાનો છે. સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિમાં વધારો થાય. પિતા, સંતાન અને પૌત્ર સાથેના મધુર સંબંધનો સ્વાદ ચાખી શકશો. જીવનસાથી સાથે લાગણીના બંધન મજબૂત બને. અપરિણીતોના લગ્ન શક્ય બને અને પરિણીતોને ત્યાં સંતાન જન્મ થવાની શક્યતા રહે. આર્થિક સ્થિતિ જળવાઈ રહે. સ્વપ્રયત્ને તથા ભાગ્યને આધારે એમ બંને રીતે કમાણી થાય. શેર-સટ્ટાથી લાભ રહે. નોકરી બદલી શકાય અથવા નોકરીમાં બદલી શક્ય બને. આનંદદાયક લાંબી મુસાફરીઓ તથા ધાર્મિક સ્થળોની યાત્રા થઈ શકે. વિદ્યાર્થીઓની ગ્રહણશક્તિ તેમજ યાદશક્તિ સતેજ બને.

વૃષભ (બ, વ, ઉ)

વૄષભ રાશિને ગુરુ વ્યયસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય ખર્ચને કાબુમાં કરવાનો છે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધી શકે છે. જો કે શુભ અને ઉમદા હેતુઓ પાછળ નાણાકીય ખર્ચ થાય. પ્રારંભિક અવરોધ અને નુક્સાન બાદ કાર્યોમાં સફળતા મળે. પરદેશથી તથા વારસાગત ધનલાભ થઈ શકે છે. માતા, પિતરાઈઓ અને મામા સાથેના સંબંધ મધુર બને. ગૄહસ્થજીવનમાં આનંદ અને શાંતિનુ વાતાવરણ રહે. નવા જમીન, મકાન કે વાહન માટે લોન પ્રાપ્તિ શક્ય બને. શત્રુઓને સફળતાપૂર્વક સંભાળી શકાય અને કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળે. આધ્યાત્મિક બાબતો પ્રત્યેની રુચિમાં વધારો થાય. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરિક્ષામા તથા સંશોધન ક્ષેત્રે સફળતા મળે.

મિથુન (ક, છ, ઘ)

મિથુન રાશિને ગુરુ લાભસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય તમામ ઈચ્છાઓ અને મહાત્વાકાંક્ષાઓની પૂર્તિનો છે. સાહસમાં વૃધ્ધિ થાય. આવકમાં વધારો થાય. એક કરતા વધુ સ્ત્રોતથી આવક થાય. નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં વધુ નફો તથા વધુ ગ્રાહકો મેળવી શકાય. જીવનસાથી, ભાઈ-બહેનો તથા મિત્રો સાથેના સંબંધ મધુર બને. પરિણીતોને સંતાન પ્રાપ્તિ શક્ય બને તથા સંતાનો માટે આ સમય પ્રગતિદાયક રહે. અપરિણીતોને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય. પ્રણયસંબંધમાં સફળતા મળે. શેર-સટ્ટાથી તથા સરકારથી લાભ રહે. માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મિત્રો મદદરૂપ થાય.

કર્ક (ડ, હ)

કર્ક રાશિને ગુરુ દસમસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય કર્મ દ્વારા ભૌતિક સમૃધ્ધિ પ્રાપ્ત કરવાનો છે. લાભદાયી નોકરી અથવા કરારની પ્રાપ્તિ થાય. નોકરી-વ્યવસાયમાં ટૂંકા ગાળાનો લાભ થાય. બચતમાં વધારો થાય. નોકરી-વ્યવસાય અર્થે લાંબી મુસાફરીઓ થાય. સ્થાવર સંપતિ અને વાહનની ખરીદી થઈ શકે. જૂના ઘરનું નવીનીકરણ થઈ શકે. માતા-પિતા, પિતરાઈઓ અને મામા સાથેના સંબંધો મધુર બને. ગૃહસ્થ ક્ષેત્રે સુખ-શાંતિનુ વાતાવરણ રહે. શત્રુઓ અને હરિફવર્ગ પર વિજય મેળવી શકાય. કોર્ટ-કચેરીના કેસોમાં કોર્ટ બહાર સમાધાન માટે પ્રયત્નો કરી શકાય. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરિક્ષામાં સફળતાની પ્રાપ્તિ થાય.

સિંહ (મ, ટ)

સિંહ રાશિને ગ્રુરુ નવમસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય સારા કર્મો દ્વારા વ્યક્તિગત વિકાસ સાધવાનો છે.તંદુરસ્તી, ખુશી, આત્મવિશ્વાસ અને મજબૂત મનોબળની પ્રાપ્તિ થાય. સાહસમાં વૄધ્ધિ થાય. આનંદદાયક લાંબી અને ટૂંકી મુસાફરીઓ તેમજ ધાર્મિક સ્થળોની યાત્રા થાય. પ્રણયસંબંધમાં સફળતા મળે. પિતા, નાના ભાઈ-બહેનો, સંતાન તથા પૌત્ર સાથેના સંબંધ મધુર બને. સંતાનપ્રાપ્તિ માટે અનુકૂળ સમય રહે. શેર-સટ્ટાથી લાભ રહે. સામાજીક માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૄતિઓમાં વધારો થાય. વિદ્યાર્થીઓની યાદશક્તિ અને ગ્રહણશક્તિમાં વધારો થાય તથા અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય.

કન્યા (પ, ઠ, ણ)

કન્યા રાશિને ગુરુ અષ્ટમસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય આત્મમંથન દ્વારા જીવન પર કાબુ મેળવવાનો છે. જીવનની ગુપ્ત અને રહસ્યમય બાબતો જાણવાની રુચિમાં વધારો થાય. ગૂઢ વિદ્યાઓ અને આધ્યાત્મિકતા પ્રત્યેના રસના વધારો થાય. ગૄહસ્થ જીવન ક્ષેત્રે સુખ અને શાંતિનુ વાતાવરણ રહે. કુટુંબને સાથે જોડીને રાખી શકાય. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકાય. પરદેશથી તથા વારસાગત ધનલાભ થાય. નવી સ્થાવર મિલ્કત અને વાહનની ખરીદી થઈ શકે. આરોગ્ય બાબતે સાવધાન રહેવું. માતા તથા શ્વસુર પક્ષ સાથેના સંબંધ મધુર બને. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કઠોર શ્રમ કરવો પડે. અભ્યાસ અર્થે પરદેશ જઈ શકાય.

તુલા (ર, ત)

તુલા રાશિને ગુરુ સપ્તમસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય જીવનમાં આનંદની પળોને માણવાનો છે. વિવાહયોગ્ય જાતકોને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય. પરિણીતોનો જીવનસાથી સાથેનો સંબંધ વધુ સંવાદિતાભર્યો બને. ભાઈ-બહેનો તથા મિત્રો સાથેના સંબંધ મધુર બને. જીવનમાં કારકીર્દિ કરતા સંબંધો અગત્યના બને. સ્વ વિકાસ સાધવા માટેનો આ યોગ્ય સમય છે. શોખ પૂરા કરવાં માટે નાણાકીય ખર્ચ થાય. નોકરી-વ્યવસાય માટે સમય અનુકૂળ રહે. ભાગીદાર દ્વારા ધનલાભ થાય. એક કરતા વધુ સ્ત્રોતથી આવક થાય. સરકારથી લાભ રહે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મિત્રો દ્વારા મદદ મળે.

વૄશ્ચિક (ન, ય)

વૄશ્ચિક રાશિને ગુરુ ષષ્ઠભાવમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમય આરોગ્યની કાળજી લેવાનો છે. માનસિક તથા શારીરિક તક્લીફોનો અનુભવ થાય. શત્રુઓ અને હરિફવર્ગમા વધારો થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે ટૂંકા ગાળાના લાભની પ્રાપ્તિ થાય. સમગ્ર ધ્યાન કારકીર્દિ પર રહે. મનમાં રહેલા ભયનો સામનો કરી પ્રગતિના પંથે આગળ વધી શકાય. પરદેશથી ધનલાભ થાય. સહેલાઈથી લોન પ્રાપ્તિ થઈ શકે. આરોગ્યની જાળવણી હેતુ નાણાકીય ખર્ચ થાય. વિદ્યાર્થીઓમાં સારી યાદશક્તિ અને એકાગ્રતાનો અભાવ રહે. અભ્યાસમા સફળતા પ્રાપ્તિ માટે કઠોર પરિશ્રમ કરવો પડે. સ્પર્ધાત્મક પરિક્ષામાં સફળતા મળી શકે.

ધનુ (ભ, ફ, ધ, ઢ)

ધનુ રાશિને ગુરુ પંચમસ્થાનેથી પસાર થઈ રહ્યો છે. આ સમય સંતાનો સાથે આનંદની પળો વિતાવવાનો છે. સંતાનોની પ્રગતિ થાય તથા તેમના દ્વારા આનંદ અને સંતોષની અનુભૂતિ થાય. સંતાન ઇચ્છુક દંપતિઓ માટે સંતાન પ્રાપ્તિ માટે આ યોગ્ય સમય છે. ખુશી, તંદુરસ્તી, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતામાં વધારો થાય.  પ્રણય સંબંધમાં સફળતા મળે. શેર, મ્યુચ્યુલ ફંડ વગેરેમાં રોકાણ કરવા માટે અનુકૂળ સમય છે. શેર-સટ્ટાથી લાભ રહે. ધાર્મિક પ્રવૃતિઓ તથા ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકાય. સામાજીક માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. વિદ્યાર્થીઓએ વધુ પડતા આત્મવિશ્વાસથી દૂર રહેવુ. અભ્યાસમાં ધારેલી સફળતા મળે.

મકર (ખ, જ)

મકર રાશિને ગુરુ ચતુર્થસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય ઘર અને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. ઘરમાં સુખ અને શાંતિનુ વાતાવરણ જાળવવા મહેનત કરવી પડે. નવા જમીન, મકાન કે વાહનની ખરીદી થઈ શકે. જૂના ઘરનું નવીનીકરણ થઈ શકે. વાહન ચલાવતી વખતે વિશેષ કાળજી રાખવી. શેર-સટ્ટા માટે સમય પ્રતિકૂળ રહે. પરદેશથી તથા વારસાગત ધનલાભ થઈ શકે. સરકારથી લાભ રહે. આરોગ્યની કાળજી લેવી જરૂરી બની રહે. માતા સાથેનો સંબંધ મધુર બને. સંતાનો વિશેષ કાળજી માગી લે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મહેનત કરવી પડે. સંશોધન ક્ષેત્રે સફળતા મળે.

કુંભ (ગ, સ, શ, ષ)

કુંભ રાશિને ગુરુ તૃતીયસ્થાનેથી પસાર થઈ રહ્યો છે. આ સમય સંવાદ અને પ્રત્યાયન દ્વારા શારીરિક અને માનસિક સુખાકારી પામવાનો છે. લખાણો, સંવાદ, ચર્ચાઓ, સંદેશાવ્યવહાર અને પ્રત્યાયન માટે અનુકૂળ સમય રહે. અપરિણીતોને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય. આ સમય દરમ્યાન સ્થાવર મિલ્ક્તમા રોકાણ કરવાથી દૂર રહેવુ જોઈએ. ટૂંકી તેમજ લાંબી યાત્રાઓનુ આયોજન થઈ શકે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃતિઓમાં વધારો થાય. પિતા તથા નાના ભાઈ-બહેનો સાથેના સંબંધ મધુર બને. વિદ્યાર્થીઓમાં યાદશક્તિ અને એકાગ્રતાનો અભાવ રહે. અભ્યાસમાં વધુ મહેનત જરૂરી બની રહે.

મીન (દ, ચ, ઝ, થ)

મીન રાશિને ગુરુ દ્વિતીયસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય પરિવાર અને કારકીર્દિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. કુટુંબના સભ્યો સાથે સંવાદિતા રહે. કુટુંબમાં નવા સભ્યનો ઉમેરો થઈ શકે. ઘરમાં સુખ અને શાંતિનુ વાતાવરણ રહે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકાય. મામા, પિતરાઈઓ અને સગા-સંબંધિઓ સાથેના સંબંધ મધુર બને. શત્રુઓ અને હરિફો પર વિજય મેળવી શકાય. આવકમાં વધારો થાય. બચત અને રોકાણ કરી શકાય. બિમારીઓથી રાહત મળે. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળે. વિદ્યાર્થીઓની બુદ્ધિમત્તા, યાદશક્તિ અને ગ્રહણશક્તિમાં વધારો થાય. સ્પર્ધાત્મક પરિક્ષામા સફળતા મળે.

ટિપ્પણીઓ

Vinati Davda એ કહ્યું…
@Chirag, you are welcome!

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા