કન્યા રાશિમાં શનિ અને પનોતી

જ્યારે જન્મનાં ચન્દ્ર/રાશિથી ૧૨, ૧ અને ૨ સ્થાનોમાંથી શનિ પસાર થાય ત્યારે તેને મોટી પનોતી અથવા સાડાસાતી આવી એમ કહેવાય છે. શનિને એક રાશિમાંથી પસાર થતાં લગભગ અઢી વર્ષ લાગે છે. આમ ત્રણ સ્થાનમાંથી પસાર થતાં શનિને સાડા સાત વર્ષ લાગે છે. આથી તેને સાડાસાતી કહેવાય છે. શનિ જ્યારે બારમે આવે ત્યારે માથા પર, પહેલે આવે ત્યારે છાતી પર અને બીજે આવે ત્યારે પગ પર પનોતી આવી એમ કહેવાય. આ સિવાય જ્યારે જન્મનાં ચન્દ્ર/રાશિથી ૪ અને ૮ સ્થાનોમાંથી શનિ પસાર થાય ત્યારે નાની પનોતી આવી એમ કહેવાય છે. જેનો સમયગાળો અઢી વર્ષનો હોય છે.

પનોતી એ ચન્દ્ર સાથે સંબંધિત હોવાથી અને ચન્દ્ર આપણાં મનને અસર કરનારો ગ્રહ હોવાથી પનોતી શરુ થાય ત્યારે ચન્દ્રની સ્થિતિ જોવાય છે. પનોતીનાં પ્રારંભ સમયે ગોચરનો ચન્દ્ર જન્મનાં ચન્દ્રથી ક્યા સ્થાને છે તેના પરથી પનોતીનો પાયો નક્કી થાય છે. આ પાયાને આધારે પનોતી અનુકૂળ રહેશે કે પ્રતિકૂળ તે જાણી શકાય છે.

શનિ જ્યારે રાશિ બદલે ત્યારે એટલે કે પનોતી શરુ થાય ત્યારે જો ગોચરનો ચન્દ્ર જન્મનાં ચન્દ્રથી ૩, ૭ કે ૧૦ સ્થાન સ્થિત હોય તો તાંબાનો પાયો ગણાય છે. આ પાયો અનુકૂળ ગણાય છે અને પનોતીનાં પ્રતિકૂળ પ્રભાવને કંઈક અંશે સહ્ય બનાવે છે. આ પાયાને લક્ષ્મીદાયક અને ઉત્તમ માનવામાં આવ્યો છે.

જન્મનાં ચન્દ્રથી ગોચરનો ચન્દ્ર ૨, ૫, કે ૯ સ્થાન સ્થિત હોય તો ચાંદીનો પાયો ગણાય છે. આ પાયો પણ ધનદાયક છે જે ઉત્તમ નથી પણ રાહતરૂપ છે.

જન્મનાં ચન્દ્રથી ગોચરનો ચન્દ્ર ૧, ૬ કે ૧૧ સ્થાને સ્થિત હોય તો સોનાનો પાયો ગણાય છે. આ પાયો માનસિક રીતે પ્રતિકૂળ રહે છે અને ચિંતા કરાવે છે.

જન્મનાં ચન્દ્રથી ગોચરનો ચન્દ્ર ૪, ૮ કે ૧૨ સ્થાને સ્થિત હોય તો લોઢાનો પાયો ગણાય છે જે પ્રતિકૂળ છે અને પનોતી કષ્ટપ્રદ પસાર થાય છે.

કન્યા રાશિમાં શનિ

તા. ૯.૯.૨૦૦૯ના રોજ ૨૩.૫૯ વાગ્યે શનિ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. તે સમયે ચન્દ્ર મેષ રાશિ સ્થિત હશે. આ સાથે નીચે મુજબ જુદી-જુદી રાશિઓને પનોતી શરૂ અથવા પૂર્ણ થશે.

પનોતી પ્રારંભ

સિંહ રાશિ(મ, ટ) - સાડા સાતી પનોતીનો છેલ્લો તબક્કો ચાંદીનાં પાયે શરૂ થશે.

કન્યા રાશિ(પ, ઠ, ણ) - સાડા સાતી પનોતીનો બીજો તબક્કો લોઢાનાં પાયે શરૂ થશે.

તુલા રાશિ(ર, ત) - સાડા સાતી પનોતીનો પહેલો તબક્કો તાંબાના પાયે શરૂ થશે.

મિથુન રાશિ(ક, છ, ઘ) - નાની અઢી વર્ષની પનોતી સોનાનાં પાયે શરૂ થશે.

કુંભ રાશિ(ગ, સ, શ, ષ) - નાની અઢી વર્ષની પનોતી તાંબાના પાયે શરૂ થશે.


પનોતી પૂર્ણ

કર્ક રાશિ(ડ, હ) - સાડા સાતી પનોતી પૂરી થશે.

વૃષભ રાશિ(બ, વ, ઉ) - અઢી વર્ષની નાની પનોતી પૂરી થશે.

મકર રાશિ(ખ, જ) - અઢી વર્ષની નાની પનોતી પૂરી થશે.

પનોતીથી ડરવાની જરૂર નથી. પનોતી દરેકને માટે અને દરેક વખતે ખરાબ પસાર થાય એ જરૂરી નથી. જન્મનાં ગ્રહો અને દશા-મહાદશા પર પનોતીનાં ફળનો આધાર રહે છે. જો સૂર્ય કે રાહુની દશા હશે તો અશુભ ફળ વધુ મળશે. જન્મનો સૂર્ય પણ જો શનિની દ્રષ્ટિમાં આવતો હોય તો પનોતી વધુ તક્લીફદાયક પસાર થાય છે. આથી કન્યા રાશિનાં શનિ દરમ્યાન જો પનોતી ચાલતી હોય અને જન્મનો સૂર્ય પણ કન્યા, વૃશ્ચિક, મીન કે મિથુન રાશિ સ્થિત હોય તો પનોતી વધુ કષ્ટપ્રદ રહેવાનો સંભવ રહે. હનુમાનજીની આરાધના કરવાથી પનોતીની પ્રતિકૂળ અસર હળવી કરી શકાય.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા