August 9, 2017

જોશીનું ટીપણું – 3


ક્યારેક કોઈને મંદિરે જવાનું કહીએને તો સામો પ્રશ્ન આવે કે કેમ? ઈશ્વર તો સર્વત્ર વ્યાપ્ત છે. હું તો ઘરે રહીને પણ ઈશ્વરને પૂજા અને પ્રાર્થના કરી શકું. મંદિરે જવાની શી જરૂર?

ખરી વાત. ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે. પરંતુ દરેક સ્થળ પોતાની વિશિષ્ટ ઉર્જા અને આંદોલનો ધરાવે છે. ઘણીવાર તમે અનુભવ્યું હશે કે કોઈ મંદિરમાં પ્રવેશ કરતાં જ મન શાંત થઈ ગયુ હોય. મંદિરમાં દરરોજ થતી પૂજા-આરાધના, ધૂપ-દીપ, આરતી, મંત્રોચ્ચાર, ઘંટારવ વગેરે મંદિરની ઉર્જાને સકારાત્મક બનાવે છે. વળી મંદિરે આવતાં લોકો પણ ઘણુંખરું ઈશ્વર સ્મરણમાં મગ્ન રહેતાં હોવાથી તેમના વિચારોની ઉર્જા મંદિરની હવામાં ભળીને સકારાત્મક આંદોલનો પેદા કરે છે.

આથી વિરુદ્ધ ક્યારેક કોઈની ઘરે જતાં જ મન ઉદ્વેગ અનુભવવા લાગે. કારણકે તે ઘરના સદસ્યો વચ્ચે વારંવાર થતાં લડાઈ-ઝઘડાં, દલીલો, નકારાત્મક વિચારો હવામાં એક દુર્ગંધની માફક તરતાં હોય છે. આપણી છઠ્ઠી ઈન્દ્રીય તરત જ એ નકારાત્મક ઉર્જા અને આંદોલનોને પકડી લે છે અને ત્યાંથી ભાગી છૂટવાનું મન કરે છે.

દરેક સ્થળની વિશિષ્ટ ઉર્જા અને આંદોલનની નોંધ લો. જે સ્થળ મનને શાંતિ અને આનંદ આપે તેની ઉર્જાનો લાભ લો અને જે સ્થળે મન અકળામણ અનુભવે ત્યાંથી તુરંત બહાર નીકળી જાઓ. તમારા ઘરની ઉર્જાને સકારાત્મક બનાવી રાખવાં ઘરમાં તાજી હવા અને કુમળા તડકાને પ્રવેશવા દો. મંત્રોચ્ચાર કરો કે મધુર સંગીતના સૂર રેલાવો. ઘરમાંથી નકામો સંગ્રહી રાખેલો સામાન દૂર કરો. ધૂપ-દીપ, અગરબત્તીની સુગંધ વાતાવરણના આંદોલનોને સકારાત્મક બનાવે છે. ફૂલ-છોડ વાવો. ધ્યાન ધરો. હસો અને હસાવો. 

August 7, 2017

ખંડગ્રાસ ચંદ્રગ્રહણ (ઓગસ્ટ 2017) નું બાર રાશિઓ પરત્વે ફળ

આજે તા.7.8.2017, શ્રાવણ શુક્લ પૂર્ણિમા, સોમવારના રોજ મકર રાશિમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ જવા થઈ રહ્યું છે. આ ગ્રહણ ભારત સહિત સંપૂર્ણ એશિયા ખંડ, યુરોપ ખંડ, આફ્રિકા ખંડ, રશિયાના દક્ષિણ પ્રદેશમાં, ઓસ્ટ્રેલિયા, પેસિફિક મહાસાગર, હિંદી મહાસાગર, એટલાંટિક મહાસાગર, એંટાર્કટિકામાં દેખાશે. ગ્રહણની અવધિ ભારતીય સમય અનુસાર રાત્રિના 22.52 કલાકથી શરૂ થઈ 24.49 કલાક સુધી રહેશે. 

આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ બાર રાશિઓ પરત્વે શુભ, અશુભ કે મિશ્ર પૈકી કેવું ફળ આપશે તે જોઈએ.

મેષ: શુભ ફળ – કારકિર્દી બાબતે નવી તકોની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ થતી અનુભવી શકાય. સામાજીક પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય.

વૃષભ: મિશ્ર ફળ – લાંબી યાત્રાઓ કરવાનું ટાળવું. પિતાના આરોગ્યની કાળજી લેવી. ઉચ્ચ અભ્યાસમાં અવરોધ આવવવાની શક્યતા રહે.

મિથુન: અશુભ ફળ – પોતાના આરોગ્યની કાળજી લેવી. અચાનક કોઈ નુક્સાન થવાની સંભાવના રહે. શ્વસુરપક્ષ સાથે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું.  

કર્ક: મિશ્ર ફળ – લગ્નજીવનમાં મતભેદો થવાની શક્યતા રહે. જીવનસાથી સાથે ગેરસમજ ન થાય તેની કાળજી રાખવી. વ્યવસાયમાં સમજી વિચારીને નિર્ણયો લેવા.

સિંહ: શુભ ફળ – શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થઈ શકે. કાર્યક્ષેત્રે સહકાર્યકરો મદદરૂપ બનતાં જણાય. પરિચારકોના સુખની પ્રાપ્તિ થાય.

કન્યા: મિશ્ર ફળ – અભ્યાસમાં એકાગ્રતા જાળવવી મુશ્કેલ બને. સંતાનોને લગતાં પ્રશ્નો ઉદ્ભવવાની સંભાવના રહે. પ્રણયજીવનમાં ગેરસમજ કે મતભેદો થવાની શક્યતા રહે.

તુલા: અશુભ ફળ – મન અશાંત અને વ્યગ્ર બને. માતાના આરોગ્યની કાળજી લેવી. ઘરથી દૂર જવાના સંજોગો ઉભા થાય. વાહન કાળજીથી ચલાવવું.

વૃશ્ચિક: શુભ ફળ – જોખમો ઉઠાવવાનું સાહસ કરી શકો. સંદેશાવ્યવહાર દ્વારા નવા સંબંધો કેળવી શકાય. ભાઈ-બહેનોનો સહકાર અને મદદ મળવાની શક્યતા રહે.

ધનુ: મિશ્ર ફળ કૌટુંબિક પ્રશ્નો ચિંતા કરાવી શકે છે. વાણી પર સંયમ રાખવો. દલીલો કરવાથી દૂર રહેવું. આર્થિક બાબતો અંગે કટોકટી પેદા થવાની સંભાવના રહે.

મકર: અશુભ ફળ – નકારાત્મક વિચારો આવવાની સંભાવના રહે. ચિંતા અને ઉપાધિ રહે. શરીરની કાળજી લેવી. દેહને કષ્ટ અને પીડા પહોંચવાની શક્યતા રહે.

કુંભ: અશુભ ફળ – નાણાકીય વ્યય થવાની સંભાવના રહે. આરામપ્રદ નિદ્રાનો અભાવ જણાય. પરદેશને લગતાં કાર્યોમાં નુક્સાન થવાની સંભાવના રહે.

મીન: શુભ ફળ – ધનલાભ થવાની શક્યતા રહે. મિત્રો મદદરૂપ બને. ઈચ્છઓની પૂર્તિ શક્ય બને. કાર્યક્ષેત્રે લાભ થવાની સંભાવના રહે. નવી ઓળખાણો થઈ શકે છે.

August 2, 2017

મંગળનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 26 થી 37 મંગળનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે.

પ્રથમ ભાવ: જો મંગળ પ્રથમસ્થાન/લગ્નસ્થાનમાં હોય તો જાતક ક્રૂર, સાહસી, સ્તબ્ધ, અલ્પાયુષી, સ્વમાન અને શૌર્યથી યુક્ત, હિમતવાન, ઈજા પામેલ શરીર ધરાવતો, આકર્ષક દેખાવ ધરાવતો, ચંચળ સ્વભાવનો, ચપળ હોય છે.

દ્વિતીય ભાવ: જ્યારે મંગળ દ્વિતીયસ્થાનમાં હોય ત્યારે જાતક દરિદ્ર, નઠારું ભોજન કરનાર, કુરૂપ ચહેરો ધરાવનાર, અયોગ્ય લોકોની સંગત કરનાર, વિદ્યાવિહીન હોય છે.
 
તૃતીય ભાવ: જો મંગળ તૃતીયસ્થાનમાં હોય તો જાતક શૂરવીર, અજેય, ભાઈ-બહેનો રહિત, આનંદી, સદગુણો ધરાવનાર પ્રસિદ્ધ વ્યક્તિ હોય છે.

ચતુર્થ ભાવ: જ્યારે મંગળ ચતુર્થસ્થાનમાં રહેલો હોય ત્યારે જાતક સંબંધીઓના સુખથી રહિત હોય છે. સાધનસરંજામ અને વાહનવિહીન, અત્યંત દુ:ખી, અન્યોના ઘરે નિવાસ કરનારો અને સંતાપ પામેલો હોય છે.

પંચમ ભાવ: જો મંગળ પંચમભાવમાં સ્થિત હોય તો જાતક સુખ, સંપતિ અને પુત્રરહિત હોય છે. ચંચળ સ્વભાવનો, ચાડીચુગલી કરનાર, દુષ્ટતાને નોતરનાર, દુરાચારી, સંતાપ પામેલો, નીચ વ્યક્તિ હોય છે.

ષષ્ઠમ ભાવ: જો મંગળ છઠ્ઠા ભાવમાં રહેલો હોય તો જાતક અત્યંત કામી, પ્રબળ જઠરાગ્નિ ધરાવનાર, સ્વરૂપવાન, ઉંચો, બળવાન અને સંબંધીઓમાં અગ્રણી હોય છે.

સપ્તમ ભાવ: જો મંગળ સપ્તમ સ્થાનમાં સ્થિત હોય તો જાતક પત્નીને ગુમાવે છે. રોગોથી પીડા પામે છે અને દુષ્ટ માર્ગને અપનાવે છે. દુ:ખી, પાપી, ધનરહિત, સંતાપ પામેલો અને દુર્બળ શરીર ધરાવનાર હોય છે.

અષ્ટમ ભાવ: જ્યારે મંગળ આઠમાં ભાવમાં સ્થિત હોય ત્યારે જાતક રોગોથી પીડા પામે છે. અલ્પાયુષી, કુરુપ શરીર ધરાવનાર, નીચ કર્મ કરનાર, શોકથી સંતાપિત હોય છે.

નવમ ભાવ: કુંડળીમાં નવમભાવમાં મંગળ સ્થિત હોય ત્યારે જાતક પોતાના કાર્યોમાં અકુશળ હોય છે. ધર્મહીન, પ્રાણીઓની હિંસા કરનાર, સદગુણોરહિત, પાપી અને તેમ છતાં રાજા દ્વારા સન્માનીત હોય છે.

દસમ ભાવ: જો દસમભાવમાં મંગળ રહેલો હોય તો જાતક પોતાનાં કાર્યોમાં કુશળતા ધરાવનાર, શૂરવીર, અજેય, મહત્વની વ્યક્તિઓની સેવા કરનાર, પુત્રો અને સંપતિનું સુખ પામનાર, પ્રતાપી, બળવાન હોય છે.

એકાદશ ભાવ: જો મંગળ એકાદશભાવમાં સ્થિત હોય તો જાતક સદગુણી, સુખી, શૂરવીર, સંપતિ, ધાન્ય અને પુત્રોથી યુક્ત, દુ:ખરહિત હોય છે.

દ્વાદશ ભાવ: જો મંગળ બારમાં ભાવમાં રહેલો હોય તો જાતક રોગિષ્ઠ આંખ ધરાવનાર, નૈતિક મૂલ્યોમાં પતન પામનાર, પોતાની પત્નીની હત્યા કરનાર, ચાડીચુગલી કરનાર, રૌદ્ર તેમજ અપમાન અને બંધન ભોગવનારો હોય છે. 

July 28, 2017

જન્મભૂમિ પંચાગ વિ.સં. 2074 (નવેમ્બર 2017થી માર્ચ 2019 સુધી)

પ્રિય વાચકમિત્રો, 

જન્મભૂમિ પંચાગ વિક્રમ સંવત 2074 (નવેમ્બર 2017થી માર્ચ 2019 સુધી) માં આપ મારો 'છિદ્ર ગ્રહો' વિષય પરનો લેખ વાંચી શકશો. આશા રાખું છું જ્યોતિષમાં રસ ધરાવતાં મિત્રો માટે આ લેખ રસપ્રદ નિવડશે. આભાર


July 27, 2017

જોશીનું ટીપણું - 2


ઘણીવાર પ્રશ્ન થાય કે પ્રારબ્ધ ચડે કે પુરુષાર્થ? હકિકતમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ બંને જોડિયાં બહેનો છે. હંમેશા આંગળી પકડીને સાથે-સાથે ચાલે છે. Inseparable! જેમ કે વરસાદ કેટલો આવશે અને ક્યારે આવશે એ ખેડૂતનું પ્રારબ્ધ છે. જ્યારે ખેતર ખેડવું અને વાવણી કરવી એ ખેડૂતનો પુરુષાર્થ છે. હવે વરસાદના અભાવે પાક નિષ્ફળ જઈ શકે છે અથવા વાવણીના અભાવે વરસાદનું પડવું નિરર્થક સાબિત થઈ શકે છે. અહીં જ્યોતિષની ભૂમિકા શું હોઈ શકે? શું જ્યોતિષ પ્રારબ્ધવાદી બનાવતું શાસ્ત્ર છે? ના, પરંતુ કઈ દિશામાં પુરુષાર્થ કરવો અને ક્યાં સમયે પુરુષાર્થ કરવો તેનો દિશા નિર્દેશ કરતું વિજ્ઞાન છે. 

ચાંદ્રમાસના નામ અને અધિક માસ

શું આપ જાણો છો કે આપણાં મહિનાઓના નામ કઈ રીતે પાડવામાં આવ્યાં છે? શુક્લ અને કૃષ્ણ પક્ષની 15–15 તિથિઓ મળીને કુલ 30 તિથિનો એક મહિનો બને છે. આ મહિનો ચાંદ્રમાસ તરીકે ઓળખાય છે. દરેક ચાંદ્રમાસને એક વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે. આ નામ જે-તે માસની પૂનમના દિવસે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તે પરથી આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે જો પૂનમના દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં સ્થિત હોય તો તે મહિનો ચૈત્રકહેવાય છે. એ જ રીતે વિશાખાનક્ષત્રમાં હોય તો તે મહિનો વૈશાખતરીકે ઓળખાય છે વગેરે વગેરે.

સમય જતાં આ પદ્ધતિમાં સ્થૂળતા આવતાં ચાંદ્રમાસના નામો સૂર્ય રાશિ આધારિત રાખવામાં આવેલ છે. દરેક માસની અમાવસ્યા પૂર્ણ  થાય કે તરત જ બીજા માસની શુક્લ પ્રતિપ્રદા શરૂ થાય છે. તે સમયે સૂર્ય જે રાશિમાં થઈ હોય તેનાં આધારે તે મહિનાનું નામ નક્કી થાય છે. જેમ કે શુક્લ પ્રતિપ્રદાના આરંભ સમયે મીનરાશિમાં સૂર્ય હોય તો તે માસનું નામ ચૈત્રરહેશે (તે માસની પૂનમે ચંદ્ર મોટે ભાગે ચિત્રાનક્ષત્રમાં સ્થિત હોવાની સંભાવના રહે છે). તે જ રીતે જો સૂર્ય મેષરાશિમાં સ્થિત હોય તો તે માસનું નામ વૈશાખરહેશે (ચંદ્ર પૂનમના વિશાખાનક્ષત્રમાં હોવાની સંભાવના).

કોષ્ટક

શુક્લ પ્રતિપદારંભે  સૂર્યરાશિ
ચાંદ્રમાસ નામ
પૂનમના મોટેભાગે ચંદ્રનું નક્ષત્ર
લગભગ ક્યારે?
તુલા
કાર્તિક
કૃતિકા
ઓક્ટોબર/નવેમ્બર
વૃશ્ચિક
માર્ગશીર્ષ
મૃગશીર્ષ
નવેમ્બર/ડિસેમ્બર
ધનુ
પૌષ
પુષ્ય
ડિસેમ્બર/જાન્યુઆરી
મકર
માઘ
મઘા
જાન્યુઆરી/ફેબ્રુઆરી
કુંભ
ફાલ્ગુન
પૂર્વા/ઉત્તરા ફાલ્ગુની
ફેબ્રુઆરી/માર્ચ
મીન
ચૈત્ર
ચિત્રા
માર્ચ/એપ્રિલ
મેષ
વૈશાખ
વિશાખા
એપ્રિલ/મે
વૃષભ
જ્યેષ્ઠ
જ્યેષ્ઠા
મે/જૂન
મિથુન
આષાઢ
પૂર્વા/ઉત્તરાષાઢા
જૂન/જુલાઈ
કર્ક
શ્રાવણ
શ્રવણ
જુલાઈ/ઓગસ્ટ
સિંહ
ભાદ્રપદ
પૂર્વા/ઉત્તરા ભાદ્રપદા
ઓગસ્ટ/સપ્ટેમ્બર
કન્યા
આશ્વિન
અશ્વિની
સપ્ટેમ્બર/ઓક્ટોબર

બાર ચાંદ્રમાસ મળીને એક ચાંદ્રવર્ષ બને છે. એક ચાંદ્રવર્ષની લંબાઈ આશરે 354 દિવસ, 8 કલાક, 48 મિનિટ, 34.379712 સેકંડ છે. આકાશમાં બાર રાશિઓમાંથી પસાર થતાં સૂર્યને આશરે 365 દિવસ, 06 કલાક, 09 મિનિટ, 09.540288 સેકંડ લાગે છે. સૂર્યના વર્ષને સૌરવર્ષ કહેવાય છે. સૌરવર્ષ કરતાં ચાંદ્રવર્ષ નાનું હોવાથી વચ્ચે વચ્ચે અધિક માસ ઉમેરવામાં આવે છે. જ્યારે સૂર્ય એક જ રાશિમાં બે ચાંદ્રમાસની શુક્લ પ્રતિપદારંભે રહ્યો હોય ત્યારે અધિક માસ ઉમેરાય છે. ઉદાહરણ તરીકે આવતાં વર્ષે 2018માં મે/જૂન દરમિયાન જ્યેષ્ઠ માસની શુક્લ પ્રતિપદાના આરંભે સૂર્ય વૃષભ રાશિમાં સ્થિત હશે. ત્યારબાદ આવતાં બીજા ચાંદ્રમાસની શુક્લ પ્રતિપદા આરંભે પણ સૂર્ય વૃષભ રાશિમાં જ હશે. આથી 2018નું વર્ષ બે જ્યેષ્ઠ માસ ધરાવે છે. પહેલાં માસને અધિકમાસ કહેવાય છે. એટલે કે અધિક જ્યેષ્ઠ કહેવાશે. ત્યારપછીના માસને નિજકહેવાય છે. આમ પછીનો માસ નિજ જ્યેષ્ઠ કહેવાશે. લગભગ દર ત્રણ વર્ષે આ રીતે અધિક માસ ઉમેરાય છે. અધિક માસ સામાન્ય રીતે ફાલ્ગુનથી આશ્વિન સુધીના 8 માસ દરમિયાન આવે છે. 

જોશીનું ટીપણું - 1


ક્યારેય એવું બન્યું છે કે તમે ઘરેથી નક્કી કરીને કોઈ સ્થળે જવાં નીકળ્યાં હો પરંતુ ભૂલથી કે અજાણતાં કોઈક બીજાં જ સ્થળે જવાનો રસ્તો પકડી લીધો હોય? અને પછી અંતરમાં સ્ફૂરણા થઈ હોય કે હવે તો આ જ રસ્તે આગળ વધવું અને નવી જગ્યાનો આનંદ માણવો. અગાઉથી નક્કી કરેલી યોજનાને પડતી મૂકવી!

જીંદગીમાં આવા અંતરના અવાજને અનુસરીને લેવાયેલાં તાત્કાલિક નિર્ણયો ઘણીવાર અદભૂત નીવડે છે. નવો રસ્તો નવી તકોને લઈને આવી શકે છે. જ્યારે આપણે આપણી યોજનાઓને, દિનચર્યાને, સમયપત્રકને, વિચારોને જડતાપૂર્વક વળગી રહીએ છીએ ત્યારે અંતરનો અવાજ સાંભળવાનું ચૂકી જઈએ છીએ. હા, ચોક્ક્સ આ રીતે વળગી રહેવાથી આપણે કરવા ધારેલાં દરેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકીએ છીએ. પરંતુ એ દરેક તકોને ચૂકી જઈએ છીએ જેના માટે આપણે કોઈ યોજના ઘડી નથી.

તમારી દિનચર્યાને થોડી બદલો. તમારા સમયપત્રકમાં આવતાં અવરોધોને ઓળખો. ગુસ્સે થવાની બદલે તમારી જાત સાથે વાત કરો અને અંતરના અવાજને અનુસરો. વિશ્વાસ રાખો કે જીંદગીમાં ઘટતી નાનામાં નાની ઘટના પણ કોઈ કારણ વગર ઘટતી નથી!