મકર

મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ છે. તે ચર અને પૃથ્વીતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી શનિ છે. મકર રાશિમાં ઉત્તરાષાઢા નક્ષત્રનાં છેલ્લા ત્રણ ચરણો, શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્રનાં પહેલાં બે ચરણોનો સમાવેશ થાય છે.

મકર રાશિનું ચિહ્ન મૃગનાં મોઢાવાળી મગર છે. મકર રાશિનાં જાતકો કૃશકાય, લાંબી ડોક, લાંબુ નાક અને ઊંડી આંખો ધરાવતાં હોય છે. તેઓ મિતવ્યયી અને વ્યવહારકુશળ હોય છે. મકર રાશિનાં જાતકો હંમેશા એક જ પધ્ધતિથી ધીમે-ધીમે કાર્ય કરનારાં હોય છે. તેઓ પોતાનું કાર્ય ખંતપૂર્વક કરે છે. એક વાર કોઈ કાર્ય સ્વીકારે તો પછી તેને પૂરી કુશળતાથી પૂર્ણ કરે છે. તેઓ પોતાનાં કાર્ય પ્રત્યે સમર્પિત વલણ ધરાવનારાં હોય છે. મકર રાશિનાં જાતકો વ્યવસાયમાં ગણતરીબાજ હોય છે. તેઓ ઝડપથી નિર્ણય લેનારાં અને ઉત્તમ વ્યવસ્થાશક્તિ ધરાવનારાં હોય છે. વ્યવસ્થામાં કુશળ હોવાથી એક સારા આયોજક કે પ્રબંધક બની શકે છે. મકર રાશિનાં જાતકો તેમનાં જીવન દરમ્યાન અનેક મૂશ્કેલીઓ, અડચણો અને અવરોધોનો સામનો કરે છે. તેઓ સારી સહનશક્તિ ધરાવે છે અને દરેક મૂશ્કેલીઓમાંથી બહાર આવવાં શક્તિમાન હોય છે. મકર રાશિનાં જાતકો પોતાની લાગણીઓને છૂપાવીને રાખે છે અને અભિવ્યકત કરી શકતાં નથી. સંયમિત વલણ અપનાવે છે. તેઓ પોતાનાં સંબંધોમાં પણ લાગણીઓને શબ્દો વડે અભિવ્યકત કરતાં નથી. આથી ઘણીવાર ગેરસમજનો ભોગ બને છે અને હેરાન થાય છે. ઘણીવાર અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવનાર હોય છે. મોટેભાગે મોડાં લગ્ન કરે છે પરંતુ સારાં જીવનસાથી પૂરવાર થાય છે. મકર રાશિનાં જાતકો વધુ પડતી ચિંતાઓ કરવાવાળો સ્વભાવ ધરાવે છે. ઘણીવાર નિરાશાવાદી અને નકારાત્મક વલણ ધરાવે છે. મનમાં આનંદની ઉણપ રહે છે અને હંમેશા ઉદાસીન, અતડાં, વહેમી અને સાવધ રહેનારાં હોય છે. દરેક વસ્તુની નબળી બાજુ જોવાનો અને ટીકા કરવાનો સ્વભાવ ધરાવે છે. તેઓ મિત્ર તરીકે સારાં પરંતુ શત્રુ તરીકે નિર્દય હોય છે. મકર રાશિનાં જાતકો ધૈર્યવાન, મહેનતુ અને ધીર-ગંભીર સ્વભાવ ધરાવનારાં હોય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા