ગ્રહણની અસર

આપણે અગાઉ જોયું કે જન્મકુંડળીનાં જે ભાવમાં સૂર્યગ્રહણ થાય તે ભાવને લગતી બાબતો સંબંધિત સમસ્યાઓ, કટોકટી કે પરિવર્તન સૂચવે છે. જ્યારે જન્મનાં સૂર્યનાં નક્ષત્રમાં જ સૂર્યગ્રહણ થાય ત્યારે તેની અસર વધુ ઘેરી પડે છે. નીચે આપેલ દ્રષ્ટાંત કુંડળી જુઓ.


આ જાતકે પરદેશ જવાનું આયોજન કર્યું હતું. તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ તેમણે મુસાફરી કરવાની હતી. આ મુસાફરીથી તેમને ઘણી બધી અપેક્ષાઓ હતી. તેઓ માનતા હતા કે પરદેશ જવાથી તેમનાં જીવનમાં સુખદ પરિવર્તન આવી જશે. તેમણે ત્યાં જવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. અચાનક તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ કોઇ કારણોસર તેમનું પરદેશ જવાનું રદ થયું. તેઓ અત્યંત હતાશામાં સરકી પડ્યા. તેમનાં સપનાઓ પર પાણી ફરી વળ્યું. પરદેશ જવા માટે કરેલી તમામ તૈયારીઓ વ્યર્થ ગઈ.

તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ મકર રાશિનાં શ્રવણ નક્ષત્રમાં સૂર્યગ્રહણ થયું હતું. આ જાતકની કુંડળીમાં સૂર્ય મકર રાશિનાં શ્રવણ નક્ષત્રમાં જ નવમસ્થાન સ્થિત છે. નવમસ્થાન એ લાંબી મુસાફરીનું છે. આથી તેમને પરદેશની મુસાફરી સંબંધિત સમસ્યાઓ પેદા થઈ. પરદેશ જવાના યોગ માટે ૧, ૩, ૯, ૭ અને ૧૨ સ્થાન અગત્યનાં છે. તેમને શનિની મહાદશામાં શુક્રની અંતર્દશામાં મંગળની પ્રત્યંતર દશા ચાલી રહી હતી.. શનિ નવમસ્થાનનો અને શુક્ર લગ્નસ્થાનનો સ્વામી છે. મંગળ સપ્તમેશ અને વ્યયેશ થઈને નવમભાવ સ્થિત છે. આમ, દશા-મહાદશા પણ પરદેશને લગતી બાબતનું સૂચન કરી રહી છે. તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ ગોચરમાં નવમાં સ્થાનેથી સૂર્ય, બુધ, ગુરુ અને રાહુનું ભ્રમણ થઈ રહ્યું હતું તેમજ દશાનાથ શનિ અને અંતર્દશાનાથ શુક્ર આંશિક પ્રતિયુતિમાં હતાં. જાતકનો જન્મનો સૂર્ય ૧૪ અંશનો છે. ગ્રહણ સમયનો સૂર્ય ૧૨ અંશનો હતો. જન્મનાં સૂર્યનાં અંશ ગ્રહણનાં સૂર્યનાં અંશ કરતાં વધુ હોય તો ઘટના સૂર્યગ્રહણ પહેલાં ઘટે છે. જ્યારે જન્મનાં સૂર્યનાં અંશ ગ્રહણનાં સૂર્યનાં અંશ કરતાં ઓછા હોય તો ઘટના સૂર્યગ્રહણ બાદ ઘટે છે. અહીં જાતકનાં સૂર્યનાં અંશ ગ્રહણનાં સૂર્યનાં અંશ કરતાં વધુ હોવાથી સૂર્યગ્રહણનાં બે દિવસ પહેલાં જીવનમાં દુઃખદ ઘટના ઘટી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા